પ્રાર્થના એ વ્યક્તિનું આત્યંતિક ઝૂરણનું શબ્દસ્વરૂપ કે ધ્વનિ છે. ઈશ્વરતત્ત્વ કે પરમ તત્ત્વ સાથેનો નીરવ સંવાદ કે હૈયાની ગૂફતેગુ છે. સ્વયંના દોષનો સ્વીકાર, સ્વયંનાં પાપોનો એકરાર, સ્વયંના પામરપણાનો કે અહમ્ નો સ્વીકાર-ધિકકાર છે. કોઈપણ શરત વગરનો કરાર એ પ્રાર્થનાનું મૂળ-બીજ છે. પ્રાર્થના એ ઈશ્વર તત્ત્વની માત્ર પ્રશંસા જ નથી.
ઈશ્વર માનવીની પ્રશંસાથી ખુશ થાય છે? ખુશામત ખુદાને વહાલી છે? ના, ઈશ્વરતત્ત્વ સ્વયં સંપૂર્ણ છે, માનવની બુદ્ધિ-પ્રશંસાથી પર છે, પેલે પાર છે. માત્ર નામ-જપ, કર્મ-ક્રિયાકાંડ, તીર્થ-યાત્રા ઈશ્વરને ખુશ કરે છે? ના ઈશ્વર સ્વયં ક્રિયાઓથી પૂર્ણતમ છે. ઈશ્વરતત્ત્વ તો શ્રેષ્ઠતમ છે પછી તેની પૂર્તિ શી રીતે કરી શકાય?
હા, ઈશ્વરને કરેલી પ્રાર્થના તપ, જપ, યાત્રા કે હવનહોમ તો માણસની સ્વયંની “શુદ્ધિ” માટે છે. ઉર્ધ્વગામી યાત્રા માટેના સહારા છે. પ્રોત્સાહક બળ કે ચાલકબળ છે. માણસ સ્વયં પ્રાર્થનામય બને, શિવમય બને, સ્વયંમય બને કે સત્યમય બને તે પ્રાર્થનાનું રહસ્ય છે. પ્રભુની પ્રશંસા કરતાં-કરતાં સ્વયં પરમ બને, પામરનું પરમમાં વિલિનીકરણ પ્રાર્થનાના માધ્યમ દ્વારા શક્ય બને છે, સરળ બને છે.
લાલી મેરે લાલકી, જિત દેખું તિત લાલ,
લાલી દેખન મ ગઈ, મૈં ભી હો ગઈ લાલ.
ઈશ્વર સ્મરણ કરતાં-કરતાં ઈશ્વરમય બનવું એનું નામ પ્રાર્થના. દયા માગતાં-માગતાં દયાળુ, દોષ સ્વીકારતાં-સ્વીકારતાં નિર્દોષ, પાપ પોકારતાં-પોકારતાં નિષ્પાપ તેમજ અમને યાદ કરતાં-કરતાં નિરભિમાની નિર્દંભી બનવાનું-થવાનું પ્રાર્થના દ્વારા શક્ય છે.
પ્રાર્થના એ ચોકકસ સમય, સ્થળ, ભાષા કે શ્લોક-સ્તુતિ-શબ્દોમાં બહુ નથી. હૈયામાંથી નીકળેલાં ઉદ્ગારો-પંકિતઓ પ્રાર્થના બની જાય છે. પ્રાર્થના ભીતરની આરઝૂ છે. જે સ્વયં પ્રગટે છે તેના પ્રાગટ્યની કોઈ પણ પળ હોઈ શકે. કલાક સુધી ગાળેલા સમયમાં માત્ર એકાદ મિનિટ કે પાંચ-પંદર સેકન્ડ જ સાચા અર્થમાં પ્રાર્થનામય હોય છે. કોઈ ક્ષણે, કોઈ ઠેકાણે, કોઈપણ કારણે પ્રાર્થના થઈ શકે છે. છતાં દેવસ્થાન એ પ્રાર્થના માટેનું ઉત્તમ સ્થાન છે.
દેવાલયની બાંધણી, અવકાશ, સુગંધ પ્રાર્થનાને બળવત્તર બનાવે છે. પર્યાવરણ પ્રાર્થનાને મદદ કરે છે. તેથી દેવાલય કે આશ્રમ, સંત-કુટિર કે એકાંત પ્રાર્થના માટે શ્રેષ્ઠ ગણાયાં છે.
પ્રાર્થનામાં વ્યકિત સ્વયંને સમેટી લે છે. સ્વયંને સંજોવે છે. સ્વયંને શુદ્ધ કરે છે. પોતાના અસ્તિત્ત્વને કે વ્યકિતત્ત્વને પ્રાર્થના બિન્દુ પર એકાગ્ર કરી સ્વયંનું વિસ્મરણ કરે છે. હા, સ્વયંનું વિસ્મરણ વધે અને ઈશ્વરનું સ્મરણ સતત સચવાય અને સમયગાળો વધારે રહે તો વ્યકિત સમાધિ અવસ્થા સુધી પહોંચે છે. પ્રાર્થના આ રીતે સ્થૂળમાંથી સૂક્ષ્મ સુધીની યાત્રા કરાવી, પરમ તત્ત્વની નિકટ લઈ જાય છે અને પરમ તત્ત્વમાં ભેળવી દે છે.
મીરાંની પ્રાર્થના અવસ્થા, ચૈતન્ય મહાપ્રભુની કીર્તન અવસ્થા આ પ્રકારની સ્થિતિ છે. સ્વયંનું વિસ્તરવું.
વિશ્વના વિશ્વાસનું પ્રાર્થનાના શ્વાસમાં ઘૂંટન થાય છે. શ્રદ્ધા તત્ત્વ હૈયાની ખરલમાં ઘુંટાઈને જીવનામૃત બને છે. પ્રાર્થના તેથી જ પરમ શક્તિ છે. જે આત્મ શકિતને અનેકગણી પ્રતિભા આપે છે.
પ્રાર્થના અને પ્રેમ સ્વયંભૂ છે. વિશ્વ કલ્યાણની ઉદારતા પ્રાર્થના દ્વારા જ વ્યકિતમાં પ્રગટે છે. પ્રાર્થના તો ચેતનાનું ખીલેલું સુંદર ફૂલ છે જે હૈયાના કુંડામાં અસ્તિત્ત્વના અમી પીને ખીલે છે, ખુલે છે, વિકસે છે. વિસ્તરે છે.
Your Content Goes Here