સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ આધુનિક ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. ભારતના આધ્યાત્મિક સંદેશનો પ્રચાર કરવા સ્વામીજી પશ્ચિમના દેશોમાં ગયા હતા. એમનું પશ્ચિમનું પ્રયાણ આ ભારત પરિભ્રમણ અવસ્થામાંથી સ્ફૂર્યું હતું. પરિવ્રાજક – સ્વામી વિવેકાનંદે ભારતની સાંસ્કૃતિક એકતાનું દર્શન કર્યું હતું. સાથે-સાથે ભારતનું પછાતપણું, તેનાં કારણો, ગરીબોની અવહેલના તેમ જ તેમના પ્રત્યેની ધૃણા વગેરે પણ જોયાં. એને પરિણામે એમણે ભારતના પુનરુત્થાનનો માર્ગ શોધી કાઢ્યો. ભારતના પુનરુત્થાન તેમજ ભારતની ભિન્ન-ભિન્ન સાંસ્કૃતિક કડીઓને એકસૂત્રમાં બાંધવાની વાત પણ વિશ્વના આ મહાન સંન્યાસીના મનમાં ઊગી આવી. રીતે પણ અને સાથે-સાથે ભારતની રાષ્ટ્રીય ચેતના શક્તિના જાગરણ માટે પણ સ્વામીજીના ભારત પરિભ્રમણનું મહત્ત્વ જરાય ઓછું આંકી શકાય તેમ નથી.

શિકાગો ધર્મસભામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન અનન્ય રહ્યું છે. એક ધર્મ બીજા ધર્મથી ચડિયાતો છે કે કોઈ ધર્મ કોઈ ધર્મથી ઉતરતો છે – આવી ભ્રામક વિચારધારાના સ્થાને બધા ધર્મો સમાન છે, એક ધ્યેય સ્થાને પહોંચાડનારા જુદા-જુદા પથ માત્ર છે, એવો સંવાદી ભાવ-વિચાર સ્વામીજીએ સૌ પ્રથમ વિશ્વ સમક્ષ મૂક્યો એ એમનું મહત્ત્વનું ઐતિહાસિક પ્રદાન છે. આ ધર્મસભામાં સ્વામીજીએ ભારતની ઉચ્ચગ્રાહી આધ્યાત્મિક – સાંસ્કૃતિક પરંપરાના ગૌરવમય ભૂતકાળનો પણ વિશ્વના લોકોને અનુભવ કરાવ્યો તેમ જ વૈશ્વિક ચેતનાની જાગૃતિ માટે ભારતની પ્રજાની એક મોટી જવાબદારી છે તે પણ સુપેરે સમજાવ્યું.

આ ઐતિહાસિક ઘટનાને સો-સો વર્ષનાં વહાણાં વહી ગયાં છે. એટલે જ સ્વામીજીના ભક્તજનો, તેમના પ્રત્યે શ્રદ્ધા-ભાવ ધરાવનારા વિવિધ દેશોના વિદ્વદ્જનો સ્વામીજીના મહાન પ્રદાનને ધ્યાનમાં રાખીને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના મુખ્ય કાર્યાલયમાં શ્રીમત્ સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના સંયોજકપણા નીચે એક શતાબ્દી સમારોહ સમિતિની સંરચના કરવામાં આવી છે.

આ પાવનકારી પર્વ નિમિત્તે એક “વિશેષ સ્મરણિકા” બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર ૧૯૯૪ સુધીમાં આ સ્મરણિકા બહાર પડશે. દેશ-વિદેશના મૂર્ધન્ય પંડિતોના અભ્યાસપૂર્ણ લેખો, સ્વામીજીના મહત્ત્વના પ્રદાન વિષેના અભ્યાસ લેખો, સ્વામીજીના સંદેશને અનુસરીને થયેલા માનવ સેવા કલ્યાણનાં કાર્યો વગેરે વિશેની લેખનસામગ્રી આ સ્મરણિકાનું આકર્ષણ બની રહેશે. ડૉ. આર. કે. દાસગુપ્તાના પ્રમુખસ્થાને વરિષ્ઠ સંન્યાસીઓ અને વિદ્વાનોનું એક સંપાદકમંડળ આ સ્મરણિકાનું સંપાદન કાર્ય કરશે.

૧૮૯૩માં જે ધર્મસભા શિકાગોમાં યોજાઈ હતી એવી ધર્મસભાનું આયોજન ૧૯૯૩માં કલકત્તા શહેરમાં કરવાનો નિર્ણય કર્યો છે. આ ધર્મસભાના શતાબ્દી સમારોહનો ૧૧ સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ પ્રારંભ થશે અને ૨૭મી સપ્ટેમ્બર ૧૯૯૪ના રોજ તેની પૂર્ણાહુતિ થશે. સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા સમારોહને પણ આ અવસર સાથે યોગ્ય માત્રામાં સંલગ્ન રખાશે. આ પર્વ નિમિત્તે પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજીમાં સ્વામીજીનાં શિકાગોનાં સંભાષણ વિષે પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવશે, જેને પોષક મૂલ્યથી જનતા સમક્ષ મુકવામાં આવશે. રામકૃષ્ણ મઠ અને મિશનના શાખા કેન્દ્રો, ભક્તમિત્રો દ્વારા સંચાલિત અનૌપચારિક કેન્દ્રો તેમજ સામાન્ય જનસમુદાય માટે આ પ્રમાણેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે:

૧/ભિન્ન-ભિન્ન સંપ્રદાયો વચ્ચે ભ્રાતૃભાવના કેળવાય તે માટે સભાઓનું આયોજન કરવું. ર/ભિન્ન-ભિન્ન ક્ષેત્રીય ભાષાઓમાં સ્મરણિકાઓ, પુસ્તિકાઓ તેમજ ઓડિયો અને વિડિયો કૅસેટનું પ્રકાશન કરવું. ૩/વિભિન્ન યુવા સમિતિઓ અને સંસ્થાઓ દ્વારા પ્રત્યેક શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં “જનમાનસ ચેતના અને જાગૃતિ” સરઘસ સભાઓનું આયોજન ૪/પરિસંવાદ, પરિચર્યા, લેખન સ્પર્ધા, પ્રશ્નોત્તર સ્પર્ધા, શોભાયાત્રા અને પ્રદર્શનોનું આયોજન.

(સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને શિકાગો ધર્મસભા (૧૮૯૩)માં તેમના યોગદાન શતાબ્દી ઉજવણીના ભાગ રૂપે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા કલકત્તામાં તા. ૧૧, ૧૨, ૧૮ અને ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૩ના દિવસોમાં વિશ્વધર્મ મહાસભાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં વિશ્વના પ્રસિદ્ધ વિદ્વાનો અને ચિંતકો ભાગ લેશે. જેઓને આ ઐતિહાસિક મહોત્સવમાં ભાગ લેવાની ઇચ્છા હોય તેઓએ આશ્રમના કાર્યાલયમાં તુરત સંપર્ક (સમય: સવારે ૧૦થી ૧૨, સાંજે ૪થી ૭) કરવા વિનંતી.)

Total Views: 199

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.