(ગતાંકથી ચાલુ)

ઉત્તરાખંડના પહાડોનાં બદરીકેદાર આદિ તીરથધામોની જાત્રાનો મારો સિલસિલો શરૂ થયાંને ચાર-પાંચ દાયકા વીત્યા. તેમાંય ગંગોત્રી બાજુ મારો અવરજવર વિશેષ. અરધી વાટે ઉત્તરકાશી આવે. સાધુઓનું ગામ. શ્રેષ્ઠ કોટિના સાધુઓથી માંડીને સાવ બજારબગદા સુધીના અહીં વસે. આઝાદી અને દેશ વિભાજનને વર્ષે બરાબર ખૂનરેજીના દિવસોમાં હું દેહરાદૂન-હરદ્વાર ને પછી ઉત્તરકાશી ગએલો. એ દિવસોમાં કોમી વિદ્વેષની આગમાં પડીને ભલભલા સાધુઓ પણ ચાતરી ગએલા.

આવો એક પીઢ બટકો સાડાચાર ફીટ ઊંચાઈનો સાધુ સ્વ. તપોવનજી મહારાજ પાસે અવારનવાર આવે. વહેલી વયે રીશીકેશ લક્ષ્મણઝૂલા નજીક એક ઝાડની ડાળે કપિઆસન કરીને વર્ષો સુધી રહેલો. યોગાસન અને યોગક્રિયાઓના મહામોટા સિદ્ધ તરીકે પોતાને ઓળખાવે. આ ‘સિદ્ધ’ પુરુષે પંજાબનાં રમખાણોના આ દિવસોમાં હિંદુ પક્ષના મસમોટા એજન્ટ બની બેસીને હરદ્વાર આસપાસના પ્રદેશમાં ગામેગામની મુસલમાન વસ્તીઓની લૂંટમાર અને તારાજી કરવામાં અગ્રભાગ ભજવેલો. તપોવનજી પાસે બેસવા આવે ત્યારે નકરી ગટર જ ઉલેચે.

એક દિવસે તપોવનજીએ કહ્યું:

“તમે કેટલા વરસ યોગસાધના કરી?”

“સત્તાવીસ”

“સિદ્ધ થયાને કેટલાં વરસ થયાં?”

“બાર”

“ના, ના. ઓણસાલ જ તમે ખરી સિદ્ધિ મેળવી.”

તે દિવસથી એ આ મોટેરાઓ પાસે આવતો બંધ થઈ ગયો. ગામનું જ બજારબગદું ડોયાં કરે!

હરદ્વારના કુંભમેળા વખતની વાત છે. સપ્તસરોવર આગળ ગંગા સ્નાન કરીને હું પાછો આવું. રસ્તે ઠેરઠેર સાધુઓને અન્નદાન કરનારાં ‘લંગર’ (અન્નછત્રો). બે પીરસણિયા સાધુઅભ્યાગતને આપે. આવા એક લંગર આગળ મેં કેટલાક લઠીંગણ સાધુઓને દડિયામાં પીરસાયું તે ઊભેઊભે જ ખાઈ લઈ, એઠા દડિયા ત્યાં ને ત્યાં જ ફેંકી, ચાલી જતા જોયા; જો કે તેવા દડિયાપાતેળો નાંખવાનો ખાડો નજીકમાં જ કરેલો હતો. પીરસણિયા જોડે મેં શિસ્તપાલન ઉપર ભાર મૂકવા નમનતાઈપૂર્વક લગાર દલીલ કરી.

બાજુમાં જ જરા છેટે દાની શેઠના ઘરની, હાથમાં ગંગાજળથી ભરેલા ત્રાંબાના ચળકતા કરબા લીધેલી બે બાઈઓ, ખાઈને જનારા સાધુમહાત્માઓનાં હાથ-મોં ધોવડાવવા, ભક્તિભાવે ઊભી હતી. તેમાંની એક પીઢ માતા આગળ આવી:

“કોઈ હર્જ નહિ મહાત્માજી! હમ ઉઠા લેગી. વે તો સાધુમહાત્મા ઠહરે. જો જી ચાહે કરે. ઉન કો કહના ઠીક નહિ. હમારે પુન્નમેં ઘટી હોગી!”

થોડે દૂર ઊભેલો એક ‘મહાત્મા’ મારી દલીલ સાંભળી રહ્યો હતો. તેણે મને ઈશારત કરી નજીક બોલાવ્યો:

“કી હુંદા? કાહે વાસ્તે હોરાં દા કાજી બનદા સી? તુસી ભી તો સાધુ સા દીખતા સી. ફિર ક્યોં ઈસ ઝમેલે મેં પડતા સી? તુઝે આપની બેટી દી શાદી બ્યા થોડી કરના સી? અરે મેરે રાજા! જેડે છેતરે મેં જાનાં હો, ચલા જા. દો દો રોટી માંગ લા. ડંટ કર ખા લે. ઔર મૌજાં કર. ક્યૂં મુફતમેં દુનિયાં દા કાજી બન કર ફિરતા સી?” (આ મારી ઢેડગુજરી પંજાબીમાં જેવું યાદ રહ્યું તેવું લખ્યું છે.)

મને પોતાનો કોઈ વેવલો પિતરાઈ સમજીને દયાભાવે પારકી પંચાતમાં ન પડવાનો ઉપદેશ આપવાનો આ ‘મહાત્મા’’ પોતે કંઈ ‘દો દો રોટી’ માગી ખાવાના ‘ઝમેલા’માં પડનારો નહોતો એ તો દેખીતું હતું. એ તો જ્યાં ‘કાલી રોટી ધોલી દાલ’ (માલપુવા-દૂધપાક) વહેંચાતાં હોય (અને રોજ બેપાંચ જગાએ તો વહેંચાતાં હોય જ) તેટલી જ જગાએ જવાનો ‘ઝમેલો’ વહોરવાવાળો ને ‘મૌજા’ કરવાવાળો હતો!

કૉંગ્રેસ પ્રધાનપદાં થયાં એ અરસામાં એકવાર ઉત્તરકાશીમાં હું રામકૃષ્ણ મિશનના સાધુનિવાસમાં રહું. સ્વ. તપોવનજી, સ્વ. દેવગીરીજી, બ્રહ્માનંદજી, ગંગાપુરીજી વગેરે મોટા સાધુઓને ત્યાં બપોરે પાઠ ચાલે, કાં સાધુમંડળીઓ ભરાય, ત્યાં શ્રવણ ભક્તિ કરવા જાઉં, ઓરડીએ હોઉં ત્યારે મોટેભાગે નોંધો કરતો હોઉં; કે કરી હોય તે સાફ નોટમાં ઉતારતો હોઉં.

મોટેરા સાધુઓમાં હંમેશાં જાઉં આવું બેસું, તેથી હું પરિચિત. પીટક્લાસવાળાઓમાં અપરિચિત. થોડા દિવસમાં ચણભણ વાત ચાલી: “કાંગરેસ તરફથી એક સફેદપોશ (ધોળાં કપડાં પહેરતો સાધુ) આવ્યો છે. ખૂફિયો (સી. આઈ. ડી. જાસૂસ) છે. કાંગરેસે અહીંના સાધુઓ ઉપર ૨પોટ કરવા એને ખાસ ભેજ્યો છે. કાંગરેસની હવે હકુમત થઈ. અંગરેજ ગયો. તેથી કાંગરેસવાળા હવે સાધુઓનાં અન્નભોજન રાશન બંધ કરાવશે. ને સાધુઓ પાસે ચક્કીપર આટો પીસાવશે!”

એક સવારે હું ગંગાસ્નાન કરીને આવું ને એક પિતરાઈને મારી કુટિયાના બારણા સામે ટહેલતો જોયો. અંદાજે ઓળખ્યો. નામચીન હતો. મારું ધોતીયું સૂકાવા નાખી મેં બારણું ઉઘાડ્યું તેવો જ પાછળ પેઠો:

“ઓં નમોનારાયણ ભગવન્! મૈં અંદર આ સક્તા હું?”

“આઈયેં નારાયણ! બૈઠિયેં. ક્યા આજ્ઞા હૈ?”

“આપ કે દર્શનોં કે લિયે ચલા આયા. ક્યા આપ લખનૌ સે પધારે?”

“નહિ જી. મૈં બમ્બઈ કા હૂં. સૈર કે લીએ નિકલા હૂં. દેહલી હોતા હુઆ આયા.”

“અચ્છા, તો આપ દેહલી સે આયે! ક્યા આપ કાંગરેસી હૈં?”

“જી, સદશ્ય તો નહીં હૂં. હાં, કૉંગ્રેસ કે લિયે મેરે દિલમેં ઈજ્જત હૈ સહી.”

“અચ્છા, યહ નો બતાઈયે, આપ રોજમર્રા દિનભર ક્યા લિખતે રહતે હૈં?”

“જી, મૈં અપની ડાક ડાયરી વગૈરહ લિખતા હૂં. સાધુસમાગમમેં બહુત કુછ સુનનેસીખને મિલતા હૈ. નોટ કર લેતા હૂં.”

“આયા સમઝમેં! અજી, સાફ ક્યોં નહીં બતાતે કિ રોજમર્રા યહાં કી ૨પોટ કાંગરેસ કો ભેજતે હૈં? ક્યા કાંગરેસ હમારા રાશન બંદ કરેગી? સાધુઓંસે ચક્કી પીસવાએગી?”

“આપ કો સરાસર ગલત બાત કિસી ને બતાઈ હૈ. કૉંગ્રેસવાલોને તો સ્વયં દેસ કી રિહાઈ કે લિયે ચક્કીયાં પીસીં હૈં. સાધુઓંસે ક્યોં પીસવાયેંગે? ઊન કે દિલમેં તો સાધુઓં કે પ્રતિ કાફી આદર હૈ.”

મારા દિલમાં ટીખળ ઊઠ્યું, મેં ઊમેર્યું:

“હાં, આજકલ કંટ્રોલ કે કારણ બહુત નિક્મ્મા અન્ન દેસ સે આતા હૈ, જિસ મૈં કૂડાકરકટ મિટ્ટીકંકડ કાફી હોતે હૈં. ઈસલિયે હો સકતા હૈ કિ કૉંગ્રેસ છેતરવાલોં સે અનુરોધ કરે, ઔર સાધુઓં સે ભી પ્રાર્થના કરે, કી વે અપનેઅપને રાશન લાયક અનાજ સાફ કર કે, યા યદિ હો સકે તો પીસ 6કર ભી, દે દેવેં. તા કિ ઉન કો બહુત હી શુદ્ધ ઔર બઢિયા અન્ન છેતર સે મિલે.”

“બસ, બસ, બસ. સબકુછ હમ સમઝ ચુકે. અરે ભૈ, હમને કૌન સા અપરાધ કિયા હૈ જો કાંગરેસ હમસે ચક્કી પીસવાયેગી! કાંગરેસ થોડી હમકો ખાને દેતી હૈ? હમ કો તો સખી દાતા દાની ધની છેતરોં કે જરિયે ભોજન દેતે હૈં. કાંગરેસ કો ક્યા અધિકાર હૈ ઈસ મેં દસ્તંદાજી કરને કા? ક્યા હમને કિસી કા ઘર ફાડા હૈ? હમ તો અપની અપની કુટિયામેં બૈઠતે હૈં ઔર ભજન કરતે હૈં.”

“સાથ ભોજન ભી તો કરતે હૈ.”

“અજી બસ કરો આપ કી નુક્તાચીની. સબકુછ સમઝ લિયા હમને. જો રપોટ કરની હો કરો. (આવેશપૂર્વક) કાંગરેસ કી ઐસીતૈસી.” (ગુસ્સામાં પ્રસ્થાન)

બે-ત્રણ દિવસ માંડ થયા હશે, ને મેં સાંભળ્યું કે આ ‘મહાનુભાવે’ કોઈ ભલા સાધુની કુટિયાના કમ્પાઉન્ડમાં પેસીને પેલાએ લાંબી મહેનતથી ઉધેરેલાં ફળ ચટ કર્યાં! પકડાયો. ને આજુબાજુવાળાઓએ મળીને એને ગૂંદ્યો. વળતે દિવસે મોટા સાધુઓ સન્મુખ ખડો કરવાની ધમકી અપાઈ. પિતરાઈ સવારમાં જ મારી કુટિયાને બારણે હાજર:

“ઈજાજત હૈ?”

“જરૂર. પધારીયેં ભગવાન!”

“અજી, આજ આપ સે કુછ પ્રશન કરને હમ આયે હૈં.”

“ફરમાઈયેં.”

“હમ આપસે કુછ વેષ્ટિસમેષ્ટિ (વ્યષ્ટિ = વ્યક્તિ; સમષ્ટિ = સમાજ) કા ચર્ચા કરના ચાહતે હૈં.”

“શૌક સે.”

“નિવેદન યહ હૈ, કિ અબ તો સોરાજ હો ગયા. ચાહે કોંગરેસી ક્યોં ન હો, લેકીન સોરાજ તો હો હી ગયા ન? અંગરેજ તો ચલા ગયા. ખૈર. અબ જબ સોરાજ હો હી ગયા, તબ તો સબકુછ સમેષ્ટિ કા હો ગયા. ઔર ક્યા! વેષ્ટિ કા તો અબ કુછ રહ્યા નહીં. અચ્છા, ફર્જ કરો. કિસી મહાતમા પુર્શને અપને હાતે (કમ્પાઉન્ડ) મેં કુછ ફલફૂલ, સબ્જી લગા રક્ખી હૈ, ઔર હમ ઉન કે યહાં ચલે ગયે. વે તો ડેરે પર હૈ નહીં. ઈસ અવસ્થા મેં જદિ ઉન કી અનુપસ્થિતિ મેં હમને વહાં કે કુછ ફલ વગૈરહ લેકર ખા લિયે, તો ક્યા ઈસ મેં કોઈ હર્જ હો સકતા હૈ?”

“યદિ ઉન કી ઈજાજત આગે હી આપને લે રકખી હૈ, યા ઉન્હોંને વૈસી ઈજાજત શરેઆમ આપ કો દે રકખી હૈ તબ તો અલબત્તા કોઈ હર્જ નહીં હો સકતા.”

“લેકિન ઈસ મેં ઈજાજત લેને દેને કી જરૂરત હી ક્યા હૈ? અબ તો કાંગરેસ મેં સબ કુછ સમેષ્ટિ કા હો ગયા!”

“ક્ષમા કરેં તો આપ સે એક સવાલ પૂંછ લૂં. ક્યા આપને અપને નિવાસ સ્થાન પર કુછ ફલ આદિ લગા રકખે હૈં?”

“અજી, હમ ઉસ ઝમેલે મેં નહીં પડતે.”

“સિર્ફ ઝમેલે મેં પડનેવાલોં કે ડેરે પર, જબ કિ વે ઉપસ્થિત ન હો, જા કર વેષ્ટિસમેષ્ટિ કા સબક ઉન્હે સિખા કર લૌટ આતે હૈં!”

“અજી, હમ હંમેશાં થોડી જાયા કરતે હૈં? યહ તો કઈ લોગ હમ સે ખામખા નારાજગી કરતે હૈં. ઈસી લિયે આપસે પૂછના ચાહા. આપ સમઝદાર પુર્શ હૈં. બડોં કે આગે હમારી તરફ સે દો એક બાત સમઝા સકતે હૈ.”

“ઔર દેખીયેં ન? બાત તો સારી બહૂલતાન્યૂનતા કી હૈ. આજકલ ન્યૂનતા હૈ ઈસ લિયે. વર્ના અમરિકા મેં તો, કહતે હૈ, કુછ ભી કરો, કોઈ નહીં પૂછતા. વહાં સોરાજ ભી હૈ, ઔર બહૂલતા ભી. હમારે યહાં બહૂલતા નહીં, ન્યૂનતા હૈ; ઈસી લિયે સબ ઝંઝટ પૈદા હોતે હૈં.”

“અમરિકા કા તો મુઝે કોઈ ઈલ્મ (જ્ઞાન) નહીં. પરન્તુ યદિ આપ દયા કર કે કુછ ફલફૂલ લગાને કે ઝમેલે મેં પડેં, તો ફૌરન બહૂલતા હોગી. ક્યોં કિ આપ મહાપુર્શ હૈં, સભી છોટેબડે આપ કા અનુસરણ કરેંગે.”

“યહ તો ફિર આપને વહી કાંગરેસ વાલી બાત નિકાલી – કોઈ ન કોઈ બહાને હમ કો કામ મેં જોતને કી! લેકન હમ આપ કે જાલ મેં ફંસનેવાલે નહીં. ખૂબ સમઝ રખીયેં.”

“યહ કામ ચક્કી પીસને સે તો હલ્કા હોગા!”

“કૌન હમેં ચક્કી પીસને પર મજબૂર કરનેવાલા હૈ? કાંગરેસ વાલોં કી ઐસીતૈસી. કિસ કી મજાલ હૈ, હમ દેખેં તો? ગિરસ્થી હો કર હમ સાધુમહાત્માઓં સે ચક્કી પીસવાઓગે?”

“મિજાજ ન ખોઈયેં, ભગવાન. હમ તો આપસે અનુનય કર રહે હૈં. હમ તો સાધુઓં કે ચરનો કી રજ હૈં. લેકિન કૉંગરેસ ને આપકા ક્યા બિગાડા હૈ જો આયેદિન આપ ઉસ પર ઇતને ઝલ્લાતે હૈં? કૉંગ્રેસ તો કિસી કો મજબૂર ન કરેગી. જબ મુસલમાનો કો મજબૂર ન કિયા, તો આપ જૈસે સાધુમહાત્માઓં કો ક્યોં કરેગી?”

“હાં, વૈસા કહો ન? તબ તો હમેં કુછ કહના નહીં. આપ વૈસી ૨પોટ કરેં, જિસ સે કિસી મહાતમા કો તક્લીફ ન હો.”

“મુઝે તો કોઈ રપોટ કરની નહીં હૈ. મૈં તો આપ સંતમહાત્માઓં કે સમાગમ વાસ્તે હી યહાં આયા હું.”

“તબ ક્યા લગાઓગે ન આપ અપને સ્થાન પર ફલ તરકારી? ફિર હમ આપ કે યહાં આપ કી અનુપસ્થિતિ મેં આયેંગે, ઔર જો કુછ નજર આયેગા ઉસે સમેષ્ટિ કા સમઝ કર ઉસસે વેષ્ટિ કો સંતુષ્ટ કરેંગે!”

“આપ સરાસર કૉંગરેસી હૈં! હમ આપ કે ફન્દેમેં કભી ન ફંસેંગે. હમ તો વૈસા કુછ ન કરેંગે. હમ તો સિરફ પરમાતમા કા ભજન કરેંગે.”

“ઔર ભોજન આપકા છેતર સે લાકર મૈં કરૂંગા!”

“આપ સેં બાતેં કરના ફૂઝૂલ હૈ.”

(ગુસ્સામાં પ્રસ્થાન)

શ્રી શાંતિકુમારે એ જ દિવસોમાં એમના એક કાગળમાં મને લખેલું “તમે હિમાલયના સાધુમહાત્માઓની દુનિયામાં પહોંચ્યા છો. તો ત્યાં કોઈ સારો નમૂનો જડે તો નાકે નાથ ઘાલીને સાથે લેતા આવજો. અહીં બહુ જરૂર છે.” મેં ભાઈ નથવાણીને ઉપલો સંવાદ લખી મોકલેલો ને ઉમેરેલું કે આ નમૂનો જો એમને પસંદ હોય તો ખેરસાહેબની સરકાર મારફત પંતજીની યુ.પી. સરકાર આગળ ડેપ્યુટેશન ભેજી ministerial level ઉપર માગણી કરે. આવા તરેહવાર નમૂનાઓ ને તરેહવાર વર્ગો. ‘સબ ધરતી કાગજ કરૂં, કલમ કરૂં વનરાઈ’વાળો ઘાટ. પણ આટલેથી બસ જૂદી ધરતીના થોડા વર્ણવવા સારૂ બીજો લેખ જોઈશે.

(ક્રમશ:)

(‘ધરતીની આરતી’માંથી)

Total Views: 118
By Published On: June 1, 1993Categories: Swami Anand0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram