(ગતાંકથી ચાલુ)

(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશેા અહીં રજૂ કરીએ છીએ.)

૩. स्मरणम् – ભગવાનની સ્મૃતિ એટલે સ્મરણ. અહીં એ યાદ રાખવું જોઈએ કે આ પહેલાં વર્ણવેલી સાધનાઓમાં ભક્તિનાં પરિશીલનો અન્ય જનોના સાથમાં જ કરવામાં આવે છે અને એમાં મનને આંતરિક ધારણામાં લીન કરવાનો કશો સભાન પ્રયત્ન કરવામાં આવતો નથી પણ આ સ્મરણ તો માણસે એકાકી રહીને જ કરવાનું હોય છે. એટલે આ સાધના, કીર્તન કરતાં જુદો જ – આંતરિક – વળાંક લે છે. ભગવાનના સ્મરણની આ સાધના, સામાન્ય રીતે ભક્તો જપ-ઈશ્વરના નામના શાન્ત રટણ દ્વારા કરે છે એટલા માટે હિન્દુઓના વિષ્ણુ, શિવ કે દેવીની ભક્તિ પ્રબોધતા સંપ્રદાયોમાં ઇષ્ટદેવનાં હજારો કે તેથીય વધારે નામો આપવામાં આવ્યાં છે. જ્યારે મંત્રો ઉચ્ચારવામાં આવે છે, ત્યારે ભક્ત ફક્ત ભગવાનને યાદ જ કરી લે છે એટલી જ વાત નથી, પણ ભાગવતના કહેવા પ્રમાણે તો જેમ કોઈને નામ દઈને બોલાવીએ તો તે સાંભળીને આપણને પ્રતિસાદ આપે છે, તેમ ભગવાન પણ એ સાંભળે છે અને એનો પ્રતિસાદ પણ આપે છે. યોગ્ય બીજમંત્ર સાથેનું દિવ્ય નામ આંતરિક ધારણા રાખીને શાન્તિથી રટી શકાય છે. આવા પરિશીલનને ‘જપ’ કહેવામાં આવે છે. ભગવાનના નામનો જપ તો ગમે ત્યારે કરી શકાય છે; શક્ય હોય તો રોજબરોજનાં કામો કરતાં-કરતાં પણ કરી શકાય છે; ભગવાનના સ્મરણનું સાતત્ય એનાથી જળવાય છે. માણસમાં જ્યારે ભક્તિ ઉચ્ચ સ્તરે પહોંચી હોય અને ભગવત્પ્રેમ વિકસિત થઈ ગયો હોય ત્યારે સ્મરણ એક સહજક્રિયા બની રહે છે.

માણસની આધ્યાત્મિક રુચિને પુરસ્કારવામાં દિવ્ય નામનું મહત્ત્વ ભાગવતમાંની અજામિલની કથામાં વિશેષત: ભારપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. નામની અનન્યતા તો એ છે કે પોતાનાં પાપોની સભાનતાથી પીડાતા માનવો માટે નામોચ્ચારણ એક શક્તિશાળી પાપનાશક પ્રાયશ્ચિત છે અને વળી ભગવાનની ધારણા સ્મૃતિ અને ભક્તિ મેળવવા માટેની અત્યંત અસરકારક સાધના પણ છે. શ્રીરામકૃષ્ણે પણ આને મનુષ્યો માટે શ્રેષ્ઠ સાધના ગણાવી છે. કેટલીકવાર કહેવામાં આવે છે કે હિન્દુઓમાં મરણાસન્ન મનુષ્યો માટે અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ દેવળ નથી. આ ખામીને પૂરવા માટે ભાગવત એક સિદ્ધાન્ત લઈને આવે છે કે પાપી અજામિલની પેઠે જ મરતો માણસ જે ભગવાનના ‘નારાયણ’ નામનો ઉચ્ચાર કરે, તો એ એને ઉચ્ચતર ઉદ્ઘન્તિ તરફ દોરી જવા માટે પૂરતું છે. ભાગવત કહે છે: “મરણ સમયે હતાશ દુ:ખી અવસ્થામાં જે મનુષ્યો ભગવાનના નામનો આશરો લે છે તેઓ જલદી જન્મજન્માન્તરનાં પાપોથી છૂટી જાય છે અને પોતાના સાચા આત્મસ્વરૂપને પિછાણે છે.” જાણ્યે-અજાણ્યે ઉચ્ચારાયેલું ભગવાનનું નામ, આગ જેમ લાકડાંને બાળી નાખે તેમ મનુષ્યનાં પાપોને ખાખ કરી નાખે છે; ભલે પછી એ માણસ ભગવન્નામનો મહિમા, એની પવિત્રતા કે એની શક્તિને જાણતો હોય કે ન હોય ! જેમ કોઈ શક્તિશાળી ઔષધનું સેવન, એની અસરકારકતા જાણ્યા વગર અકસ્માતે જ કરવામાં આવે તો પણ એ એની રોગશામક શક્તિ પ્રક્ટ કરે જ છે. એવી જ રીતે ભગવન્નામોચ્ચારણનો પણ પ્રભાવ છે. (ભાગવત, ૬/૨/૧૭-૧૯)

આગળ પણ ભાગવત કહે છે કે ભગવાનનાં નામોનું અને યશોગાથાઓનું સતત રટણ, આ કલિયુગમાં બધી આધ્યાત્મિક સાધનાઓમાં સર્વોત્તમ અને અત્યંત ફલદાયક સાધના છે. ભાગવત કહે છે: “કલિયુગમાં હરિનું નામસ્મરણ કરનારા અને બીજાને એ સ્મરણ કરાવનારા લોકો ખરેખર ભાગ્યવંત અને ધન્યવાદને પાત્ર છે. કલિયુગ ભલે અન્ય અનેક દોષોથી ભરપૂર હોય, પણ એમાં આ એક મોટો ગુણ છે. કૃતયુગમાં સાધક ધ્યાનથી જે મેળવે છે, ત્રેતાયુગમાં જે યજ્ઞોથી મેળવે છે, દ્વાપરયુગમાં જે પવિત્ર મૂર્તિઓની સેવા-અર્ચનાથી મેળવે છે, તે જ ફળ કલિયુગમાં હરિકીર્તન – હરિનામરટણથી મેળવે છે.” (ભાગવત, ૧૨/૩/૫૧-પર)

એમ કહી શકાય કે ભાગવતના બધા ઉપદેશો અને એની ફિલસૂફી -દિવ્ય નામની અનંત શક્તિના સિદ્ધાન્તને વરેલ છે. આ અનંત શક્તિ જ ભગવાન સાથે જોડાવા માગતા દરેક શ્રદ્ધાવાન મનુષ્યને માટે ‘ભગવાનનો અવતાર’ છે. ભગવાન સાથે સંયુક્ત થવા ઇચ્છનાર શ્રદ્ધાળુ માનવ સંત હોય કે પાપી હોય, વિદ્વાન હોય કે મૂર્ખ હોય, એની કશી ગણતરી નથી. ભગવાને પોતે જ દરેકને માટે પોતાને પામવાનો માર્ગ આ નામસ્મરણ દ્વારા સરળ કરી બતાવ્યો છે.

૪. पादसेवनम् – આનો શબ્દાર્થ તો ‘ચરણસેવા’ થાય છે અને સામાન્ય રીતે ‘ચરણો પખાળવાં’ એવો અર્થ જ સમજાય છે; પણ દેખીતી રીતે એ અસ્પષ્ટ અર્થ છે; કારણ કે જ્યાં સુધી ભગવાન અવતાર ન લે, ત્યાં સુધી ભગવાનના ચરણોને કોઈ પામી શકે નહીં, એટલે ‘પાદ’નો અર્થ તાત્ત્વિક રીતે ‘અંશ’ કે ‘સ્વરૂપ વિશેષ’ એવો સમજવો જોઈએ. આ વિશે પુરુષસૂક્ત ભગવાનના ‘ચાર પાદ’ ગણાવે છે. એક પાદ વ્યક્ત-પ્રકટ છે અને ત્રણ પાદો સર્વાતીત છે – પેલી પારના છે. આ પૃથ્વીને પ્રભુનો અભિવ્યક્ત પાદ ગણવામાં આવે છે અને તેથી પૃથ્વી પરના બધા જીવોમાં કામચલાઉ રીતે ઈશ્વર વસે છે એમ માનીને એની સેવા કરવી, એવો ‘પાદસેવન’ શબ્દનો અર્થ જ સમુચિત અર્થ છે. કોઈ પણ કામ ઈશ્વર સમર્પિત બુદ્ધિથી કરવામાં આવે, એને પણ ‘પાદસેવન’ કહેવાય. આ રીતે કરાતાં કાર્યો ભક્તિસાધનાને એક નવો વિશાળતર સામાજિક આયામ આપે છે અને ભક્તિ- સાધના માણસને દુનિયાદારીથી સાવ નિરાળો – જુદી દુનિયામાં રાચતો કરી મૂકે છે”- એવી કરાતી ટીકામાંથી પણ બચાવી લેશે. વળી, કેવળ વ્યક્તિગત મુક્તિના ખ્યાલવાળી સ્વાર્થકેન્દ્રી ભાવનાને બહેલાવતા માણસની સામે આ પાડોશીની ભલાઈમાં રખાતી સયિતા એક સર્વોત્તમ રક્ષકનું કામ કરે છે. સ્વાર્થપરાયણતા આધ્યાત્મિકતાની વિરોધી છે. પણ અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ રીતની ‘પાદસેવા’ કરવા માટે એની સાથે ભક્તિની અન્ય સાધનાઓ પણ જોડી દેવી જોઈએ; નહિતર તો માણસની સેવામાં ઈશ્વરપ્રેમની ભાવના જ નહિ રહે! અને તો તો એનું ભક્તિના કોઈ સંબંધ વગરની માત્ર સામાજિક સેવાના રૂપમાં જ અવમૂલ્યન થઈ જશે.

૫. अर्चनम् – ભક્તિની સાધનાઓમાં શ્રદ્ધાને સામાન્ય રીતે પૂજા કે અર્ચન કહેવામાં છે. પરમાત્માના પુરુષવિધ સ્વરૂપની પ્રતીતિ કરીને આ બાબતમાં પ્રમાણભૂત મનાતાં આગમ શાસ્ત્રોમાં બતાવેલાં વિધિવિધાનો પ્રમાણે અનેક પવિત્ર ચીજ-વસ્તુઓની ભેટ ધરીને એનું પૂજન કરવું એને ‘અર્ચન’ કહેવાય છે. હિન્દુધર્મમાં આવી પૂજા ખાસ જોવા મળે છે. કારણ કે જ્યાં મૂર્તિઓમાં કે એવાં બીજાં કોઈ પ્રતીકોમાં ઈશ્વર-પ્રાર્થના કરવાની રીત પ્રચલિત હોય, ત્યાં જ એવું થઈ શકે અને જૈન, બૌદ્ધ ધર્મની કેટલીક શાખાઓ જેવા કેટલાક અપવાદો બાદ કરતાં હિન્દુ ધર્મ જ એક એવો ધર્મ છે કે જે જ કશા જ અવરોધ વગર મૂર્તિપૂજા સ્વીકારે છે. અને એનું ભલે અનિવાર્ય આવશ્યકતારૂપે નહિ, તોય વ્યાપક રીતે સહાયકારક ભક્તિસાધના તરીકે પ્રતિપાદન કરે છે.

સેમેટિક ધર્મો – ખાસ કરીને ઇસ્લામ અને સૈદ્ધાંતિક રૂપે ખ્રિસ્તીધર્મ પણ ભક્તિની આ પ્રકારની સાધનાના વિરોધી છે. તે ધર્મોએ એવું ધારી લીધું છે કે કુદરતથી ઈશ્વર તદૃન જુદી જ વ્યક્તિ છે અને એટલા માટે કુદરતના પદાર્થોમાંથી બનાવેલ કોઈ મૂર્તિ કે કોઈ પ્રતીક કે કોઈ આકાર ઈશ્વરની અવેજીમાં ચાલી શકે નહિ અને એવી કોઈ પૂજા-અર્ચના ઈશ્વરની નહિ, કોઈ બીજાની જ હોઈ શકે. એવી પૂજા-અર્ચના પથ્થરની પૂજા કરતાં જરાય ચડિયાતી નથી. એ તો પૂજા-અર્ચનાની માનવક્ષમતાનો વ્યભિચાર જ છે, એ એક ભયંકર પાપ છે – આવી વિચિત્ર અને અભાન ધારણાને લીધે એ ધર્મોમાં મૂર્તિપૂજાનો વિરોધ ઊભો થયો છે પણ એની સામે હિન્દુઓનો દૃષ્ટિકોણ એવો છે કે કુદરત તો ઈશ્વરનું અભિવ્યક્ત થયેલું સ્વરૂપ જ છે, સર્વ કુદરતી પદાર્થોની ભીતર એ જ રહેલો છે અને દરેક કુદરતી પદાર્થ દ્વારા એની ભીતરના ઈશ્વર સાથે, એના આત્મા સાથે સંબંધ બાંધી શકાય છે. અને સૌથી અગત્યની વાત એ છે કે મૂર્તિનું જો શ્રદ્ધાભક્તિપૂર્વક અર્ચન કરવામાં આવે, એમાં એની ઉપસ્થિતિનું આવાહન કરવામાં આવે તો એ પ્રતિષ્ઠાપિત મૂર્તિમાં ભક્ત પર આશીર્વાદ વરસાવવા માટે ભગવાન પોતે પ્રગટ થાય છે. એને વારંવાર કહેવાય છે તેમ માત્ર મૂર્તિ જ ગણવી એ એનું અવમૂલ્યન કર્યા સમાન છે. એક સાધારણ મનુષ્ય પણ મૂર્તિઓની શ્રદ્ધાપૂર્વક અર્ચના કરીને આધ્યાત્મિક પ્રકાશ પામી શકે છે, એ રીતે મૂર્તિઓ ઈશ્વરનાં પ્રકટ વરૂપો જ છે. સેમેટિક ધર્મોએ દર્શાવેલી પૂજાઅર્ચના જ્યારે કેવળ કાલ્પનિક હસ્તીને સંબોધીને થાય છે, ત્યારે હિન્દુઓની આ દિવ્યમૂર્તિઓમાં કરાતી પૂજા-અર્ચા, ભક્તિસાધનાને એક વાસ્તવિકતા અને દૃઢતા અર્પે છે. ભક્તિવૃત્તિને સસ્તી અને સહેલી બનાવવા માટે જ્યારે જડ વિધિવિધાનોના ભારે આડંબરનો આશરો લેવામાં આવે છે ત્યારે આ અર્ચના દૂષિત થઈ જાય છે. આ અર્ચનાનું સારતત્ત્વ તો ઈશ્વર મૂર્તિમાં હાજરાહજૂર છે, એવી ભાવના છે. વિધિવિધાનો તો એનાં સાધનો છે. એ કંઈ સાધ્ય નથી. કોઈ પણ પ્રક્રિયાના અમુક નિયમની પેઠે આ વિધિવિધાનો અને અનુષ્ઠાનો અર્ચના કરનારમાં ગંભીરતા અને સાવધાની રાખવામાં સહાયક બને છે અને એની ભક્તિભાવનાને ઓપ કે સ્વરૂપ આપવા એક કેડી કંડારે છે. પણ અર્ચના કરનારે એ ન ભૂલવું જોઈએ કે અર્ચનાનું સારતત્ત્વ તો ભક્તિ જ છે, વિધિ-અનુષ્ઠાનો નથી જ. ભગવાને ભગવદ્ગીતામાં કહ્યું છે : જે કોઈ મને ભક્તિથી તુલસીદલ, પુષ્પ, ફળ કે જળ અર્પણ કરે છે, તો ભક્તિ અને શ્રદ્ધાથી આપેલાં તે બધાંનો હું સહર્ષ સ્વીકાર કરું છું. જો કે કેટલાક મહાન ભક્તોએ મોટાં અનુષ્ઠાનો અને તીવ્ર ભક્તિ-બન્ને આ અર્ચનસાધનામાં સમન્વિત કર્યાં છે ખરાં. આવી ભક્તિની બાબતમાં ડોકિયું કરવા ઇચ્છતા વાચકે શ્રીરામકૃષ્ણદેવના મહાન શિષ્યો પૈકીના એક એવા સ્વામી રામકૃષ્ણાનંદનું જીવન વાંચવું જોઈએ. આ પ્રકારની ભાવમયી અર્ચનાને ભક્તિનું એટલું બધું મહત્ત્વનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે કે નારદ ભક્તિસૂત્રમાં `અર્ચના માટેની આસક્તિ અને એમાં તલ્લીનતાને જ ભક્તિની અનેક વ્યાખ્યાઓ માંહેની એક ગણવામાં આવેલ છે.

આ અર્ચનાનું એક એવુંય રૂપ છે ખરું કે જે બધાં જ વિધિવિધાનો અને અનુષ્ઠાનોને ઉલ્લંઘી જાય છે, એને ‘સેવા’ કહેવામાં આવે છે. એમાં અનુષ્ઠાનોને કાં તો દૂર કરવામાં આવે છે અને કાં તો ઓછાં કરી દેવામાં આવે છે. અને એમાં મૂર્તિને ચિન્મયી સત્તા, નિકટતમ અને પ્રિયતમ હસ્તી તરીકે ગણવામાં આવે છે અને એને સ્નાન, સજાવટ, ખાદ્યસામગ્રી, શયનવ્યવસ્થા વગેરે દ્વારા બરાબર રીતે ભક્ત કાળજીપૂર્વક સ્નેહથી સેવે છે. શ્રીવલ્લભાચાર્ય અને શ્રીચૈતન્યે પ્રસ્થાપિત કરેલ ભક્તિસંપ્રદાયો આ અર્ચનાસ્વરૂપનાં ઉદાહરણો છે.

જ્યારે ભક્ત અત્ર-તત્ર-સર્વત્ર પ્રભુની ઉપસ્થિતિનો અનુભવ કરે ત્યારે એ અર્ચનાની ઉચ્ચતમ ટોચ પર પહોંચે છે, ત્યારે એનું આખું જીવન ‘સર્વસેવા’ દ્વારા ‘એકસેવા’ અને ‘એકસેવા’ દ્વારા ‘સર્વસેવા’વાળું બની જાય છે. ચિન્મયી મૂર્તિપૂજામાં વિશ્વપૂજાનો આ વિચાર, ભાગવતના નીચેના શ્લોકોમાં પ્રતિપાદિત કરવામાં આવ્યો છે:

“જેમ વૃક્ષના મૂળમાં સીંચેલું પાણી અનેક શાખા-પ્રશાખાઓ વગેરેને પોષે છે; અને જેમ શક્તિ જાળવવા ખાધેલો ખોરાક બધાં અંગો અને ઇન્દ્રિયોને મજબૂત બનાવે છે તેવી જ રીતે અચ્યુતની અર્ચના સર્વ દેવોની અર્ચના થઈ જાય છે, અરે આખા વિશ્વની અર્ચના થઈ જાય છે. (ભાગવત, ૪/૩૧/૧૪) વૃક્ષના મૂળમાં સીંચેલા જળનું મહત્ત્વ જેમ આખા વૃક્ષ માટે હોય છે, તેમ વિષ્ણુના અર્ચનનું મહત્ત્વ પોતાના સહિત સર્વ ભૂતો માટે હોય છે.” (ભાગવત, ૮/૫/૪૯)

ભક્તિમાર્ગના કેટલાક સાધકોમાં અર્ચનામાં અનુષ્ઠાનની બાજુને વધારે પડતું મહત્ત્વ આપવાનું અને એના પાયાના વૈદિક સિદ્ધાંતને ભૂલી જવાનું વલણ દેખાય છે. આ પાયાનો વૈદિક સિદ્ધાન્ત તો એ છે કે વિધિ-વિધાનો, યજ્ઞો અને અનુષ્ઠાનોની સમાન્તરે જ જો જીવતાં-જાગતાં પ્રાણીઓમાં પ્રભુને નીરખવા સન્માનવાનું વલણ ન હોય, તો એ એક વિકૃતિ જ છે. તેથી ‘ભાગવતોત્તમ’નું વર્ણન કરતાં ભાગવતે ત્રણ સ્તરો બતાવ્યા છે: “જે બધાં પ્રાણીઓમાં રહેલ આત્માને પરમાત્માની જ અભિવ્યક્તિરૂપ માને અને બધાં પ્રાણીઓને પરમાત્મામાં જ રહેલાં જુએ, તે ‘ભાગવતોત્તમ્’ – સર્વોત્તમ-પૂર્ણ ભક્ત છે; જે ભક્ત ભગવાનને પોતાના ભક્તો તરફ મિત્ર તરીકે, સાધારણ મનુષ્યો તરફ કૃપાળુ અને દયાળુ તરીકે તેમજ શત્રુઓ અને દુર્જનોના બેપરવા રહેનાર તરીકે માનીને એના તરફ પ્રેમ કરવાનું વલણ ધરાવતો હોય, એ રીતે એને પૂજતો હોય તે મધ્યમકક્ષાનો ભક્ત છે અને જે ભક્ત ભગવાનની મૂર્તિઓનું તો શ્રદ્ધાભક્તિપૂર્વક અર્ચન કરે છે, પણ ભગવદ્ભક્તો અને અન્ય પ્રાણીઓ પ્રત્યે તદૃન બેપરવા રહે છે, તે કનિષ્ઠ ભક્ત છે.” (ભાગવત, ૧૧/૨/૪૫-૪૬)

મૂર્તિપૂજાના એક ભાગ તરીકે જીવોમાં રહેલા ઈશ્વરની સેવાને ભાગવતે જે મહત્ત્વ આપ્યું છે, તે બતાવવા માટે આ નીચેનું ઉદ્ધરણ પૂરતું છે: “હું બધાં જ પ્રાણીઓમાં એના અંતરાત્મા રૂપે વસું છું. આ જાણ્યા-પિછાણ્યા વગર કેવળ મૂર્તિઓમાં જ મારી પૂજા કરવી એ તો પૂજાની ફક્ત નલખોરી છે. જે કોઈ બધાં પ્રાણીઓના આત્મારૂપે અને પરમાત્મારૂપે રહેલા મને અવગણે છે અને કેવળ મૂર્તિની જ પૂજા કર્યા કરે છે તો તેની એવી પૂજા, યજ્ઞમાં આપેલી આહુતિઓ જેમ રાખ બની જાય, તેવી રીતે નકામી બિનઅસરકારક બની જાય છે. જે માણસ પૂજા અને પોતાનાં કર્તવ્ય-કર્મી-ફો-વચ્ચે આવી ચોખ્ખો ભેદભાવ રાખીને કેવળ સ્વાર્થકેન્દ્રી જીવન જીવે છે, તે બીજા પ્રાણીઓનો શત્રુ બની જશે અને તે સૌમાં વસતા મને જ આ રીતે ત્રાસ આપતો રહેશે. આવો માણસ ક્યારેય શાન્તિ મેળવતો નથી. માણસ જો પોનાના સાથીઓને અવગણે કે ત્રાસ આપે અને મૂર્તિમાં જ અનેક વિધિ-અનુષ્ઠાનો તેમજ અનેક કિંમતી ઉપહારો દ્વારા પૂજયા કરે, તો એની એવી પૂજાથી હું કદાપિ પ્રસન્ન થાઉં નહિ. જર્યાં સુધી માણસ પોતામાં અને અન્ય પ્રાણીઓમાં મારી ઉપસ્થિતિનો ખરેખરો સાક્ષાત્કાર કરી લે, ત્યાં સુધી એણે મૂર્તિપૂજાની સાથોસાય બધાં પ્રાણીઓ પ્રત્યેની પોતાની ફરજો અદા કરતાં રહેવું જ જોઈએ. જયાં સુધી માણસ સ્વાર્થકેન્દ્રી હશે, અને પોતાની અને બીજાની વચ્ચે ભારે ભેદભાવ રાખતો હશે, (બાં પ્રાણીઓના અંતરમાં વ્યાસ એવા મારી સાથે સર્વની એકતાને માનતો નહિ હોય) તો એ મૃત્યુની મહાભયંકરતાનો ભોગ બનરો, તો આ સ્વાર્થકેન્દ્રી જીવનના ભેદભાવને ઓળંગી જઈને મનુષ્ય બધું પ્રાણીઓની ભેટ, સન્માન અને પ્રેમથી સેવા કરવી જોઈએ અને સમજવું જોઈએ કે આ પૂજા, સર્વના અંતરમાં વસતા મારી જ પૂજા છે; સર્વાન્તર્યામીની જ પૂજા છે. (ભાગવત, 3/29/21-27)

૬ वन्दनम् – ‘વન્દનમ્’ શબ્દનો વાચ્યાર્થ ‘પ્રણામ કરવા’ એવો થાય છે અને પૂર્વવર્ણિત અર્ચનસાધનાના સંદર્ભમાં, ભગવાનના ચરણે સંપૂર્ણ શરણાગતિ સૂચવવા મૂર્તિ આગળ દંડવત્ પ્રણામ કરવા એવો અર્થ થાય છે. અન્ય લોકોને તેમના મોભા અનુસાર નમીને, ઘૂંટણિયે પડીને કે હાથ જોડીને અભિવાદન કરવાની વિવિધ રીતો દર્શાવવા પણ આ શબ્દ વપરાય છે; પણ ભક્તિના સંદર્ભમાં એનો અર્થ કોઈ મૂર્તિ, મનુષ્ય કે વસ્તુમાં પ્રભુની ઉપસ્થિતિનો આધાર કરવો, એમ થાય છે. ભાગવત પરંપરામાં આ વંદનનો વ્યાપ મંદિરની સીમાને ઓળંગીને ક્યાંય સુધી વિસ્તર્યો છે. ભક્તે સમજવું જોઈએ કે આખી પ્રકૃતિ દિવ્યતત્ત્વથી સભર છે અને એટલે એણે સર્વ દિશાઓમાં સર્વ પ્રાણીઓને પ્રણામ કરવા જોઈએ. એટલે કર્મકાંડના પાયા પર કરેલા પ્રણામ અહીં પારગામી બની જાય છે અને દિવ્યતત્ત્વની સર્વત્ર ઉપસ્થિતિની સાધનામાં એનું રૂપાંતર થઈ જાય છે. ભક્તે પોતાના વ્યાવહારિક જીવનમાં ઊંચ-નીચ બધી જ વ્યક્તિઓનું મહત્ત્વ પિછાણવું જોઈએ અને એ દરેક સાથે સુયોગ્ય વ્યવહાર કરવો જોઈએ. અહીં પણ પાદસેવનની સાધનામાં દર્શાવ્યા પ્રમાણે માનવીય સંબંધોનો સ્તર મુખ્ય બની રહે, એવી ઝંખના રખાઈ છે.

७. दास्यम् – ૮. सख्यम् – અને ૯. आत्मनिवेदनम् – આ ત્રણેયની અર્થ, અનુક્રમે ઈશ્વરદાસ, ઈશ્વરસખા અને ઈશ્વરને આત્મસમર્પણ કરવાનું વલણ કેળવવું, એવો થાય છે. મનમાં આ વલણો કેળવવા માટે માણસના મનનું એના અહંકારનું રૂપાન્તર થવું આવશ્યક છે. આમાંનાં કેટલાંક વલણો કે ભાવો સામાન્ય માણસની પહોંચ બહારનાં છે. પણ ભગવાનના સેવક થઈને રહેવાનું વલણ કંઈક સ્વાભાવિક છે અને દરેક ભક્તે એનું પરિશીલન કરવું જોઈએ. ભક્તિના આ બધા ભાવો કે વલણો શ્રીકૃષ્ણના જીવનમાં અને તેમના અન્યાન્ય ભક્તો સાથેના સંબંધમાં મૂર્ત થયેલાં છે.

સાંસારિક અર્થ, આ અહંકાર સંપૂર્ણ રીતે શરીરકેન્દ્રી હોય છે; અને માણસની આવી સ્વકેન્દ્રી સહજવૃત્તિ એને જે રીતે પ્રેરે છે, એ જ મનુષ્યનું સાંસારિક જીવન છે. જેટલે અંશે આ અંહકારનો વિરોધ થાય અને જેટલે અંશે, ‘હું પ્રભુનો સેવક છું’, ‘હું ઈશ્વરનું બાળક છું’, ‘હું ઈશ્વરનું રમકડું છું’ અથવા ‘હું ઈશ્વરની પ્રિયતમા છું’ એવા પ્રભુ સાથેના દિવ્ય સંબંધો અહંકારને સ્થાને આવી જાય, તેટલે અંશે આ નિબંધમાં પૂર્વવર્ણિત ભક્તિસોપાનોની ઉચ્ચતર કક્ષાઓ ઉત્તરોત્તર પસાર થઈ ચૂકી છે, એમ સમજવું. આત્મસમર્પણ-સંપૂર્ણ શરણાગતિ ભક્તિનું સર્વોચ્ચ શિખર છે, તો પણ એ બધા જ ભાવોમાં કંઈક અંશે અનુસૂત છે જ. ગોપિકાઓના શ્રીકૃષ્ણ પ્રત્યેના પૂર્ણ નિ:સ્વાર્થ અને ગણતરી વગરના ભક્તિભાવમાં અને એમની કૃષ્ણસેવામાં એની ચરમસીમા છે. અને એટલે ભારતીય ક્તિપરંપરાએ એમાં ભક્તિનો ઉચ્ચતમ આદર્શ પૂર્ણ થયેલો જોયો છે. ભાગવતનો દશમસ્કંધ એમના ભક્તિસૌરભને સુપેરે આલેખે છે. અને એટલે જ આ સ્કંધને ભગવાનનું હૃદય માનવામાં આવે છે.

ભાષાંતર: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 130
By Published On: September 1, 1993Categories: Tapasyananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram