(ગતાંકથી ચાલુ)

તપતિતિક્ષાવાળામાં દિગંબર કેશવાનંદ અવધૂતને ગંગોત્રીના વીંછી ડંખે એવા કમ્મરપૂર બરફીલા ગંગાપ્રવાહમાં રોજ બ્રાહ્મમુહૂર્તેથી મધ્યાહ્ન સુધી ઊભા રહી અઢારે અધ્યાય ગીતા વિષ્ણુસહસ્રનામ, દુર્ગા- સપ્તશતી, મહિમ્ન અને બીજાં સ્તોત્રો, એવા-એવા પાઠો સાદ્યંત કરતા મેં જોયેલા. પંદરેક વર્ષ અગાઉ દેવ થયા. કૃષ્ણાશ્રમ, રામાનંદ, ભૂરિયાબાબા (આખે શરીરે વાળ હતા તેથી તેવા કહેવાતા) વગેરે મીની કે બોલતા દિગંબર અવધૂતો ગંગોત્રીમાં બારેમાસ રહેનારા. ત્યાં મે-જૂનમાં પણ બરફ પડે. શિયાળે ઘર છાપરાં, મંદિર, ધર્મશાળાઓ ને સાધુઓની કુટિયાઓ બધું દસ દસ ફૂટ બરફ નીચે દબાઈ જાય, ને દેવમૂર્તિઓને પણ પૂરા છ મહિના ૨-૪ હજાર ફીટ નીચાણે પંડાગોરોને ગામે ખસેડવામાં આવે. પણ ત્યારેય આ નાગા મૌનીઓ સ્થાનાંતર કરતા નથી. એમની ચામડી જુઓ તો કાળી પડીને હાથીના ગામડા જેવી જાડી થઈ ગએલી.

ઉત્તરકાશીમાં હાલ વર્ષોથી ગંગાપાર રહેતા વિષ્ણુદાસ દિગંબર પણ તેવા જ. કલાકો સુધી ગંગાપ્રવાહમાં ઊભા રહી અખંડ પાઠ કરે ને અર્ધ્ય અંજલિઓ આપે. મૌન રાખે. ક્વચિત્ ક્યારેક બોલે. કુટિયામાં રાત્રે કોઈને રહેવા ન દે. પોતે દર્શનોના ખાસા વિદ્વાન છે. ભિક્ષા માટે અન્નછત્રમાં ન જાય. ગામલોક કંઈ પહાડી કોદરા નાગલી કે એવું રાંધેલું આણી આપે તે ગંગાકાંઠે જ બેસીને ખાઈ લે. ક્યારેક પોતે જ ભિક્ષાર્થે વસ્તીમાં જાય. ત્યારે લંગોટો મારે. પાછા આવીને ખોલી નાખે. ગામલોક કહેશે, “અમે ભિક્ષા આણી આપીશું,” તો કહેશે, “તમે શું કામ લાવો? જેને ભૂખ લાગે તે જાય લેવા!”

થોડાં વરસ પર અલ્લાહાબાદ હાઈકોર્ટના કોઈ કાશ્મીરી પંડિત જડજ ઉત્તરકાશી આવેલા. બિરલા ધર્મશાળામાં ઉતારો. બે-ત્રણ દિવસ સુધી વિષ્ણુબાબા પાસે ગયા. કહે. “આપને સારુ સગવડવાળી કુટિયા બાંધું. બરદાસી રાખું. ભિક્ષા-પ્રાવરણ બધી વાતે પૂરી ગોઠવણ કરું, માસિક રૂ।. ૨૦૦ સુધી ખરચું.”

તગેડી મૂક્યો. કહે, “ફરી આવી વાત કરવા આવ્યો, તો આ ગંગાજીના ગોળ પથરે પથરે મારીશ.”

દયાળસ્વામી અને પ્રબોધાનંદ ૧૯૪૬ના અરસામાં ગંગોત્રીથી ગોમુખ (૧૪,૦૦૦ ફીટ), નંદનવન (૧૬,૦૦૦), કાલિંદીઘાટ (૧૯,૫૧૦)નાં બરફાનો ખૂંદી ચાર દિવસમાં સીધા બદરીનાથ પહોંચેલા. એમની સાથે બીજા ૩-૪ સાધુઓ અને ગંગોત્રીપ્રદેશનો એક પહાડી, એટલા હતા. બધા પાસે ફક્ત બબ્બે કંબલ ઓઢવાપાથરવા અને એક જણ પાસે ઊની સ્વેટર ને ગૉગલ્સ હતાં. સૌથી કઠણ એક દિવસનો રસ્તો કાપવા એક દિવસ કામ આપે એવાં ઘાસ કે વેસ્ટ કૉટનનાં ચંપલ હાથે બનાવી લઈ ગએલા. ચા કરી પીવા બળતણની નાની ભારીઓ, ઘઉંના ૪૨ રોટલા અને ૨૦ રતલ મગજના લાડુ, એટલું પીઠે ઊંચકીને લઈ ગએલા. એક-બે રાત્રીઓ બરફનાં ગ્લેશીઅરો ઉપર સૂઈને એમને ગાળવી પડેલી.

જાત્રાળુઓ જાય છે તે રસ્તે ગંગોત્રીથી બદરીનાથ ૨૦૦ માઈલ જેટલું થાય ને ૨૦ દિવસ લાગે. આ લોકો ઊંચી બરફમાળાઓ અને ગ્લેશીઅરો ખૂંદી પાંચમે દિવસે પહોંચ્યા! ૨૦-૨૫ માઈલના આ બરફાની પ્રદેશમાં ૧૮ હજારથી વધુ ફીટ ઊંચાઈનાં બસેં જેટલાં શિખરો છે, ને ૨૦ હજારથી વધુ ઊંચાં ૨૫ જેટલાં કે વધુ! સ્વીસ પર્વતારોહીઓની એક ટોળી એ જ વર્ષોમાં આ પ્રદેશમાં શાસ્ત્રીય સંશોધન અર્થે ગયેલી. તેમણે બે લાખ રૂ।. એમની દોઢેક માસની યાત્રા પાછળ ખરચેલા. આપણી સાત જણની સાધુ ટોળીને થયેલી ખરાજાતનો આંકડો રૂા. ૪૦!

એમની અગાઉ બર્ની નામનો કોઈ અંગ્રેજ એકવાર આ કાલિંદી ખાલ (ઘાટ) ઓળંગીને ગએલો ને પોતાનું નામ અમર કરવા આ ઘાટને ‘બર્ની પાસ’ એવું નામ આપેલું. (તાજેતરનાં વર્ષોમાં બીજી એક સાધુટોળી અને એક અલાહાબાદની, એમ બે ટોળી એ રસ્તે જઈ આવી.)

*

સંઘ, સંસ્થા, આશ્રમો, મઠો, ઈ. દ્વારા સેવા કરનાર પ્રવૃત્તિવાદી સાધુઓની દુનિયા પણ બહુ મોટી છે. એમની સેવામાં જૂનાં પરંપરાગત મઠમંદિરો, સખાવતો આદિના વહીવટ વગેરે આવે છે. પણ આજકાલ ઘણામોટા પાયા પર ચાલતી સમાજસેવાના સંઘો, સંસ્થાઓ, આશ્રમો ઈ.નાં સંચાલન વગેરે પ્રકારની સેવા વિશેષ હોય છે. આ બધી સેવાઓ કરનારા કર્મયોગી સાધુઓ મોટેભાગે શિક્ષિત અને પશ્ચિમની સંગઠિત સેવાસખાવતો (organised charity)ના સંસ્કારોથી પ્રભાવિત થએલા હોય છે. આમ છતાં ઘણીવાર એ બધી ‘સેવા’ છીછરી, સકામ અને પાશ્ચાત્ય સેવાસંસ્થાઓ તેમજ પ્રવૃત્તિઓની નબળી નકલથી વધુ નથી હોતી.

આવા એક મોટા વિદ્વાન સંન્યાસીને હું ઓળખું છું જે ખૂબ યશસ્વી દુન્યવી કારકિર્દી પછી સંન્યાસી થયા. પણ મનના કરોળિયાએ જાળાં ગૂંથવાં છોડ્યાં નહિ. જ્યાં જઈને બેઠા ત્યાં સેંકડોને પોતાની આસપાસ ભેળાં કર્યાં. આજે મકાનો, મંદિરો, ધર્મશાળાઓ, પ્રચાર, ભક્તો યાત્રાળુઓને રહેવાસૂવા, નહાવાખાવાની તથા દેવ દર્શનની વ્યવસ્થા, રસોડા, દાન, બજેટો, હિસાબો, છાપકામો, પ્રકાશનો, ખાસ ટપાલઑફિસ, ફોટોનાં પ્રોસેસખાતાં, સ્ટેનોટાઈપિસ્ટો, કારકુનો, ચોકીદારો હલાલખોરોના સ્ટાફ, ફર્સ્ટ એડ, દવા શુશ્રૂષા, ઇસ્પિતાલ, મુલાકાતો, સંમેલનો, પરિષદો, રોકાણો, મુલાકાતીઓ જોડેની અપોઈન્ટમેન્ટો તમામ દુનિયા સંન્યાસના આશરા હેઠળ ઊભી થઈ ગઈ છે. ભલા ભાઈ! મોચીંડાના મોચીડા જ રહેવું હતું તો ‘જૈસે થે’ શા ખોટા હતા? માથું મુંડાવવાના ને ભગવાં પહેરવાના ખટાટોપમાં શા સારું પડ્યા.

બીજા એક રીતસરના ભગવાંધારી ખટશાસ્ત્રો ભણેલ સંન્યાસીએ કરુણાબળે અને સેવાની ધગશે ટચૂકડાં ગામોમાં પગે ફરીને માંદાંઓની દવાસેવાથી શરૂઆત કરી. વીસ વરસ બાદ આજે ગામની મ્યુનિસિપાલિટી કે પંચાયતના પ્રમુખ થયા છે. નથ્થુભાઈની નામના નાનામોટા સરકારી અમલદારોને ગળે જનકલ્યાણની પોતાની નાનીમોટી યોજનાઓ ઉતરાવવા સારુ રોજ જોડા ફાડે છે ને વલોણાવારે બિસ્તરો બાંધી જિલ્લામથક કે રાજધાનીનાં શહેરોની ખેપો કરે છે. પણ અફસોસ! એમનું, કાં જનતાનું, કિસ્મન યારી આપતું નથી. હવે નંદાજીના ‘સાધુસુધાર મંડળ’માં સામેલ થઈને કિસ્મત અજમાવી જુએ.

આવા સાધુઓ પરમાર્થ અને સમાજસેવાના ઊંચા આદર્શોથી શરૂઆત કરી સેવાને નામે ક્યારેક સાવ દુન્યવી લાંચરુશવત પાઘડી કાળાંબજારના વહેવારોની સપાટી સુધી ચાતરી જતા હોય છે. એટલું જ નહિ પણ ક્યાં આપણે આપણા પોતાના સ્વાર્થને સારું કર્યું છે? પરમારથને કારણે કર્યું એમાં શરમ શી? એવું આત્મગૌરવ પણ લેતા હોય છે!

આવા એક સંન્યાસી એક મોટા શહેરમાં પ્રકાશન ખાતું ને છાપખાનું ચલાવતા. એ જ શહેરમાં ગાંધીખાતું પણ ચાલે. બન્ને ઠેકાણે એકસરખી ધમાલ, બેઉને ત્યાં છાપખાના સારુ વીજળી આવી. બધું ફિટિંગ થઈ ગયું. પણ મ્યુનિસિપાલિટીના લાંચિયા વીજળી ઇન્સ્પેક્ટરો ઝટ પાસ કરીને ચાલુ કરી આપવાનું ઢીલમાં નાખ્યાં કરે.

‘પ્રૅક્ટિકલ’ સંન્યાસીજીએ રૂા. ૧૦૦ની નોટ ઇન્સ્પેક્ટરના ગજવામાં સેરવી દીધી. વળતી સવારે કામ ચાલુ! ગાંધીવાળો વેવલો ઠર્યો. એનું કામ દિવસો સુધી રખડ્યું. સંન્યાસીજીએ કોઈ નિકટના સજ્જનને આ વાત એવા પૉરસથી કરેલી કે “પરમારથનાં કામોમાં વેવલા થવા બેસીએ તો નુકસાન કોનું થાય? જનતાનું જ ને?”

(ક્રમશ:)

(‘ધરતીની આરતી’માંથી સાભાર)

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.