(શ્રીરામકૃષ્ણ પરમહંસ – લેખક: દુષ્યન્ત પંડ્યા, પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મુંબઈ, પરિચય-પુસ્તિકા નં. ૭૯૬, વિક્રેતા: નવજીવન પ્રકાશન મંદિર, પોસ્ટ: નવજીવન, અમદાવાદ ૩૮૦ ૦૧૪, કિં. રૂ. ચાર)

પરિચય ટ્રસ્ટ, મુંબઈ તરફથી પ્રગટ થતી પરિચય પુસ્તિકાઓ સરેરાશ શિક્ષિત નાગરિકને સર્વસામાન્ય વિષયો ઉપર અધિકૃત માહિતી પૂરી પાડે છે. પંડિત સુખલાલજીની પ્રેરણાથી તેમણે આ પ્રવૃત્તિ શરૂ કરેલી. પરિચય ટ્રસ્ટને લગભગ ત્રીસ વર્ષ થયાં. આ પ્રવૃત્તિના પ્રેરક પંડિત સુખલાલજી ગયા, એના સંચાલક શ્રી વાડીલાલ ડગલીનું પણ અકાળે અવસાન થયું પણ શ્રી યશવંત દોશીએ આ કાર્ય ચાલુ રાખ્યું અને નિયમિતપણે એક કર્તવ્ય લેખે તે ટ્રસ્ટ તરફથી પુસ્તિકાઓ પ્રગટ કરે છે. તાજેતરમાં શ્રી દુષ્યન્ત પંડયાએ લખેલી ૭૯૬મી પુસ્તિકા શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશે છે. બત્રીસ પાનાની આ પુસ્તિકામાં શ્રી દુષ્યન્તભાઈએ શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવનકાર્યનો સરસ આલેખ આપ્યો છે.

પ્રસ્તુત પુસ્તિકા શ્રીરામકૃષ્ણના વિભૂતિતત્ત્વ ઉપર ટોર્ચ લાઈટ નાખે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ ઉપર અંગ્રેજી, ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં એટલું બધું લખાયું છે કે એનું સંકલન કરી મુખ્ય મુખ્ય વિગતોને બત્રીસ પાનામાં સમાવવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. લેખકે શ્રીરામકૃષ્ણના જીવનના ચાવીરૂપ પ્રસંગો ગૂંથતા ગૂંથતા તેમની સાધના અને જીવનસંદેશને સ્કૂટ કરી આપ્યો છે. એમાં શ્રીરામકૃષ્ણના મુખ્ય શિષ્યોનો પરિચય આવી જાય છે, એ સાથે જ રામકૃષ્ણ મિશનની ગરીબોત્થાનની પ્રવૃત્તિઓનો ખ્યાલ અપાયો છે. શ્રીરામકૃષ્ણ ૫૨મહંસનું જીવન, એમની અધ્યાત્મક-સાધના, અને એના સ્વાભાવિક પ્રતિક્ષ્ન રૂપે શરૂ થયેલ મિશન અને બેલુડ મઠની લોકોપકારક પ્રવૃત્તિઓની પાછળ એક લોકોત્તર હૃદય-ધબકાર રહ્યો છે. અધ્યાત્મનો, આ જાણે કે, અનુ-વાદ છે.

૧૮૩૬ની ૧૮મી ફેબ્રુઆરીએ (પુસ્તકમાં ભૂલથી ૨જી ફેબ્રુઆરી છપાયું છે.) રામકૃષ્ણનો જન્મ થયો ત્યારથી આરંભી, એમનું શૈશવ-શિક્ષણ, ઉપનયનસંસ્કાર, શારદામણિદેવી સાથે લગ્ન, ભાઈ રામકુમાર સાથે પેટિયું રળવા કલકત્તા જવું, કલકત્તાથી સાતેક કિલોમિટર દૂર દક્ષિણેશ્વરમાં કાલીમાતાની સેવાપૂજા કરવી, ભૈરવી બ્રાહ્મણી અને સંત તોતાપુરીનું દક્ષિણેશ્વર આવવું, તેમની પાસેથી યોગદીક્ષા મળવી અને નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવું. -આ વિક્રાસક્રમ ચમત્કારિક છે. બીજી બાજુ બ્રાહ્મોસમાજના કેશવચન્દ્ર સેન અને મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર, શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ગિરિશચંદ્ર ઘોષ અને બંકિમચંદ્રના પણ તે પરિચયમાં આવ્યા. સામાન્ય બંગાળી ગરીબકુટુંબના ગદાધરમાંથી રામકૃષ્ણ પરમહંસ થયા એ ઘટના રોમાંચક છે. જન્મપૂર્વેની પ્રભુની અવતાર લેવાની વાતને પણ પુષ્ટિ મળે છે. બધા ધર્મોની સાધના કરીને રામકૃષ્ણના જીવનમાંથી જે સત્ય પ્રગટ થયું તે એ છે કે બધા માર્ગો – સાધનપ્રણાલિઓ એક જ તત્ત્વ પ્રતિ લઈ જાય છે. સંતો હંમેશાં કરુણાથી પ્રવૃત્ત થયા છે. દીનદુ:ખીજનો પ્રત્યેની કરુણા રામકૃષ્ણ મિશન રૂપે સાકાર થઈ. પ્રભુની યોજના પ્રમાણે અધિકારી શિષ્યો રામકૃષ્ણની આજુબાજુ ગોઠવાતા ગયા અને કાલિમાતાનો સંદેશો વિશ્વભરમાં પ્રસાર્યો. આ સૌમાં સ્વામી વિવેકાનંદ મોખરે છે, રામકૃષ્ણના જીવનની ઘટનાઓને ચમત્કાર સિવાય અન્ય કઈ રીતે ઘટાવાય? પણ મને લાગે છે કે તેમની આધ્યાત્મિક-અભીપ્સા જ એટલી પ્રબળ હતી કે ‘ભાવ જ સમાધિ’માં તેમની ચેતના સઘ સરી જતી. કદાચ પ્રેમ-ભક્તિ જ મોટામાં મોટો ચમત્કાર છે અને અર્વાચીન ભારતમાં રામકૃષ્ણ એનું મૂર્તિમંત પ્રતીક હતા.

જેમ શ્રીરામકૃષ્ણ કાલિમાતાના સંદેશવાહક હતા તેમ નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ) રામકૃષ્ણના સંદેશવાહક બન્યા. રામકૃષ્ણને વિવેકાનંદ મળ્યા એ ઘટના સૂચક છે. પ્રથમ મેળાપનું વર્ણન કરતાં લેખક કહે છે, “૧૮૮૦ના નવેમ્બરમાં સુરેન્દ્રનાથ મિત્રને ત્યાં કંઈ ઉત્સવ હતો. શ્રી રામકૃષ્ણ તેમાં હાજર હતા. ભજન ગાવાનું નરેન્દ્રને સોંપાયેલું. ભાવમધુર ભજનથી શ્રીરામકૃષ્ણ આકર્ષાયા. ગાનાર છોકરાને પાસે બોલાવી પોતાની ગરુડદૃષ્ટિથી એ લવરમૂછિયાના અંતરનો તાગ કાઢી લીધો : દેખાવે તંદુરસ્ત, સુદૃઢ, મોટી વેધક આંખવાળો, નફિકરો દેખાતો પણ ઊંડાણથી ભરેલો અને પ્રસન્ન મુખમુદ્રાવાળો હતા. એને જોતાંવેંત ઠાકુરને પ્રતીતિ થઈ – ‘મને સમાધિમાં માએ દેખાડેલા મહર્ષિ આ જ.’ ભાવિ વારસને ભાળી અંતરમાં આનંદની હેલી ચડી. તેને દબાવી છોકરાને કહ્યું ‘દક્ષિણેશ્વર આવજે.’

પાશ્ચાત્ય ઢબનું શિક્ષણ પામેલો, સ્પેન્સર અને મિલના પ્રભાવ હેઠળ આવેલો, અજ્ઞેયવાદી ચિંતકોનો ભક્ત, અતીવ બુદ્ધિશાળી, બ્રાહ્મસમાજનો સભ્ય એવો નરેન્દ્ર થોડા મિત્રો સાથે દક્ષિણેશ્વર પહેલી વાર ગયો. શ્રીરામકૃષ્ણની સાથે સાદડી ઉપર બેઠા. ‘ભજન ગા’ ઠાકુરે કહ્યું. ભાવપૂર્ણ ભજન સાંભળતાં શ્રીરામકૃષ્ણને ભાવાવેશ થઈ આવ્યો. ભજન બાદ તેઓ નરેન્દ્રને પરસાળમાં લઈ ગયા. દરવાજો બંધ કર્યો. નરેન્દ્રને લાગ્યું કંઈ બોધ દેશે. ના, નરેન્દ્રનો હાથ પકડી તેઓ રોવા લાગ્યા! અરે! આટલું બધું મોડું અવાય? ક્યારથી કેટલી રાહ જોઉં છું! તમે જ એ મહર્ષિ છો!”

શ્રીરામકૃષ્ણ પરમહંસે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ અંશોને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું કામ તેમના શિષ્યોને ભણાવેલું તે ઉત્તમ રૂપે સ્વામી વિવેકાનંદે કર્યું. સર્વધર્મ સમભાવ, બિનસાંપ્રદાયિકતા અને દીનજનો પ્રત્યે સહાનુકંપા-ભાવ તેમને પ્રબોધ્યાં. શ્રીરામકૃ ષ્ણ પરમહંસના સદુપદેશની વિશેષતા એ હતી કે તે ઘરગથ્થુ દૃષ્ટાન્તો દ્વારા ધર્મના તત્ત્વો લોકો સમક્ષ મૂકતા. તેમનું જાણીતું દૃષ્ટાંત : એક સાધુએ સાપને ન કરડવાનો ઉપદેશ આપેલો. તેનું પાલન કરતાં લોકો તેને પથરા મારવા લાગ્યા. સાપ પેલા સાધુ પાસે આવ્યો. ત્યારે સાધુએ કહ્યું કે ‘મેં તને કરડવાની ના પાડી હતી, ફૂંફાડાની નહીં. ફૂંફાડો તો રાખવો જ.’ એવું જ દૃષ્ટાન્ત હાથીનું છે. લેખકના શબ્દોમાં એ જોઈએ:

“બધાં ભૂતોમાં નારાયણ છે તેવો બોધ ગુરુ પાસેથી સાંભળી એક શિષ્ય ‘નારાયણ’ કરતો નીકળ્યો. સામેથી તોફાને ચડેલો હાથી આવે. ગાંડા હાથીની હડફેટેથી બચવા લોકો નાસવા માંડ્યા ને આ બ્રહ્મચારીને પણ હાથીના માર્ગમાંથી ખસી જવા કહ્યું. હાથી પરના મહાવતે સુધ્ધાં બૂમ મારી તેને ચેતવ્યો. પણ ‘હાથી નારાયણસ્વરૂપ છે’ એમ માનતો શિષ્ય ખસ્યો નહીં અને સૂંઢની ઝાપટ મારી હાર્થીએ તેને એક બાજુ પટક્યો. તેવી હાલતમાં તેને તેના ગુરુજી પાસે લઈ ગયા. ગુરુ સમક્ષ એણે ફરિયાદ કરી: ગુરુજીએ તેને કહ્યું: તું ‘હાથી નારાયણ’ની સામે ગયો પણ ‘મહાવત નારાયણ’નું કહેવું તે કેંમ માન્યું નહિ? શું તે નારાયણરૂપ નથી?”

ભારતીય નવોત્થાનમાં જે મહાનુભાવોએ પોતાની પ્રતિભાથી આખા દેશની કાયાપલટ કરવામાં ફાળો આપ્યો એમાં શ્રીરામકૃષ્ણ પરમહંસનો ફાળો પણ ઘણો મૂલ્યવાન છે. લેખકે યોગ્ય જ કહ્યું છે કે “ભારતની આધ્યાત્મિક ચેતનાનાં અગાધ ઊંડાણ અને અમેય વ્યાપ, તેનાં ઔદાર્ય અને સમન્વિત દર્શન, વાડાબંધીને સ્થાને સમભાવપૂર્વકની પ્રેમ દૃષ્ટિ અને બધા ધર્મોનો પ્રેમાદાર કરી કલેશકંકાસ વિના જીવન જીવવાની રીતિ. શ્રીરામકૃષ્ણના આ યોગદાને તત્કાલીન ભારતને સદીઓના કળણમાંથી બહાર કાઢવાનો ચમત્કાર સજર્યો હતો.”

આવા “ભારતની નવજાગૃતિના ઉષ:કાળે શુક્ર સમી શીળા તેજે” પ્રકાશનાર શ્રીરામકૃષ્ણના જીવન અને સંદેશનું જે ચિત્ર અહીં અપાયું છે તે જીવનસાધનામાં પ્રેરક નીવડે એવું છે. લેખકની શૈલી પણ સ્વચ્છ અને પ્રાસાદિક છે. આશા છે કે આ પુસ્તિકા સૌ અધ્યાત્મયાત્રીઓને વાંચવી ગમશે.

– ડૉ. રમણલાલ જોશી

Total Views: 222

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.