(જસબીર કૌર આહુજા આ લેખમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો ક્રમિક વિકાસ અને તેના અલગ રંગો અને પ્રતીકોનો ગૂઢાર્થ સમજાવે છે. તેઓ પંજાબના પતિયાલા શહેરમાં રહે છે. તેમણે રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના ઘણા ગ્રંથોનું પંજાબી ભાષામાં ભાષાંતર કર્યું છે.)

રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રીય પ્રતીક અને રાષ્ટ્રીય ગીત ભારતના સાર્વભૌમત્વનાં પ્રતીકો છે; ભારતનો આત્મા છે. આ વિશાળ દેશમાં ભિન્ન-ભિન્ન ધર્મો પાળતા અને ભિન્ન-ભિન્ન ભાષાઓ બોલતા સમૂહો વસે છે, અલગ-અલગ સંસ્કૃતિ ધરાવતી જાતિઓ વસે છે; આ બધાની એકરૂપના દર્શાવતું પ્રતીક તે આપણો રાષ્ટ્રીય ધ્વજ. આ પ્રતીકો ભિન્ન-ભિન્ન જાતિઓને ઐક્ય જાળવવા માટે પ્રેરણા આપે છે અને રાષ્ટ્રની એકતા અને સ્વતંત્રતાનું જતન કરવા માટે પોતાની જિંદગીનું બલિદાન દેવા માટે પણ પ્રેરણા પૂરી પાડે છે.

આ બધાં પ્રતીકોમાં રાષ્ટ્રીય ધ્વજ ઝટ નજરે ચડે તેવું પ્રતીક છે અને તે માત્ર કપડાનો ટુકડો નથી – કાશ્મીરથી કન્યાકુમારી સુધી લોકોને જોડતા સંબંધોનું પવિત્ર પ્રતીક છે. તેનું સન્માન કરવું અને કોઈ પણ ભોગે તેનું ગૌરવ જાળવવું એ આપણી પવિત્ર ફરજ છે.

મૂળ

રાષ્ટ્રધ્વજનો ક્રમિક વિકાસ આપણી આઝાદીના સંઘર્ષના ઇતિહાસના એક ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. અમુક વિદ્વાનોના મત પ્રમાણે સૌ પ્રથમ ઑગસ્ટ મહિનાની ૭મી તારીખે (૧૯૦૬) કલકત્તા ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યાર પછી ૧૯૦૭ના વર્ષમાં ભારતીય પ્રતિકારીઓ દ્વારા પૅરિસ (ફ્રાન્સ)માં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્રીજી વખત ડૉ. એની બેસન્ટ અને લોકમાન્ય નિલક દ્વારા ૧૯૧૭ની સાલમાં હોમ રૂલ ચળવળ દરમ્યાન રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જ્યારે મહાત્મા ગાંધી આઝાદીની લડતની પ્રથમ હરોળમાં આવ્યા ત્યારે ૧૯૨૧માં વિજયવાડા (આંધ્ર પ્રદેશ) ખાતે પ્રથમ ત્રિરંગો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ધ્વજનું યોગ્ય સ્વરૂપ સૂચવવા માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી, કમિટીએ સૂચવ્યું કે રાષ્ટ્રીય ધ્વજનો રંગ કેસરિયો હોવો જોઈએ અને તેના છેક ડાબી બાજુના ખૂણામાં ચરખો હોવો જોઈએ. આ સૂચન બદલી નાખવામાં આવ્યું હતું અને ૧૯૩૧માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે નવા ત્રિરંગા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ તરીકે જાહેર કર્યો. આ ધ્વજમાં ઘેરો કેસરિયો, સફેદ અને ઘેરો લીલો એમ ત્રણ રંગો હતા અને સફેદ ભાગમાં આસમાની રંગનો ચરખો હતો.

૨૨ જુલાઈ, ૧૯૪૭માં બંધારણસભાએ અશોકચક્ર સાથેના ત્રિરંગા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવ્યો. ચરખાની જગ્યાએ ચક્રને મૂકવામાં આવ્યું હતું (ધર્મનું સૂચન કરતું ચક્ર). એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રંગો સરખા પ્રમાણમાં હોવા જોઈએ અને ધ્વજ હાથે વણેલી શુદ્ધ ખાદીમાંથી બનાવેલો હોવો જોઈએ. તેનું માપ પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ નમૂનાનો રાષ્ટ્રીય ધ્વજ ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ના મધ્ય રાત્રીએ ફરકાવવામાં આવ્યો હતો.

૧૯૦૬ની સાલમાં પહેલો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો તે પહેલાં તેના યોગ્ય નમૂના વિષે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. આપણી આઝાદીના ચળવળના ઇતિહાસમાં ૧૯૦૫નું વર્ષ એક યાદગાર સીમાસ્તંભ છે. બંગાળના ભાગલા પાડવાની વાતનો સમગ્ર દેશ વિરોધ કરતો હતો; લૉર્ડ કર્ઝનના સમર્થકો પણ એ વાતનો વિરોધ કરતા હતા. બધાના વિરોધનો અનાદર કરીને લૉર્ડ કર્ઝને ૨૦મી જુલાઈએ બંગાળના વિભાજનની જાહેરાત કરી. આ જાહેરાતથી સમગ્ર દેશે આંચકો અનુભવ્યો અને ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓને એમ લાગ્યું કે તેઓની સાથે છળકપટ કરવામાં આવ્યું છે અને તેઓની માનહાનિ કરવામાં આવી છે. કૉંગ્રેસ પક્ષ દ્વારા ૭મી ઑગસ્ટે એક વિરાટ વિરોધ સભાનું કલકત્તામાં આયોજન કરવામાં આવ્યું હતું.

સિસ્ટર નિવેદિતાએ આ વિરોધ સભાની એક “કાળા ઓછાયા” તરીકે પોતાની ડાયરીમાં નોંધ લીધી. એ સમયે રાષ્ટ્રીય ચળવળ પુરજોશમાં હતી અને એ જાહેરાતથી તેને બળ મળ્યું. આ ઘટનાથી રાષ્ટ્રીય મનોબળ વધુ ઘેરું બન્યું. નિવેદિતાએ એ ચળવળને તપસ્યા અને ધર્મ તરીકે વર્ણવી.

એક વિચારનો જન્મ

એ કટોકટીની વેળાએ ભારતની એકતા વ્યક્ત કરતા રાષ્ટ્રીય ધ્વજનો વિચાર તેમને સ્ફુર્યો. “ધ્વજ, એ જ વખતે, આશીર્વાદ અને તપસ્યા છે. પવિત્ર કાર્ય અને એકત્રિત થવા માટેનો બુલંદ અવાજ છે,” તેમણે લખ્યું. તે એક યજ્ઞવેદી છે કે જેને ચરણે આક્રમણ માટે કે સ્વરક્ષણ માટે, માણસોની જિંદગીઓનું મુક્તપણે બલિદાન આપવામાં આવે છે. પેઢીઓ આવે છે અને જાય છે, નવાં સમીકરણો અસ્તિત્વમાં આવે છે અને અદૃશ્ય થઈ જાય છે, પરંતુ રાષ્ટ્રીય પ્રતીક જે મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને જેના માટે લોકો સંઘર્ષ કરે છે તે મૂલ્યોને હંમેશાં યાદ કરવામાં આવે છે. તે મૂલ્યો અનંતકાળની જેમ અટલ હોય છે.

નિવેદિતા ઇચ્છતાં હતાં કે ધ્વજમાં રાષ્ટ્રીય પ્રતીક તરીકે ‘વજ્ર’ (vajra)ને રાખવામાં આવે. પ્રાચીન ભારતીય પ્રતીક પ્રમાણે ‘વજ્ર’ (vajra) ત્યાગ, સન્માન, શુદ્ધતા, જ્ઞાન અને શક્તિનું ઉદ્ગમસ્થાન સૂચવે છે. મહાન ઋષિ દધીચિએ પોતાની જાતનું બલિદાન આપ્યું અને દિવ્ય શસ્ત્ર ‘વજ્ર’ બનાવવા માટે પોતાનાં અસ્થિ આપ્યાં કે જેનો ઉપયોગ માનવજાતના કલ્યાણ માટે થઈ શકે.

વજ્ર (vajra)ના મર્મનો ઉલ્લેખ કરતાં નિવેદિતાએ કહ્યું: “નિ:સ્વાર્થ વ્યક્તિ વજૂ (vajra) જેવી હોય છે. આપણે નિ:સ્વાર્થ બનવા પ્રયત્ન કરીએ કે જેથી આપણે દેવોના હાથનાં શસ્ત્રો બની શકીએ. “કેવી રીતે” અને “શા માટે” એ પ્રશ્નો આપણે પૂછવાના નથી. આપણે આપણી જાતને યજ્ઞવેદી ઉપર ધરી દેવાની છે. બાકીનું કામ દેવો સંભાળશે. વજ્ર પોતે અજેય નથી પરંતુ જે હાથો વડે તે ફેંકાય છે તે અજેય છે. કીર્તિ, લાભ અને આનંદને આપણી જાત ઉપર કબજો જમાવવા ન દો, ઈશ્વર સૂર્યપ્રકાશ છે અને આપણે ઝાકળ છીએ; આપણે તે ઉષ્મામાં પીગળી જવાનું છે.”

૧૯૦૫ ફેબ્રુઆરીમાં નિવેદિતાએ લખ્યું: “અમે રાષ્ટ્રીય ધ્વજ-વજ્ર (vajra)નો નમૂનો પસંદ કરી લીધો છે, અને એક નમૂનો તૈયાર પણ કર્યો છે.”

૧૯૦૬માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે યોજેલા પ્રદર્શનમાં તે ધ્વજ બતાવવામાં આવ્યો હતો. ડૉ. જગદીશચંદ્ર બોઝ જેવી ખ્યાતનામ વ્યક્તિઓએ તેને અપનાવવામાં ટેકો જાહેર કર્યો હતો. ૧૯૦૯ની સાલમાં રાષ્ટ્રીય ધ્વજનો પ્રશ્ન અખબારોમાં ચર્ચાયો હતો. “The Modern Review” નામના સામિયકે એક લેખ પ્રસિદ્ધ કર્યો જેમાં ‘વજ્ર’ સાથે રાષ્ટ્રીય ધ્વજ બતાવવામાં આવ્યો હતો.

બંધારણસભાએ જે રાષ્ટ્રીય ધ્વજને બહાલી આપી તે ત્રિરંગો છે. સમાંતર સરખા પ્રમાણમાં ઘેરો કેસરિયો, સફેદ અને ઘેરો લીલો એમ ત્રણ રંગો છે અને સફેદ ભાગમાં ઘટ્ટ આસમાની રંગનું ચક્ર છે.

મર્મ

ધ્વજની સૌથી ઉપરની તકતી (panel) ઘેરા કેસરિયા રંગની છે. તે હિંમત, બલિદાન, શુદ્ધતા અને ત્યાગ સૂચવે છે. આ રંગ સંન્યાસી અને સાધુઓનો છે. રાજપૂત સૈનિકો અને ગુરુ ગોવિંદસિંહના બહાદુર અનુયાયીઓ યુદ્ધના મેદાન પર કૂચ કરતી વખતે કેસરિયા રંગનો પોશાક પહેરતા હતા. શિવાજીનો ધ્વજ પણ કેસરિયા રંગનો હતો.

મધ્યમાં મૂકેલો સફેદ રંગ શુદ્ધતા અને સત્ય સૂચવે છે સત્ય વિચાર, વાણી અને વર્તનમાં. તે શાંતિ, પ્રેમ અને મૈત્રી પણ સૂચવે છે. લીલો રંગ જીવન, વિપુલતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. તે કુદરતનો રંગ છે અને માનવજાત માટે પ્રેમ અને હૂંફ સૂચવે છે.

સૌથી નીચેના ભાગમાં આવેલ લીલો રંગ ફળદ્રુપ જમીન અને વિપુલ જલ-સંપત્તિ સૂચવે છે જે સમગ્ર માનવજીવનનો આધાર છે. તેથી જ તેને નીચેના ભાગમાં મૂકવામાં આવેલ છે. જીવન જીવવા માટે આપણને સારા ખોરાકની જરૂર રહે છે. લીલો રંગ આપણને કહે છે કે આપણે સખત પરિશ્રમ દ્વારા કુદરતી સાધનસંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ અને કુદરત આપણને યોગ્ય બદલો આપશે.

જ્યારે આપણને જીવનની ખાતરી મળે છે ત્યારે આપણે “સારા જીવન”નો વિચાર કરીએ છીએ. તેથી જ લીલા રંગ ઉપર સફેદ રંગ મૂકવામાં આવ્યો છે, જે સત્ય અને જ્ઞાન સૂચવે છે. એ આપણને કહે છે કે આપણી વર્તણૂક જ્ઞાનમાંથી પરિણમવી જોઈએ અને તેને સત્ય દ્વારા માર્ગદર્શન મળવું જોઈએ.

“સારા જીવન”માંથી આપણે “આધ્યાત્મિક જીવન” માટે વિકસિત થઈએ છીએ. કેસરિયો રંગ ત્યાગનું પ્રતીક છે. આ રંગ આપણને જીવનનાં નૈતિક અને આધ્યાત્મિક પાસાંઓને વિકસાવવાનું કહે છે; વાણી અને વર્તનમાં નિર્ભય અને હિંમતબાજ થવાનું કહે છે.

અશોકના ધર્મ ચક્રને બે ભાગ છે – ટોચનો ભાગ અને મુદ્રાલેખ. ટોચના ભાગમાં સિંહો છે. સિંહ ભવ્યતા, શિસ્ત અને શક્તિનું પ્રતીક છે. સિંહોની નીચે એક સમતલ શિલા (abacus)છે. જમણી બાજુએ આખલો છે. ડાબી બાજુએ ઘોડો છે અને છેડાએ પાસે બે ચાનાં રેખાચિત્રો છે. પ્રતીકના બીજા ભાગ ઉપર મુદ્રાલેખ છે: સત્યમેવ જયતે.

પંડિત નહેરુ અને ડૉ. રાધાકૃષ્ણન્ એ બાબત ઉપર ભાર મૂકતા કે ધ્વજના રંગોની કોઈ સાંપ્રદાયિક અગત્ય નથી અને રંગો વિષે દાર્શનિક ભાષામાં બોલતાં ડૉ. રાધાકૃષ્ણને એક વખત કહેલું કે કેસરિયો રંગ ત્યાગ અથવા નિ:સ્વાર્થતા સૂચવે છે. મધ્યમાં આવેલો સફેદ રંગ પ્રકાશનું પ્રતીક છે અને આપણી વર્તણૂકનો માર્ગદર્શક છે અને લીલો રંગ ધરતી સાથેનો આપણો ગાઢ સંબંધ બતાવે છે. જેના પર સમગ્ર માનવજીવન જ નહીં પરંતુ બધા પ્રકારનું જીવન આધારિત છે તે વનસ્પતિજીવન સાથેનો આપણો સંબંધ પણ બતાવે છે.

અશોક ચક્ર ધર્મ ચક્ર છે. સત્ય એટલે TRUTH- ધર્મ એટલે VIRTUE આ ધ્વજ નીચે કાર્ય કરનાર માટે આ નિયંત્રિત સિદ્ધાંતો હોવા જોઈએ. ડૉ. રાધાકૃષ્ણને કહ્યું: ચક્ર ગતિ સૂચવે છે. ગતિ એ જીવન છે. બંધિયાર હાલત મૃત્યુ છે. ચક્ર અહિંસક પરિવર્તનની ગતિશીલતા સૂચવે છે. તેથી ચરખાની જગ્યાએ અશોક ચક્રને સ્થાન આપવું એ આધાતજનક નથી.

આસમાની રંગ આકાશ અને સમુદ્રનો રંગ છે. પૃથ્વી પર આવેલું કંઈ પણ આકાશ જેટલું ઊંચું નથી અને સમુદ્ર જેટલું ઊંડું નથી. આકાશ અને સમુદ્ર અમર્યાદ વિસ્તારના સૂચક છે. તેથી આસમાની રંગનું ચક્ર લોકોને આગ્રહપૂર્વક જણાવે છે કે ચક્રના સંદેશને તેના સૌથી વધુ ઉન્નત, સૌથી વધુ ગહન અને સૌથી વધુ વ્યાપક અર્થ સુધી લઈ જાય.

ચક્રની આકૃતિ લગભગ સફેદ તકતીની પહોળાઈની બરાબર છે. ચક્રને ધ્વજની બન્ને બાજુએ બતાવવામાં આવ્યું છે. ચક્રમાં ચોવીસ આરાઓ છે અને સારનાથમાં આવેલ અશોક સ્તંભના ચક્રની આબેહૂબ પ્રતિકૃતિ છે. ધ્વજની પહોળાઈ અને લંબાઈનું પ્રમાણ બેથી ત્રણ પહોળાઈ (two breadths to three breadths) છે.

રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ ખૂબ જ સન્માનપૂર્વક થવો જોઈએ. કોઈ પણ ધ્વજ અથવા પ્રતીકને રાષ્ટ્રીય ધ્વજની ઉપરની બાજુએ અથવા જમણી બાજુએ ન મૂકવો જોઈએ. જો બધા ધ્વજો એક લાઈનમાં હોય તો બીજા બધા ધ્વજોને તેની ડાબી બાજુએ મૂકવા જોઈએ. જ્યારે રાષ્ટ્રીય ધ્વજોને સરઘસ અથવા પરેડમાં લઈ જવામાં આવે ત્યારે તે બાજુએ હોવો જોઈએ અથવા જે બીજા – હોય તો હરોળના કેન્દ્રની સામે હોવો જોઈએ. જ્યારે બીજા ધ્વજોને ફરકાવવામાં આવે ત્યારે રાષ્ટ્રીય ધ્વજને સૌથી ઊંચો ફરકાવવો જોઈએ.

સામાન્ય રીતે રાષ્ટ્રીય ધ્વજને અગત્યના સરકારી મકાનો જેવાં કે ઉચ્ચ ન્યાયાલયો, સરકારી વડાં મથકો, કમિશનરની કચેરીઓ, કલેક્ટરની કચેરીઓ અને કેદખાનાઓ ઉપર ફરકાવવામાં આવે છે. પરંતુ પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્ય દિવસ, મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ અને રાષ્ટ્રીય ઉત્સવના પ્રસંગો વખતે રાષ્ટ્રીય ધ્વજનો મોટા પાયે ઉપયોગ થાય છે. આવા પ્રસંગોએ પણ રાષ્ટ્રીય ધ્વજ વાહનો પર ફરકાવવો ન જોઈએ. સાંજના સમયે રાષ્ટ્રીય ધ્વજને ઉતારી લેવો જોઈએ.

રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતી વખતે યોગ્ય વિધિઓ પાળવાની હોય છે. એ પ્રસંગનું ગૌરવ જળવાઈ રહે એ રીતે વિધિઓ અનુસરવાની હોય છે. રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રની સ્વતંત્રતા, એકતા અને સન્માનનું પ્રતીક છે, તેથી તેની પવિત્રતા જાળવી રાખવા માટે નાગરિકોએ પોતાની જિંદગીઓનું બલિદાન આપવા માટે હમેશ તત્પર રહેવું જોઈએ.

ભાષાંતર: શ્રી સી. એમ. દવે

(‘પ્રબુદ્ધ ભારત’, એપ્રિલ, ૧૯૯૧માંથી સાભાર)

Total Views: 132
By Published On: August 1, 1993Categories: Jasbir kaur Ahuja0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram