(તબીબી ક્ષેત્રે હિંસા: લેખકો: ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોયા મહેતા, પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, કિંમત: રૂ. ૨૦, પૃષ્ઠ ૧૧૯)
એપ્રિલ, ૧૯૯૩ના “શ્રીરામકૃષ્ણ જ્યોત”ના અંકમાં, ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા લિખિત પુસ્તક ‘ઘડપણ, રોગ અને મૃત્યુ’ પરથી ‘મૃત્યૂપનિષદ’ નામનો એક સમીક્ષાલેખ પ્રકાશિત થયો છે. વાચકો, મિત્રો અને સ્નેહીજનોએ એ લેખને વધાવી લીધો અને લોકોમાં જાગૃતિ લાવે, લોકો સ્વતંત્ર રીતે તંદુરસ્ત જીવન વિશે વિચારતા થાય એ પ્રકારનો બીજો લેખ આપવા સૂચન કર્યું. કુદરતને કરવું અને મારા હાથમાં, એ જ બે ડૉક્ટર – મિત્રો, ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતાનાં બે પુસ્તકો ‘કૅન્સર – કેટલીક ભ્રમણા, કેટલુંક સત્ય’ અને ‘તબીબી ક્ષેત્રે હિંસા’ આવી પડ્યાં. હૃદયને હચમચાવી મૂકે અને આંખો પરનાં અજ્ઞાનનાં પડળો દૂર કરે એવી સચોટ વાતો ખૂબ જ હિંમતપૂર્વક આ બન્ને ડૉક્ટર મિત્રોએ આપણી સમક્ષ મૂકી છે. આ ગજવેલ સત્યને આપણે જેટલું સમજીશું એટલા પ્રમાણમાં સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી શકીશું અને મૃત્યુની ગોદમાં શાંતિથી પોઢી શકીશું.
કૉલેજકાળ દરમિયાન ‘કલાપીનો કેકારવ’ ભણતા. એમાં ‘શિકારીને’ કાવ્ય ભણવામાં આવતું. યાદ આવે છે એ કાવ્યની પહેલી બે પંક્તિઓ-
રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું,
ઘટે ના ક્રૂરતા આવી આ વિશ્વ આશ્રમ સંતનું.
વિશ્વ તો સંતનો આશ્રમ છે, એમાં હિંસક પ્રવૃત્તિ ન શોભે.
“તબીબી ક્ષેત્રે હિંસા” નામના પુસ્તકમાં વિશ્વમાં આ ક્ષેત્રે ફેલાયેલી કદરૂપી હિંસાની જ્વાળાઓએ લોકોનો કેવો ભરડો લઈ લીધો છે એનો હૂબહૂ ચિતાર આપ્યો છે. વાંચીને આપણે તો સ્તબ્ધ બની જઈએ છીએ. આ પુસ્તકના આવરણપૃષ્ઠમાં છેલ્લે બતાવ્યું છે: માનવધર્મની દૃષ્ટિએ શ્રેષ્ઠ ગણાતા તબીબી વ્યવસાયમાં આજે અનેક દૂષણો પ્રવેશી ગયાં છે. આમ કેમ બન્યું એની નિખાલસ ચર્ચા કરતું આ પુસ્તક ડૉ. મનુ કોઠારી અને ડો. લોપા મહેતાએ લોકો પાસે મૂક્યું છે. એમનાં વિશ્લેષણમાં ડંખ કે પૂર્વગ્રહ નથી પણ આ વ્યવસાયમાં ઘૂસી ગયેલાં દૂષણો શોધવાની તીવ્ર મથામણ છે.
દર્દી કે દર્દીનાં સગાંવહાલાંને મન ડૉક્ટર એટલે સફેદ કપડાંમાં સજ્જ દેવદૂત. પરંતુ રક્ષક જ્યારે ભક્ષક બને છે ત્યારે સમાજમાં કેટલી હિંસા ફેલાય છે એ આ પુસ્તકમાંથી જાણી શકાય છે. હિંસાનો આ દોર કેવળ માનવજાત પૂરતો જ સીમિત ન રહેતાં પશુપક્ષી, ઝાડપાન, પ્રાણીજગત તેમજ વાતાવરણને આવરી લે છે.
હિંસાનાં પરિબળો
ડૉક્ટર પોતે સર્વ શક્તિમાન છે એવો ઘમંડ સેવતાં હિંસા આચરવા પ્રેરાય છે અને પરિણામે દર્દી બિનજરૂરી વેતરાઈ જાય છે. દર્દી ખિસ્સાની ને શરીરની બન્નેની પાયમાલી નોતરે છે. ડૉક્ટરમિત્રો જણાવે છે, હિંદુસ્તાનમાં કેટલાય વૈદ્યકીય દલાલો પૈસો કમાવા માટે અજાણ, અજ્ઞાત, અભણ, લાચાર, દેવાદાર, ગરીબ વ્યક્તિઓને નજીવી કિંમત ચૂકવી એના શરીરના અમૂલ્ય મૂત્રપિંડ ખરીદી લે છે, મૂત્રપિંડ આપનાર અભણ, ગરીબ વ્યક્તિના હાથમાં માત્ર ૩૦,૦૦૦ રૂપિયા જેવી રકમ આવે છે. જ્યારે સર્જનના શસ્ત્રાગારમાં દોરનાર દલાલ ૫૦,૦૦૦ કે વધુ રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકે છે.”
સાધનો અને દવાઓ પાછળની આંધળી દોટને લીધે ડૉક્ટરની કામગીરી પોલીસના કારોબાર જેવી થઈ ગઈ છે. ક્યાંય રોગનું સામાન્ય ચિહ્ન જણાય કે એને ડફણું મારીને દબાવી દે પણ દબાવવા માટે એવી જલદ દવા વાપરે કે એક રોગ દબાય તો બીજો વધુ ખરાબ રોગ ઊભો થાય. લેખમિત્રો આધુનિક તબીબીશાસ્ત્રનો વણલખ્યો નિયમ ટાંકે છે, “રોગને જડમૂળથી ઉખેડી નાખવા માટે દર્દી પર ઉંચ માત્રાના ઉપચારનો પ્રહાર કરવો. પરંતુ એ જ રોગ ડૉક્ટરને પોતાને થાય તો ઓછામાં ઓછો ઉપચાર લેવો.”
તબીબીક્ષેત્ર અને પ્રાણીઓ
તબીબીશાસ્ત્ર સંશોધનના બહાના હેઠળ સૌથી વધુ પ્રાણીઓનો ભોગ લે છે. અત્યારે ફક્ત અમેરિકામાં જ દર વર્ષે ૨૩ હજાર ઘેટાં, ૪૬ હજાર ડુક્કરો, ૮૫ હજાર વાંદરાઓ, ૨ લાખ બિલાડીઓ, ૨ લાખ કાચબા, સાપ, ગરોળીઓ વગેરે, ૫ લાખ કૂતરાઓ, ૭ લાખ સસલાંઓ, ૧૭ લાખ પક્ષીઓ, ૨ કરોડ દેડકાંઓ, ૪ કરોડ ઉંદર આમ પશુ, પંખી કે અન્ય જીવસૃષ્ટિનો ભોગ લેવાથી પર્યાવરણમાં પણ સમતુલા તૂટે છે. પરિણામે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. પ્રાણીઓ પણ લાગણીશીલ છે એ જાણવા છતાં આપણી સંવેદનશીલતાને આપણે બુઠ્ઠી બનાવી દઈએ છીએ.
તબીબીક્ષેત્ર અને કુદરત
તબીબીક્ષેત્ર સૌથી મોટો ભોગ કુદરતનો લે છે. ઍન્ટિબાયોટિક્સ બનાવતાં કારખાનાંઓમાંથી બહાર ઠલવાતા નિરુપયોગી અને વિષમય બગાડને કારણે ગંગા જેવી પવિત્ર નદી પણ દૂષિત થઈ ગઈ છે.
તબીબીક્ષેત્રે હિંસાનિવારણ
તબીબીક્ષેત્રે ફેલાયેલ હિંસા શી રીતે દૂર થઈ શકે? બન્ને ડૉક્ટરમિત્રો નીચે પ્રમાણે ઉપાયો સૂચવે છે:
(૧) કંઈ પણ નુકસાન ન કરો.
(૨) દર્દમાં રાહત આપો.
(૩) દર્દીને ડૉક્ટર, દવા અને રોગની ગુલામીમાંથી મુક્ત કરો.
(૪) મન, વચન અને કર્મથી હિંસા થતી અટકાવો.
તબીબીક્ષેત્રમાં હિંસાનાં અમુક દૃષ્ટાંતો સૌને હચમચાવી દે છે.
એક માતા પોતાના દીકરાને લઈને ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે કંઈ ભળતું જ ઇન્જેક્શન આપ્યું. પરિણામે એના પગમાં તકલીફ થઈ. ડૉક્ટરોએ પગ કાપવાનું સૂચન કર્યું. માતાએ ન સ્વીકાર્યું. થોડા સમય પછી બાળકનો એ જ પગ કામ કરતો થઈ ગયો. ડૉક્ટરોની ચુંગાલમાંથી છોકરો છટકી ગયો.
હમણાં-હમણાં બિનશાકાહારી લોકો દેડકાંના પગ ખાવાને ચાળે ચડ્યાં છે. વિદેશી હૂંડિયામણ કમાવા માટે કરોડો રૂપિયાનાં દેડકાંઓની પરદેશમાં નિકાસ કરવામાં આવે છે. લેખમિત્રો જણાવે છે, “આખું પ્રાણીજગત માનવ વિના જીવી શકશે, પણ માનવજાત પ્રાણી વિના નહિ જીવી શકે.”
મનુષ્યદેહ મળવો દુર્લભ છે, એથીયે વધુ દુર્લભ છે તંદુરસ્ત જીવન; પરંતુ સૌથી વધુ દુર્લભ તો છે પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય, પશુ-પંખી કે અન્ય જીવસૃષ્ટિ સાથેનું સૌહાર્દ.
‘અમૃતમ્’ નામની પુસ્તિકામાંથી ‘પ્રેરણા’ વિભાગ માંહેની એક સુંદર પ્રેરણા આપણને જીવન વિષેની સાચી દૃષ્ટિ બક્ષે છે. તો ચાલો માણીએ અને જાણીએ એ પ્રેરણાને:
જીવન અભિશાપ નથી, અકસ્માત પણ નથી,
અંધ પ્રકૃતિનું સર્જનેય નથી,
માનવ જીવન પ્રભુ-પ્રદત્ત છે,
અમૂલ્ય ઉપહાર છે,
વિરલ અવસર છે.
દેવત્વની અતિ નિકટ છે,
ચેતનાની શિખરપ્રાપ્તિ શક્ય છે,
જગતનું યથાર્થ દર્શન ત્યાં થાય છે,
જગન્નિયંતાની લીલા-પ્રતીતિ થાય છે.
જીવનને અર્થ મળે છે,
અસ્તિત્વ આખું ઉત્સવ બને છે.
(નાથાલાલ હ. જોશી)
સંદર્ભ: અમૃતમ્: નાથાલાલ હ. જોશી, પ્રકાશક: દુર્ગાશંકર જ. ભટ્ટ, પ્રમુખશ્રી, ભગવત સાધન સંઘ, ગોંડલ..
Your Content Goes Here