(ગતાંકથી આગળ)

(શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક The Spiritual Heritage of Indiaમાંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)

અહીં આપણે થોડું થોભીને ‘વિશ્વ સાથેની એકાત્મતા’ના ઉપનિષદ્ભાખ્યા અર્થ વિશે સમજી લઈએ: જ્યારે તમે વિશ્વને વિષય તરીકે જુઓ છો ત્યારે બધું જ ‘બ્રહ્મ’ છે, કશું જ ભૌતિક જેવું છે નહિ અને જ્યારે તમે વિશ્વને ‘વિષયી’ તરીકે – આત્મલક્ષી સ્વરૂપે – જુઓ, ત્યારે બધું જ ‘આત્મા’ છે. આમ તમે જગતને વિષય તરીકે કે પછી વિષયી તરીકે, ગમે તે રીતે નિહાળો પણ એનું સમીકરણ તો “સ્વયમ્ આત્મા બ્રહ્મ” એવું જ થશે અને આ ‘આત્મા’ જ ખરેખર વિશ્વ છે. આ વિશ્વ આત્માની જ અસ્પષ્ટ સંકલ્પના છે. ઉપનિષદના આ અર્થે શ્રીરામકૃષ્ણમાં અનુભૂતિ જગાડી દીધી કે માણસનું આ શરીર કે તે શરીર એવા કોઈ ભેદો વસ્તુત: નથી જ.

આપણે હજુ થોડાક વધુ ઊંડા ઊતરીએ: જે લોકોએ ખ્રિસ્તી રહસ્યવાદનો અભ્યાસ કર્યો છે, તેમને ખબર છે કે ખ્રિસ્તી ધર્મસાધનામાં એક કક્ષા આવે છે, એનું નામ ‘સ્ટિગ્મૅટા’ (Stigmata) છે, ખ્રિસ્તીઓની એ તપસ્યા કક્ષા છે. ખ્રિસ્તી તત્ત્વજ્ઞાનનો કોઈ ત્યાગી સંન્યાસી ક્રૂસ પર ચડેલા ઈશુનું સતત ધ્યાન ધરતાં-ધરતાં એવી કક્ષાએ પહોંચી જાય છે કે ક્રૂસ પર ચડતી વખતે ઈશુના શરીર પર પડેલા ભાલાં અને ખીલાઓનાં ઘાવચિન્હોને પોતાના શરીર પર, તે-તે સ્થાન પર તાદૃશ બતાવી શકે.

આ કક્ષા ઉપરથી જ એ સંન્યાસી ખ્રિસ્તી દેવળમાં એક વિશિષ્ટ રૂપે પ્રતિષ્ઠાપિત થાય છે અને એને જ ‘સ્ટિગ્મૅટા’ કહેવામાં આવે છે.

આ બતાવે છે કે માણસ પૂર્ણ સમર્પિત, ભક્તિસભર અને આધ્યાત્મિક સાધનામાં કેટલી ગજબની સીમા સુધી પહોંચી શકે છે! જેવું અહીં શ્રીરામકૃષ્ણને થયું, વિશ્વ સાથેનું તદ્રૂપત્વ એનો સાધક સાથે છે અને એ એટલી હદ સુધી કે સાધકને એવી અનુભૂતિ પોતાના શ્વાસોચ્છ્વાસ લેવા જેટલી સહજ – સરળ બની રહે છે. એટલે ઘટનામાં કશો ભાગ લીધા વગર જ કેવળ દ્રષ્ટા રહીને જ એ ઘટનાને સ્વાનુભૂત રીતે મૂલવી શકે છે. બીજાનું હૃદય, બીજાનું દુઃખ બધું જ વિશ્વાત્માના અને સમષ્ટિમનના માધ્યમથી શ્રીરામકૃષ્ણમાં પ્રકાશિત થતું હતું અને એના નક્કર સ્વરૂપે શ્રીરામકૃષ્ણના દેહમાં અનુભૂત થતું હતું!

હવે વૈજ્ઞાનિકોએ એનું વિશ્લેષણ કરવું રહ્યું. આપણો પ્રશ્ન તો એ છે કે વિશ્વના આજના પડકારો વચ્ચે ભારત પોતાના આધ્યાત્મિક જ્ઞાન અને ઉપનિષદ ભાખ્યાં સર્વ સભ્યોની અનન્ય તથ્યતા સાબિત કરવાની શક્તિથી ઊભું રહી શકે છે કે કેમ? અને એના જવાબમાં ઉપનિષદોના જીવતાજાગતા સ્વરૂપ, વેદપૂર્તિ, સકલ માનવજાતના સંચિત સમસ્ત જ્ઞાનરાશિને આત્મસાત્ કરેલા ‘ભાગવતી તનુ’ ધારણા કરેલા, શ્રીરામકૃષ્ણ આપણી પાસે હાજરા હજુર છે! એ દિવ્ય છે, કારણ કે એમાં ભેદભાવની કશી નિશાની નથી. અહંકાર તો એમાંથી સમૂળગો નાશ પામી ગયો છે; અને એમનામાંની ‘વ્યક્તિ’ ઘટના સાથે એકાકાર થઈ ગઈ હતી!

વિજ્ઞાનીઓ જો સમજી શકવા સમર્થ હોય, તો તેમને માટે આહ્‌વાન સમું એક બીજું ઉદાહરણ પણ આપી દઈએ: પોતાની સાધનાપ્રક્રિયાના સમય દરમિયાન શ્રીરામકૃષ્ણને જણાયું કે સાધકની ધન સાથેની તદ્રુપતા એ એના અહંકારને દૂર કરવાના પ્રયત્નોમાં તેમજ આત્માની એકતાને ઓળખવામાં ખૂબ મોટું નડતર છે. એક સાંજે પોતાની સાધનાની સચ્ચાઈ તરીકે એમણે એક હાથમાં થોડા રૂપાના સિક્કા અને બીજા હાથમાં થોડા માટીના ઢેફાં લીધા. પછી તેમણે એ માટીના ઢેફાં અને રૂપાના સિક્કાને ગંગામાં ફેંકીને ઉચ્ચાર્યું: “મિટ્ટી અને રૂપિયા સમાન છે!” તેમણે બન્નેનો ત્યાગ કર્યો. તેમના આધ્યાત્મિક જીવનમાં પૈસા, માટીની પેઠે જ તણખલાંની તોલે હતા.

તેમણે ધનનો એટલી હદ સુધી ત્યાગ કર્યો હતો કે થોડા મૂલ્યવાળી કોઈ ધાતુનો સ્પર્શ પણ તેઓ સહન કરી શકતા નહિ. એકવાર તેજસ્વી યુવાન વિદ્યાર્થી નરેન્દ્રનાથ દત્ત, ભવિષ્યના સ્વામી વિવેકાનંદ હાજર હતા. એ વખતે શ્રીરામકૃષ્ણ પોતાનું આસન છોડી કોઈ કારણસર જરા બહાર ગયા. એટલે નરેન્દ્રે ઉતાવળે થોડા રૂપાના સિક્કા લઈને ગુરુદેવના ગાદલા નીચે સેરવી દીધા. ગાદી લાકડાના તખ્ત પર પાથરી હતી અને એ પર ચાદર બિછાવી હતી. નરેન્દ્ર છેક તળિયે સિક્કા મૂક્યા અને પોતે જાણે કશું જ ન જાણતો હોય તેમ બેસી ગયો. શ્રીરામકૃષ્ણ પાછા ફર્યા અને જેવા ગાદી પર બેઠા કે તરત જ ઊભા થઈ ગયા. ગાદીની ચાદર ઉથલાવી નાખી પણ કશું મળ્યું નહિ. તેઓ ફરી વખત બેઠા પણ ત્યારે ય બેસી શક્યા નહિ. નરેન્દ્રનાથ આ બધું જોઈ રહ્યા હતા. ત્રીજા પ્રયત્ન પછી તેમણે આખું આસન ઉખેળી નાખ્યું અને રૂપાના સિક્કા છેવટે ખોળી કાઢ્યા. તેઓ કેવા અનન્ય પુરુષ હતા કે તેમને ખબર પણ પડી ગઈ કે આ તેમની કસોટી થઈ રહી છે! છતાંય તેમને એનાથી ખૂબ જ આનંદ થયો અને નરેન્દ્રનાથ સામે જોઈને તેમણે કહ્યું: “મને ખૂબ આનંદ થયો કે મેં મારી વાતોને આંખો મીંચીને માની લીધી નહિ; તેં મારી પરીક્ષા કરી અને પછી જ માન્યું.”

હવે, એક ઘટના તરીકે તો આ રસપ્રદ છે, પણ જો આપણે એનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરીશું તો આપણને એમાં શ્રીરામકૃષ્ણદેવના વ્યક્તિત્વની નક્કરતા જણાશે. શ્રીરામકૃષ્ણદેવનું સમગ્ર મનસ્તંત્ર, સંપત્તિ અને પ્રભુત્વની ત્યાગભાવનાથી એટલું બધું પરિપ્લાવિત થઈ ગયું હતું કે એ સાવ સહજ અને અનાયાસ રીતે જ આમ વર્તતું હતું. તેમના આખાયે દેહયંત્રમાં પરિત્યાગ પથરાઈ ગયો હતો. તેથી ત્યાગની કશી સભાનતા વગર જ તેઓ ધન-પ્રભુત્વના ત્યાગી બની રહ્યા. જે પદાર્થ સાથે સંપત્તિની વિભાવના લાંબા સમયથી જોડાયેલી હોય અને એનાં સમીકરણો પણ સુપેરે મંડાતાં હોય, એવા પદાર્થમાંથી બીજા પર અસર કરનારા અમુક તરંગો ઉત્પન્ન થતા હોય છે ખરા, પણ શ્રીરામકૃષ્ણનું વ્યક્તિત્વ અને એમનું મનસ્વંત્રાંથી ઊઠતાં મોજાઓની તરંગ લંબાઈ તો એટલી બધી મોટી હતી કે એણે પેલા પદાર્થજન્ય તરંગને તરછોડી જ દીધા! અને તેમનો આ પરિત્યાગનો પ્રશ્ન એટલો તો પરિપૂર્ણ હતો કે તેમને પોતાની એ ખાસિયતનો ખ્યાલ સરખો પણ રહેતો નહિ. તેઓ પેલા પદાર્થજન્મ તરંગને સહન જ કરી શક્તા નહિ.

શ્રીરામકૃષ્ણના જીવનના આ બે પ્રસંગો આપણે ઉપર જોઈ ગયા. મારે હવે આપનું ધ્યાન આગળના મેં પૂછેલા પહેલા પ્રશ્ન પર દોરવું છે કે પશ્ચિમના પડકાર ફેંકતા વૈજ્ઞાનિકોનો એ પ્રશ્ન છે. તેઓ કહે છે કે તેમની પાસે મૂળભૂત સિદ્ધાન્તો છે અને એ સિદ્ધાતોની સચ્ચાઈ તેઓ પ્રયોગો કરીને પુરવાર કરી શકે છે. આ વૈજ્ઞાનિકોને મારે એ પૂછવું છે કે તેમની બધી જ માગો અને બધા જ દાવાઓને સિદ્ધ કરી બતાવે એવા ઉપનિષદજ્ઞાન જેવો કોઈ બીજો દાખલો મળે છે ખરો કે? એટલું જ નહિ, એ ઉપનિષદ્જ્ઞાન સગી આંખોએ જોઈ જાણી શકાય એ રીતે યથાતથ પ્રકટ થાય એવું પ્રતિનિધિત્વ કરતું વ્યક્તિત્વ તેમણે જોયું છે? તો આ બધું જ આપણને શ્રીરામકૃષ્ણના જીવનમાં મળે છે. શ્રીરામકૃષ્ણે કરેલાં વિધાનો ઉપરાંત તેમણે એ આહ્‌વાન ઝીલ્યું હતું અને એને અનેક લોકોએ નજરોનજર નીરખ્યું છે અને આ બધું તો હજુ સાવ તાજે તાજું જ છે. ઉપનિષદોનું આત્મલક્ષી શાશ્વત સત્ય તેમના જીવનમાં પરલક્ષી બનીને પ્રાદુર્ભૂત થઈ ઊઠ્યું હતું. જેવી રીતે બોધિજ્ઞાન લાધ્યા પછી બુદ્ધે એનું રૂપાન્તર સકલ સંસાર તરફની કરુણામાં કર્યું હતું, તેવી જ રીતે અહીં શ્રીરામકૃષ્ણના જીવનમાં ઉપનિષદ્ના સર્વોત્મૈક્યના પાયાના સત્યનો આવિષ્કાર થયા જ કરતો. આ આધ્યાત્મિક વિશ્વાત્માની એકતાનું પ્રદર્શન જ શ્રીરામકૃષ્ણનું જીવન છે.

હવે આપણે પછીનો અતિ મહત્ત્વનો મુદ્દો હાથમાં લઈએ. આ મુદ્દો આજના જમાનામાં ઘણો પ્રાસંગિક છે: માનવસમાજની પ્રગતિમાં મહિલાઓ શો ફાળો આપી શકે? આ બાબતમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે તે જોઈએ. જ્યારે ઈશ્વરની ખોજમાં શ્રીરામકૃષ્ણ પોતાના મગજનું સમતોલપણું ગુમાવી રહ્યા છે, એવું એમની માતાને લાગ્યું, ત્યારે જગતની સામાન્ય જન્મદાત્રી માતાઓની પેઠે તેમની માતાએ પણ શ્રીરામકૃષ્ણના વિવાહ કરી દેવાનું વિચાર્યું, કે જેથી તેમનું ધ્યાન દુનિયાદારી તરફ ઢળી જાય. બધાં સર્ગાસંબંધી શ્રીરામકૃષ્ણ માટે યોગ્ય પાત્રની અહીં તહીં શોધખોળ કરવા લાગ્યાં, પણ એવું કોઈ પાત્ર મળ્યું નહિ. આવા પાગલ માણસ સાથે પોતાની દીકરી પરણાવવા કોઈ રાજી ન હતું અને એક દિવસ શ્રીરામકૃષ્ણ પોતે જ પોતાનાં ચિંતાતુર માતા પાસે આવીને કન્યા સંબંધી વાત કરવા લાગ્યા. પાસેના જયરામબાટી ગામના રામચંદ્ર મુખોપાધ્યાયનું નામ તેમણે માતાને બતાવ્યું. આમ છેવટે વિવાહ તો પતી ગયા અને શ્રીરામકૃષ્ણ તો પાછા પોતાને સાધનામાર્ગે ચાલી નીકળ્યા.

પિયરમાં અને કુટુંબમાં રહેતાં શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણીને જાણવા મળ્યું કે તેમના પતિનું વર્તન સામાન્ય સ્વસ્થ નથી. તેઓ અવારનવાર ગામડાંના આસપાસના પ્રદેશમાં જતાં ત્યારે લોકો પાગલ માણસને પરણેલી આ છોકરીનાં દુર્ભાગ્યની દયા ખાઈને તેમની તરફ આંગળી ચીંધતા. આથી તેમને ઘણો આધાત પહોંચતો. તેમને લાગ્યું કે તેમના પતિ જો ખરેખર પાગલ કે રોગી હોય, તો પોતે અહીં એકલાં રહીને શું કરવાનું? એને બદલે તો તેમણે પતિ પાસે જઈને તેમની સેવા કરવી જોઈએ. એ જ તેમનું પ્રથમ કર્તવ્ય અને જવાબદારી છે. અને તેઓ દક્ષિણેશ્વર જઈ પહોંચ્યો. શ્રીરામકૃષ્ણે તેમને અને તેમના માતાપિતાને આવકાર્યાં. જેવાં તેઓ તેમના ઓરડામાં પ્રવેશ્યાં કે તુરત જ એક સ્વસ્થ સામાન્ય માણસની પેઠે અત્યંત માયાળુપણાથી તેમને કહેવા લાગ્યા: “અરે, તમે ઘણાં મોડાં આવ્યાં. તમારી કાળજી રાખવા મથુર તો આજે મારી પાસે નથી!” મથુર રાણી રાસમણિની જાયદાદના વ્યવસ્થાપક હતા. શ્રીરામકૃષ્ણને જ્યારે-જ્યારે જરૂર પડતી ત્યારે શ્રી મથુર ભક્તિપૂર્વક અને સમર્પણ ભાવે તેમની સર્વ સેવા આપતા. એટલા માટે એમને મથુરની ગેરહાજરી સાલી.

શ્રી શ્રીમા શારદાદેવી તો આભા જ બની ગયું. તેમણે શ્રીરામકૃષ્ણમાં દિવ્યતાની પૂર્ણ અભિવ્યક્તિ થયેલી દીઠી. એક દિવસ શ્રીરામકૃષ્ણે તેમને પૂછ્યું: “તમે અહીં શા માટે આવ્યાં છો? શું તમે મારા પર પત્ની તરીકેનો હક્કદાવો શોધવા અહીં આવ્યાં છો?” શ્રીમાએ તરત જ જવાબ વાળ્યો: “ના, મારો એવો કોઈ ઈરાદો નથી. હું તો ઊલટાની તમારે પડખે ઊભી રહીને તમારી સેવા અને સહાય કરવા અહીં આવી છું કે જેથી તમે તમારા ઉદ્દેશને જલદી પામી શકો.” જુઓ તો ખરા, આ ગ્રામીણ અને નિરક્ષર નારીમાં કેટલી બધી પરિપક્વતા વરતાય છે કે એને મન પહેલાં પતિ છે અને ફરજ, હક્ક, દાવો વગેરે બીજું બધું પછીનું – ગૌણ છે.

પોતાના જીવનનાં પાછલાં વરસોમાં શ્રી શ્રીમા કહેતાં કે મને પતિના રૂપમાં એક અપ્રતિમ ગુરુ અને કુશળ શિક્ષક સાંપડ્યા છે. દીવાની વાટ પકડવાની રીતથી માંડીને નિર્વિકલ્પ સમાધિ સુધીની બધી જ બાબતો તેઓ કાળજીથી શીખવતા. શીખવાની કોઈ બાબતને તેમણે નકારી નથી. પોતાના એ અનુપમ ગુરુદેવ પાસેથી શ્રી માતાજી શિક્ષણનું સારતત્ત્વ પામ્યાં હતાં. કોઈ અત્યુત્તમ વિષયને સમજવો કઠિન ગણીને અથવા કોઈ પણ વિષયને કેવળ દુનિયાદારીનો તુચ્છ વિષય ગણીને તેમના શિક્ષણમાંથી તરછોડવામાં આવ્યો ન હતો. એમાં બધું જ દિવ્ય હતું, બધું જ પૂર્ણતાની અભિવ્યક્તિમય હતું. શ્રેષ્ઠ અને પૂર્ણની પ્રગતિની પ્રક્રિયા પણ એક પ્રકારની ‘સાધના’ જ છે. અને શ્રી શ્રીમા પણ કોઈ સામાન્ય માનવી તો ન હતાં! એક સાંજે તેમણે ભોળપણથી પોતાના પતિને પૂછ્યું: “તમે મને શું ધારો છો?” શ્રીરામકૃષ્ણે ઉત્તર આપ્યો: “જેની ભાવતારિણી કાલીના મંદિરમાં પૂજા થાય છે તે જગદંબા, વિશ્વજનની તે શક્તિ, મને જેણે દેહ આપ્યો છે, તે જન્મદાત્રી ચન્દ્રામણિદેવી બસ, એ જ દિવ્ય માતા અત્યારે મારી સેવા શુશ્રૂષા કરી રહી છે!”

પણ એની ચરમસીમા તો અમાવાસ્યાની અતિમંગલકારી તિથિએ ફલહારિણી કાલીપૂજા વખતે આવી ગઈ. તે દિવસે કાલીમાતાની પૂજા થાય છે. એ વખતે કોઈને ખબર ન હતી કે એ ષોડશી પૂજા માટે શ્રીરામકૃષ્ણે પોતે જ પૂરેપૂરી વ્યવસ્થા કરી લીધી હતી. પોતાના સૂવાના ઓરડામાં એમણે જગન્માતાની પૂજા ગોઠવી હતી. અંધારી રાતે જ્યારે બધાં સૂઈ રહ્યાં હતાં ત્યારે તેમણે ષોડશીદેવી માટે નિર્ધારેલા આસન પર શ્રી શ્રીમાને બેસાડ્યાં અને વિશ્વની દિવ્યના ભૌતિક દેહમાં સાક્ષાત્ મૂર્ત હોય એમ શ્રીરામકૃષ્ણે તેમની સંપૂર્ણ વિધિવિધાનપૂર્વક પૂજા કરી. એટલું જ નહિ, પણ પૂજા પૂરી થયે તેમણે શ્રી શ્રીમાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને તેમની પાસે જે કંઈ હતું તે બધું જ જપમાલા સહિત તેમને ચરણે સમર્પિત કરી દીધું.

હવે આ બધું સમજવા જેવું છે. આ જગતે અવતારો તો ઘણા જોયા છે. વૈદિક યુગે બ્રહ્મવાદિની ગાર્ગી જેવી પ્રતિભાઓ પણ નિહાળી છે. ત્યાર પછીના માનવ સમાજના મહત્ત્વના વિશ્વવિભાગમાં શું-શું બન્યું, તે આપણે જાણતા નથી. પણ હવે આજે આપણને સમજ પડે છે કે શ્રીરામકૃષ્ણના આ ભવ્ય અવતારી પુરુષે, આ પયંગબરે, આ દેવદૂતે પોતાની પત્નીની જગતની માતા તરીકે, દિવ્ય જગદંબા સ્વરૂપે – પૂજા કરી, તેમનાં ચરણકમળોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. પોતાની તપસ્યાના ફળ સહિત બધું જ તેમણે ચરણે ધરી દીધું. અને પોતે તેમની છત્રછાયામાં તેમની કાળજી અને માર્ગદર્શન નીચે જ રહ્યા!

આજે આપણે સારી રીતે જાણી શકીએ છીએ કે આ પૂજા પાછળનો હેતુ જગતમાં નારીત્વની દિવ્ય માતૃત્વ રૂપે પુન:પ્રતિષ્ઠા કરવાનો હતો, નારીમાં માતૃત્વની આ વિભાવના આપણા દેશમાં દુર્ભાગ્યે ભુલાઈ ગઈ હતી. વળી, શ્રીરામકૃષ્ણ તો એમની પચાસ વરસની ઉંમરે ૧૮૮૬માં અવસાન પામ્યા અને એમના ગયા પછી શ્રી શ્રીમા ૧૯૨૦ સુધી જીવિત રહ્યાં. તેમણે ચોવીસ વરસનું લાંબુ વૈધવ્ય અને એકાકીપણું અનુભવ્યું. પણ શ્રીરામકૃષ્ણે વિદાય લેતાં પહેલાં તેમને આ શક્તિસભર આદેશ આપ્યો હતો કે “આ છોકરાઓને મૂકી જાઉં છું, તમે જગન્માતાની પેઠે ને સૌની સારસંભાળ રાખજો.”

આ રીતે આપણે જાણી શકીએ છીએ કે ખૂબ ભૌતિક ખ્યાલની દૃષ્ટિએ સામાજિક પ્રગતિનો અગત્યનો ભાગ, આપણા દેશમાં નારીકલ્યાણની વિભાવના પર આધાર રાખે છે.અને અહીં એ નારીકલ્યાણની વિભાવના પેલા કેવળ ભૌતિક ખ્યાલની દૃષ્ટિને અતિક્રમીને ઠેઠ દિવ્યતાના સ્તર સુધી પહોંચી ગઈ છે ! એટલે કે દરેકેદરેક નારીનું પ્રક્ટરૂપ બીજું કશું જ નહિ, પણ માત્ર દિવ્ય જગજજનનીનું જ પ્રકટીકરણ છે.

આધ્યાત્મિકતાનાં મૂળભૂત સત્યોને સાબિત કરવાનો, એને સ્થાપિત કરવાનો, તેમનું સાક્ષાત્ દર્શન કરાવી આપવાનો, તેમની પ્રયોગક્ષમતા પુરવાર કરવાનો આપણી સામે આજે જે ભયંકર પડકાર ફેંકાયો છે એનો મુકાબલો આપણે અહીં સુધી આ રીતે ક્ષમતાપૂર્વક કર્યો. હવે આપણે એની ટૅક્નૉલોજિકલ બાબત પર વિચારશું. વર્તમાન કાળનો આ પણ એક પડકાર છે. આજે વિજ્ઞાનના પાયાના સ્વરૂપ વિશે ચિંતકો જે કંઈ વિચારે છે, તારણો કાઢે છે તે બધાંનું કલાવિજ્ઞાન અને કૌશલ દ્વારા રૂપાંતર કરવામાં આવે છે અને એ નવું રૂપ પ્રદર્શિત કરવામાં આવે છે. આ જ્ઞાન આપણને નવી સંસ્કૃતિ અને નવજીવન આપે છે. તો ભારતના ઇતિહાસમાં એવી કોઈ વ્યક્તિ છે ખરી કે જે આ પડકારને ઝીલીને અપૂર્ણતાની પૂર્તિ કરી દે, તેમજ આત્માની અસ્પષ્ટતાને હટાવીને એની સાથે વિશ્વની એકાત્મતા સાધી દે?

(ક્રમશ:)

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.