૬ મે, ૧૯૯૩, બુદ્ધ જયંતી પ્રસંગે

(સ્વામી બ્રહ્મશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીની હૉસ્પિટલમાં કાર્યરત છે.)

વૈશાખી પૂર્ણિમા એક અતિ શુભ દિવસ છે. લોકવાયકા છે કે ભગવાન બુદ્ધનો જન્મ એ દિવસે થયો હતો પણ આ શુભ દિવસે એમણે મહાપરિનિર્વાણમાં પોતાની નશ્વર લીલાનું સંવરણ પણ કર્યું હતું. એમને ‘બોધિ’ પણ આ જ દિવસે મળ્યું હતું. તેઓ એક અદ્વિતીય મહાપુરુષ હતા, જેમના ચરિત્રનું સૌંદર્ય અને સૌરભ આજ, અઢી હજાર વર્ષ પછી પણ અમ્લાન રહી, અસંખ્ય લોકોને મોહિત, અને પ્રેરિત કરી રહ્યું છે. સ્વામી વિવેકાનંદ પણ એમના અત્યંત અનુરાગી હતા. સ્વામીજીના કથન અનુસાર ચરિત્ર અને વ્યક્તિત્વની દૃષ્ટિએ બુદ્ધ વિશ્વના સૌથી મહાન પુરુષ છે. સ્વામીજીએ બુ અને બૌદ્ધ ધર્મ પર અનેક જાહેર વ્યાખ્યાનો અને ખાનગી-વાર્તાલાપો કર્યા છે. બોદ્ધ ધર્મના ઐતિહાસિક મહત્ત્વ પર અથવા એના સિદ્ધાંતો પર અથવા બુદ્ધના સંદેશ પર જ ભલેને હોય કે પછી ગમે તે અન્ય વિષય હોય પણ સ્વામીજી એમના અદ્‌ભુત ચરિત્ર પર પ્રકાશ પાડ્યા વિના ન રહેતા.

‘વિશ્વને બુદ્ધનો સંદેશ’ નામના પ્રવચનમાં સ્વામી વિવેકાનંદ કહે છે, “અને એમના અદ્‌ભુત મસ્તિષ્કનો વિચાર કરો. ક્યાંય ભાવુકતાનું નામ પણ નહિ. એ વિરાટ મસ્તિષ્ક કદાપિ અંધવિશ્વાસી નથી થયું.” બીજે સ્થળે પણ સ્વામીજી બુદ્ધના ચિત્તના સંતુલન અને સ્વસ્થતાની પ્રશંસા કરતાં કહે છે, “એ વ્યક્તિની સ્વસ્થચિત્તતા જુઓ. કોઈ ઈશ્વર નહિ, કોઈ દેવદૂત નહિ, કોઈ શેતાન નહિ. એવું કંઈ જ એમણે સ્વીકાર્યું નહિ. એમના દૃઢ અને સ્વસ્થ મગજનો પ્રત્યેક કોષાણુ, જીવનની અંતિમ ક્ષણ સુધી પૂર્ણ અને સ્વસ્થ. ઓહ, જો મારામાં એ શક્તિનું બિંદુ-માત્ર પણ હોત! એ હતા વિશ્વના સૌથી સ્વસ્થચિત્ત દાર્શનિક, સર્વશ્રેષ્ઠ અને સ્વસ્થતમ આચાર્ય.”

માનસિક સ્વાસ્થ્ય અને વિકૃતિ:

મનની ગતિવિધિઓના સંબંધમાં સામાન્ય રીતે સ્વસ્થ-ચિત્તતા જેવો શબ્દ-પ્રયોગ ત્યારે કરવામાં આવે છે કે જયારે એને વિકૃત, અસ્વસ્થ, અથવા રોગગ્રસ્ત મનથી અલગ દેખાડવાનું હોય. તેથી અહીં આ શબ્દ નકારાત્મક અર્થમાં, એ દર્શાવવા માટે વાપર્યો છે કે બુદ્ધના મગજમાં કાંઈ પણ પ્રકારની ન્યૂનતમ વિકૃતિ પણ નહોતી. તેથી બુદ્ધના ચરિત્રની વિશિષ્ટતા સમજવા માટે માનસિક વિકૃતિ અને મનોવિકારનાં કારણો અને પ્રકારો વિષે થોડી વાતો જાણવી જરૂરી છે.

આપણામાંથી મોટાભાગની વ્યક્તિઓનાં મનમાં વિચારો, ભાવનાઓ, સ્મૃતિઓ, કલ્પનાઓ અને ભૌતિક સંવેદનાઓનો એક અસંબદ્ધ પ્રવાહ નિરંતર વહેતો રહે છે. અગર મનના આ વિચારખંડોની ટેપ-રેકૉર્ડ ઉતારીએ તો એ કંઈક આ જાતની હશે, “લેખ જલદીથી પૂરો કરવો છે… તરસ લાગી છે… ઓહ, ખૂબ ગરમી છે… એ મચ્છર કરડ્યો.” વગેરે વગેરે. સારા નસીબે આ અસંબદ્ધ વૃત્તિ-પ્રવાહ, સન્નિપાત, ઘેલછા કે ગાંડપણની અવસ્થાઓ સિવાય વાણી અને ઈન્દ્રિયો દ્વારા કદી પણ બહાર પ્રકટ નથી થતો. બુદ્ધિ ઇચ્છાશક્તિની મદદથી એના પર કાબૂ રાખે છે. આવા અસંબદ્ધ વૃત્તિ-સમૂહમાંથી દેશ, કાળ અને ઉપયોગિતા અનુસાર, બુદ્ધિ કેટલાકનું ચયન કરે છે અને બાકીનાની ઉપેક્ષા કરે છે. અને ઇચ્છાશક્તિ આ ચૂંટેલા વિચારોને સુ-સંબદ્ધ બનાવી એક તર્કસંગત ચિંતનનું રૂપ આપે છે. આ રીતે માનસિક આડેધડ વિચારની લંગાર ન તો પોતે પૂરી રીતે અભિવ્યક્ત થઈ શકે છે, અને ન તો એ ઈન્દ્રિયો અને દેહને અનિયંત્રિત રૂપે પરિચાલિત કરવામાં સમર્થ થાય છે. પરંતુ આપણી બુદ્ધિ ને ઇચ્છાશક્તિ એટલી પ્રબળ અને સ્વતંત્ર નથી, જેટલી હોવી જોઈએ. એ આપણી ચેતન-અચેતન, અસંખ્ય ઇચ્છાઓ, આશા-આકાંક્ષાઓ, વાસનાઓ અને પૂર્વ સંસ્કારથી પ્રભાવિત થતી રહે છે. સામાન્ય સ્થિતિમાં મનનાં વિભિન્ન અંગો વાસનાઓ, ઇચ્છાઓ, વિચારો – વગેરેની વચ્ચે બુદ્ધિ અને ઇચ્છાશક્તિ સમતુલા જાળવવામાં સમર્થ થાય છે, જેનાથી રોજિંદા જીવનના કાર્યકલાપ, સામાજિક વ્યવહાર અને જીવન યાત્રાનો નિર્વાહ સુચારુ રૂપે થઈ જાય છે. પણ કદી કદી એ સમતુલા બગડી જાય છે. અને ત્યારે વિભિન્ન પ્રકાર અને સ્તરના મનોવિકાર દેખાવા માંડે છે. કેટલાક અભાગી લોકોનાં મગજ જન્મથી જ વિકૃત હોય છે. એમની બુદ્ધિ અવિકસિત અને ઇચ્છાશક્તિ દુર્બળ હોય છે. આ લોકો પોતાની અચેતન પ્રેરણાઓ અને વાસનાઓ વડે નિ:સહાયની જેમ અહીં તહીં પરિચાલિત થતા રહે છે. કેટલાક લોકો ઉંમરલાયક થતા જીવનના ઘાત-પ્રતિઘાત અને તણાવોને સહન કરવામાં અસમર્થ બની મગજની સમતુલા ગુમાવી દે છે. સારા નસીબે જન્મગત અથવા પછીના જીવનમાં પ્રાપ્ત, સ્થાયી મનોવિકારના રોગી ઓછા જ હોય છે. પરંતુ જીવનમાં ક્યારેક-ક્યારેક થોડા દિવસ, થોડા મહિના અથવા વર્ષો સુધી અસ્વસ્થચિત્તતાના શિકાર બનતા લોકોની સંખ્યા અધિક છે. અમેરિકામાં તો વીસ ટકા લોકોને કોઈકોઈ વાર તો પાગલખાનાની હવા ખાવી જ પડે છે અને એવા લોકોની સંખ્યા ધીરેધીરે વધી રહી છે.

સ્થાયી અથવા અસ્થાયી મનોવિકારના રોગીઓને બાદ કરતાં બાકીના લોકોનાં મન એટલાં સંતુલિત અને સંયત રહે છે કે એને આપણે ‘સામાન્ય’ અથવા ‘સ્વસ્થચિત્ત’ કહી શકીએ. પરંતુ તેઓ શું ખરેખર સ્વસ્થ છે? કેટલાક મનોવિજ્ઞાનીઓ તો એટલે ઊંડે સુધી કહે છે કે માનસિક સ્વાસ્થ્ય નામની કોઈ સ્થિતિ જ દેખાતી નથી અને પ્રત્યેક વ્યક્તિમાં કોઈને કોઈ માનસિક વિકૃતિ હોય જ છે. આ કથન અતિશયોક્તિભર્યું લાગે છે ખરું, પણ એમાં કંઈક અંશે સત્ય પણ છે. અર્જુનનું દૃષ્ટાંત આ વાત સમજવા માટે ઉત્તમ છે. મહાભારતનો આ મહાનતમ યોદ્ધો રણક્ષેત્રમાં પોતાના સગાંસંબંધીઓને મરવા-મારવા માટે કટિબદ્ધ થયેલા જોઈ વિચલિત થઈ ગયો હતો. એમાં મનોવિકાર અર્થાત્ ન્યુરોસિસનાં લક્ષણો દેખાવા માંડ્યાં હતાં. એને પરસેવો વળી ગયો, મોં સુકાઈ ગયું અને હાથ પગ કાંપવા માંડયા, એટલી હદ સુધી કે હાથમાંથી ગાંડીવ ધનુષ્ય પણ સરી પડ્યું. એ એવી વાતો બબડવા માંડયો જે એના જેવા નર-શ્રેષ્ઠને શોભતી નહોતી. આપણા બધાના જીવનમાં આવી જાતના પ્રસંગો આવે છે, જ્યારે આપણે આપણી માનસિક સમતુલા ખોઈ બેસીએ છીએ અને મનોવિકૃતિના શિકાર બની જઈએ છીએ. પણ યથાર્થ સ્વસ્થચિત્ત તો એ છે જે કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં, એટલે સુધી કે મોતનાં મોંમાં પણ, પોતાની બુદ્ધિ અને ચિંતનની સ્પષ્ટતાને ટકાવી રાખી શકે છે, તથા પોતાની ઇચ્છાશક્તિનો ઉપયોગ કરી શકે છે. સ્વામીજીની માન્યતા પ્રમાણે બુદ્ધ આવી જાતના એક પૂર્ણ સ્વસ્થચિત્ત મહાપુરુષ હતા.

સ્વસ્થચિત્તનાં લક્ષણ:

સ્વામી વિવેકાનંદના કથન અનુસાર સ્વસ્થચિત્તતાનું પહેલું લક્ષણ છે ભાવુકતાનો અભાવ. જીવન પ્રત્યે આપણો દૃષ્ટિકોણ અને જીવનમાં આપણી ક્રિયા – પ્રતિક્રિયાઓ મોટે ભાગે ભાવનાઓ દ્વારા પરિચાલિત થાય છે, દોરવાય છે. આપણે યુક્તિ અને વિચાર વડે ઓછું કામ કરીએ છીએ. અર્જુનની ભાવુક પ્રતિક્રિયાની આલોચના કરતાં સ્વામીજી કહે છે, “અર્જુનના મનમાં કર્તવ્ય અને ભાવના વચ્ચે દ્વન્દ્વ છે. આપણે જેટલા પશુ-પક્ષીઓની નિકટ હોઈએ છીએ, એટલા જ આપણે ભાવનાઓનાં નરકમાં રહીએ છીએ. એને જ આપણે પ્રેમ કહીએ છીએ… આ આત્મપ્રવંચના છે… પશુઓ જેવી ભાવુકતા પૂર્ણતાને પ્રાપ્ત નથી કરાવી શકતી. અત્યારે હવે અર્જુન પોતાની ભાવનાઓના વશમાં છે. એ, જેવો હોવો જોઈએ, એવો સંયત, પ્રજ્ઞાના શાશ્વત આલોકના માધ્યમથી ક્રિયારત, ઋષિ, નથી.”

આ રીતની અથવા આથી પણ કઠિનતર પરિસ્થિતિઓમાં બુદ્ધની પ્રતિક્રિયા અર્જુનની પ્રતિક્રિયાથી બિલકુલ વિપરીત હતી. એમણે પ્રવર્તિત નૂતન ધર્મ-આંદોલનના બે મુખ્ય સ્તંભો, એમના બે શિષ્યોનાં અકાળ મોત થતાં ન તો તેઓ વિચલિત બન્યા કે ન તેઓ રડયા. ઊલટાનું એમણે એ તકનો લાભ ઉઠાવી પોતાના બીજા શિષ્યોને જીવનના ક્ષણભંગુરત્વનો ઉપદેશ આપ્યો. હત્યારાઓ સામે મળ્યા ત્યારે, અને વિરોધીઓએ લાંછિત કર્યા ત્યારે પણ તેઓ શાંત જ રહ્યા હતા.

એનો અર્થ એ નથી કે બુદ્ધમાં ભાવનાઓ નહોતી. અહીં આપણે ભાવુકતા અને સહૃદયતા-હૃદયવત્તા વચ્ચેનો ફરક સ્પષ્ટ રીતે સમજી લેવો જોઈએ. બુદ્ધમાં હૃદયવત્તા-હૃદયની અનુભવશક્તિ પૂર્ણ પ્રમાણમાં હતી. એમનું વિશાળ હૃદય બધાં પ્રાણીઓનાં દુ:ખષ્ટને પૂર્ણ રીતે અનુભવી શકતું. અર્જુન રણક્ષેત્રમાં જે ભાવનાથી અભિભૂત થયો હતો તેને તે અનુકંપા માનતો હતો. ભગવાન બુદ્ધના હૃદયમાં પણ સંસારના સર્વ પ્રાણીઓ પ્રતિ અનુકંપા, કરુણા અથવા કૃપાનો ભાવ હતો. પણ આ બંનેની ભાવનાઓમાં અતિશય ફેર છે. પહેલી અનુકંપા એક મોટો દોષ છે. જયારે બીજી એક મહાન ગુણ. શ્રીરામકૃષ્ણ, સ્વજન, બંધુબાંધવ પ્રત્યેના પ્રેમને માયા અને સંસારનાં બધાં જ પ્રાણીઓ તરફના પ્રેમને દયા કહેતા હતા. માયા બંધનનું કારણ છે, જ્યારે દયા મુક્તિનું સોપાન. બુદ્ધની ભાવના આ બંનેથી પણ ઉચ્ચકોટિની હતી. એ એક મુક્ત મહાપુરુષના વિશાળ હૃદયની જગતકલ્યાણ હતી. માટે સ્વાભાવિક સંવેદનશીલતા

એક પ્રકારની અસ્વાભાવિક અને અહિતકર ભાવુકતા ધર્મ-જગતમાં, ખાસ કરીને ભક્તિમાર્ગમાં જોવા મળે છે. ભગવાન પ્રત્યેના આંતરિક પ્રેમને ભક્તિ-યોગ કહેવાય છે, પરંતુ કઠોર સંયમ અને ત્યાગ વિના એ છીછરી ભાવુકતાનું રૂપ લઈ શકે છે, જે આધ્યાત્મિકતાનો નાશ કરી પતન તરફ દોરી જાય છે. આવી ભાવપ્રવણતા જે જીવનમાં સ્થાયી પરિવર્તન પેદા ન કરે અને ન તો કામ, ક્રોધ, લોભ વગેરેને જીતવાની શક્તિ પ્રદાન કરે એ સર્વદા ત્યાજય છે. બુદ્ધ આ વાતને બરાબર સમજતા હતા તેથી પોતાના શિષ્યોમાં પણ એને પાંગરવા નહોતા દેતા. એક વાર એમના એક શિષ્ય એમની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના બધા જ બુદ્ધોમાં સૌથી મહાન છે. બુદ્ધે એને પૂછ્યું કે શું તું બધા જ વર્તમાન અને ભાવિ બુદ્ધોને જાણે છે! શિષ્યને બૂલવું પડયું કે એ નથી જાણતો ત્યારે બુદ્ધે એને ધુત્કારતાં કહ્યું, કે એનું કથન, સત્ય જ્ઞાનની ગેરહાજરીમાં કેવળ પોકળ ભાવુકતા અને મૂર્ખતાપૂર્ણ છે.

એક જણ સદા એમના ચહેરા તરફ એવી રીતે જોતો હતો જાણે કોઈ જ્યોતિ કે પ્રકાશ ન જોતો હોય! બુદ્ધે એને ધમકાવીને કાઢી મૂક્યો.

સ્વસ્થચિત્તતાનું બીજું લક્ષણ છે – અંધવિશ્વાસનો અભાવ. પાપના ફલસ્વરૂપ દંડનો ડર, ઈહકાલ અને પરકાલમાં પોતાનાં શુભ કર્મોનાં ફળ ભોગવવાની, પુરસ્કાર મેળવવાની લાલસા અને પોતાની શક્તિ અને ચેતન સ્વરૂપ પર અનાસ્થા મનુષ્યને માનવેતર દેવી દેવતાઓ ભૂત-પ્રેતો વગેરેમાં વિશ્વાસ કરવાને બાધ્ય કરે છે, મજબૂર કરે છે. માનવીની દુર્બળતા અને પોતાનામાં અને પરમાત્મામાં વિશ્વાસનો અભાવ જ આ જાતના અસ્વાભાવિક ધાર્મિક અંધવિશ્વાસનું કારણ છે. આ ધાર્મિક અંધવિશ્વાસ સિવાય આધુનિક યુગમાં એક વૈજ્ઞાનિક’ અંધ વિશ્વાસ પણ છે જેનો શિકાર કહેવાતા બુદ્ધિવાદી, વિચારશીલ લોકો બને છે. આ લોકો દેવી-દેવતાઓમાં નથી માનતા, પણ જો એમ કહ્યું હોય કે એ વાત આઈનસ્ટાઈન, પાશ્ચર કે બીજા કોઈ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકે કહી છે, તો ગમે તેવી ઉટપટાંગ વાત તત્કાળ માની લેશે. તેઓ એ કથનની સચ્ચાઈ પોતે વિચાર કરી પારખવાનો પ્રયત્ન નહિ કરે. બુદ્ધ આ બંને પ્રકારના અંધવિશ્વાસના વિરોધી હતા. તેઓ ઈચ્છતા નહોતા કે એમના શિષ્યો એમની પોતાની વાત પણ વિચાર્યા વિના માને.

દરેક અવતારી મહાપુરુષ એક ક્રાંતિકારી હોય છે. એ જૂનીપુરાણી આસ્થાઓ, અંધવિશ્વાસ અને પ્રથાઓ પર સખત પ્રહાર કરે છે, જે કાલોપયોગી નથી હોતી. પરંતુ ધીરેધીરે તેઓ પોતે જ આવી જાતની આસ્થાઓ અને અંધવિશ્વાસનું કેન્દ્ર બની જાય છે. બુદ્ધે આ ખતરા વિરુદ્ધ પોતાના શિષ્યોને ચેતાવ્યા હતા. તેઓ નહોતા ઇચ્છતા કે એમના મૃત્યુ બાદ એમના શિષ્યો એમની પૂજા કરે. પોતાની મૃત્યુશય્યા પર એમણે શોકપીડિત શિષ્ય આનંદને કહ્યું હતું, મારા માટે વિલાપ ન કર. મારો વિચાર છોડી દે, હું તો હવે નથી રહ્યો. તારી પોતાની મુક્તિ માટે પ્રયત્નશીલ થઈ જા. તમે દરેક જણ મારા જેવા જ છો. હું પણ તમારા લોકો જેવો જ છું. બુદ્ધ આકાશ સદૃશ અનંત જ્ઞાનનું નામ છે. મેં ગૌતમે એ સ્થિતિને પ્રાપ્ત કરી છે. એના માટે સંઘર્ષ કરશો તો તમે બધા જ એને પ્રાપ્ત કરી શકશો.”

પ્રજ્ઞા અથવા શુદ્ધ બુદ્ધિનો સ્વચ્છ પ્રકાશ સ્વસ્થ માનસનું ત્રીજું લક્ષણ છે. સ્વામીજી બુદ્ધને વિશ્વના સ્વસ્થતમ દાર્શનિક અથવા વિચારક માનતા હતા. જે રીતે ભાવનાપ્રધાન લોકોમાં માનસિક વિકૃતિની સંભાવના છે, એ રીતે વિચારપ્રવણ વ્યક્તિઓ પણ અસમતોલ અને અસ્વસ્થ થઈ શકે છે. જ્ઞાનમાર્ગ, વિચારપથ પણ લૂખી કોરી પંડિતાઈ અને તર્કવિતર્કનો સમુહમાત્ર બની જઈ શકે છે. એવું દર્શન અને ચિંતન, જેને રોજિંદા જીવનની સમસ્યાઓ સાથે કોઈ સંબંધ જ ન હોય, એ સ્વામીજી અને બુદ્ધ, બંનેની નજરે એ અસ્વસ્થ- બીમાર ચિત્તનું ઘોતક છે. આવી શબ્દજાળ અને વાગાડંબરને શ્રીશંકરાચાર્યે ચિત્તને ભ્રમિત કરનાર મહા-અરણ્યનું નામ બક્ષ્યું છે. એમના કથન પ્રમાણે વાદ-વિવાદની કળા અને શાસ્ત્ર- વ્યાખ્યાન- કૌશલ કેવળ પંડિતોના વિલાસનું સાધન છે, મોક્ષનું નહિ. આ જ કારણ છે કે બુદ્ધે આત્મા, પરમાત્મા, ઈશ્વર વગેરે વિષયોના વિવાદાસ્પદ પ્રશ્નોનો, જેનું કોઈ સર્વસામાન્ય અને સુસ્પષ્ટ સમાધાન સંભવ નથી તેનો જવાબ દીધો નથી. એને બદલે એમણે કેવળ પોતાના દર્શન ને દુ:ખ, એનું કારણ અને એના ઉપાય અને નિવારણ રૂપી રોજિંદા જીવન સંબંધેની સમસ્યાઓ સાથે જ સંબંધ રાખ્યો હતો.

માનસિક સ્વસ્થતાનું ચોથું લક્ષણ છે સબળ ઇચ્છાશક્તિ જે ભગવાન બુદ્ધમાં પ્રચુર પ્રમાણમાં હતી. પરંતુ અંત:કરણના બીજાં અંગોની જેમ એ પણ સુનિયોજિત હોવી જોઈએ. આધ્યાત્મિક જીવનમાં અદમ્ય ઇચ્છાશક્તિ જરૂરી છે. પરંતુ એ પણ દિશાભ્રષ્ટ થઈ તુચ્છ સાધનની ‘અતિ’નું રૂપ લઈ શકે છે. પહેલા તો સ્વયં બુદ્ધે પણ કઠોર તપસ્યા કરીને પોતાના શરીરને અસ્થિચર્મમાત્ર કરી નાખ્યું હતું. પરંતુ એ પછી એમણે અનુભવ્યું કે આ અસ્વાભાવિક છે. તેથી એમણે મધ્યમ માર્ગનું પ્રતિપાદન કર્યું.

ઇચ્છાશક્તિનો બીજો સદુપયોગ લોકકલ્યાણ માટે કરી શકાય છે. પરંતુ એમાં પણ દૂષણની સંભાવના છે. જગત-કલ્યાણના કાર્યો કરતી વખતે નામયશની અભિલાષા અને સ્વર્ગ વગેરે લાભની ઇચ્છા આવી જતી હોય છે. બુદ્ધના જગતકલ્યાણનાં પ્રયાસોમાં આ જાતનો કોઈ સ્વાર્થ ન હતો. નિરીહ પશુઓનું બલિદાન રોકવા માટે પોતાના જીવનનો ઉત્સર્ગ કરવા સુધીની તેમની તૈયારી હતી. એમનો સિદ્ધાંત હતો, બીજાનું ભલું કરો, કેમકે ભલું કરવું સારું છે. એવો નિષ્કામ કર્મયોગી વિષે આજ સુધી બીજો જોયો નથી.

બુદ્ધ એક અદ્વિતીય રાજ્યોગી પણ હતા. એમની મૂર્તિઓ અને ચિત્રોમાં તેઓ યોગાસનમાં બેઠેલા ધ્યાનસ્થ નજરે પડે છે. ધ્યાન, ધારણા અને સમાધિનો આ યોગમાર્ગ પણ ખતરાથી ખાલી નથી. અધિકાંશ લોકો યોગનો અર્થ આસન વાળી અને નાક દબાવી પ્રાણાયામ કરવા એવું માને છે. તેઓ એનો ઉપયોગ દીર્ઘાયુ થવા માટે અને શારીરિક રોગના નિવારણ માટે કરતા હતા. બીજા સાધકો યોગથી પ્રાપ્ત સિદ્ધિઓથી લોભાઈને પથભ્રષ્ટ થઈ જતા હતા. ચમત્કારોને મહત્ત્વ દેનાર અને સિદ્ધિઓમાં આસ્થા રાખનાર ભિક્ષુઓ પ્રતિ બુદ્ધ અત્યંત કઠોર બનતા. એમના એક શિષ્ય એક વાર ઊંચા થાંભલા પર રાખેલા રત્નજડિત પાત્રને સિદ્ધિના બળથી નીચે ઉતારી પોતાનું માહાત્મ્ય પ્રકટ કરવા ઈચ્છયું. બુદ્ધે એના પાત્રને તોડી નાખી એની ભર્ત્સના કરી હતી. ધ્યાનને મહત્ત્વ દેવા છતાં પણ બુદ્ધ એ વાત માટે પણ સતર્ક હતા કે ધ્યાનને લીધે પોતાના પાડોશીઓ કે સાથીઓની ઉપેક્ષા ન થાય. જો બાજુના ઓરડામાં કોઈ સાથી બીમાર હોય તો ધ્યાન છોડી દઈ એની સેવાચાકરી કરવી એ પહેલું કર્તવ્ય છે. એ ન કરતાં ધ્યાનમાં બેસી રહેવું, બુદ્ધની દૃષ્ટિએ અક્ષમ્ય અપરાધ હતો.

ઉપસંહાર:

સાચે જ બુદ્ધનું મસ્તિષ્ક અદ્‌ભુત હતું. એમાં કોઈ પણ જાતની વિકૃતિ, વિકાર અથવા અસમતોલપણું નહોતું. એમની સ્વસ્થચિત્તતા એ વાતમાં છે કે તેઓ મુક્તિના વિભિન્ન યોગોની ત્રુટિઓને દૂર રાખી શકતા હતા. એ હૃદયવાન હતા, પણ ભાવુક નહોતા, વિચારશીલ હતા પણ શુષ્ક તાર્કિક નહોતા, ધ્યાનયોગી હતા, પણ ચમત્કારોનો દેખાડો કરનાર નહોતા, સર્વોપરી તેઓ અત્યંત વ્યવહારિક હતા તથા એમણે પૂર્ણપણે સ્વાર્થરહિત બની સમગ્ર જીવન દરમ્યાન લોકકલ્યાણ માટે અથાક પરિશ્રમ કર્યો હતો.

સ્વસ્થચિત્ત જ્ઞાની વિરલો છે, નિર્દોષ યોગી દુર્લભ છે, વિકૃતિ રહિત ભક્ત મળવો કઠણ છે. નિ:સ્વાર્થ કર્મી પણ મુશ્કેલીથી મળે છે. આ ચારેનો સુસંતુલિત સમન્વય અને પૂર્ણ વિકાસ એક વ્યક્તિમાં મળવો તો વધુ જ દુર્લભ છે. બુદ્ધ એવા જ એક અતિ વિરલ મહાપુરુષ હતા, જેની બુદ્ધિ, હૃદય અને કાર્યક્ષમતા ત્રણે પૂર્ણ વિકસિત, સુ-સંતુલિત અને ત્રુટિહીન હતાં, એમના મસ્તિષ્કનો પ્રત્યેક કોષ પૂર્ણ વિકસિત જ નહિ પણ સુચારુ રૂપે કાર્ય પણ કરતો હતો. એથી જ સ્વામી વિવેકાનંદે એમને વિશ્વની મહાનતમ વ્યક્તિની સંજ્ઞા દઈ પોતાની ઉચ્ચતમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

ભાષાંતર: ડૉ. સુકન્યા ઝવેરી

(‘પથ ઔર પાથેય’ પુસ્તકમાંથી)

Total Views: 92
By Published On: May 1, 1993Categories: Brahmeshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram