વિશ્વભરમાં વહીવટીક્ષેત્રના વિકાસમાં જે નવીનતમ ફેરફારો થઈ રહ્યા છે તેની પશ્ચાદભૂમિમાં આપણા પ્રાચીન વિચારોને આપની સમક્ષ રજૂ કરતાં મને આનંદ થઈ રહ્યો છે. તમે જાણો છો તેમ વહીવટની કલાનો ખૂબ ફેલાવો થઈ રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછી નવા-નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે અને જે અસ્તિત્વમાં છે તેમનો બહોળો વિકાસ થઈ રહ્યો છે. કારણ કે ૧૯૫૦ અને ’૬૦ પછી દુનિયા વધુ ને વધુ નજીક આવી રહી છે. બધા પ્રયત્નો આંતરરાષ્ટ્રીય કક્ષાના બનતા જાય છે. એ જ રીતે મનુષ્યોનું એક બીજા સાથે હળવું-મળવું પણ ખૂબ સામાન્ય બનતું જાય છે. આ સાથે, દુનિયાની બજારોમાં હરીફાઈ પણ ખૂબ પ્રમાણમાં વધી રહી છે. ઉદ્યોગો વચ્ચે, ઉદ્યોગોના સંચાલકો વચ્ચે અને આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ હરીફાઈ નોંધપાત્ર બનતી જાય છે. તેથી જ વ્યવસ્થાશક્તિની આવડતની વધારે ને જ વધારે જરૂર છે.
લોકો એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બીજા વિશ્વયુદ્ધમાં જે સાવ નાશ પામ્યું હતું તે જાપાન આજે આટલી ઝડપ અને તીવ્રતાથી કેમ આગળ આવ્યું છે કે તેની સામે અમેરિકાએ પણ ઝૂકવું પડયું છે! અરે, અમેરિકાના કેટલાક ઉદ્યોગો તો જાપાનીઓને સોંપી દેવા પડ્યા છે! ૧૯૫૦માં ઉદ્યોગોમાં અમેરિકાનું પ્રભુત્વ હતું તે ધીમેધીમે ઓછું થતું જાય છે. અમેરિકાની ભૂમિમાંથી જ મોટા ભાગનું વહીવટીલા વિષેનું સાહિત્ય આવ્યું છે અને છતાં આવું બનવા પામ્યું છે. આ બધું છતાં, મને એવું લાગે છે કે પશ્ચિમી ઉદ્યોગોમાં એક પ્રકારના ખાલીપણા અને નિષ્ફળતાની દહેશત વર્તાય છે. જો કે નિષ્ફળતાની ભાવના તો આજકાલ જાપાન અને ભારતમાં પણ જણાય છે. (ફક્ત ઉદ્યોગોમાં જ નહીં પણ કેળવણીક્ષેત્ર, યુનિવર્સિટીઓ, મહાનગરપાલિકા વગેરેનાં વહીવટી ક્ષેત્રે અને બીજાં ઘણાં ક્ષેત્રોમાં) સામાન્ય માણસો અને સંચાલકો વચ્ચેનું અંતર વધતું જાય છે. આથી જ વહીવટના વ્યવસાયને કંઈક ટીકાત્મક અને સંશયાત્મક દૃષ્ટિથી જોવામાં આવે છે. સમૃદ્ધિ અને નફા ઉપર જ જેમની નજર છે તેવા અમેરિકનોએ નૈતિક વ્યવહાર માટેની કોઈ કાળજી રાખી નથી. જ્યારે નૈતિક વ્યવહાર માટેનો પ્રથમ વિચાર ૧૯૮૦માં આવ્યો ત્યારે પીટર ડ્રકરે (Peter Drucker) પોતાના વિખ્યાત પુસ્તકમાં લખ્યું: “નીતિશાસ્ત્રને વહીવટીક્ષેત્રમાં લાવવું અશક્ય છે. શા માટે આવો પ્રયત્ન થઈ રહ્યો છે? નીતિશાસ્ત્ર એ જ સરળ સમીકરણ ઉપર રચાયું છે કે આપણે બધાં એક જ ઈશ્વરનાં સંતાનો છીએ અને તેને ઉદ્યોગોમાં લાગુ પાડી શકાય જ નહીં. જે શક્ય જ નથી તેનો પ્રયત્ન જ શા માટે થઈ રહ્યો છે?” ૧૯૮૮માં કૅનૅથ બ્લૅનચાર્ડ અને નૉર્મન વિન્સેન્ટ પીલે એક પુસ્તક લખ્યું: “The Power of Ethical Management.” એ પુસ્તકનાં મુખપૃષ્ઠ ઉપર એક ઉપશીર્ષક છે. “પ્રામાણિકતા યોગ્ય બદલો આપે છે. આ પુસ્તકમાં કેટલાક એવા અમેરિકન સંચાલકો અને નિયામકોનાં આધારભૂત ઉદાહરણો ટાંકવામાં આવ્યાં હતાં કે જેઓ કેટલીક બાબતો પહેલાં ખોટી રીતે કરતા હતા, અને ફરીથી તેઓ એ બાબતોને નૈતિક રીતે કરીને સફળ અને સુખી થઈ શક્યા. તેમણે ફક્ત લાભ પર દૃષ્ટિ રાખતા નિયામકોને એવા ટેનીસના ખેલાડીઓ સાથે સરખાવ્યા જેમની નજર દડા ઉપર રહેવાને બદલે સ્કોરબૉર્ડ ઉપર રહે છે. (આથી દડો ગુમાવાય છે) જાપાનના માટ્સુશિના ઈલેક્ટ્રિક કંપનીના શ્રી કોનાસુકે માટ્સુશિતાએ ‘Not for Bread Alone’ નામનું સુંદર પુસ્તક લખ્યું છે. એ મુજબ, આધુનિક વહીવટીતંત્ર બે ખાસ જરૂરિયાતો ધરાવે છે. મૅનેજર (વહીવટદાર) અને તેની નીચે કામ કરનારા લોકોનાં ઉચ્ચ આધ્યાત્મિક મૂલ્યોની અને ભવિષ્યવાદી (પોતાના વિચારો વર્તમાનમાં ન સ્વીકારાય તો ભવિષ્યમાં ચોક્કસ સ્વીકારાશે તેવા આશાવાદી વલણ) દૃષ્ટિની. આ બન્ને જરૂરિયાતોને અદ્વૈત વેદાંતના અર્વાચીન અને મહાનતમ પ્રતિપાદક સ્વામી વિવેકાનંદનાં લખાણોમાં અને ભારતીય વૈદાંત સાહિત્યમાં ઊંડાણથી સમજાવવામાં આવી છે.
ઉપનિષદો અને ગીતાનો આપણને એક જાતનો ભય લાગે છે. કારણ કે એ ખૂબ ભારેખમ અને જટિલ એવી સંસ્કૃત ભાષામાં લખાયેલાં પુસ્તકો છે. સ્વામી વિવેકાનંદ સામાન્ય લોકોને સમજાય એ સ્તરે તેમને લાવ્યા અને વેદોનો સારાંશ પાંચ અદ્ભુત વાક્યોમાં આપ્યો: (૧) દરેક આત્મા મૂળભૂત રીતે દિવ્ય છે, (૨) આ દિવ્યતાને પ્રગટ કરવી એ જ જીવનનું ધ્યેય છે, (૩) આ કર્મથી, ભક્તિથી, જ્ઞાનથી, ધ્યાનથી કે મનના નિયંત્રણથી કરો અને મુક્ત બનો, (૪) ધર્મનું આ જ સારતત્ત્વ છે, (૫) પુસ્તકો, વાદો આ બધું ગૌણ છે. આ વિચારો જ ઉપનિષદોના લગભગ દરેક પૃષ્ઠ ઉપર વર્ણવેલ છે.
સૌથી સામાન્ય અને સરળ ઉપનિષદ ગીતાને પહેલાં જોઈએ: ધારી લઈએ કે અર્જુન ફડચામાં જઈ રહેલી એક મોટી કંપનીનો સંચાલક (executive) છે અને શ્રીકૃષ્ણ તેની પાસે આવે છે. “અર્જુન, ભય પામીશ નહીં. હું જાણું છું કે લાખો ડૉલરની મોટી મૂડી ગુમાવવાનો તને ભય છે. એક યોગીની જેમ લડાઈમાં યુદ્ધ કર.” સમસ્ત અઢારમાં અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે, “અર્જુન, એક વીરની જેમ યુદ્ધ કરે પણ ધ્યેય નજર સમક્ષ રાખ. તું તારી દિવ્યતાને ચોક્કસ પ્રગટ કરીશ.” દરેક મનુષ્યમાં અસીમ શક્તિ પડેલી છે. તેની દરેક ક્રિયા આ શક્તિને બહાર લાવવાનો આધ્યાત્મિક વ્યાયામ છે. વેદાંતના મત મુજબ જે ક્ષણે હું સંચાલક કે આચાર્ય કે ઉપકુલપતિ બનું છું તે મારા માટે દૈવી બનવાની, યોગી બનવાની તક છે. એ ક્ષણેથી હું ‘કર્મયોગી’ છું.
દરેકને કર્મયોગી કઈ રીતે બનાવવો? ભારતમાં આધ્યાત્મિકતાને ‘માનવીય શક્યતાઓનું’ વિજ્ઞાન કહે છે. આજે હવે એ સ્પષ્ટ થતું જાય છે કે વહીવટની કુશળતા આ માનવીય શક્યતાઓના વિજ્ઞાન પર દરેક મનુષ્યમાં રહેલ અસીમ શક્તિ ઉપર આધારિત હોવી જોઈએ. જ્યાં સુધી આ દિશામાં વહીવટીક્ષેત્ર નહીં લાવવામાં આવે ત્યાં સુધી નિષ્ફળતા જ મળશે. મહાભારતમાં, મોહગ્રસ્ત પિતા ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે, “સંજય, કોણ જીતવાનું છે?” સંજય આ પ્રશ્નને સમજીને જવાબ આપે છે, “આ યુદ્ધનું અંતિમ પરિણામ તો યુદ્ધ શરૂ થતાં પહેલાં જ જાણીતું હતું. જ્યાં-જ્યાં શ્રીકૃષ્ણે આપેલ નૈતિક સંહિતાને અર્જુન જેવા મહાવીરો અનુસરશે ત્યાં-ત્યાં ચોક્કસ સફળતા, સમૃદ્ધિ (ધનની દૃષ્ટિએ પણ) અને જીવનની શ્રેષ્ઠતા મળશે. પણ બિચારા ધૃતરાષ્ટ્ર એ સમજી શક્યા નહીં. આ સંદેશ બધી ભાષાઓમાં (ધર્મોમાં) જોવા મળે છે. ઈશુ ખ્રિસ્તે કહેલું, પહેલાં તમે ઈશ્વરના સામ્રાજ્યને શોધો અને તમારી પાસે બધું જ આવશે. આ પરીકથા જેવું લાગે પણ વેદાંતની પરિભાષામાં તેનો અર્થ થાય છે – “પહેલાં તમારી બધી જ ક્રિયાઓને આધ્યાત્મિક વ્યાયામમાં ફેરવી દો; તમે સફળ થશો, જીવનમાં શાંતિ, સફળતા અને શ્રેષ્ઠતા મળશે.” જ્યારે આપણે કોઈપણ કામને આ અભિગમથી કરીએ છીએ, ત્યારે એ કામનાં સુંદર પરિણામો મળે છે. રામકૃષ્ણ મિશનનું જીવનસૂત્ર છે: “આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ” (મારી પોતાની મુક્તિ અને જગતના હિત અર્થે). રામકૃષ્ણ મિશન ઘણી શાળાઓ, મહાશાળાઓ અને હોસ્પિટલો ચલાવે છે જે ઉચ્ચતમ કક્ષાની છે. જેવા તમે એના પરિસરમાં દાખલ થાઓ કે તમે આનંદના સામ્રાજ્યનો અનુભવ કરશો. એનું કારણ એ છે કે સ્વામીજીએ દરેક કામનું પૂજામાં રૂપાંતરણ કરી દીધું છે. દરેક પૂજાના બે આધાર છે: જે કામ કરે છે તે દૈવી બને છે અને જે સેવા પામે છે. તે લાભ મેળવે છે.
આધુનિક વહીવટીતંત્ર કહે છે કે જ્યાં સુધી મહાન અને ઉદાત્ત કાર્યો કરનાર વીરો (heros)નું સર્જન ન થાય ત્યાં સુધી વહીવટીવિજ્ઞાનના સિદ્ધાંતોનો કોઈ અર્થ નથી. ફક્ત આવા લોકો જ અશક્યને શક્ય બનાવી શકે છે, દિશા આપી શકે છે. ભારતના વીરો મૂળભૂત રીતે આધ્યાત્મિક છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મહાત્મા ગાંધી છે. કરોડો લોકોએ તેમની રાહે ચાલવું પસંદ કર્યું હતું. મારે કાર્ય કરવું જ જોઈએ. એવી દૃઢ ધારણાએ ટાગોર પાસે લખાવડાવ્યું: “હે વીર, કોઈ તારી હાક સાંભળીને ન આવે, તો તું એક્લો જજે. તારા પગ લોહીથી રંગાઈ જાય અને રાત્રિ વીતવા માંડે તો પણ કામ કરતો જા.” જેને સત્યની ખરી ધારણા છે એ જ સાચો નેતા છે. મહાવિદ્યાલય, ઉદ્યોગ કે સરકાર ચલાવવા કેવા નેતા જોઈએ તેનો સાચો ખ્યાલ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોના વાચનથી આવશે.
૧૯૭૦ પછી દુનિયામાં એક નવો પ્રવાહ શરૂ થયો છે અને તે છે Super industrial civilization – ભવ્ય ઔદ્યોગિક સંસ્કૃતિ. લોકોને ફક્ત પૈસાની જરૂર રહેતી નથી. તેમના આત્માને સંતોષે એવું કંઈક તેમને જોઈએ છે. પોતાના પ્રમુખપદની અવધિના છેલ્લાં વર્ષોમાં પ્રમુખ નિક્સને ખિન્ન મને કહ્યું, “અમેરિકાના ઇતિહાસમાં દેશ ક્યારેય આટલો પૈસાપાત્ર નહોતો અને ઇતિહાસમાં યુવક-યુવતીઓ ક્યારેય આટલાં દુ:ખી નહોતાં.” જ્યારે સ્વામી વિવેકાનંદ પશ્ચિમમાંથી પાછા ફર્યા ત્યારે મદ્રાસમાં તેમને કોઈએ પૂછ્યું, “સ્વામીજી, તમે વૈભવમાં રહ્યા છો, તમને ભારત કેવું લાગી રહ્યું છે?” સ્વામીજીએ ઊંચું મસ્તક કરીને જવાબ આપ્યો, ભારત છોડતાં પહેલાં મારી હૃદયની ઇચ્છા વિષે મને ફક્ત જ્ઞાન હતું; પશ્ચિમમાં તે વધારે સ્પષ્ટ થયું, પાછા આવ્યા પછી મને એમ લાગે છે કે આ ભૂમિનો એકેએક રજકણ પણ મારા માટે પવિત્ર છે, ભાઈ, જ્યારે તમે પશ્ચિમમાં જશો ત્યારે તમને એમના વિષે ખબર પડશે.” બધી રીતે સફળ એવા એક અમેરિકન યુવાને માદક દ્રવ્યોનું સેવન કર્યું. એ પકડાયો અને જ્યારે જજે એને કારણ પૂછ્યું તો તેણે કહ્યું, “મને જીવનમાં કોઈ ઉચ્ચ હેતુ જણાયો નહીં તેથી હું કેફી દ્રવ્યોનો વ્યસની બની ગયો.”
મૅનેજિંગ ડીરેક્ટર્સને જીવનની આ જ નિત્ય હેતુવિહીનતા સતાવે છે. તેમણે કંપનીના સભ્યોના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને સાથે સાથે આધ્યાત્મિક ફાયદાઓનો પણ વિચાર કરવો જોઈએ. એક નિયામકે ‘આધ્યાત્મિક મહાવીર’ પણ બનવું જોઈશે. આજનું સૌથી અગત્યનું ભવિષ્યવાદી સ્વપ્ન એ છે કે લોકો આત્માનો સ્પર્શ ઇચ્છે છે.
બીજી વસ્તુ એ છે કે આવા વીર પાસે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની આવડત જોઈએ. પોતાના સ્વપ્નને પોતાના હાથ નીચે કામ કરતા કરનારમાં આરોપિત કરવાની શક્તિ જોઈએ.
દરેક જગ્યાએ સ્વામી વિવેકાનંદની પાછળ જતી એક મહિલાને પૂછવામાં આવ્યું, “આ હિંદુ યોગીની પાછળ તું કેમ ભમે છે?” તેણે કહ્યું, “હું આધ્યાત્મિકતા માટે જઉં છું.” “આધ્યાત્મિકતાનું પ્રમાણ શું છે?” તેણે જવાબ આપ્યો, “આધ્યાત્મિકતાનું એકમાત્ર પ્રમાણ એ છે કે તે શક્તિ અને દૃઢતા આપે છે.” અનીતિથી મુર્છિત થયેલો માણસ જ્યારે આધ્યાત્મિક વ્યક્તિ પાસે જાય છે ત્યારે તે નવજીવન પામીને પાછો આવે છે; – “હા, મેં કામ કરવા માટેનો એક વધારાનો દિવસ મેળવ્યો છે. મારી પાસે મહાન ભવિષ્ય છે. મેં જે કર્યું છે તે મારા લીધે છે. હું ઈશ્વર છું અને મારા ભાગ્યનો વિધાતા હું જ છું.”
વીર વહીવટદાર મનુષ્ય કે જે નેતા બનવા સર્જાયેલો તેનો ત્રીજો ગુણ એ છે કે તે હંમેશાં શ્રેષ્ઠતા માટે ઝઝૂમે છે. તે બીજા ક્રમની વસ્તુઓથી ક્યારેય સંતોષ પામતો નથી. તાજેતરમાં બે જર્મની વચ્ચેની દીવાલ દૂર થવાથી યુરોપની સામાન્ય બજારે ઉત્પાદન માટે સામાન્ય ધોરણ રાખ્યું છે. જો આપણા ઉઘોગોનું ઉત્પાદન આ ધોરણ (Standard) ઉપર ન આવે તો તેઓ નિષ્ફળ જ જવાના છે. આથી બધા નેતાઓ પૂર્ણતા માટે કોશિશ કરે છે અને જુએ છે કે પોતાના અનુયાયીઓ પણ આ પ્રયત્ન કરે.
એ નેતાનો ચોથો ગુણ એ છે કે પોતાની નીચે કામ કરતા માણસો માટે તે સરળતાથી લભ્ય હોવો જોઈએ. અને તેણે કોઈપણ નિર્ણય લેતાં પહેલાં બધાંનો મત લેવો જોઈએ. આને Consensus management કહેવાય છે.
નેતાનો પાંચમો ગુણ એ છે કે વીર મનુષ્ય કડક, શિસ્તપ્રિય હોવાની સાથે માનું હૃદય ધરાવતો હોવો જોઈએ. થોડા સમય પહેલાં મને રાનીખેત કેન્ટોનમેન્ટમાં વ્યાખ્યાન આપવા નિમંત્રિત કરવામાં આવ્યો હતો. હું એક બ્રિગેડિયરનો મહેમાન હતો. એક વખત તેમણે ચા પીતાં-પીતાં પ્રશ્ન કર્યો, “સ્વામીજી, મને એક સમસ્યા હલ કરવામાં મદદ કરશો? એ મારા જીવનને લગતી છે.” તેમણે સમસ્યાને વર્ણવતાં કહ્યું, “મીલીટરીનો માણસ હોવાને લીધે હું ક્યારેક કઠોર બની જઉં છું. હું મારા કર્નલ, કૅપ્ટન બધાંને ચાહું છું પણ તેમને સજા આપવાથી તેઓનું હૃદય ઘવાય છે અને હું રાત્રે સૂઈ શકતો નથી.” મેં કહ્યું, “આનો ઉપાય મારી પાસે છે. તેને અજમાવી જુઓ, તમે ચોક્કસ સફળ થશો. જેને તમે સજા કરી છે તેને તમારે ઘેર બોલાવો અને તમારા પોતાના ટેબલ ઉપર બેસાડી તેને ચા અને મીઠાઈ આપો. એ રાજી થશે અને તમને પણ ખૂશી થશે.” આ પછી, થોડા સમય બાદ તેમણે મને લખ્યું, “સ્વામીજી, મને ખરેખર લાભ થયો છે.”
અને છેલ્લે આવી વીર વ્યક્તિ સામાન્ય મનુષ્યોની ખૂબ નજીક હોવી જોઈએ. “નિયામક નેતા કે ઉપકુલપતિ કે અધ્યાપક જ્યારે એવી ભાવના સાથે જાય છે કે હું મારાં બાળકોની સેવા કરવા માટે આવ્યો છું, અને આમ કરીને તેમના આશીર્વાદ લેવાની ઈશ્વરે મને એક વધુ તક આપી છે,” ત્યારે તેને સામેથી પણ એવો જ પ્રેમાળ પ્રતિભાવ મળે છે.
આમ કોઈ પણ પ્રકારના કામની, વહીવટીતંત્રની કોઈપણ ક્ષણની શરૂઆત જ એવી લાગણીથી થવી જોઈએ કે મનુષ્યની અંદર રહેલા ઈશ્વરની સેવા કરી, એ રીતે મારી દિવ્યતાને પ્રગટાવવાની આ ઉત્તમ તક છે. હું તેમની માનવીય શક્તિઓને બહાર લાવીશ અને આમ કરીને તેમને ઈશ્વર બનાવવા માગું છું, અને આ સાથે સભાનપણે હું પણ ઈશ્વર બનીશ.”
આ યુગ માટેનું આ સત્ય છે. મૅનેજમેન્ટ માટેના આ વેદાંતનાં મૂલ્યો આપણા જીવનના કોઈપણ ક્ષેત્રે લાગુ પાડી શકાય તેવાં છે.
સ્વામીજીએ કહેલું, “સત્ય કોઈ પણ સમાજને – પ્રાચીન કે અર્વાચીનને અંજલિ આપતું નથી. સમાજે સત્યને અંજલિ આપવી પડશે અથવા મરવા તૈયાર રહેવું પડશે” અને આપણે મરવા તો માગતા નથી.
(તા. ૧લી ફેબ્રુઆરી, ૧૯૯૧ના રોજ અમદાવાદ મૅનેજમેન્ટ એસેાસિએશનના ઉપક્રમે આપેલ વક્તવ્યના અંશો)
રૂપાંતર: ડૉ. ચેતના માંડવિયા
Your Content Goes Here