(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.)

પ્રશ્ન: ૩૮ પ્રત્યેક હિન્દુ માટે આદર્શ દૈનિક કાર્યક્રમ શો હોઈ શકે?

ઉ. આદર્શ દૈનિક કાર્યક્રમ આ પ્રમાણે હોઈ શકે-

હિન્દુ સૂર્યોદય થતાં પહેલાં પથારી છોડી દે. કુળદેવતા અને ઈષ્ટદેવતાને પ્રણામ કરે. સ્નાનાદિ ક્રિયાઓ પતાવી, પ્રાર્થના કરે, ધારણા-ધ્યાન કરે, ધર્મગ્રંથો વાંચે. કુળદેવતાને ભોગ ધર્યા બાદ નાસ્તો કરે. પરિવારનાં પાલન-પોષણ માટે, પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરે. ધર્મ વિરુદ્ધ આચરણથી દૂર રહે. સંધ્યા સમયે પરિવાર સાથે ઘરના પૂજાઘરમાં સામુહિક પ્રાર્થના-ભોજન કરે. રાત્રિનું ભોજન લે. સૂતાં પહેલાં કુળદેવતાને પ્રણામ કરે, તેનું સ્તવન કરે.

આ ઉપરાંત નજીકના મંદિરમાં, ભલે સપ્તાહમાં એક જ વાર, પણ જાય. મુખ્ય તહેવાર કે પર્વ ઊજવે. સપરિવાર કોઈ પ્રસિદ્ધ તીર્થધામની, પોતાની અનુકૂળતા મુજબ યાત્રા કરે, પોતાની શક્તિ મુજબ સત્પાત્રો અથવા સંસ્થાઓને દાન આપે. સૌ કરતાં વિશેષ આદર્શ, પ્રત્યેક હિન્દુ માટે, એ છે કે વ્યક્તિગત અને સામાજિક જીવનમાં સદાચારી બની રહે.

પ્રશ્ન: ૩૯ કહેવાય છે કે આજનો હિન્દુ સમાજ એક નવીન વળાંક પર છે. ધર્મનાં શાશ્વત મૂલ્યો ૫૨  આધારિત નવા સમાજની, હિન્દુસમાજની સ્થાપના કેવી રીતે થઈ શકે?

. પહેલી વાત તો એ કે ઉપર સૂચવ્યા મુજબની રીતે આપણે ઉત્તમ જીવન જીવવું પડશે, એનાથી સમાજને નવી રીતે ઘડવાનું મનોબળ અને આત્મબળ જાગશે.

આપણે બાહુબળ, બુદ્ધિબળ અને આત્મબળનો સંચય કરી, ત્રણેનું ચરિત્રબળમાં પરિવર્તન કરવું પડશે. માંહોમાંહેના મતભેદો ભૂલી જઈ, અનેકતામાં રહેલી એકનાને ઓળખવી પડશે. વર્તમાનની આ સૌથી મોટી અપેક્ષા છે. વ્યાયામશાળાઓ ખોલવી, લોકોમાં ધાર્મિક જાતિ પેદા કરવા માટે સરખેસરખાનાં અભ્યાસ વર્તુળો રચવાં, દર પંદર દિવસે એકવાર પણ સામૂહિક પ્રાર્થનાનું આયોજન, સ્થાનિક મંદિરમાં કરવામાં આવે; આથી શરીર, બુદ્ધિ અને આત્માના વિકાસને સહાય મળે છે.

સમાજમાં શિક્ષણ, સંસ્કૃતિ અને સંપત્તિની દૃષ્ટિએ આગળ વધેલી વ્યક્તિ કે એવા વર્ગ દ્વારા પછાત લોકોના જીવન સ્તરને ઊંચું લાવવા આ મહાનુભાવોએ વિશેષ કાર્યક્રમો યોજવા જોઈએ. સમાજને એક પરિવાર સમજીને, એક પરિવારની ભાવનાથી, ભાઈચારાની ભાવનાથી આ કમભાગીઓને ઊંચે લઈ જવા પડશે; નહીં તો નિકટના ભવિષ્યમાં સર્દીઓથી સતાવવામાં આવતા દુર્બળ, શોષિત અને દલિતવર્ગના આ સનાતનધર્મી લોકો, બીજા ધર્મના વાડાના મોહમાં ફસાઈ જાય તો આશ્ચર્ય પામવા જેવું નથી. આપણા સમાજના સુખસગવડો ભોગવતા લોકો કે વર્ગો પરની આ સૌથી મોટી જવાબદારી છે.

અજ્ઞાનને લીધે અથવા તો બીજાના ઘૃણાયુક્ત વ્યવહારને લીધે કંટાળી, જેમણે હિન્દુધર્મ છોડયો હશે, તેઓને આપણે પ્રેમપૂર્વક પોતાના બનાવવા પડશે. તેમને સમયોચિત સ્થાન અને અધિકારો આપવા પડશે. તેમનામાં હીનતાની લાગણી ન જન્મે તે જોવું જોઈએ.

સમસ્ત હિન્દુ જાતિઓ, સંપ્રદાયો અને વર્ગોના કર્ણધારકોની આ, નવા સમાજના પુન: નિર્માણની જવાબદારી છે. બહુ જલ્દીથી એક સરળ સંસ્કાર-સંહિતા તૈયાર થવી જોઈએ, જે પ્રત્યેક હિન્દુ માટે વ્યવહારોપયોગી બની શકે અને તે પોતાની જાતને એક વિશાળ પરિવારનું અવિભાજય અંગ માને, સહભાગી સમજે.

“હિન્દુ સમાજમાં કોઈ ‘શૂદ્ર’ નથી”, એવી સ્વામી વિવેકાનંદની ઉક્તિ યાદ રાખવી પડશે. એ મુજબ શૂદ્ર તો એ છે, જે સંસ્કાર વગરનો હોવાથી, ‘દ્વિજ” બનવાથી વંચિત ‘દરિદ્ર’ માત્ર છે. વિવેકાનંદજીએ એવા લોકોને ‘દ્વિજ’ બનાવવાનું સમર્થન કરેલું. સૌ હિન્દુઓએ આ વાત માત્ર ધ્યાનમાં રાખવાની છે, એટલું જ નહીં પરન્તુ તેને કાર્યાન્વિત પણ કરવી પડશે.

પ્રશ્ન: ૪૦ અન્ય ધર્મો તરફનો હિન્દુઓનો દૃષ્ટિકોણ કેવો છે?

ઉ. એક આદર્શ હિન્દુ માટે જુદાજુદા ધર્મ એટલે એક જ વર્તુળ પરનાં જુદાંજુદાં બિંદુઓ; જે સીધાં ઈશ્વરાનુભૂતિ અથવા ભગવન્દર્શનરૂપી કેન્દ્ર તરફ લઈ જાય છે. શ્રીરામકૃષ્ણ ભગવાને આ વાતને વ્યાપક રીતે રજૂ કરતાં કહ્યું કે ‘જેટલા પથ તેટલા મત’. તેનો સંકેત એ છે કે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ હોય છે. અહીં ધર્મનો અર્થ ‘ઈશ્વરાનુભૂતિનું સાધન’ છે.

આમ છતાં પણ જે રીતે અન્ય ધર્મ પાળનાર પોતાના ધર્મને ઉત્તમ માને છે તે રીતે હિન્દુ પણ પોતાના ધર્મને શ્રેષ્ઠ માને છે. ‘તારું એ તારા માટે અને મારું એ મારા માટે’ એવી તેની દૃષ્ટિ કે અભિગમ છે. દરેક પોતાના ધર્મને સાચી રીતે જાણે, સાચા અર્થમાં ઓળખે અને પ્રામાણિક શ્રદ્ધાથી તેનું આચરણ કરે; તો આ પૃથ્વી સ્વર્ગ બની જાય. માનવતાના ઇતિહાસમાં આવા નવપ્રભાતના આગમનનો, ઉદયનો તે ‘પ્રાર્થી’ છે.

(સમાપ્ત)

ભાષાંતર: શ્રી સી. એ. દવે.

Total Views: 259

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.