જીવનમાં સુખ-દુ:ખ સાપેક્ષ છે. જુવાર બાજરાનો રુખ્ખો-સૂક્કો રોટલો ખાનાર મિષ્ટાન્ન જમનારની થાળી તરફ નજર કરે તો રોટલો નિ:સ્વાદ અને દુ:ખદ લાગે. પણ એ જ નજર જેમનો અડધો રોટલો ય નસીબ નથી હોતો તેમના તરફ મંડાય તો એ જ રોટલો સંતોષ, સુખ આપનારો બની રહે. સમાજમાં પોતાનો રોફ જમાવવા નિરર્થક દંભ, મોભા ન રાખીએ તો કેવું સરળ – સાદું વિનમ્રતાભર્યું સુખી-સંતોષમય જીવન જીવી શકાય! સાદગી – વિનમ્રતા અને સરળ – સહજતા જીવનનું સાચું મોણ છે. સંત ફ્રાન્સિસના અનુયાયી ધર્મપુરુષોનાં જીવન ફ્રાન્સિસના ત્યાગ-વૈરાગ્ય સહૃદયી સરળતાના રંગે રંગાયાં હતાં. એમને મન ભૌતિક સુખ સગવડ કરતાં પ્રભુમય જીવન સાધના અને ‘ચલાચલી કે બિચમેં ભલા ભલી કર લે’ – એ જ અગત્યનાં બની રહ્યાં હતાં. ‘ખાલી ખભ્ભે ખેપ ખેડશું ખાસી’ના ઉપાસકોના પોરમિંક્યુયિના સેન્ટ મૅરી મઠની મુલાકાતે એક વખતના ઓસ્ટ્રિયના વડા ધર્મગુરુ અને તત્કાલીન ખ્રિસ્તી – ધર્મના વડા પોપ ગ્રેગરી (નવમા) આવ્યા હતા. તે પોપ ધર્મરાજા ખરાને એટલે એમની સાથે અંગ રક્ષકો, ઉમરાવો, પાદરીઓ અને સેવકોનો મોટો રસાલોય ખરો. આવા ભવ્ય પોપ ભવ્ય ભાવ ભભકા સાથે પ્રવેશ્યા સેન્ટમૅરીના મઠમાં. આ મઠના સાધુઓની કુટિરોની મુલાકાત લીધી અને પોપ ગ્રેગરીને સાધુજીવનનો સાચો ખ્યાલ આવી ગયો.

સેન્ટ ફ્રાન્સિસના આ સંન્યાસી બંધુઓ સૂવા માટે ગાદી તકિયાને બદલે જમીન પર પડ્યા રહે છે – શય્યાભૂમિતલ બની ગયું. એમનું સુખ. થોડાં ભાંગલા-તૂટલાં ઠામ વાસણમાં જમવાનું, એકાદ-બે જોડી સાદાં કપડાં, સુખસગવડતાભર્યાં મકાનો, રાચરચીલું, ભોજનાલયો કે ઠાઠમાઠનું ક્યાંય નામ નિશાન નથી છતાંય કેવાં સુખ – આનંદ – સંતોષથી જીવન જીવે છે એ સાધુઓ! આ બધું જોતાંની સાથે જ સાપની કાંચળીની જેમ પોપના માન – મોભા – અહંકાર – ઠાઠમાઠની વૃત્તિ ખરી પડી. એની ભીતર રહેલો સાદો – નરમ – સહજ – વિનમ્ર ઈશુ જાગી ગયો. પોતાની જાત પર તિરસ્કારની લાગણી જન્મી. એના હૃદયમાંથી શબ્દો સરી પડ્યા: ‘જુઓ તો ખરા, સેન્ટ ફ્રાન્સિસના આ ભક્તો-ઈશુના આ પરમ ઉપાસકો કેવું સાદું જીવન જીવે છે; કઠણ ભૂમિને કોમળ પથારી બનાવીને કેવી રીતે સૂઈ શકે છે! અને આપણે કેટકેટલી ભૌતિક સુખ સગવડો ભોગવીએ છીએ? ખરેખર આપણે સાધુ ધર્મગુરુ બનવાને પાત્ર નથી. ભગવાન ઈશુ આપણને માફ નહીં કરે. આપણું શું થશે? હે પ્રભુ! અમને તારા ચરણમાં લઈ લે – અમને સંત ફ્રાન્સિસના પ્રબોધેલા માર્ગે ચાલવાની સન્મતિ આપ. પોપ ગ્રૅગરી અને તેની સાથે આવેલા સંન્યાસીઓ ૫૨ સંત ફ્રાન્સિસના આ અનુયાયીઓના સાદગીપૂર્ણ, સંતુષ્ટ, પ્રભુપરાયણ જીવનની એટલી ઘેરી અસર પડી કે એમણે સંત ફ્રાન્સિસના પગલે-પગલે ચાલવાનો નિર્ણય કરી લીધો.

પરિવ્રાજક સ્વામી વિવેકાનંદનું સંન્યાસીજીવન, ભગવાન બુદ્ધ-મહાવીરનું તપસ્વી જીવન, રામનું વનવાસી જીવન, ભગવાન શ્રીરામકૃષ્ણનું અકિંચન જીવન શું આપણા સૌ માટે પૂરતાં માર્ગદર્શક નથી? જીવનની આ જડીબુટ્ટી જેને જડી જાય તેમનું જીવન ધન્ય બની જાય.

સંકલક: શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 91
By Published On: August 1, 1993Categories: Sankalan0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram