હે વિનમ્રતાના સ્વામી, અમને વરદાન આપ:

કે સેવક અને મિત્ર તરીકે અમારે જે લોકોની સેવા કરવાની છે, તેમનાથી ક્યારેય અમે અળગા ન પડી જઈએ,

અમે મૂર્તિમંત આત્મસમર્પણ બનીએ,

મૂર્તિમંત નમ્રતા બનીએ.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે પ્રબોધેલા આપણા પ્રાચીન જીવનસંદેશ-જીવસેવા એ જ પ્રભુપૂજાના આ આદર્શને અનુસરતા મહાત્મા ગાંધીજીને મન દરિદ્ર એ નારાયણ જ હતા. આ વિશ્વનું મહત્તમ મંગલ કરનારા-ઇચ્છનારા સંતોએ દુ:ખની વસમી પળોમાં દુ:ખી-દરિદ્ર-પીડિતનો હાથ ઝાલ્યો છે. પરમાર્થના આ કાર્ય દ્વારા ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ – આ દિવ્ય આદર્શને ચરિતાર્થ પણ કર્યો છે અને એમની નજીક આવનારાને આ પંથે આગળ વધવા ય પ્રેર્યા છે.

બધા જીવમાં શિવને જ જોતા, સેવાના ભેખધારી સૅન્ટ ફ્રાન્સિસ પરમના પંથે પળવાના, ઈશુના શરણે જવાના સંદેશ અને લોકોનાં કલ્યાણ કાર્યો કરતાં-કરતાં યાત્રાએથી પોરઝિક્યુલાના સૅન્ટ મેરીના ચર્ચમાં આવ્યા છે. એમની દૃષ્ટિ એક લોહી-પરુથી નીતરતા રક્તપિત્તિયાની સેવા કરતા તેમના સંઘબંધુ સૅન્ટ જૅમ્સ ધ સિમ્પલ પર પડી. સૅન્ટ ફ્રાન્સિસે જ આ રક્તપિત્તિયા અને એના જેવા બીજાની સેવા-ચાકરી કરવાની ફરજ સોંપી હતી. સૅન્ટ જેમ્સ એક સ્વજનની જેમ, એક સારા ચિકિત્સકની જેમ એ બધાંની સારસંભાળ લેતા. આ રક્તપિત્તિયાઓને તે પાટાપીંડી કરે, તેમનાં લોહી નીતરતાં ઘાવ ધૂએ, સાફ કરે, એમની સાથે પ્રેમભાવભરી વાતો ય કરે અને એ બધાંનો, સમાજે તિરસ્કારેલાં રક્તપિત્તિયાંનો સાચો સાથીમિત્ર બની રહે. આ રક્તપિત્તિયાંના ચિકિત્સાલયમાં જ સૅન્ટ જૅમ્સ પોતાના બીજા પાદરી બંધુઓ સાથે રહે છે.

સૅન્ટ ફ્રાન્સિસને મન આ બધાં રક્તપિત્તિયાં પ્રભુ ઈશુનું સ્વરૂપ હતાં. એ પોતે પણ એમની સેવા કરવા તત્પર રહેતા. પરંતુ જૅમ્સ અને એમના બીજા સંઘબંધુઓ આ રોગથી ઘેરાયેલાં-લોહી-પરુથી ખરડાયેલાં ઘારાંવાળાં પતિયાંની સેવા કરવા એમની સાથે રહે એમ તેઓ ઇચ્છતા ન હતા. કારણ કે લોકો આ જ કારણે તેમના તરફ ઘૃણાની નજરે જોતાં-પણ ફાધર જૅમ્સ એટલા સહિષ્ણુ -સહજ-સરળ અને સેવાભાવી હતા કે પોતાના સંઘબંધુઓને સાથે રાખીને આ પ્રભુના પ્યારાંની સેવાચાકરી કરતા હતા.

સૅન્ટ ફ્રાન્સિસે આ બધું જોયું અને ફાધર જૅમ્સને અણગમા સાથે ઠપકો આપતાં કહ્યું: ‘ભાઈ જૅમ્સ, તમારે આપણા બીજા સંઘબધુંઓને આ રીતે આ પતિયાંની સેવામાં ન રાખવા જોઈએ. આમ કરવું તમારા માટે કે એમને માટે યોગ્ય નથી.

ખુદાના બંદા, નિરહંકારી અને સેવાના ભેખધારીના મોંમાંથી આ શબ્દો તો સરી પડ્યા પણ પ્રભુના પ્યારાં માટેની આવી હીણપતભરી વાણીથી એના હૃદયમાં જાણે હજારો વીંછીએ ડંખ માર્યા હોય તેવી વેદના થવા લાગી.

સૅન્ટ ફ્રાન્સિસ મનોમન બોલી ઊઠ્યા: ‘છટ્, ધિક્કાર હજો મને, મારી આ ક્ષુદ્રતાને લીધે આ પતિયાંને ય હલકાં-વજર્ય ગણ્યાં -પ્રભુ ઈશુ મને માફ નહિ કરે- હું કેવો પામર જીવ! હું મગતરું તે વળી શી સેવા કરું છું? અને આ બધાંની સેવા પ્રભુ ઈશુની પૂજા છે – એમ માનનારો આજે આ ક્યા પાપની ગઠડી બાંધવા મંડ્યો છે? આ સંઘબંધુઓ સાથે ફાધર જૅમ્સ પ્રભુનું કાર્ય કરી રહ્યા છે એની ટીકાટિપ્પણ કરવાનો મને ક્યો અધિકાર છે? ધિક્કાર છે પ્રભુ મને; હું તમારા સાચા સંદેશને સમજી શક્યો નથી.”

મન-હૃદયમાં પારાવાર દુ:ખપીડા અનુભવતા સૅન્ટ ફ્રાન્સિસ એ વખતના વડા પાદરી પીટર કેટાની પાસે દોડી ગયા. તેમણે પોતાના અપરાધનો એકરાર કર્યો અને પશ્ચાતાપનાં આંસુ સાથે વડા ધર્મગુરુને અરજ કરી:

“મારા આ ભયંકર અપરાધનું મારે પ્રાયશ્ચિત કરવું જ રહ્યું. અને હું જે પ્રાયશ્ચિત કરું તેનો વિરોધ કોઈએ કરવાનો નથી.” સૅન્ટ ફ્રાન્સિસના આવા નિર્ણયો બધા સંઘબંધુઓ માટે પણ દુ:ખકારી હોવા છતાંય પીટર કેટાનીએ કહ્યું: ‘ભાઈ ફ્રાન્સિસ, તમને યોગ્ય લાગે તેમ કરો.’ પીટર કેટાનીને ખાતરી હતી સૅન્ટ ફ્રાન્સિસના નિર્ણયને બદલવો એ હિમાલયને હચમચાવવા જેવું હતું.

અને પછી ફ્રાન્સિસે વડા ધર્મગુરુ પીટરને કહ્યું:

‘ભાઈ, મારું પ્રાયશ્ચિત આ છે – આજે હું મારા પ્રભુનાં પ્યારાં પત્તિયાંની થાળીમાં જ એમની સાથે જ ભોજન લઈશ. આમ કહેતાંની સાથે જ રક્તપિત્તિયાનાં રહેઠાણમાં જઈને તેમની સાથે રોટલો ખાવા બેસી ગયા. પતિયાં અને ફ્રાન્સિસ માટે એક જ થાળી હતી. અને પત્તિયાંનાં આંગળાંમાંથી વહેતાં લોહી-પરુ માંસના લોચા થાળીમાં ખોરાક સાથે ભળી જતાં હતાં. પણ સૅન્ટ ફ્રાન્સિસ એમની સાથે પ્રેમથી પોતાનું ભોજન લેવા લાગ્યા.

વડા ધર્મગુરુ પીટર અને તેમના સંઘબંધુઓ જોઈ જ રહ્યા. એમના હૃદય પર જાણે વજ્રાઘાત થયો. પણ તેઓ એકપણ શબ્દ બોલી ન શક્યા.

બીજાના ભોગે જીવનારાં મરેલાં મડદાં છે અને બીજાને જીવાડવા માટે જીવનારા જ સાચા જિન્દાદિલ માનવી બને છે – એમને ખુદાના બન્દા બનવાનો અધિકાર છે અને આવા અધિકારી જ સંસારના માનવી માટે અમીઝરણું બની રહે છે.

સંકલક: શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 49
By Published On: May 1, 1993Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram