લીલ લપાઈ બેઠી જળને તળિયે,

સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ!

કંપ્યું જળનું રેશમ પોત

કિરણ તો ઝૂક્યું થઈ કપોત,

વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ!

હળવે ઊતરે આખું વ્યોમ;

નેણને અણજાણી આ ભોગ

લખલખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ!

– સુરેશ દલાલ

 

મિલનનો પરમ આનંદ

જળના તળિયે વસેલી લીલ.

આકાશના સુદૂર અંતરેથી આવતું સૂર્યકિરણ.

જળતત્ત્વના ગહનમાં જે વસ્યું છે એનું તેજના મહત્ તત્ત્વના એક અંશ સાથેનું મિલન: આ અપૂર્વ મિલનના આનંદને કવિ આ નાનકડા ઊર્મિગીતમાં નિરૂપે છે.

આ સઘન રચના છે. એનો એકએક શબ્દ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. જળના તિળયે વસેલી લીલની આ વાત છે. જળની આ વનસ્પતિ કાંઠા પર ફગાવાઈને લીસી તથા નિપ્રાણ બનેલી નથી. એ એની સંજીવની સમા વાતાવરણની વચ્ચે છે. વળી, એ જળનાં તળિયે ક્યાંક લપાઈને બેઠેલી છે. તરત જ દેખાઈ જાય તેવી નથી. આ રીતે લપાયેલી લીલને સૂર્યનું કિરણ આટલાઆટલા અંતરે રહીને જોઈ શક્યું તો આ જળ કેટલું પારદર્શક હશે? કેટલું સ્વચ્છ હશે? સ્વચ્છ નીર હોય ત્યારે જ ગહનમાં ડોકિયું થઈ શકે.

સૂર્યકિરણ જળમાં લપાયેલી લીલને મળવા નીચે ઊતરે છે ત્યારે જળનું રેશમપોત કંપી ઊઠે છે. જળને કવિ વસ્ત્ર સાથે સરખાવે છે. આ વસ્ત્ર વળી પાછું રેશમી છે. એટલે જળ કેવું મુલાયમ હશે? જળની પારદર્શકતા ચતુથી પામ્યા પછી સ્પર્શ દ્વારા એના પોતને આપણે પામીએ છીએ.

સૂર્યકિરણ આમ જીવંત તત્ત્વ છે. પરંતુ આ જળ પર આવે છે ત્યારે એની સીધી ગતિ છોડી બંકિમ બને છે. એ કોત માફક જળ પર ઝૂકે છે; અને નીરવની વાંસળી પર વિવિધ સ્વરોની રમણા જંપે છે.

અહીં કવિ ક્યા સ્વરોની, કઈ વાંસળીની વાત કરે છે? અને એ પ્રકટના સૂરોની વાત છે કે શમતા સૂરોની?

કદાચ કવિ બ્રહ્માંડમાં ગુંજતા પરમ સંગીતની વાત કરે છે. એ સંગીત તો ક્યારેય અટકતું નથી: પરંતુ એના નાદનું પરિમાણ વાતાવરણ પ્રમાણે બદલાતું રહે છે. નીરવની વાંસળી એટલે જ આ પરમ સંગીત. એમાં વિવિધ સ્વરોની રમણા જંપે છે. શમતી નથી.

લીલને મળવા માટે મન તો માત્ર સૂર્યના એક કિરણને થયું પણ એની પાછળ-પાછળ આખુંયે આકાશ ઊતરી આવે છે; આકાશ આમ તો ઉપર હોય પણ જળમાં પ્રતિબિમ્બિત થતાં એ નીચે ધરતીની માફક પથરાઈ જાય છે. ધરતી તો છે, પરંતુ નેત્રને અજાણ એવી ધરતી.

અને બ્રહ્માંડને પોતાના હૃદયમાં આવાહન આપવા ઉર્ધ્વાંગુલિથી તેજનો અર્ધ્ય આપી રહેલા તૃણાંકુરોનું મનોરમ ચિત્ર આ ઊર્મિગીતને સમેટી લે છે.

અહીં પંચતત્ત્વોની વાત છે: જળ, જળના પેટાળે જ્યાં લીલ બાઝી છે એ પૃથ્વી, સૂર્યકિરણરુપી તેજ અથવા અગ્નિ, જળના પોતને કંપાવતો વાયુ અને જળમાં ઊતરી આવતું આકાશ.

અને સાથે-સાથે ચક્ષુથી પામતા પારદર્શક લાગતું જળ, સ્પર્શથી રેશમી લાગતું જળનું પોત, નીરવની વાંસળીએ જંપેલી સ્વરોની શ્રુતિમનોહર રમણા, ‘ભીનાં તૃણ’ સાથે જ એ તૃણની સોડમનો થતો અનુભવ અને આ બધા વાતાવરણમાંથી નીતરતો આકંઠ પીવો ગમે એવો આનંદરસ.

પંચતત્ત્વો અને પંચેન્દ્રિયોની રમણાને સહજ રીતે, ચિંતનના ભાર વિના ગૂંથી લેતી આ નાનકડી રચનામાં માત્ર લીલ અને સૂર્યકિરણના મિલનની જ વાત નથી, પણ એનું શીર્ષક સૂચવે છે એમ હૃદયના તલે રહેલા કોઈક પ્રાણતત્ત્વને ચેતનાના તેજતત્ત્વનો સ્પર્શ થાય ત્યારે થતી અનુભૂતિની વાત આલેખાઈ છે.

– હરીન્દ્ર દવે

Total Views: 138
By Published On: September 1, 1993Categories: Harindra Dave0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram