(ગતાંકથી ચાલુ)

(‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી ખૂબ રહસ્યપૂર્ણ વિશ્લેષણ આપે છે અને તેના સૂક્ષ્મ ભાવાર્થને સ્પષ્ટતાપૂર્વક સમજાવે છે. તેઓ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી છે.)

આચાર્ય શંકરે દર્શાવ્યું છે: “શાસ્ત્ર – આચાર્ય – ઉપદેશ શમદમાદિભિ: સુસંસ્કૃતં મન: આત્મદર્શને કરણમ્” જે મન શાસ્ત્રો અને આચાર્યોના ઉપદેશોથી તથા શમ, દમ વગેરે અધ્યાત્મ નીતિયુક્ત – ષટ્સંપત્તિથી સુસંસ્કૃત અણિશુદ્ધ બન્યું છે, તેવું મન જ આત્મદર્શન અથવા આત્મસાક્ષાત્કાર માટેનું સાધન છે.

સંધ્યા-ઉપાસનામાં શરીર, મન, પ્રાણ અને આત્મા સહિતનું સમગ્ર વ્યક્તિત્વ સંયોજાય છે અને આપણે ઉત્તરોત્તર બાહ્યમાંથી આંતરિક ભૂમિકા તરફ ગતિ કરીએ છીએ. સંધ્યા જો કે ધાર્મિક વિધિના સ્વરૂપની છે, છતાં પણ એ કામ્યકર્મ નથી, એટલે કે કોઈ સાંસારિક ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવાની અભિલાષા ધરાવતી વ્યક્તિ દ્વારા પ્રસંગોપાત ઐચ્છિક રીતે કરાતો ધાર્મિક વિધિ નથી. એ તો નિત્યકર્મ છે, એટલે કે અહંભાવયુક્ત મનોવૃત્તિઓથી પોતાની જાતને પરિશુદ્ધ કરવા માટે અને મનને વૈશ્વિક સત્ય સાથે એકતાનમાં રાખવા માટે ફરજિયાતપણે નિત્ય આચરવામાં આવતો ધાર્મિક વિધિ છે. દરેક વ્યક્તિએ પોતાનું જીવન વિશ્વના સંદર્ભમાં જ જીવવું જોઈએ. દુન્યવી જીવનમાં બાહ્યસંપત્તિ સંપાદિત કરવા માટે તથા કામનાઓની પરિપૂર્તિ અર્થે આપણે વિધવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પરંતુ આધ્યાત્મિક જીવનમાં તો અહિંસા, સત્ય, પ્રાણીમાત્ર પ્રતિ નિર્વ્યાજ પ્રેમ અને તેમની નિ:સ્વાર્થ સેવા જેવા નૈતિક ગુણો દ્વારા અહંકેન્દ્રિત વ્યક્તિત્વને ઈશ્વર-કેન્દ્રિત વ્યક્તિત્વમાં પરિવર્તન કરીને મુક્તિ અથવા તો મોક્ષ તેમ જ પરમાનંદ રૂપી આંતરિક સંપત્તિ સંપાદન કરવાનો પરિશ્રમ કરવાનો છે.

સ્વામી વિવેકાનંદે ધર્મનાં લક્ષણો તથા ધ્યેયો નીચે જણાવ્યા મુજબ ખૂબ સૂક્ષ્મ અને અર્થપૂર્ણ શબ્દોમાં સ્પષ્ટતાપૂર્વક દર્શાવ્યાં છે:

“દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમ જ આંતર પ્રકૃતિના નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી, એ જ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન – એમ એક અથવા અનેક દ્વારા આ જીવનધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્ત્વ છે. સિદ્ધાંતો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ – એ બધી વસ્તુઓ ગૌણ છે.” (જુઓ: ‘ધ કમ્પ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ’, વૉલ્યુમ ૧, પૃષ્ઠ ૨૫૭)

સંધ્યાવિધિની ઝીણવટથી તૈયાર કરેલી વિગતોમાં મુખ્ય ઉદ્દેશ તરીકે આધ્યાત્મિક ઉન્નતિ તથા વ્યક્તિગત

અને વિશ્વવ્યાપક, એમ બંને તત્ત્વોની સંવાદી જુગલબંદીની સંકલ્પના જે ગાયત્રી-મંત્રનું ધ્યેય છે તેને જ હંમેશાં દૃષ્ટિ સમક્ષ રાખવામાં આવ્યા છે. અમૂર્ત વિચારો કરતાં પ્રત્યક્ષ અને નિશ્ચિત ધાર્મિક વિધિઓની ચિત્ત ઉપર પ્રારંભમાં વધારે ઊંડી છાપ પડે છે અને તેથી જ અહમ્-કેન્દ્રિત જીવનમાંથી દિવ્ય ચૈતન્ય તરફ ક્રમે-ક્રમે માનસિક ઉન્નતિ સાધી શકાય, તે માટે અંદરથી ઉત્પન્ન થતાં શરીર, મન અને પ્રાણને અવરોધતાં વિઘ્નોને દૂર કરવા માટે જ ધાર્મિક-વિધિઓની પદ્ધતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરિક માનસિક વલણો અને આધ્યાત્મિક સ્પંદનો અથવા ભાવોની બાહ્ય અભિવ્યક્તિ વ્યક્ત થાય, તે માટે જ ધાર્મિક વિધિનો દરેક વિભાગ રાખવામાં આવ્યો છે. અલબત્ત સંધ્યા-ઉપાસનામાં ગાયત્રી-મંત્રનો જાપ અને તેના ઉપર જ ધ્યાન અને ચિંતન એ જ મુખ્ય બાબત છે અને બીજી બધી બાબતો તો ગૌણ છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે “સંધ્યા ગાયત્રીમાં વિલીન થાય છે અને ગાયત્રી ૐમાં વિલીન થઈ જાય છે.”

૬ ગાયત્રી-ઉપાસના:

પ્રથમ તો દેવી ગાયત્રીનું વેદમાતા તરીકે આહ્‌વાન કરવામાં આવે છે અને પછી ગાયત્રી મંત્રનો ભૂ: ભુવ: અને સ્વ: ની મહાવ્યાહૃતિઓ સહિત ઉચ્ચાર કરતાં-કરતાં પોતાના શરીરનાં જુદાંજુદાં અંગોનો સ્પર્શ કરી તે-તે અંગના વિવિધ લોક તથા પરમાત્માનું સ્થાપન કરવામાં આવે છે. અખિલ બ્રહ્માંડ તથા બ્રહ્માંડના પિંડરૂપ માનવ એ બંને એક જ સ્તર પર છે, તેથી વૈશ્વિક સ્પંદનો જગાડવા માટે વૈશ્વિક અસ્તિત્વ ધરાવતી આ વસ્તુઓને માનવીના શરીરનાં અંગોમાં સ્થાપન કરવાની પ્રક્રિયાને અંગ-ન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અંગ-ન્યાસ બાદ, સહેલાઈથી જેટલા લાંબા સમય સુધી કરી શકાય, એટલો સમય વ્યક્તિએ ગાયત્રી-મંત્રનો જાપ તથા ધ્યાન કરવાનાં છે. પરંતુ જાપ માટે યોગ્ય અને ઠીક ઠીક પ્રમાણમાં અલ્પતમ સંખ્યા અને સમય નિશ્ચિત કરવો જરૂરી છે. જે અજ્ઞાનના નિમિરને હટાવી અંતરને અજવાળે છે,૧૦ એવી તેજસ્વી દેવી તરીકે ગાયત્રીની કલ્પના ધ્યાનના હેતુઓ માટે કરવામાં આવી છે.

ભાષાંતર: શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

૯ બીજા નીચે મુજબ છે: સહિષ્ણુતા (ધીરજ); ઉપરિત (ઈન્દ્રિયોના ઉપભોગમાંથી દૂર રહેવું); શ્રદ્ધા (અપૂર્વ વિશ્વાસ); અને સમાધાન (ધ્યાન વિષયવસ્તુ – આત્મા- બ્રહ્મ – ઉપર મનની સતત એકાગ્રતા). (સરખાવો): છ નીતિ વિષયક વિદ્યાશાખાઓની વ્યાખ્યા માટે આચાર્ય શંકરનું વિવેક ચૂડામણિ તથા સાધન ચતુષ્ટય સાધક માટેની ચાર યોગ્યતાઓ જે સ્વત્વ (આત્મા – બ્રહ્મ)ની સરળ અનુભૂતિ માટે અનિવાર્યપણે આવશ્યક છે.)

૧૦ ભક્તિભાવભરી પૂજા માટે નીચે મુજબના ધ્યાન-શ્લોકનું રટણ કરવામાં આવે છે: ગાયત્રીનું આહ્‌વાન કરવા માટેનો ધ્યાન શ્લોક:

મુક્તા વિર્દ્રુમહેમનીલધવલચ્છાયૈર્મુખૈ: ત્ર્યક્ષણૈ:
યુક્તામિન્દુનિબદ્ધરત્નમુકુટાં તત્ત્વાર્થ વર્ણાત્મિકામ્।

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:।

ગાયત્રી વરદાભયાંકુશકશાં શુભ્રં કપાલં ગદાં
શંખ ચક્રમથારવિન્દયુગલં હસ્તૈર્વહન્તીં ભજે।।

વર્ણમાળાના અક્ષરો એટલે કે વર્ષો (અથવા અહીં ઓમ્), જે પરમાત્મ તત્ત્વનું દર્શન કરાવે છે, મોતી, પરવાળા, સુવર્ણ, નીલમ અને ધવલ બરફની છાયાથી અંકિત જેની પાંચ કૃપાળુ મુખમુદ્રાઓ છે અને દરેક મુખમુદ્રામાં સર્વજ્ઞાતા સૂચવતાં ત્રિનેત્ર જડેલાં છે; જેણે મસ્તક ઉપર અર્ધચન્દ્રાકાર રત્નમુકુટ ધારણ કર્યો છે; જેમની સર્વશક્તિમત્તાનું પ્રતિનિધિત્વ કરતા દસમાંથી બે હાથ વરદ એટલે કે આશીર્વાદ આપતી અને નિર્ભયતા દર્શાવતી સ્થિતિમાં રહેલા છે; અને જેમણે પોતાના અન્ય હાથોમાં અંકુશ, ચાબુક, શ્વેત ખોપરી, ગદા, શંખ અને સંરક્ષણ ચક્ર (જે આ સમસ્ત વિશ્વના સર્જન, સંરક્ષણ અને સંહારનાં ત્રણ કાર્યોનું પ્રતીક છે.) તથા અરવિંદયુગલ (જે પવિત્રતા, ભક્તિ તથા અનાસક્તિનું પ્રતીક છે)ને ધારણ કર્યાં છે, એવાં ગાયત્રી-માતાને હું ભજું છું.

આ પણ સરખાવો: દેવી-માહામ્યમ્ અથવા ચંડી: ૧ – ૭૩ – ૭૪ – ૪ – ૧૦

Total Views: 200

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.