(ગતાંકથી ચાલુ)

મથુરબાબુ શ્રીરામકૃષ્ણને પોતાના પૈતૃક ગામમાં પણ લઈ ગયા હતા. ત્યાં મથુરબાબુની જમીનદારી હસ્તકના એક ગામડામાં સ્ત્રી પુરુષોની દુર્દશા જોઈને શ્રીરામકૃષ્ણ દ્રવિત થઈ ગયા અને ત્યાં પણ તેમણે એ લોકોને ભોજન, ધોતી ને માથામાં નાખવાનું તેલ અપાવડાવ્યાં. જ્યારે તેઓ મથુરબાબુના ગુરુગૃહે ગયા, ત્યારે મથુરબાબુએ શ્રીરામકૃષ્ણ અને હૃદયને પોતાના શણગારેલા હાથીની અંબાડી ઉપર બેસાડ્યા હતા અને પોતે ઘોડા ઉપર બેઠા હતા. આમ તેઓ જ્યાં જતા ત્યાં શક્ય હોય તો શ્રીરામકૃષ્ણને પોતાની સાથે લઈ જવા ઇચ્છતા. કેમકે તેઓ માનતા હતા કે એમના બાબા દ્વારા મા જગદંબા સ્વયં એમની સેવા ગ્રહણ કરી રહી છે અને એમનું શુભમંગલ સર્જી રહી છે!

પરંતુ ક્યારેક દુન્યવી માયામાં અટવાઈને મથુરબાબુ ભૂલ પણ આચરી બેસતા. તે વખતે તેઓ સીધા શ્રીરામકૃષ્ણના શરણમાં દોડી જતા. એકવાર જમીનદારીના ઝઘડામાં તેમના માણસોએ સામા પક્ષના જમીનદારના માણસોને મારી નાખ્યા. આ ગુનાસર મથુરબાબુની ધરપકડ અને જેલની સજા પણ થાય તેમ હતું. તેઓ દોડ્યા સીધા શ્રીરામકૃષ્ણ પાસે અને તેમની ચરણોમાં માથું મૂકી તેમને સઘળી વાત જણાવી આર્ત સ્વરે કહ્યું: “બાબા, મને બચાવી લો. મારું રક્ષણ કરો.” ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું: “સાલ્લા, રોજ રોજ તું કંઈ મુસીબત ઊભી કરીને આવે છે. ને પછી રડે છે કે મને બચાવો. આમાં હું શું કરી શકું? કર્યાં તો ભોગવવાં જ પડે. શ્રીરામકૃષ્ણનો ઠપકો સહન કરીને પણ મથુરબાબુ ત્યાં ઊભા જ રહ્યા અને આર્ત સ્વરે આજીજી કરવા લાગ્યા. તેમનો તીવ્ર પશ્ચાત્તાપ જોઈને આખરે શ્રીરામકૃષ્ણે કહ્યું: “સારુ, જા, માની ઇચ્છા હશે તેમ થશે.” બાબાના મુખે આટલું સાંભળતાં તો મથુરબાબુના અંતરમાં શીતળના વ્યાપી ગઈ. કેમકે તેઓ જાણતા હતા કે

મા અને શ્રીરામકૃષ્ણ ભિન્ન નથી. એટલે હવે તેઓ માના રક્ષણમાં છે અને થયું પણ તેમ જ. એ ખટલો મંડાયો જ નહીં. ત્યાં ધરપકડ થવાની વાત જ ક્યાં રહી? બીજી વખત પણ એવું જ થયું હતું. મથુરબાબુ એક કેસમાં સંડોવાયેલા હતા એમાં જીતવાની શક્યતા ઓછી હતી. પણ એમણે વિચાર્યું કે જો શ્રીરામકૃષ્ણ એમના વતી મા જગદંબાને ફૂલ ચઢાવશે તો માના આશીર્વાદ જરૂર મળશે અને તેમ કરતાં તેઓ ખરેખર કેસ જીતી ગયા!

શ્રીરામકૃષ્ણના સાન્નિધ્યે મથુરબાબુ ભોગમાંથી યોગ તરફ વળવા લાગ્યા હતા. નહીંતર વૈભવ અને ઠાઠથી રહેનારન હૃદયમાં સમાધિ પ્રાપ્ત કરવાની ઝંખના કેવી રીતે જાગે? શ્રીરામકૃષ્ણની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ જોઈને મથુરબાબુને પણ વારંવાર થતું હતું કે મને આવી ભાવસ્થિતિ ક્યારે થશે? એ માટે એમણે એક દિવસ શ્રીરામકૃષ્ણને કહ્યું: “બાબા, મારા પર કૃપા કરી, ને મને પણ ભાવસમાધિ આપો. ત્યારે શ્રીરામકૃષ્ણે એમને કહ્યું: “તમે તો આ બાજુ અને પેલી બાજુ બેયને સંભાળો છો. તમારે ભાવસ્થિતિને શું કરવી છે? તમે માની સેવા તો કરી રહ્યા છો. એથી વધુ તમારે શું જોઈએ છીએ? જુઓને મારી દશા? છે મારું કંઈ ઠેકાણું? તમારા માથે તો આ મંદિરની અને જાગીરની જવાબદારી છે. પછી એ બધું કોણ સંભાળશે?” પણ મથુરબાબુને તો ભાવસમાધિ જ જોઈતી હતી. એટલે એમણે શ્રીરામકૃષ્ણની સમજાવટને ધ્યાનમાં જ ન લીધી. બસ, તેમણે તો રટણ લીધું, “બાબા, મને ભાવસમાધિ આપો.” એમની આવી હઠ જોઈને પછી રામકૃષ્ણે કહ્યું: “સારું, માની ઇચ્છા હશે તેમ થશે.”

આ વાતને થોડા દિવસ વીતી ગયા અને એક દિવસ કલકત્તાના પોતાના ઘરમાં મથુરબાબુ માનું ધ્યાન ધરતા હતા ત્યાં અચાનક એમની મન:સ્થિતિ બદલાઈ ગઈ. તેમને સર્વત્ર જગદંબા દેખાવા લાગી. આ અદ્દભુત અનુભવથી મથુરબાબુ સ્થિર થઈ ગયા. નશામાં હોય તેવી લાલધૂમ આંખો થઈ ગઈ અને મન પણ કોઈ જુદા જ પ્રદેશમાં વિહરવા લાગ્યું. દુન્યવી કોઈ બાબતમાં રસ રહ્યો જ નહીં. તેમની આવી સ્થિતિ જોઈને ઘરના લોકો તો ગભરાઈ ગયાં. દાક્તરને બોલાવ્યા. દવા કરી. પણ કશો ફેર ન પડ્યો. એટલે સહુ ચિંતા કરવા લાગ્યાં. ત્યારે મથુરબાબુએ કહ્યું: “તમે ચિંતા ન કરો. હું કંઈ ગાંડો નથી થઈ ગયો. તમે બાબાને બોલાવો. તેઓ બધું મટાડી દેશે” અને તાબડતોબ શ્રીરામકૃષ્ણને બોલાવવામાં આવ્યા. તેમણે આવીને જોયું તો ‘લાલઘૂમ આંખો, આંખમાંથી ચાલતી આંસુની ધારા, ધડક-ધડક થતી છાતી અને ભાવપ્રદેશમાં વિહરનું મન.’ શ્રીરામકૃષ્ણ સમજી ગયા કે એમણે માગેલી આ ભાવસમાધિની સ્થિતિ છે. એટલે હસીને બોલ્યા: “કેમ કેવું લાગે છે?” ત્યાં મથુરબાબ એમના પગે બાઝી પડ્યા ને બોલી ઊઠયા: “બાબા, છેલ્લા ત્રણ દિવસથી આવી સ્થિતિ છે. હેરાન પરેશાન થઈ ગયો છું. જેમ-જેમ આમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરું છું, તેમ-તેમ વધારે ડૂબતો જાઉં છું. ચિત્ત કશાયમાં ચોંટતું નથી. બધું ઊંધું ચત્તું થવા માંડ્યું છે. કૃપા કરી આ ભાવસમાધિ પાછી લઈ લો. મારે એ ન જોઈએ.” આ સાંભળીને શ્રીરામકૃષ્ણે હસતાં-હસતાં કહ્યું; “કેમ રે! તમે પોતે તો હઠ કરીને એ માગી હતી. હા બાબા, મેં જ તો એ માંગી હતી. અને એમાં મને આનંદ પણ આવે છે. પણ ચિત્ત જો એમાં જ પડ્યું રહે તો મંદિર, જાગીરનો કારભાર અટકી પડે. બાબા, આ તો તમારું કામ, મારા જેવાનું કામ નહીં. હું તો તમારી સેવા કરું એ જ મારી મોટી ભાવસમાધિ! હવે કૃપા કરી આ પાછી લઈ લો, એ તો મેં તમને પહેલાં જ કહ્યું હતું, પણ ત્યારે તમે મારું સાંભળતાં જ ક્યાં હતા?”

“હા, પણ ત્યારે મને ખબર નહોતી કે આ જળોની જેમ મને વળગશે અને પછી મારી ઇચ્છાથી હું એમાંથી છૂટી પણ નહીં શકું.” “ઠીક ત્યારે” તેમ કહીને શ્રીરામકૃષ્ણે મથુરબાબુની છાતી પર હાથ ફેરવ્યો અને પછી તેઓ થોડીવારમાં ચિત્તની સામાન્ય ભૂમિકામાં આવી ગયા. એ પછી એમણે ક્યારેય ફરી આવી માગણી કરી નહીં.

શ્રીરામકૃષ્ણ પ્રત્યેની મથુરબાબુની અનન્ય ભક્તિ જોઈને એમના કુલગુરુ ચન્દ્ર હલદારને શ્રીરામકૃષ્ણની ઈર્ષ્યા થતી હતી. તેમને થતું હતું કે શ્રીરામકૃષ્ણ પાસે નક્કી કોઈ વશીકરણમંત્ર હશે. જેથી તેઓ મથુરબાબુ પર પોતાનું પ્રભુત્વ જમાવી શક્યા છે. એટલે તેઓ ગમે તેમ કરીને શ્રીરામકૃષ્ણ પાસેથી તે રહસ્ય જાણવા ઇચ્છતા હતા. એક સાંજે જ્યારે શ્રીરામકૃષ્ણ મથુરબાબુના કલકત્તાના નિવાસે એકલા જ ભાવદશામાં સૂતા હતા, ત્યારે ચન્દ્ર હલદારે તક ઝડપી લીધી. તેઓ શ્રીરામકૃષ્ણ પાસે પહોંચી ગયા અને તેમને હચમચાવીને કહ્યું: “બોલ, મથુર ઉપર તે શી રીતે જાદુ પાથર્યો છે? તેં એને કેવી રીતે સકંજામાં લીધો છે? કહે, તે શું કર્યું છે?” પણ શ્રીરામકૃષ્ણ તો ભાવદશામાં હતા એટલે તેમણે કંઈ જવાબ આપ્યો નહીં. આથી તે ખીજાયો અને વધુ ઉશ્કેરાયો. બોલ્યો: “ઢોંગ કર નહીં. મને કહે છે કે નહીં તો પણ કંઈ જવાબ મળ્યો નહીં. એટલે વધુ ઉગ્ર બનીને બોલ્યો, ઠીક ત્યારે તારે મને કહેવું નથી એમ ને” પછી તેમણે શ્રીરામકૃષ્ણને ત્રણ વાર લાત મારીને બબડનો બબડતો ત્યાંથી ચાલ્યો ગયો. તે વખતે તો શ્રીરામકૃષ્ણને મથુરબાબુને આ વિષે કશી જ વાત કરી ન હતી. પણ પછી થોડા સમય બાદ બીજા કોઈ કારણસર ચન્દ્ર હલદારને કાઢી મુકવામાં આવ્યો એ પછી શ્રીરામકૃષ્ણે મથુરબાબુને આ વાત કરી. ત્યારે મથુરબાબુનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો ને તેમણે કહ્યું; બાબા, જો તમે મને ત્યારે આ વાત કરી હોત તો મેં હલદારને જીવતો જવા દીધો ન હોત!”

મથુરબાબુના ગુસ્સાનું શમન પણ એકમાત્ર શ્રીરામકૃષ્ણ જ કરી શકતા હતા. એક વખત દુર્ગાપૂજાના વિસર્જન વખતે એવી પરિસ્થિતિ ઊભી થઈ. મા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરવાનું હતું. મથુરબાબુ કહે, “જે પ્રતિમાને મેં ત્રણ-ત્રણ દિવસ સુધી મા-રૂપે આરાધી એ પ્રતિમાનું હવે હું વિસર્જન કરવા નહીં દઉં. મા તો અહીં જ રહેશે અને જેમ પૂજા ચાલતી હતી, તેમ જ ચાલતી રહેશે. મા વગર મારું જીવન અસહ્ય છે.” પૂજારીએ સમજાવ્યા. વડીલોએ સમજાવ્યા પણ તેઓ બસ એક જ રટ લઈને બેઠા કે “માનું વિસર્જન નહીં થાય.” આખરે જગદંબાદાસીએ શ્રીરામકૃષ્ણનું શરણ લીધું. તેઓ આવ્યા. તેમણે જોયું તો મથુરબાબુ ઉગ્ર આવેશમાં ઓશરીમાં આંટા મારી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણને જોતાંવેંત જ તેઓ બોલી ઊઠ્યા: “બાબા, બીજા ભલે ગમે તેમ કહે, પણ હું માને ગંગામાં પધરાવવા નહીં દઉં. મા તો અહીં જ રહેશે.” શ્રીરામકૃષ્ણે એમની વાતનો બિલકુલ વિરોધ ન કર્યો. ઊલ્ટાનો એમની વાતનો સ્વીકાર કર્યો ને પ્રેમથી એમની છાતી પર હાથ ફેરવતાં નાના બાળકને કહેતા હોય એવા કોમળ ભાવે કહેવા લાગ્યા: “મા તો અહીં જ રહે ને! બીજે ક્યાં જાય? મા વગર તમે ઓછા જીવી શકવાના છો? વિસર્જન થાય તો પણ મા કંઈ તમને છોડીને થોડી ચાલી જવાની છે? મા, કંઈ પોતાના બાળકથી દૂર રહી શકે ખરી? આ છેલ્લા ત્રણ દિવસથી મા ઓસરીમાં રહીને એટલે કે બહાર રહીને પૂજા સ્વીકારતી હતી. હવે એ તમારી સાવ નજીક આવી ગઈ છે. હવે એ તમારી અંદર હૃદયમાં રહીને તમારી પૂજા સ્વીકારશે!” આ કોમળ વાણીમાં એવી સચ્ચાઈ હતી, અનુભૂતિનો એવો રણકો હતો, એમાં એવો જાદુઈ સ્પર્શ હતો કે મથુરબાબુને ખરેખર સત્યદર્શન થઈ ગયું. એમને અનુભૂતિ થઈ ગઈ કે સાચ્ચે જ મા તો હવે તેમના હ્રદયમાં આવી ગઈ છે. અને પછી તેમણે આનંદપૂર્વક ગંગામાં પ્રતિમાનું વિસર્જન કરાવ્યું.

જેમ-જેમ મથુરબાબુનો શ્રીરામકૃષ્ણ સાથેનો આંતરિક સંબંધ વધતો ગયો તેમ-તેમ મથુરબાબુની ચેતનાનો પણ વિકાસ થતો ગયો. સામાન્ય બંગાળી જમીનદારમાંથી તેઓ મા જગદંબાના ભક્ત બની ગયા. શ્રીરામકૃષ્ણનું સાન્નિધ્ય પોતાના પુત્રને પણ મળે તેવી જોગવાઈ પણ તેમણે કરી લીધી. એક વખત શ્રીરામકૃષ્ણે એમને કહ્યું: “તમે છો ત્યાં સુધી હું દક્ષિણેશ્વરમાં રહીશ.” એટલે? મથુરબાબુ વિચારી રહ્યા કે “શું પોતાના અવસાન બાદ એમનો પુત્ર પરિવાર શું બાબાની કૃપા મેળવવા ભાગ્યશાળી નહીં બને?” આવો વિચાર આવતાં જ તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું: “કેમ બાબા? દ્વારી પણ આપનો જ સેવક છે.” એટલે શ્રીરામકૃષ્ણે પછી કહ્યું: “સારું ત્યારે, એ હશે ત્યાં સુધી હું દક્ષિણેશ્વરમાં રહીશ.” આ સાંભળીને મથુરબાબુને નિરાંત થઈ કે શ્રીરામકૃષ્ણના હાથમાં પોતાનો પુત્ર સલામત રહેશે. પોતાના મૃત્યુ પછી પુત્રનું શું થશે, એ ચિંતા પણ હવે એમને ન રહી અને શ્રીરામકૃષ્ણે મથુરબાબુને આપેલું આ વચન પાળ્યું. જ્યાં સુધી દ્વારકાનાથ અને તેની માના જગદંબાદાસી હતાં, ત્યાં સુધી તેઓ દક્ષિણેશ્વરમાં જ રહ્યા હતા.

જો શ્રીરામકૃષ્ણનાં દર્શન ન થાય તો મથુરબાબુ વ્યાકુળ બની જતા. તે વખતે એમના સાંધાના કોઈ ભાગમાં ગુમડું થયું હતું. આથી હલનચલન થઈ શકતું ન હતું. તેમણે શ્રીરામકૃષ્ણને પોતાની પાસે આવી દર્શન આપી જવા માણસ મોકલી પ્રાર્થના કરી. ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું: “ત્યાં આવીને હું શું કરવાનો? મારામાં એમનું ગુમડું મટાડવાની શક્તિ નથી.” શ્રીરામકૃષ્ણ આવ્યા નહીં તેથી મથુરબાબુને ખૂબ દુઃખ થયું. ફરી એમણે માણસ મોકલીને વિનંતી કરી. વારંવાર માણસ દ્વારા કહેણ આવતાં પછી શ્રીરામકૃષ્ણ પીગળી ગયા અને તેઓ મથુરબાબુ પાસે ગયા. બાબાને વેલા જોઈને મથુરબાબુ આનંદમાં આવી ગયા. મહાકષ્ટે તેઓ બેઠા થયા ને બોલ્યા: “બાબા, મને તમારી ચરણરજ આપો.” ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું, “મારી ચરણરજ લેવાથી શું વળશે? એથી શું તારું ગૂમડું મટી જશે?” “અરે બાબા, શું હું એવો છું? શું હું ગૂમડું મટાડવ આપની ચરણરજ માગું છું? એ માટે તો ડૉક્ટર છે. હું તો સંસારસાગર પાર કરવા માટે આપની ચરણરજ માગું છું.” આ વાક્ય સાંભળતાં જ શ્રીરામકૃષ્ણ ભાવસમાધિમાં સરી પડ્યા અને ત્યારે મથુરબાબુએ એમના બંને ચરણોને પોતાના મસ્તક પર મૂકી દીધા ને આંખમાંથી આંસુ વહાવતા ધન્યતાનો અનુભવ કરવા લાગ્યા અને પછી થોડા દિવસોમાં એ ગૂમડું પણ મટી ગયું.

ચૌદ-ચૌદ વર્ષ સુધી પોતાના તન, મન અને ધનથી સેવા કરનાર મા જગદંબાના આ કારભારીનો સંસારસાગર શ્રીરામકૃષ્ણે સાચ્ચે જ પાર કરાવી દીધો. જ્યારે મથુરબાબુને ‘ટાઈફોઈડ’ તાવ આવ્યો ત્યારે જ શ્રીરામકૃષ્ણ જાણી ગયા હતા કે હવે એમનું આ લોકનું કાર્ય સમાપ્ત થવા આવ્યું છે. તાવ વધવા લાગ્યો. પછી તો એમનું ગળું પણ બંધ થઈ ગયું. ત્યારે શ્રીરામકૃષ્ણ મથુરબાબુની ખબર કાઢવા જતા ન હતા. પણ હૃદય દ્વારા સમાચાર પુછાવતા. અંતિમ દિવસે મથુરબાબુને ગંગાના કાલીઘાટે લઈ જવામાં આવ્યા. ત્યારે શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં બારણા બંધ કરીને ઊંડા ધ્યાનમાં ઊતરી ગયા. આ ધ્યાન ત્રણ કલાકથી વધુ ચાલ્યું. પાંચ વાગ્યે તેઓ ધ્યાનમાંથી જાગ્યા, ત્યારે તેમણે હૃદયને જણાવ્યું: “જગદંબાની દિવ્યસહચરીઓએ મથુરને માનભેર દિવ્યરથ પર ચઢાવ્યો અને તેનું તેજ દેવલોકમાં પહોંચી ગયું.” પછી જ્યારે મોડી રાત્રે કાલીઘાટેથી માણસો આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે પાંચ વાગે મથુરબાબુએ દેહ છોડી દીધો હતો. ચૌદ-ચૌદ વર્ષ સુધી પોતાની સેવા કરનારનો આ લોક તો શ્રીરામકૃષ્ણે ઉજ્જવળ અને જાજવલ્યમાન બનાવી દીધો હતો. પણ સૂક્ષ્મ દિવ્ય શરીરે હાજર રહીને એના મૃત્યુને પણ મંગલમય બનાવી એના પરલોકને પણ જ્યોતિર્મય બનાવી દીધો. પોતાની સેવા કરવાનું કેવું મહાન વળતર મથુરબાબુને શ્રીરામકૃષ્ણે આપી દીધું!

Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.