મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લોલ.

હરિયાળા ડુંગરાને ગોચરમાં પાથરી ફૂલભરી જાજમની ભાત,

સાંજલ તારાનો રૂડો દીવો બળે ને ઓલી આસમાની છત રળિયાત.

વાયરાના ઊઘડતા ચોગમ કમાડ અને ઝરમરિયા પડદાના સૂર;

ઊંચા પહાડ તણા એકાકી થંભ અને દરિયાઈ બેટ દૂર દૂર.

મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લોલ.

(2)

મારા પ્રીતમના ઓરડા ન્યારા કે ઓરડા અભરે ભર્યા રે લોલ.

ધીંગો તે ધોધ વહે રાતોની રાત કાંઈ વીંધીને બરફાળ છાતી.

ચટ્ટાને ચકરાતી આંબે જ્યાં આભને પાંખો ગરુડની તાતી.

પ્રીતમના ઉંબરાને અંઘોળી ઘૂઘવે ભરતીના લોઢ-લોઢ લાખો,

જળચરનાં ઝુંડ જ્યાં ખેલે વિવિધ કાંઈ ખેલે નજર જ્યાં નાખો.

મારા પ્રીતમના ઓરડા ન્યારા કે કે ઓરડા અભરે ભર્યા રે લોલ.

(3)

મારા પ્રીતમના ઓરડા મીઠા કે ઓરડા આંખે ઠર્યા રે લોલ.

કોઈ મને લાવ્યું કે ઊંઘરેટી આંખે ને જાગીને જોયું તો હે-ય!

નદિયું ને મોજાં ને સૂરજ ને વાદળ ને પંખી તો મીઠડાં લેય.

બળતે બપોર સુણું પાંદડાની આડશે વહેતી હવાની વાણ,

જેનું ન મુખ હજી જોયું તે વાહ, મને કેવી દે પ્રીતની લ્હાણ!

મારા પ્રીતમના બાહુમાં પોઢું કે નેણલાં હેતે હર્યાં રે લોલ-

મારા પ્રીતમના ઓરડા મીઠા કે ઓરડા આંખે ઠર્યા રે લોલ.

કૅથલિન રેઈન

અનુ: મકરન્દ દવે

 

 

પ્રેમનો સંબંધ

કૅથૅલિન રેઈનની કવિતાનો આ અનુવાદ છે. પણ અનુવાદ સમાંતર સર્જન ક્યારે બને છે તેનું ઉદાહરણ આપી શકાય એટલો સમૃદ્ધ એ છે. દુનિયા સાથે કવિને પ્રેમનો નાતો હોય છે: રોબર્ટ ફ્રૉસ્ટે કહ્યું હતું કેઃ ‘। had a lover’s quarrel with the world.’ આ દુનિયા સાથે મારે પ્રેમીનો ઝઘડો હતો. અહીં આ કવિતામાં માત્ર દુનિયા સાથે જ નહીં, સચરાચર સાથે ક્વયિત્રી પ્રેમનો નાતો બાંધે છે. એ આ સચરાચરને ‘પ્રીતમના ઓરડા’ તરીકે ઓળખાવે છે. ‘પ્રીતમના ઓરડા’ એ સૂચક પ્રતીક છે. લગ્ન પછી પ્રીતમના ઓરડામાં પ્રવેશતી નવવધૂ એનાથી અપરિચિત હોય છે. આપણે પણ આ દુનિયામાં છીએ છતાં બ્રહ્માંડનાં રહસ્યોનો તાગ ક્યાં મેળવી શક્યા છીએ? પરંતુ આ અજ્ઞાન પ્રેમની પરિભાષામાં વિસ્મય બની જાય છે: અને એટલે જ કહે છે: ‘ઓરડા ઓહો કર્યા!’

આ ઓરડાની વિશાળતા હવે કવિ બતાવે છે. હરિયાળા ડુંગરો અને ગોચરના મેદાનોમાં ફૂલોની બુટ્ટાદાર જાજમ પથરાઈ છે: Evening Star. સાંજલ તારાનો મઝાનો દીપ પ્રગટે છે. સાંજે ઘરમાં દીવો પ્રગટાવવાની પરંપરાનું સ્મરણ પણ અહીં થઈ આવે છે. આકાશની આસમાની છત, પવનનાં કમાડ અને વરસાદના ઝરમરિયા પડદા: પ્રીતમના ઓરડાનું આ વર્ણન આપણને ભારતીય પરંપરામાં બંધબેસતું લાગે છે. પ્રકૃતિમાં જ પરમેશ્વરનો અંશ જોતા આપણા સંત-કવિઓના ઉદ્ગારોની કોટિમાં આ પંક્તિઓ આવી જાય છે. પરંતુ પ્રેમમાં વિસ્મય સાથે વાત અટકતી નથી. વિસ્મય તો પ્રથમ મિલનનું હોય છે. પછી એકમેકથી આપણે સમૃદ્ધ બનીએ છીએ. જે વ્યક્તિ-વ્યક્તિના પ્રેમ માટે સાચું છે એ જીવ-શિવના અનુબંધ માટે પણ એટલું જ સાચું છે. એટલે જ પેલો ‘ઓહો’નો ભાવ એક તરફ રહે છે. એને બદલે ‘ઓરડા અભરે ભર્યા’નો – સમૃદ્ધ બન્યાનો ભાવ આપણા મનમાં વસે છે.

વિસ્મય પ્રકૃતિ વિશે હતું: પરંતુ સમૃદ્ધિ એમાં રહેલા ચેતનની છે: ઘૂઘવતો ધોધ, ગરુડની પાંખો, ઉંબરાને અંઘોળી જતાં ભરતીનાં મોજાં અને જળચરો: આ બધાં ચેતનાનાં પ્રતીકો છે; અહીં હવે માત્ર વિસ્મયનો ભાવ નથી રહેતો. છતાં વિસ્મયનો ભાવ સદંતર સરી પણ નથી જતો પણ વિસ્મયની સાથે પ્રેમ સમૃદ્ધ બને છે. એ પછીનું સોપાન આવે છે તૃપ્તિનું. પ્રેમની પરાકાષ્ટા તૃપ્તિમાં છે: ઊંચા ઓરડાનું વિસ્મય થાય, ન્યારા ઓરડાથી સમૃદ્ધિ અનુભવાય પણ મીઠા ઓરડા – એ તો આંખ ઠારે.

હજી આંખમાં થોડી ઊંઘ ભરી હોય ત્યાં ઝબકીને જાગીએ અને આખું વાતાવરણ જોતાં કંઈક વિસ્મય, કંઈક સમૃદ્ધિના ભાવ સાથે તૃપ્તિની ચરમ સીમાઓને અડકી જવાય ત્યારે કેવો ઉદ્ગાર નીકળી પડે! ‘જાગીને જોયું તો હે-ય!’ નદી, મોજાં, સૂરજ, વાદળ અને પંખી – આ સૌ હવે અપરિચિત નથી રહેતાં. એ તો આપણાં મીઠડાં લે છે: અને જેનું મુખ હજી નથી જોયું એવા એ વિરાટ પ્રિયતમના બાહુમાં એનાં હેતે હેરી રહેલાં નેત્રોની છાયામાં આપણે પોઢી શકીએ છીએ!

હરીન્દ્ર દવે

Total Views: 194

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.