મેં કેટલાક જોશીઓને અદ્‌ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા એમ માનવાનું મારી પાસે કંઈ કારણ નથી. ઘણી બાબતોમાં તો એ કેવળ મનનું વાચન જ હોય છે. કેટલીક વાર અદ્‌ભુત ભવિષ્યો ભાખવામાં આવે છે ખરાં, પણ ઘણીખરી બાબતોમાં તો સાવ કચરો જ હોય છે.

લંડનમાં એક જુવાન મારી પાસે આવતો અને મને પૂછતો: ‘આવતે વર્ષે મારું શું થવાનું છે?’ મેં તેને પૂછ્યું: ‘ભાઈ! તું મને આ બધું શા માટે પૂછે છે?’ તે કહે: ‘મેં મારો બધો પૈસો ગુમાવ્યો છે અને હું અતિશય કંગાળ થઈ ગયો છું.’ ઘણા જીવોને પૈસા જ ઈશ્વર હોય છે. નબળા મનના માણસો જ્યારે બધું જ ગુમાવે છે અને પોતે નબળાઈનો અનુભવ કરવા લાગે છે, ત્યારે પૈસો કમાવાના સર્વ પ્રકારના અવળા ધંધા અજમાવે છે અને જ્યોતિષશાસ્ત્રનો અને એવી બધી બાબતોનો આશરો લે છે. સંસ્કૃતમાં એક કહેવત છે: ‘દૈવં પ્રધાનમિતિ કાપુરુષા વદન્તિ.’ ‘આ દૈવ કરે છે, એમ કહેનારા માણસો કાપુરુષો (બાયલા) મૂર્ખ છે.’ પરંતુ શક્તિશાળી માણસ તો છાતી ઠોકીને કહે છે: ‘મારું ભાગ્ય તો હું જ ઘડી કાઢીશ!’ ઘરડા થતા માણસો જ ભાગ્યની વાત કરે છે; યુવાન માણસો મોટે ભાગે જોષીઓ પાસે જતા નથી. ગ્રહોની અસર આપણા ઉપર ‘કદાચ’ હોય, પણ તેનું આપણને બહુ લાગવું ન જોઈએ. ભગવાન પોતે કહે છે: ‘જેઓ ગ્રહોની ગણતરી દ્વારા કે એવી કળા અને બીજી ખોટી યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા આજીવિકા મેળવતા હોય, તેમને સદા દૂર રાખવા.’ બુદ્ધ તો મહાનમાં મહાન હિંદુ હતા; એ તો બધું જાણતા જ હોય. ગ્રહો ભલેને આવે! તેમાં શું નુકસાન છે? જો કોઈ ગ્રહ મારા જીવનમાં નડતો હોય, તો તે જીવનની કિંમત એક કોડીની પણ નથી. તમે જોશો કે જ્યોતિષ વગેરે બધી રહસ્યમય બાબતો સામાન્ય રીતે નિર્બળ મનની નિશાની છે. તેથી આપણા મનમાં જ્યારે તે પ્રબળ થવા લાગે ત્યારે તરત જ આપણે વૈદ્યને મળવું, સારો ખોરાક ખાવો અને આરામ કરવો.

સ્વામી વિવેકાનંદ

(‘મનની શક્તિઓ અને ઉચ્ચ જીવન માટેની સાધનાઓ’માંથી, પૃ. ૩૫-૩૬)

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.