(મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો)

“રાણીમા, આ શિવમૂર્તિ જુઓ તો, કેટલી સુંદર છે! જાણે સાક્ષાત્ શિવ!”

“વાહ, સાચ્ચે જ સુંદર પ્રતિમા છે. આવી સુંદર પ્રતિમા કોણે ઘડી? માટીમાં આવા દિવ્ય ભાવોને ઉતારનાર કોઈ સામાન્ય શિલ્પી તો ન જ હોય!”

“ખરેખર એ સામાન્ય શિલ્પી નથી. એ તો દૈવી આત્મા છે.” અને એ દૈવી આત્માના પ્રભાવથી રોજેરોજ વધુ ને વધુ મુગ્ધ બનતા જતા મથુરાનાથ વિશ્વાસે પોતાના સાસુમા રાણી રાસમણિને એ દિવ્ય વિભૂતિનો પરિચય આપતાં કહ્યું: “એ તો આપણા કાલીમંદિરના ભટ્ટાચાર્યજીના નાનાભાઈ રામકૃષ્ણ છે.”

હાથમાં રહેલી શિવની મૂર્તિ જોતાં જ રાણીનાં અંત:સ્તલમાં એક ઝબકારો થયો કે જે મૂર્તિમાં આવા હૂબહૂ ભાવ ઉતારી શકે છે એને જો ભવતારિણી માની પૂજા સોંપી હોય તો એ પૂજા પણ કેવી અલૌકિક બની રહે! એમના આ વિચારને મથુરબાબુએ સમર્થન આપતાં કહ્યું: “સાચ્ચે જ મા, જો એ નાના ભટ્ટાચાર્ય ભવતારિણીની પૂજા કરશે તો એમની પૂજાથી મા સાક્ષાત્ પ્રગટ થશે.” આમ મથુરબાબુના આગ્રહથી શ્રીરામકૃષ્ણને જગદંબાની પૂજા કરવાનું કાર્ય સોંપાયું. ત્યારથી શ્રીરામકૃષ્ણ અને મથુરબાબુ વચ્ચે અનોખો આત્મીય સંબંધ સ્થપાયો, જે દિનપ્રતિદિન વધુ ને વધુ ઘનિષ્ઠ બનતો રહ્યો.

પૂર્વ બંગાળના ખુલના જિલ્લામાં મથુરાનાથ વિશ્વાસનું વતન હતું. નાનપણથી જ તેઓ બહુ જ બુદ્ધિશાળી હતા. કલકત્તાની હિન્દુ કૉલેજમાં દેવેન્દ્રનાથ ટાગોર સાથે તેમણે અભ્યાસ કર્યો હતો. એમની બુદ્ધિમત્તા, કાર્યશક્તિ અને કુશળતા જોઈને રાજા રાજ-ચંદ્ર અને રાણી રાસમણિએ પોતાની ત્રીજા નંબરની પુત્રી કરૂણામયીનાં લગ્ન તેમની સાથે કર્યાં. રાજચંદ્રદાસ અને રાણીને પુત્ર નહોતો એટલે પોતાની વિશાળ જમીનદારીના કારભારમાં સહાય કરવા મથુરાનાથને પોતાને ત્યાંજ ઘરજમાઈ રાખ્યા હતા. જ્યારે કરુણામયી પોતાના નાનકડા પુત્ર ભૂપાલને મૂકીને અવસાન પામી ત્યારે મથુરાનાથ સાથેના સંબંધને કાયમી રાખવા માટે રાણીએ પોતાની ચોથી પુત્રી જગદંબાદાસીનું લગ્ન તેમની સાથે કરી દીધું. રાજા રાજચંદ્રના અવસાન બાદ પોતાની સઘળી સંપત્તિ અને જમીન જાગીરનો વહીવટ રાણીએ પોતાના આ કુશળ જમાઈ બાબુના હાથમાં સોંપી દીધો.

રાણી રાસમણિએ જ્યારે દક્ષિણેશ્વરનું મંદિર બંધાવ્યું ત્યારે તેના પૂજારી તરીકે રામકુમારને નિયુક્ત કર્યા હતા. તે સમયે શ્રીરામકૃષ્ણ પણ પોતાના મોટાભાઈ સાથે દક્ષિણેશ્વર રહેતા હતા. પણ અહીં દક્ષિણેશ્વરમાં જ કાયમી રહેવું એવું તેમણે કંઈ નક્કી કર્યું ન હતું. જ્યારે મથુરબાબુએ શ્રીરામકૃષ્ણને પહેલી વાર જોયા ત્યારે તેમના મુખ ઉપરનું દૈવી તેજ અને તેમની બાળક જેવી સરળતા, નિર્મળતા અને મૃદુતા જોઈને તેઓ પ્રસન્ન થઈ ગયા. ત્યારે જ આ ઓગણીસ વર્ષનો નવયુવાન એમના મનમાં ભવતારિણીની પૂજા માટે વસી ગયો. આથી એમણે રામકુમારને વાત કરી કે તમારા નાનાભાઈ પણ ભલે તમને માની પૂજામાં સહાય કરે. ત્યારે રામકુમારે એમને જણાવ્યું કે ‘પણ એમની ઇચ્છા નથી. એટલે આ વાત ત્યારે તો ત્યાં જ અટકી પડી. એવામાં આ શિવમૂર્તિનો પ્રસંગ બન્યો. અને ખુદ રાણીએ નાના ભટ્ટાચાર્યને માની પૂજા કરવા કહ્યું. પણ મથુરબાબુએ શરૂઆતમાં એમને માનો શણગાર કરવાનું સોંપ્યું ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું કે તેઓ માનો શણગાર કરી આપશે. પણ ઘરેણાંની જવાબદારી તેમના ભાણેજ હૃદયની રહેશે. કેમકે શ્રીરામકૃષ્ણ પોતાની આંતરિક સ્થિતિ જાણતા હતા એટલે કિંમતી ઘરેણાં પોતે સાચવી નહીં શકે એની તેમને ખબર હતી. મથુરબાબુએ એમની આ શરત મંજૂર કરી અને આમ શ્રીરામકૃષ્ણનો મા જગદંબાના મંદિરમાં પ્રવેશ થયો. કેમ જાણે માએ જ પોતાના આ અતિપ્રિય બાળકને પોતાની સાવ સમીપ બોલાવી લીધો ન હોય! એમાં નિમિત્ત બન્યા મથુરબાબુ.

આ વાતને ત્રણ મહિના વીતી ગયા. માના શણગારનું અને પૂજાનું કાર્ય એવા ઉત્કટ ભાવે થતું હતું કે જાણે મૂર્તિમાં મા સાક્ષાત્ પ્રગટ થતાં. મંદિરમાં સર્વને માની જીવંત હાજરીનો અનુભવ થવા લાગ્યો. મથુરબાબુ પણ અનુભવી રહ્યા હતા કે નાનાભટ્ટાચાર્યની પૂજાથી મા પ્રસન્નતા અનુભવે છે. આથી તેઓ વિચારવા લાગ્યા કે જો નાના ભટ્ટાચાર્ય રાધા-ગોવિંદના મંદિરની પૂજા પણ સ્વીકારી લે તો તેમની પૂજાથી રાધાગોવિંદ પણ જરૂર પ્રસન્ન થશે. પણ એ માટે એમને કેવી રીતે સમજાવવા, એની તેઓ મૂંઝવણ અનુભવતા હતા. પણ એવામાં એક પ્રસંગ બન્યો; શ્રાવણ મહિનામાં નંદોત્સવને દિવસે ગોવિંદજીને બીજા ઓરડામાં શયન કરવા લઈ જતા હતા ત્યારે પૂજારી ક્ષેત્રનાથ પડી ગયા ને હાથમાં રહેલી ગોવિંદજીની પ્રતિમાનો પગ ભાંગી ગયો. હવે સમસ્યા ઊભી થઈ કે ખંડિત મૂર્તિની પૂજા થઈ શકે? એ મૂર્તિનું સમારકામ કરાવીને એ મૂર્તિને પૂજામાં રાખી શકાય કે પછી બીજી નવી જ મૂર્તિ મૂકવી જોઈએ? આ સમસ્યાનો ઉકેલ આણવા માટે રાણીએ પંડિતોની સભા બોલાવી. સઘળા પંડિતોએ ઉકેલ એક જ આપ્યો કે ખંડિત મૂર્તિને ગંગાજળમાં પધરાવી દેવી અને નવી મૂર્તિનું પ્રતિષ્ઠાન કરવું. આથી ગોવિંદજીની નવી મૂર્તિ ઘડાવવાનું નક્કી કરવામાં આવ્યું. પણ મથુરબાબુને તો કોણ જાણે કેમ, પણ નાનાભટ્ટાચાર્યની વાતમાં પૂરો ભરોસો. ભલે એ શાસ્ત્રો ભણ્યા નથી, ભલે એ પંડિતોની જેમ વાદવિવાદ કરતા નથી, પણ કોણ જાણે એમનામાં જે છે, તે બીજા કોઈમાં ય નથી, એ મથુરબાબુ જોઈ શક્યા હતા. એટલે એમને એમની વાતમાં જેટલો વિશ્વાસ બેસતો હતો એટલો વિશ્વાસ બીજા કોઈની વાતમાં આવતો નહીં. એમણે રાણીમાને કહ્યું: “મા, આ બાબતમાં નાના ભટ્ટાચાર્ય શું કહે છે તે એમને તો જરા પૂછીએ.” પંડિતોની સભા પૂરી થયા બાદ એમણે આ વિષે શ્રીરામકૃષ્ણને પૂછ્યું અને તુરત જ એમને જે જવાબ મળ્યો, એવું તો એમણે ક્યારેય વિચાર્યું ન હતું, શ્રીરામકૃષ્ણે કહ્યું: “રાણીના જમાઈનો પગ ભાંગી ગયો હોત તો શું રાણીએ તેનો ત્યાગ કરીને બીજા માણસને બેસાડ્યો હોત કે પછી એ પગની સારવાર કરાવી હોત?” અને આ એક જ વાક્યમાં રાણી અને મથુરબાબુને સમસ્યાનો ઉકેલ મળી ગયો. પંડિતોનાં શાસ્ત્રવચનોની લાંબીચોડી દલીલો કરતાં અનુભૂતિમાંથી નિષ્પન્ન થયેલું આ એક જ વાક્ય પર્યાપ્ત હતું! હવે ગોવિંદજીની એ જ મૂર્તિ રાખવાનું નક્કી થઈ ગયું. પણ એ મૂર્તિની મરામ્મત કરવાનું કામ પણ મથુરબાબુએ શ્રીરામકૃષ્ણને સોંપ્યું અને તેમણે અંતરના એવા પ્રેમથી અને મગજની એવી કુશળતાથી તે મૂર્તિની મરામ્મત કરી કે પ્રતિમા અખંડ બની ગઈ અને પછી પૂજારી ક્ષેત્રનાથની જગ્યાએ રાધાગોવિંદની પૂજાનો ભાર પણ મથુરબાબુએ શ્રીરામકૃષ્ણને સોંપી દીધો. આમ કાલી અને કૃષ્ણ, શક્તિ અને પરબ્રહ્મ બંનેની પૂજાનું કાર્ય શ્રીરામકૃષ્ણને કરવાનું આવ્યું અને હવે પૂજા કરતાં-કરતાં એમના આધ્યાત્મિક અનુભવોની અનેકવિધ પરંપરા શરૂ થઈ.

મા જગદંબાની પૂજા કરતાં-કરતાં મા સાથેનો તાદાત્મયભાવ એટલો પ્રબળ બનવા લાગ્યો કે ક્યારેક માના ગળામાં પહેરાવવાને બદલે શ્રીરામકૃષ્ણ પોતાના ગળામાં હાર પહેરી લેતા કે માના મુખમાં નૈવેદ્ય મૂકવાને બદલે પોતાના મૂખમાં નૈવેદ્ય મૂકી દેતા. મંદિરના અન્ય કર્મચારીઓ આ ઉત્કટભાવને સમજી શકતા નહીં. એટલે તેઓ કહેતા કે નાના ભટ્ટાચાર્યને ઉન્માદનો રોગ થયો છે! પણ મથુરબાબુ આ પ્રેમ-ભક્તિને પૂરેપૂરી જાણતા હતા એટલે તેઓ તો એમ જ માનતા હતા કે આ મંદિરમાં જે મા જાગશે તો આ નાના ભટ્ટાચાર્યની પૂજાભક્તિથી જ જાગશે. તો રાણીમાએ કરાવેલી પ્રાણપ્રતિષ્ઠા ખરા અર્થમાં સાર્થક થશે. આથી મથુરબાબુએ શ્રીરામકૃષ્ણને માની પૂજા વિષે કશું પણ ક્યારેય કહ્યું ન હતું. પરંતુ માનાં દર્શનની શ્રીરામકૃષ્ણની ઝંખના દિનપ્રતિદિન વધવા લાગી અને તેની અસર પૂજાવિધિ પર પણ થવા લાગી. મંદિરના અન્ય કર્મચારીઓને થયું કે હવે તો પાગલપણું એમનું વધતું જાય છે. એટલે બધાએ મથુરબાબુને ફરિયાદ કરી: “જુઓ તો ખરા, પાગલપણામાં નાના ભટ્ટાચાર્ય બધું જ બગાડી રહ્યા છે. વિધિવત્ કંઈ પૂજાપાઠ કરતા નથી કે ભોગ ધરાવતા નથી. આવા કુછંદથી તો મા કોપાયમાન થશે. આપ એમને કંઈક તો કહો.” એમની વાત સાંભળીને મથુરબાબુએ એ લોકોને સંતોષ થાય એ માટે કહ્યું: “ભલે, તેઓ કેવી રીતે પૂજા કરે છે તે પહેલાં હું છાની રીતે જોઈ લઉં. પછી એમને જે કહેવા યોગ્ય હશે તે કહીશ” અને પછી મથુરબાબુએ બારણા પાછળ સંતાઈને નાનાભટ્ટાચાર્યની પૂજા જોઈ. માનાં દર્શનની તીવ્ર વ્યાકુળતા અને તલસાટ જોઈને તેઓ અચરજ પામી ગયા ને મનોમન બોલી ઊઠ્યા કે “આમાંનો સોમા ભાગનો પણ જો ભાવ કોઈનામાં હોય ને તો ય જીવન ધન્ય થઈ જાય.” આ દુન્યવી કર્મચારીઓ આ પૂજાને ક્યાંથી સમજી શકે? એમણે એ બધાને કહ્યું: “નાના ભટ્ટાચાર્ય જે રીતે પૂજા કરે તે રીતે તેમને કરવા દો. એમના કામમાં કોઈ અવરોધ ઊભો કરશો નહીં. જો કંઈ એવું જણાય તો તમે મને જાણ કરશો. પણ એમને કંઈ જ કહેશો નહીં.” આમ જગદંબા અને શ્રીરામકૃષ્ણ વચ્ચે કોઈ જ અવરોધ ન આવે એવી વ્યવસ્થા મથુરબાબુએ કરી આપી. પણ હવે શ્રીરામકૃષ્ણનો તલસાટ એવો તીવ્ર બની ગયો કે કોઈપણ જાતની વિધિવત્ બાહ્યપૂજા કરવાનું એમના માટે અશક્ય બની ગયું. એટલે એમણે પોતાના જ ભાણેજ હૃદયને પૂજાના આસન પર બેસાડીને મથુરબાબુને કહ્યું: “આજથી હૃદય પૂજા કરશે. માએ કહ્યું છે, મારી પૂજાની જેમ જ તેઓ હૃદયની પૂજા સમાનભાવે સ્વીકારશે.” મથુરબાબુ શ્રીરામકૃષ્ણની વાતને શ્રીમા પાસેથી આવેલા આદેશરૂપ માનતા હતા. આથી એમણે એમની વાત સ્વીકારી લીધી અને તેમને પૂજાના વિધિવત્ કાર્યમાંથી મુક્તિ આપી દીધી.

એક દિવસ શ્રીરામકૃષ્ણ શિવમંદિરમાં શિવમહિમ્ન:નો પાઠ કરતાં-કરતાં ભાવવિહ્વળ બની ગયા અને તેમની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને તેઓ ભગવાનને કહેવા લાગ્યા; “હે મહાદેવ, તમારા અપરંપાર ગુણોને હું કેવી રીતે વર્ણવી શકીશ?” આંસુભરી આંખે ભગવાન સાથેનો તેમનો વાર્તાલાપ ચાલતો હતો ત્યારે મંદિરની બહાર અન્ય કર્મચારીઓ આ દૃશ્ય જોઈને એકબીજાને કહી રહ્યા હતા કે “જુઓ, જુઓ હવે નાનાભટ્ટાચાર્યનું પાગલપણું શરૂ થશે. ગાશે ને નાચશે, એ તો ઠીક પણ ભલું પૂછવું, કદાચ શિવજી ઉપર પણ તેઓ ચડી બેસશે ! તેઓ આવો કોઈ અનાચાર આચરી બેસે તે પહેલાં એમનો હાથ પકડીને મંદિરમાંથી એમને બહાર કાઢી લેવા જોઈએ. નહીં તો ભગવાન શિવનું અપમાન થતાં અનર્થ સર્જાશે.” આમ કર્મચારીઓ શિવમંદિરની બહાર ઊભા-ઊભા ગણગણાટ કરી રહ્યા હતા. જ્યારે મંદિરની અંદર તો આ સઘળા ઘોંઘાટથી અલિપ્ત શ્રીરામકૃષ્ણ શિવની સાથે તન્મય હતા. ઘોંઘાટ સાંભળીને મથુરબાબુ ત્યાં આવી પહોંચ્યા. મંદિરની અંદરનું દૃશ્ય જોઈ તેઓ મુગ્ધ બની ગયા ને બે ઘડી થંભી ગયા. પછી તેમણે એ બધા કર્મચારીઓને કહ્યું: “જેના માથા પર માથું હોય તે ભટ્ટાચાર્ય મહારાજને ખસેડવા જાય. જોઉં તો ખરો કે કોની તાકાત છે!” એમ કહીને તેઓ પોતે જ બારણા પાછળ ઊભા રહ્યા અને જ્યાં સુધી ઠાકુરનો બાહ્યભાવ પાછો ન આવ્યો ત્યાં સુધી તેઓ તેમની ચોકી કરતા ગૂપચૂપ ઊભા રહ્યા. જાણે ભાવાવિષ્ટ ઠાકુરનું રક્ષણ કરવું એ એમનું અંતર્નિહિત કાર્ય ન હોય!

અને ખરેખર એ જ તો એમના જીવનનું મુખ્ય કાર્ય હતું. શ્રીરામકૃષ્ણની વિવિધ પ્રકારની સાધનાઓ, ભાવાવેશો, એમની દૈવી ઇચ્છાઓ આ સધળાની પૂર્તિ માટે મા જગદંબાએ તો મથુરબાબુને નિયુક્ત કર્યા હતા. શ્રીરામકૃષ્ણે મા જગદંબાને પ્રાર્થના કરતાં એકવાર કહ્યું હતું: “મા, હું તો મારી સંભાળ લઈ શકું તેમ નથી. મારી સ્થિતિ જ એવી નથી રહી. તો કોણ મારી સંભાળ લેશે? મા, હું તો ફક્ત તારી જ વાતો સાંભળવા ઇચ્છું છું. તારા જે ભક્તો અહીં આવે એમને ખવડાવવા ઇચ્છું છું. જેઓ અહીં દૈવયોગે મારી પાસે આવે એમને કશીક સહાય કરવા ઇચ્છું છું.પણ આ બધું કેવી રીતે શક્ય બનશે? કોઈ શ્રીમંત વ્યક્તિને મારી પાસે મોકલ અને મા જગદંબાએ એમના આ બાળક માટે મથુરબાબુના હૃદયમાં શ્રીરામકૃષ્ણ માટે પ્રેમ અને ભક્તિ ભરી દીધાં. નહિંતર એક રાજવી જેવી સત્તા, સંપત્તિ અને રૂઆબ હોવા છતાં પોતાના પદ અને મોભાને ભૂલીને શ્રીરામકૃષ્ણનો પડ્યો બોલ તેઓ શી રીતે ઝીલે? શ્રીરામકૃષ્ણની ઇચ્છાની પૂર્તિ માટે પોતાને ગમે તેટલો ખર્ચ થાય તો પણ તેઓ પાછું વાળીને જોતા નહીં. એ તો જગદંબાની જ અંત:પ્રેરણા હતી. શ્રીરામકૃષ્ણે એમને દેવસેવાની જેમ જ સાધુસંતોની સેવા કરવા કહ્યું હતું. ત્યારથી તેઓ સાધુસંતો પ્રત્યે પણ આદરભાવ ધરાવવા લાગ્યા. એટલું જ નહીં પણ શ્રીરામકૃષ્ણે એમને અન્નદાનની સાથે-સાથે સાધુઓને ઉપયોગી વસ્તુદાન આપવું જરૂરી છે, એમ જ્યારે કહ્યું ત્યારે તેમણે કાલીમંદિરનો આખો ઓરડો સાધુઓ માટેનાં વસ્ત્રો, કામળા, કમંડળો, જલપાત્રો વગેરેથી ભરી દીધો અને તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું: “બાબા, આ બધી વસ્તુઓ આપને જેમને જે રીતે આપવી હોય તે રીતે આપજો.”

હવે મથુરબાબુ શ્રીરામકૃષ્ણને પિતા સમાન ગણી તેમની સેવા કરવા લાગ્યા અને તેઓ તેમને ઉદ્‌બોધન પણ પિતાનું જ કરવા લાગ્યા. “બાબા કહીને તેમને બોલાવતા પણ ઘણીવાર નાના બાળકની જેમ પણ તેઓ શ્રીરામકૃષ્ણને સમજાવતા અને એમનું રક્ષણ કરતા. એ જ રીતે શ્રીરામકૃષ્ણ પણ મથુરબાબુને પોતાના વિશ્વાસુ સ્વજન ગણી વ્યવહાર કરતા. આશ્રયદાતા અને આશ્રિત જેવો સંબંધ એમની વચ્ચે ક્યારેય ન હતો. પણ બન્ને વચ્ચે અલૌકિક પ્રેમનો સંબંધ હતો.

દિનપ્રતિદિન વધતી જતી શ્રીરામકૃષ્ણની ભાવની તીવ્રતા અને વ્યાકુળતાને જોઈને મથુરબાબુને ચિંતા થવા લાગી. એમના બુદ્ધિપ્રધાન મનમાં શંકા ઊઠવા લાગી કે ક્યાંક આ દિવ્ય અનુભૂતિઓમાં ઉન્માદિતા તો નથી ભળી ગઈ ને? તો તો વેલાસર એનો ઈલાજ કરાવવો જોઈએ. એમાં પણ કાલીમંદિરમાં બની ગયેલી તે દિવસની ઘટનાએ એમની શંકાને પ્રમાણ પૂરું પાડ્યું. તે દિવસે શ્રીરામકૃષ્ણ કાલીમંદિરમાં જગદંબાની સ્તુતિ ગાઈ રહ્યા હતા. રાણી રાસમણિ એ સાંભળી રહ્યાં હતાં. પણ દરરોજની જેમ રાણી તે દિવસે ભાવમાં તન્મય બની શક્યાં નહીં. કેમ કે એમના મનમાં કૉર્ટમાં ચાલી રહેલા એક મુકદૃમાના વિચારો ચાલતા હતા. ભાવસ્થિતિમાં શ્રીરામકૃષ્ણ એ વિચારો જાણી ગયા ને ‘અહીં પણ સંસારની ચિંતા’? એમ કહીને રાણીના ગાલ ઉપર એક તમાચો મારી દીધો! અને એમને એ સાંસારિક ચિંતામાંથી મુક્ત કરી દીધાં. રાણી તો જગદંબાનાં સાધિકા હતાં. શ્રીરામકૃષ્ણના ઉચ્ચભાવને જાણતાં હતાં. તેમણે આ તમાચાને જગદંબાનો કૃપાપ્રસાદ માનીને સ્વીકારી લીધો. ને તેઓ પોતાના મનની દુર્બળતા માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યાં. પણ આ બનાવથી કાલીમંદિરમાં સર્વત્ર હલચલ મચી ગઈ કે નાનાભટ્ટાચાર્યે પાગલપણાના ઉન્માદમાં રાણી પર પ્રહાર કર્યો! બધાં એકત્ર થઈ ગયાં ને આવાં કામ માટે તેમને સજા કરવા તત્પર બન્યાં. પણ રાણીએ તુરત જ હુકમ આપ્યો: “આમાં ભટ્ટાચાર્યનો કંઈ પણ દોષ નથી. એમને કંઈ પણ થવું ન જોઈએ.” મથુરબાબુએ પણ રાણીનો આ આદેશ સ્વીકારી લીધો, પણ એમના મનમાં થયું કે હવે ઉન્માદની માત્રા વધતી જાય છે. એટલે એની દવા કરાવવી જોઈએ. એમણે ગંગાપ્રસાદ સેન નામના વૈદ્યરાજને બોલાવ્યા. તેમની પાસે શ્રીરામકૃષ્ણની ચિકિત્સા કરાવી. વૈદ્યરાજના કહેવા મુજબ સાકરના શરબતની વ્યવસ્થા કરાવી. તેમને માટે યોગ્ય પૃથ્ય ભોજનની અને ઔષધોની વ્યવસ્થા કરી. પણ વૈદ્યરાજની સારવાર છતાં ભાવાવેશ તો ઘટવાને બદલે વધતો ચાલ્યો!

(ક્રમશ:)

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.