પીઢ અને પક્વ વયના ને વિચારે પણ પક્વ તેવા એક જૂના મિત્રનો બસપ્રવાસમાં સંગાથ થઈ ગયો. ખાસ્સી પૂરા એક કલાકની યાત્રા હતી. તેઓ અનુભવી ને હૈયાઉકલતવાળા પીઢ પુરુષ છે. તેઓ કદીક-કદીક મારા ઘરે આવે છે ત્યારે અમે ભારતીય રાજકારણ તેમજ ગુજરાતના રાજકારણની લંબાણથી અને વિગતે ચર્ચાવિચારણા કરીએ છીએ. તેઓ ચાના શોખીન હોવાથી તેના રાઉન્ડઝ પણ થઈ જાય.

તેઓ બસમાં મારી પડખે બેઠા ને આજે અમારા વચ્ચે એક નવા વિષયની વાત નીકળી. મેં પ્રશ્ન કર્યો: “આપણા તાલુકામાં ધર્મસ્થાનો કેટલાં?”

‘આપણો તાલુકો ધંધુકા. કસ્બાતી તાલુકો. મુસલમાનોનાં થાણાંનાં નગરો ને ગામો ઠીક સંખ્યામાં છે. પણ તમે આજે આ પ્રશ્ન કેમ કર્યો?’

‘ગણાવો પછીથી આગળ વાત કરીએ.’

‘તેમણે ગણાવા માંડ્યાં, ભીમનાથ મહાદેવ, સાળંગપુરના હનુમાન ને સ્વામિનારાયણ મંદિર (પ્રમુખ સ્વામીનું), તગડીમાં મહાપ્રભુજીની બેઠક ને એક જૈન તીર્થસ્થાન.’

‘ભાલમાં ભડિયાદા પીર ને ધોલેરામાં સ્વામિનારાયણનું ગઢડા જેટલી જ મહત્તા ભોગવતું મંદિર!’

‘બરાબર! આ બધાં મોટાં દેવસ્થાનો! બાકી રોજકામાં બૂટમા, આકરુમાં માધવાનંદ સ્વામીની જગા, જસકામાં કબીરમંદિર, નીલકાકાંઠે રણની દેવી, તેની બરાબર સામે ઉખડી ગયેલ ચારણ ખડસલિયા ગામનું એક નાનકડું શિવમંદિર ને પૂજારીની ઓરડી ને પડસાળમાં ધરમશાળા, જાવીલા ગામમાં બાલમશા પીર. આવાં સ્થાનકો પણ છે.’

‘તેઓ નિમ્ન સ્તરનાં લોકોનાં દેવસ્થાનો!’

‘બાકી હવે તો લગભગ દરેક ગામમાં રામજીમંદિર, શિવમંદિર, હનુમાન દહેરી, દાડમાદાદા, મામા જાળવાળા, ખોડિયાર મા, મેલડી મા, હરસિદ્ધ મા, સિંધુ મા, શિકોતરી : આવાં નાનાં-નાનાં દેવસ્થાનોનો આ દેશે પાર નથી.’

‘આ દેવસ્થાનો કેમ અસ્તિત્વમાં આવ્યાં હશે? તે ધર્મના પ્રવર્તકોનો આ દેવસ્થાનો રચવા પાછળ ક્યો હેતુ ને ખ્યાલ હશે?’

‘માનવને ધર્મમાં રસ લેતો કરવા!’

‘હું મોટાં મંદિરોની વાત કરવા ઇચ્છું છું. દેવસ્થાનો પણ માનવજાતને ઉપયોગી બને – તેમનાં સંકટ સમયે પડખે રહેવા સેવાવૃત્તિ દાખવે, તે માટે રચાયાં હશે, તેવું સૂઝે છે.’

‘આમાંના થોડાએ પણ આ આદર્શને મૂર્તિમંત કર્યો છે ખરો?’

‘તેની તો આપણને ક્યાંથી જાણ હોય? તમને શું ધર્મ માટે ને આવાં સ્થાનકો માટે શું લાગે છે?’

‘ધર્મ માટેના સમાજમાં પ્રવર્તતા ખ્યાલોમાંનો એક આદર્શ ખ્યાલ એ છે કે માનવને ધર્મ વડે સંસ્કારવાનો! માનવ આમ તો પશુ જ છે. તેનેય અન્ય પશુઓ જેમ જન્મ, જરા ને મૃત્યુના ચક્રમાંથી સોંસરા નીકળવું પડે છે. માનવ પશુ જ છે. અંગ્રેજીમાં કહેવત જેવું એક સુવાક્ય છે: A man is a social animal. તેને સામાજિક બનાવનાર તત્ત્વ છે તેની માંહેની ચિત્તવિત્તની શક્તિ. તે ચિત્તની પ્રક્રિયા જ તેને સંસ્કાર તરફનો ઊર્ધ્વગામી પથ ચીંધે છે. આ મૂડીના આધારે તે નરમાંથી નારાયણ બની શકે છે. આ ચિત્તવૃત્તિનો વિકાસ કરવાનો માર્ગ માનવને ધર્મ બતાવે છે.’

‘ધર્મનું આ કાર્યક્ષેત્ર છે?’

‘ધર્મનું તે કર્તવ્ય છે. ધર્મ માનવને વિવેકની દિશામાં લઈ જાય છે. માનવના મનમાં ધડીએ ને પળે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રની મનોદશા સરજાતી હોય છે, તેવી ઘડીએ માનવને વિવેકભર્યો માર્ગ બતાવે તે ધર્મબુદ્ધિ છે. આ જ વૃત્તિ વા મનનું વલણ તે છે ધર્મવૃત્તિ. આ શક્તિ વિવેકબુદ્ધિ દ્વારા સાંપડે છે. પણ આપણાં ગામડાંઓમાં વસતા ધાર્મિક લોકોમાં આ વૃત્તિ જોવા મળે છે?’

બસ દોડ્યે જતી હતી. મારા આ મિત્ર ખૂબ જ શાણા ને વિચારશીલ સ્વભાવના છે, તેથી તેઓ વિમાસણમાં પડી ગયા. તેઓ ખૂબ વિચાર કરીને મોં બહાર વેણના કાઢનાર છે. તેથી તે મૌન ધારણ કરીને ઠાવકી મુદ્રા મોં પર લાવીને શાંત બની બેઠા. ત્યારે મેં કહ્યું: ‘હમણાં મારા કાન પર આપણાં ગામડાંઓમાંથી એક ગામની એક વ્યક્તિની વાત આવી છે કે એક ધાર્મિક વૃત્તિના પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ કુટુંબના મોવડીના હાથે બની ગયેલ એક પ્રસંગની વાત.’

તે ગામમાં મહિલાઓ ભજનમંડળી ચલાવે. તેમાં કોઈ મહિલા દાનની રકમ આપે. આખા વરસમાં સારી રકમ દાનમાં આવી ને આમ ભંડોળ એકઠું થયું. મહિલાઓએ આ ભંડોળ પેલા પ્રતિષ્ઠિત અને ડોળધાલુ ધર્મવૃત્તિના ગ્રામજનને સોંપતાં કહ્યું: ‘આ રકમમાંથી ઉનાળામાં લીલો છાસટિયો ગાયોને લાવીને નીરજો.’

પેલા ભાઈએ આ શરતે આ દાનની વ્યવસ્થા કરવાનું માથે લીધું. તેઓ પાસેના ગામમાં છાસટિયો સાટવવા ગયા ને ચાર રૂપિયાના મણના ભાવે છાસટિયો સાટવ્યો પણ ખરો! તો છાસટિયાના માલિકે ધર્મવૃત્તિ બતાવીને ગાયના માટેનો છે તેમ માની ત્રણ રૂપિયાનો ભાવ ગણી હિસાબ કર્યો. જોકે ભાવ હતો રૂપિયા પાંચનો.

પેલા પાખંડી ભાઈ તો ત્રણ રૂપિયાના મણના ભાવે ગાડું ભરીને છાસટિયો લાવ્યા. તેને સૂકવીને તેમણે તો પોતીકી વખારમાં ભંડારી દીધો. અને ત્યારબાદ બજારભાવે – પાંચ રૂપિયાથીય ઊંચા ભાવે છાસટિયી લાવી ગાયોને નીરવા લાગ્યા.

‘હં!’ તેઓ વિચારમાં પડી ગયા. મેં કહ્યું: ‘નામ આપું?’ તે બાદ નામ આપ્યું કે તરત જ તે બોલ્યા: ‘તે તો હરિભક્ત કહેવડાવે છે. ચાર ધામની યાત્રા કરી છે. તેમના ખોરડે ભાગવત્ પારાયણો બેઠી છે. મહારાજ સિવાય બીજા શબ્દો ઓછા રહે છે તેમની જીભેથી! પૂનમ, અમાસ ને બે અગિયારસે તેમના ઈષ્ટદેવના દર્શને – ધર્મસ્થાન – દોડી જાય છે. દર્શનાર્થે. મંદિરમાં દરરોજ દેવદર્શને જાય છે. તેઓ જ દેવનાં પૂજાપાઠઆરતી કરે છે. સમૈયામાં જાય છે ને દેવધામમાં રસોઈ પણ આપે છે. આ કામો તેમણે તેમના હાથે કર્યાં?

‘હા, સ્વ હસ્તે જ. ત્યારે મારો પ્રશ્ન આ છે કે ગામદીઠ દેવસ્થાનો છે. આપણી આજુબાજુમાં ચોવિશ દેવસ્થાનોનાં ગામો છે. આપણા ગામમાં વરસદહાડામાં ઠીક સંખ્યામાં ભજનમંડળીઓ, સત્યનારાયણની કથાઓ અને ભાગવતકથાઓ બેસે છે ને પાંડુરંગ શાસ્ત્રીનાં સ્વાધ્યાયમંડળો પણ ગામડે ચાલે છે. ડોંગરેજી મહારાજ અને મુરારિદાસની કથાઓ સાંભળવા માટે ગામના લોકો દોડાદોડી કરે છે. ઠેક ગિરનાર ને દ્વારકા સુધી પણ લોક દોટાદોટ કરે છે. નાથદ્વ્રારા ને કાંકરોલડી પણ કોઈ-કોઈ દર્શનાર્થે જાય છે. છતાંય ધર્મનો સાચો ને પાકો રંગ તેમના દિમાગે ચડતો નથી. આજે ગ્રામસમાજમાંથી ધર્મભીરુતા ચાલી ગઈ છે. બધા જ પ્રકારની અનૈતિકતા આવા લોકના જીવનના ઊંડાણમાં દૃષ્ટિપાત કરતાં જોવા મળે છે. આમ કેમ?’

તેઓએ મોં ફાડ્યું: ’આપણે સૌ ધર્મના રસ્તે નથી. ધર્મનો માર્ગ અતિ વિકટ ને વિષમ છે. ધર્મના માર્ગ પર હોય, તે ટંકના રોટલા રળી ખાય. રહેવા જેવું ખોરડું ઉતારી શકે. છોકરાંઓને માંડ-માંડ ભણાવી શકે. તે માલવંત કદીય થઈ ન શકે.’

‘સમજ્યો! મંદિરોમાં નિત્ય જવું, દેવદર્શન કરવા, તેમના ચરણ સ્પર્શ, યાત્રાઓ કાઢવી અને ઇષ્ટદેવના મંદિરે વારતહેવારોએ હાજરી પુરાવવી, તે ડોળઘાલુ પાખંડીનું કામ છે. સંતનું તે કામ નથી. આવી વ્યક્તિ પાખંડી ઠગ છે. ધર્મશીલ વ્યક્તિ ત્યાગે છે. સંચય કરતો નથી.’

અમારી વાતનો મેળ આવી ગયો હતો. બસની ગતિ તે સાથે ધીમી પડવા લાગી. દૂરથી અમને અમારા ગામનાં ખોરડાં ને છાપરાં નજરમાં ઊપસવા લાગ્યાં. તરત જ ગામના નામનું એસ.ટી.એ લગાવેલ ગામપાટિયું અમે વાંચ્યું ને બસ ખડી રહી. અમે બસમાંથી ધરતી પર પગ મૂક્યા. બેઉ જુદાજુદા માર્ગે ફંટાયા. હું એકલો-એકલો મારા ઘર ગમી ચાલતાં-ચાલતાં મનમાં સોચવા લાગ્યો: ‘આજે – આજના યંત્રયુગમાં દેવમંદિરોમાંથી ધર્મનો પ્રવાહ – માનવસેવાનો- ફૂટતો જોવા મળતો નથી. ધર્મમંદિરો તમાસાનાં સ્થાનો વા મનોરંજનનાં સ્થળો બનવા લાગ્યાં છે. તેઓ માનવને સંસ્કૃત વા વિવેકી બનાવવાના બદલે વૈભવી બનવાનું શિખડાવતાં હોય તેવાં વરવાં દૃશ્યો જોવા મળે છે ધર્મમંદિરોમાં! આહ. ધર્મ તું આજે આ રસ્તે? માનવમાંથી માનવધર્મની સુગંધ ન ફોરતી હોય તો ધર્મે તેનું ધ્યેય – mission ગુમાવ્યું છે, તેમ માનવું રહ્યું. જો ધર્મમંદિર આ ધ્યેયને હાંસલ કરવામાં નિષ્ફળ ગયાં હોય તો તેમનાં અસ્તિત્વનો અર્થ શો? ભવિષ્યમાં તે પુરાવાને સોંપવાની ઇમારતી જ બનશે ને! અત્યારે તો સૂઝ છે કે ધર્મમંદિરો હોય કે ન હોય, બેઉ સ્થિતિ સરખી છે? ના, ન હોય તે વધુ ઉત્તમ છે. માનવ માલીપાથી જો સંસ્કારી ન બને, તો તે ધર્મમંદિરમાં જઈને સંસ્કૃત ન બનતો હોય તો તેવાં ધર્મમંદિરો ખડાં કરવાનો અર્થ શો છે? ધર્મ માનવર્મા પાખંડીપણું ને ઠગવિદ્યાને પ્રેરે ને ધર્મના ઓઠા નીચે ઝીણીઝીણી અધર્મ્ય પ્રવૃત્તિઓ કરે તો ધર્મ અધર્મ પ્રવૃત્તિને ઢાંકનારું એક મહોરું બનશે. આથી કરીને સમાજમાં આવા મહોરાં પહેલું માનવો જ્યાં-ત્યાં ધર્મનો સ્વાંગ ચઢાવી ઊભરાતાં થશે. આ સમાજમાં સાચા ધર્મશીલ માનવોને શોધવાનું કાર્ય ખૂબ મુશ્કેલ અને કપરું બનશે તો સમાજની સ્થિતિ દયનીય નહીં બને?’

ઘેર પહોંચ્યો, ગૃહલક્ષ્મીએ પીવા ને હાથપગમોં ધોવા પાણીની ડોલ ચોકડીમાં મૂકી. હાથપગ ધોતાં-ધોતાં મારાથી સહેજ ઉચ્ચ સ્વરે ઓચરાઈ જવાયું: ‘ના, ના! આ તે ધર્મ છે! નથી જ, નથી! ધર્મમાં હોય પ્રેમ, કરુણાભાવ, કોમળતા, ઉદારદૃષ્ટિ, સેવાભાવ પણ તેમાં જોઈએ. વળી સબ સે ઊંચી પ્રેમ સગાઈ!’

‘શું તમને આજે કોઈ સાધુજનનો ભેટો થઈ ગયો હતો? ને ‘તેમની સાથે લાંબી ચર્ચાગોષ્ઠિમાં વિરાજી ગયા હતા કે શું?’ મારી પત્નીએ સીધું તીર ફેંક્યું.

મેં ત્યારે માથું ધુણાવી હા પાડી ને બોલ્યો: ‘ધર્મ માટે સમજવા જેવી વાત લઈને આવ્યો છું. ધર્મ નિર્મળતા ને નિખાલસતાનો વેપાર છે. જે ચોક્ખો શુદ્ધ હોય તે જ ધર્મી છે!’

‘સમજી! એમ કહો ને કે તેય આપણામાં છે!’

વાતનો અંત આવી ગયો. મેં ફરીવાર માથું ધુણાવ્યું ને મારાં પત્ની સામે તાકી રહ્યો તે આચરવાની આશાએ. ધર્મ આચરણમાં છે, નહીં કે દંભમાં! દંભી ફટકિયા મોતી શો છે. ધર્મશીલ માનવ પારસમણિ!

Total Views: 211

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.