ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને પૂછ્યું, “શું ચોરી કરવામાં ‘તાઓ’ (સાચો માર્ગ) પ્રાપ્ત થઈ શકે?” ચીએ કહ્યું, “મને એક પણ વસ્તુ બતાવો તો ખરા જેમાં તાઓ, એક નિયમ અથવા સાચો માર્ગ ન હોય. ચોરીમાં ‘બુદ્ધિમતા’ જોઈએ જેનાથી માલમત્તાનો પત્તો લાગે છે. પ્રથમ પ્રવેશ કરવાનું ‘સાહસ’’ જોઈએ, સૌથી છેલ્લે બહાર નીકળવાની ‘વીરતા’ જોઈએ, સફળતા મળશે કે નહિ તે ગણતરી કરવાની દૂરદર્શિતા જોઈએ અને છેલ્લે ચોરીનો માલ ડાકુઓમાં સરખી રીતે વહેંચણી કરવા માટે ‘ન્યાય’ જોઈએ. કોઈ પણ ચોર આ પાંચ ગુણો વગર સફળ ન થઈ શકે.”

દરેક ક્ષેત્રમાં પ્રશિક્ષણની આવશ્યકતા હોય છે. સ્કૂલ-કૉલેજોમાં ભણવા જતી વખતે અથવા સંગીત, જુડો-કરાટે, અંગ્રેજી વગેરે શીખવા જતી વખતે લોકો પ્રશિક્ષકની-ગુરુની આવશ્યકતાનો આપમેળે સ્વીકાર કરી લે છે પણ અભ્યાસવિદ્યા મેળવવાની વાત આવે ત્યારે લોકો પૂછે છે “શું ગુરુ બનાવવા આવશ્યક છે?” શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને કોઈએ પૂછ્યું, “મહારાજ, શું ગુરુ આવશ્યક છે?” સ્વામી બ્રહ્માનંદજી મહારાજે સ્મિત કરતાં કહ્યું, “દીકરા, કોઈને ચોરી કરતાં શીખવું હોય તોય પ્રશિક્ષકની જરૂર પડે છે. અને આ અતિ ગૂઢ બ્રહ્મવિદ્યા મેળવવા માટે પ્રશિક્ષકની આવશ્યકતા નથી?” આજકાલ તો પૉકેટમારોના પણ ‘ગુરુ’ હોય છે! તેઓને પણ પૉકેટમારોના સરદાર હેઠળ કડક શિસ્ત સાથે પ્રશિક્ષણ લેવું પડે છે.

શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય – પ્રખ્યાત નાટકકાર – કવિ શ્રી ગિરિશચંદ્ર ઘોષ પોતાની પાકટ ઉંમરે લોકોને હોમિયોપથિ દવા આપતા. એકવાર તેઓ દવા આપવા બેઠા હતા ત્યારે એક યુવકે આવીને કહ્યું, “મહાશય મારી ઘડિયાળ રસ્તામાં ખોવાઈ ગઈ છે.” પાસે જ એક સજ્જન બેઠા હતા તેમણે કુતૂહલવશ પૂછ્યું, “ક્યારે અને કેવી રીતે ખોવાઈ ગઈ?” યુવકે જવાબ આપ્યો કે ફલાણી જગ્યાએ ફલાણા સમયે ખોવાઈ ગઈ. પેલા સજ્જને યુવકને કહ્યું, “ફિકર કરશો નહિ. તમને જરૂર પાછી મળી જશે. આ આશ્વાસન તેઓ કેવી રીતે આપી શક્યા? કારણ કે તે સજ્જન પૉકેટમારોની ટોળકીના ‘સરદાર’ – ‘ગુરુ’ હતા!

આજકાલ ‘ગુરુ’ શબ્દ ખૂબ સસ્તો થઈ ગયો છે – શાળાના ‘ગુરુ’, સંગીતના ‘ગુરુ’, મૅનેજમેન્ટના ‘ગુરુ’, પૉકેટમારોના ‘ગુરુ’, આમ ‘ગુરુ’ શબ્દનો વ્યવહાર છૂટથી થવા લાગ્યો છે અને તેની ગરિમા ઓછી થઈ ગઈ છે. ખરેખર તો, ‘ગુરુ’ શબ્દ અત્યંત ગરિમાયુક્ત છે. જે સાંભળતાવેંત જ આપણું મસ્તક શ્રદ્ધાથી નત થઈ જાય. પ્રાચીનકાળથી આ શબ્દ અધ્યાત્મવિદ્યા-બ્રહ્મવિદ્યા પ્રદાન કરનાર વ્યક્તિ માટે જ વપરાતો આવ્યો છે. ‘ગુરુ’ શબ્દ ‘ગુ’ (એટલે અંધકાર) ‘રુ’ (એટલે પ્રકાશ) આમ બે અક્ષરોથી બનેલો છે. જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય મોહના અંધકારમાંથી પરમજ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય તે જ ગુરુ-

ગુકારોડન્ધકારસ્તુ રુકારસ્તન્નિવર્તક:
અન્ધકારનિવર્ત્યા તુ ગુરુરિત્યભિધીયતે।।

ઉપનિષદમાં ગુરુની આવશ્યકતા બતાવતા કહ્યું છે, ‘તદ્વિજ્ઞાનાર્થં સ ગુરુમેવાભિગચ્છેત્ સમિત્પાણિ: શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠમ્.’ (મુંડકોપનિષદ ૧,૨,૧૨) “જિજ્ઞાસુએ શાસ્ત્રજ્ઞ અને બ્રહ્મનિષ્ઠ ગુરુની પાસે હાથમાં સમિધ (યજ્ઞ માટે ઉપયોગી લાકડું – સેવાનું પ્રતીક) લઈને જવું જ જોઈએ.” ‘एव’ શબ્દ ગુરુની અનિવાર્યતા સૂચવે છે.

ગીતામાં કહ્યું છે:

તદ્ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા

(ગીતા : ૪/૩૪)

“ગુરુને પ્રણત થઈને, તેમની સેવા કરીને અને પ્રશ્નો પૂછીને જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ.”

આજકાલ લગભગ બધા જ વિષયો પર ઢગલાબંધ પુસ્તકો પ્રાપ્ત છે. મોટા ભાગના લોકો એમ માને છે કે આપણે આધ્યાત્મિક જ્ઞાન પુસ્તકોમાંથી મેળવી લઈશું. પણ આપણે ભૂલી જઈએ છીએ કે એક જ્યોત દ્વારા જ અન્ય જ્યોત પ્રગટી શકે. સ્વામી વિવેકાનંદજી આ વાત સમજાવતાં કહે છે, “આપણામાંથી લગભગ પ્રત્યેક જણ જો કે અત્યંત અદ્‌ભુત રીતે આધ્યાત્મિક વિષયો ઉપર બોલી શકે છે, પરંતુ જ્યારે તેને આચરણમાં ઉતારવાનું આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે આપણે અત્યંત અપૂર્ણ દેખાઈએ છીએ. તેનું કારણ એ છે કે આધ્યાત્મિક વિકાસને ત્વરિત બનાવવાના કારણરૂપે પુસ્તકો અપૂર્ણ છે. આત્માની ઉન્નતિ કરવાની પ્રેરણા અન્ય આત્મામાંથી આવવી જોઈએ. જે પુરુષના આત્મામાંથી આવી પ્રેરણા આવે છે તેને ગુરુ કહેવામાં આવે છે અને જે વ્યક્તિના આત્મામાં પ્રેરણા સંચારિત થાય છે તેને શિષ્ય કહેવામાં આવે છે.”

પણ આ જ્ઞાનનું સંક્રમણ શિષ્યમાં થાય એ માટે ગુરુ અને શિષ્ય બન્ને સમર્થ હોવા જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે, “આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ:” વક્તા-ગુરુ પણ કુશળ હોવો જોઈએ અને શ્રોતા-શિષ્યરૂપિયાનું પણ કુશળ હોવા જોઈએ. ગુરુનાં લક્ષણો દર્શાવતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે તેઓ ‘શ્રોત્રિય’, (જેમણે શાસ્ત્રોનું અધ્યયન કરીને તેનો મર્મ જાણીને પોતાના જીવનમાં આત્મસાત્ કર્યો છે) ‘બ્રહ્મનિષ્ઠ’ (બ્રહ્મવિષયક વાતોમાં જ લીન), ‘અવૃજિન:’ (નિષ્કપટ, નિષ્પાપ), ‘અકામહત:’ (કામનાશૂન્ય) આવા અનેક ગુણોથી વિભૂષિત હોવા જોઈએ. તેવી જ રીતે શિષ્યનાં લક્ષણો કહ્યાં છે – શમ, – દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન – આવી ષટ્સંપત્તિ, નિત્યાનિત્યવસ્તુ વિવેક, આ લેાક અને પરલાકના ભોગામાં વિરાગ અને મુમુક્ષુત્વ (મુક્તિ પ્રાપ્ત કરવાની – આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રબળ આકાંક્ષા).

‘ટ્રાન્સમીટર’ અને ‘રિસિવર સેટ’ બન્ને બરાબર હોય ત્યારે જ ટી.વી. પર ચિત્ર બરાબર દેખાય છે તેવી જ રીતે ગુરુ-શિષ્ય બન્નેમાં યોગ્યતા આવશ્યક છે.

પણ આવી અદ્‌ભુત યોગ્યતા ધરાવનારા ગુરુઓ મળવા તો અતિ મુશ્કેલ છે, તો શું કરવું? એનો ઉપાય છે. એક રિસર્ચ સ્કૉલર માટે અત્યંત વિદ્વાન શિક્ષક guide)ની આવશ્યકતા છે. પણ સાતમા ધોરણના વિદ્યાર્થીને તો મેટ્રિકપાસવાળો પણ ભણાવી શકે. તેવી જ રીતે આપણામાં જો આદર્શ શિષ્યના પૂરતાં લક્ષણો ન પ્રગટ્યાં હોય તો આદર્શ ગુરુની ખેવના ન રાખી શકીએ. પણ આપણાથી આધ્યાત્મિક રીતે આગળ વધેલા હોય તેમની સહાયથી થોડે દૂર તો પહોંચી જ શકીએ અને ઉત્તરોત્તર આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ. પણ આમ ગુરુ બનાવતી વખતે સાવધાન રહેવાની આવશ્યકતા છે.

ઉપનિષમાં કહ્યું છે:

અવિદ્યાયામન્તરે વર્તમાના: સ્વયંધીરા: પણ્ડિતમન્યમાના:
જંઘન્યમાના: પરિયન્તિ મૂઢા અન્ધેનૈવ નીયમાના યથાન્ધાઃ।।

(મુંડકોપનિષદ: ૧/૨/૮)

“અવિદ્યાયામાં વસતા આ અતિમૂઢ આત્માઓ આત્મવંચનામાં પોતાને બુદ્ધિમાન સમજે છે અને મિથ્યા જ્ઞાનથી ફુલાઈને તેઓ અહીં-તહીં ઠોકર ખાતાં, એક આંધળો બીજા આંધળાને દોરીને લઈ જતાં જેમ ગોળગોળ ફરે તેમ ફર્યા કરે છે. સ્વામી વિવેકાનંદજી આ શ્લોક ટાંકીને કહે છે, “જગત આવા માણસોથી ભરેલું છે. પ્રત્યેક વ્યક્તિ ગુરુ બનવા માગે છે! પ્રત્યેક ભિખારી લાખ દાન કરવા ચાહે છે! આ ભિખારીઓના જેવા જ આ ગુરુઓ પણ હાસ્યાસ્પદ છે.”

આજકાલ તો આવા નકલી ગુરુઓનો જાણે રાફડો ફાટ્યો છે. ધર્મના ક્ષેત્રમાં કદાચ સૌથી વધુ છેતરામણી થાય છે. તેનું કારણ છે – લોકોને સાધના કર્યા વગર થોડા રૂપિયામાં ‘instant’ સમાધિ, નિર્વાણ, કુંડલિની જાગરણ વગેરે મેળવી લેવા છે. ચમત્કાર અને સિદ્ધિ મેળવવાના લોભમાં આવીને તેઓ નકલી ગુરુઓના ચક્કરમાં પડી જાય છે અને આવી રીતે ‘ગુરુ’ આવો મહાન શ્રદ્ધાસંચાર કરનારો શબ્દ પોતાની ગરિમા ગુમાવી રહ્યો છે.

એક મજેદાર વાર્તા આ પ્રસંગમાં કહેવાય છે. એક વ્યક્તિને મા કાલીનાં દર્શન કરવાની ઇચ્છા હતી, પણ સાધના કરવાની ઇચ્છા નહોતી. શોધખોળ કરતાં તેને એક ગુરુ મળ્યા જેણે પાંચસો રૂપિયા ગુરુદક્ષિણા લઈને કરાર કર્યો અને એક મંત્ર આપીને કહ્યું કે આ મંત્રનો જાપ કરવાથી ત્રીજે જ દિવસે મા કાલીનાં દર્શન થઈ જશે. ભક્ત તો રાજીના રેડ થઈ ગયા. બરાબર ત્રીજે દિવસે તે પોતાના ઓરડામાં બેસીને ગુરુએ આપેલ મંત્રનો જાપ કરી રહ્યો હતો ત્યારે અચાનક મા કાલી પ્રક્ટ થયાં. ભક્તે તરત જ સાષ્ટાંગ પ્રણામ કર્યા પછી માને પૂછ્યું – “મા, મેં તો સાંભળ્યું છે કે તારાં દર્શન મળે ત્યારે ભક્ત ખૂબ ગભરાઈ જાય છે. અથવા તો ખૂબ આનંદિત થઈ જાય છે. પણ મને તો આવી કોઈ લાગણી થઈ નથી, એનું શું કારણ હશે?” ત્યારે એક પુરુષસ્વર સંભળાયો, “આવા બધા પ્રશ્નોના ઉત્તર મને પેલા વ્યક્તિએ શિખવાડ્યા નથી. તેણે મને એકસો રૂપિયા આપ્યા છે. એટલે હું આ વેશ ધરીને આવ્યો છું.”

ઘણા લોકો આવી રીતે છેતરાય છે અને બળાપો કાઢે છે કે આજકાલ આવા ઠગ ગુરુઓ વધી ગયા છે. પણ આમાં વાંક કોનો છે? ‘પાંચસો રૂપિયામાં રેફ્રિજરેટર મળશે’ એવી જાહેરખબર વાંચીને કોઈ આવું રેફ્રિજરેટર ખરીદે અને પછી તે કામ ન કરે તો એમાં વાંક કોનો? પરિશ્રમ કર્યા વગર જે મફતમાં સમાધિ મેળવવા માગે, સિદ્ધિ-ચમત્કાર ચાહે તે પણ ઠગ જ છે. આમ આ તો બે ઠગો વચ્ચેની લડાઈ છે. એમાં જે વધારે બુદ્ધિમાન હોય તે જીતી જાય છે!

એટલા માટે મંત્રદીક્ષા લેતાં પહેલાં ચકાસણી કરી લેવી આવશ્યક છે, “ગુરુએ સાક્ષાત્કાર કર્યો છે કે નહિ?” એ વાત તો કદાચ આપણે ન સમજી શકીએ કારણ કે આ સ્વસંવેદ્ય વસ્તુ (subjective realisation) છે અને જેમણે ખરેખર આત્મસાક્ષાત્કાર કર્યો હશે તેઓ ક્યારેય તેનો ઢંઢેરો નહિ પિટાવે. પણ આપણે એટલું તો ચકાસી શકીએ કે તેમના ચારિત્ર્યમાં મૂળભૂત નૈતિક મૂલ્યોનો સમાવેશ થાય છે કે નહિ અને તેમનામાં લેવડદેવડની વૃત્તિ અથવા નામયશની આકાંક્ષા તો નથીને ? આવી ખાતરી કર્યા પછી મંત્રદીક્ષા લીધા પછી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક ગુરુના આદેશનું પાલન કરવું જોઈએ.

ઘણા એમ માને છે કે આપણે ગુરુની શોધની માથાકૂટમાં પડવું જ નથી. આપણે ઈશ્વર પાસેથી – અંતર્યામી પાસેથી જ જ્ઞાન મેળવી લઈશું. પણ આ પણ એટલું સરળ નથી. સ્વામી વિવેકાનંદજી કહે છે, જેણે પોતાનાં બંધન કાપી નાખ્યાં હોય એવા આત્માના શરણમાં જાઓ અને એ તમને કાળે કૃપાપૂર્વક મુક્ત કરી દેશે. તેનાથી પણ ઊંચી વાત છે – ઈશ્વરનું શરણ લેવું. પણ આ સૌથી વધુ મુશ્કેલ કાર્ય છે; એક સૈકામાં એકાદ જ આવી વ્યક્તિ મળે છે જેણે ખરેખર આમ કર્યું હોય.”

ખરેખર વાત તો એ છે કે આધુનિક મન ગુરુ બનાવતા અચકાય છે તેનું કારણ તેનો ‘અહં’ છે. એક મનુષ્યને ‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર:’ એવું સન્માન આપવું તેને અઘટતું લાગે છે. પણ તે ભૂલી જાય છે કે આ શ્લોક ગુરુમાં રહેલ ગુરુશક્તિને ઉદ્દેશીને કહેવામાં આવ્યો છે; નહિ કે ગુરુના ભૌતિકરૂપ, બાહ્ય ચાલચલનને અનુલક્ષીને. શ્રીરામકૃષ્ણ કહેતા “સચ્ચિદાનંદ જ ગુરુ છે.” આ સચ્ચિદાનંદ – ગુરુશક્તિ જ ગુરુમાં આશ્રય કરીને રહે છે, શિષ્ય પર કૃપા કરે છે. વળી ઘણા લોકોને એમ લાગે છે કે મંત્રદીક્ષા લેવાથી અમારી સ્વતંત્રતા છીનવાઈ જશે. પણ સાચા ગુરુ ક્યારેય આમ શિષ્યની સ્વતંત્રતા છીનવી નથી લેતા, પણ શિષ્યને ધીરેધીરે આધ્યાત્મિક પથ પર અગ્રસર કરીને તેનું મન જ ગુરુ બની જાય એવી સ્થિતિ પર લઈ જાય છે. આ એક લાંબી પ્રક્રિયા છે. જ્યાં સુધી સાધક આધ્યાત્મિક રીતે ખૂબ આગળ વધીને શુચિત્ત નથી થઈ જતો ત્યાં સુધી તેનું અશુદ્ધ મન તેને છેતરે એવી પૂરી શક્યતા છે. આ વિપદમાંથી ગુરુ બચાવી લે છે. એટલે જ કબીર કહે છે-

ગુરુ બિન કૌન બતાવે બાટ
બડા વિકટ યમ ઘાટ।।

ભ્રાંતિકી પહાડી નદિયા બીચમેં
અહંકાર કી લાટ।।

કામ ક્રોધ દો પર્વત ઠાઢે
લોભ ચોર સંઘાત।।

મદ મત્સરકા મેહ બરસત।
માયા પવન બહે દાટ।।

કહત કબીર સુનો ભાઈ સાધો
ક્યું તરના યહ ઘાટ।।

ગુરુપૂર્ણિમા પ્રસંગે જેમને પાતંજલ યોગસૂત્રમાં ગુરુઓના ગુરુ – ઈશ્વર – તરીકે આલેખ્યા છે એમના ચરણોમાં પ્રાર્થીએ કે સદ્ગુરુનું શરણ મળે, તેમનાં ચરણોમાં શ્રદ્ધા-ભક્તિ આવે.

Total Views: 135

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.