વિદ્યુત્-શક્તિ મૂળે તો એક જ હોવા છતાં આપણે આપણી વિવિધ અપેક્ષાઓની પૂર્તિ માટે વિધવિધ યંત્ર માધ્યમો દ્વારા એ એક જ શક્તિના વિવિધ સ્વરૂપો પામીએ છીએ. આપણને હવાની અપેક્ષા હોય, તો પંખાનું, ઠંડીની અપેક્ષા હોય તો રેફ્રિજરેટરનું, ગરમીની અપેક્ષા હોય તો હીટરનું, પ્રકાશની અપેક્ષા હોય તો બલ્બ વગેરેનું યંત્રમાધ્યમ ઉપયોગમાં લઈને તે-તે અપેક્ષાઓ સંતોષીએ છીએ. આમ અનેક યંત્રમાધ્યમો વિવિધ શક્તિસ્વરૂપો પ્રગટાવતાં રહે છે.

એ જ રીતે પરમાત્મશક્તિ તો મૂળે એક અને અનંત છે પણ માનવની વિવિધ કામનાઓ સંતર્પવા માટે માણસે વિવિધ અને વિશિષ્ટ અનેક દેવમાધ્યમો કલ્પ્યાં છે. માનવની અપેક્ષિત વિશિષ્ટ શક્તિઓને પ્રગટાવતાં આ દેવમાધ્યમો માનવના ભાવપદાર્થનું સ્થૂલ મંત્રીકરણ છે. ઉપાસનાની અનુકૂળતા માટે અને ઈપ્સિતલાભાર્થે આવું સ્થૂલીકરણ વિશ્વના દરેક ધર્મસંપ્રદાયમાં જોવા મળે છે. કાળાન્તરે આવાં દેવમાધ્યમો ઉચિત પરિષ્કાર પણ પામતાં રહ્યાં છે. જેમ અમુક શક્તિ પ્રગટ કરતું યંત્રમાધ્યમ જુદી ભાતની શક્તિ પ્રગટાવી શકતું નથી, તેવી જ રીતે અમુક કામનાઓ સંતર્પતું દેવમાધ્યમ એનાથી જુદી જાતનાં અરમાનો સંતોષી ન જ શકે.

પરન્તુ, એ ન ભૂલવું જોઈએ કે વિવિધ રૂપે પ્રગટ થતી વિદ્યુત-શક્તિ મૂળે એક જ છે. તે જ રીતે વિવિધ આકાંક્ષાઓ સંતોષતાં આ બધાં દેવમાધ્યમોની શક્તિ મૂળે તો એક જ છે. એટલે જ વેદોના ઈન્દ્ર, વરુણ વગેરેમાં એમની પાછળ રહેલી શક્તિ પિછાણીને તેને સર્વશ્રેષ્ઠ દેવ તરીકે નવાજવામાં આવેલ છે.

આ દેવમાધ્યમોની પ્રતીકાત્મક સ્વરૂપ – સંરચનામાં આપણા પૂર્વજોની કલાસૂઝ અને સમન્વયભાવનાં દર્શન થાય છે. આજે ઉપાસવામાં આવતા લગભગ બધા દેવોનાં મૂળ વેદોમાં છે ખરાં, પણ પૌરાણિક અને પુરાણોત્તર યુગમાં અને આજે પણ આ દેવમાધ્યમોની રચના માનવમને કર્યા કરી છે.

આપણા ગણેશ કે ગણપતિ પણ આવું એક સબળ વૈદિક દેવમાધ્યમ છે. ઋગ્વેદમાં બુદ્ધીશ અને વાગીશ પરમર્ષિ બૃહસ્પતિને ‘ગણપતિ’ એવું ઉપનામ અપાયું છે. અસુરે હરેલ ધનસમૃદ્ધિ અને પશુઓને છોડાવવાનું પરાક્રમ એમણે કર્યું હતું એવી કથા છે. (૨/૨૩/૧ અને ૧૦/૬૪). પણ આ ગણપતિ-બૃહસ્પતિ સૂંઢાળા અને એકદંતી ક્યારે થયા, એનો પુરાવો પૌરાણિક કિંવદન્તીઓ સિવાય ક્યાંય મળતો નથી. બ્રહ્મવૈવર્ત, સ્કંદ અને શિવપુરાણની કથાઓ પ્રમાણે અતિસંક્ષેપમાં તપ કરવા ગયેલા શંકરના વરદાન અનુસાર પાર્વતીએ પોતાની કાયાના મેલમાંથી ગણપતિને સર્જ્યા અને એકલવાયાપણું દૂર કર્યું. ભોળિયા અને ભૂલકણા શિવે તપમાંથી પાછા ફરતાં દરવાજે ગણપતિને રખોપું કરતા ભાળ્યા. નહાવા ગયેલાં પાર્વતીની આજ્ઞાનુસાર ગણપતિએ શિવને અંદર જવાની ના કહી, એટલે ભયંકર યુદ્ધ થયું. શંકરે એનું માથું વાઢી નાખ્યું. પાર્વતીએ ખૂબ કલ્પાંત કર્યો એટલે સિંહલદ્વીપમાંથી હાથી મંગાવી શંકરે દીકરાના ધડ સાથે ચોંટાડી જીવતો કર્યો! એ હાથી એકદન્તી હતો. બ્રહ્મવૈવર્તપુરાણમાં પરશુરામે યુદ્ધમાં તેમનો એક દાંત કાપી નાખ્યો હતો એમ લખ્યું છે.

ગમે તેમ, પણ ગણપતિની આજની આરાધ્ય સ્વરૂપસંરચનાના પ્રતીકમૂર્તિમાં એમના દિવ્ય ગુણોની ઝાંખી થયા વગર રહેતી નથી. હાથી ભવ્યતા, શાન્તિ, નિરાપદતા, બળ, સ્વાતંત્ર્ય અને સ્મરણશક્તિનું માન્ય પ્રતીક ભારતમાં મનાયું છે. હાથી લક્ષ્મીનો સાથી છે. જાતકકથાઓમાં બુદ્ધે પણ ધોળા હાથીનો અવતાર લીધો હતો એમ લખ્યું છે. હાર્થીનું વિશાળ મસ્તક બુદ્ધિશક્તિની વિશાળતાનું, એના વિશાળ કાન બહુ શ્રુતતાનું, એની ઝીણી આંખો પ્રખર નિરીક્ષણ-પરીક્ષણ શક્તિનું, ‘ઓમ’ ‘ૐ’ના આકારવાળી એની સૂંઢ પરમ જ્ઞાનનું અને એનું લંબ ઉદર સર્વગ્રાહિતાનું સૂચન કરી જાય છે.

ઉંદર ગણપતિનું હાસ્યાસ્પદ લાગે તેવું વાહન કલ્પાયું છે. કેટલાક આ ઉંદરને ચાતુર્યનું, કેટલાક સર્વગામિની વાણીનું, કેટલાક કાળનું તો વળી કેટલાક ચિંતકો પરિપક્વ અને ગળી ગયેલા અહંકારનું પ્રતીક માને છે. ગણપતિના મુખની સૌમ્યના આ છેલ્લા વિકલ્પ સાથે વધારે બંધ બેસતી લાગે છે.

ગણપતિ ભારતના હિન્દુ, જૈન, બૌદ્ધ – બધાના ઉપાસ્ય છે. પ્રાચીનકાળમાં આ દેવમૂર્તિની કીર્તિ ભારત ઉપરાંત તિબેટ, નેપાળ, મોંગોલિયા, કંબોડિયા, અફઘાનિસ્તાન, ચીન, જાપાન, મેક્સિકો અને મધ્ય અમેરિકા સુધી ફેલાયેલી હતી, એમ ભૂસ્તરશાસ્ત્રીઓની શોધ કહે છે. રોમનોના મંગળકારી ‘જેનસ’ દેવ ગણેશની જ પ્રતિકૃતિ મનાય છે અને એના ઉપરથી જ વરસના પહેલા મહિનાનું નામ જાન્યુઆરી પડ્યું છે. પ્રસિદ્ધ વિદ્વાન સર વિલિયમ જેમ્સે આ વાત પોતાના ‘ઈટાલી અને ગ્રીસના દેવો’ નામના નિબંધમાં વિગતે આપી છે. દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને ઈલોરાની ગુફાઓ (૮મી સદી)માં આ ગણેશની અસંખ્ય સ્વયંભૂ મૂર્તિઓ અને મંદિરો જોવા મળે છે. કાશ્મીરના ગણેશતીર્થમાં પણ આવું જ છે. ગણેશને જ પરમતત્ત્વ માનતો એક ઓછો વ્યાપક ‘ગાણપત્યોનો સંપ્રદાય’ પણ ઊભો થયો હતો. (લગભગ છઠ્ઠી સદીમાં). એ બસો વરસ ચાલીને છેવટે શાક્તસંપ્રદાયમાં ભળી ગયો. એ સમયે એક ગણપતિ ઉપનિષદ્ પણ રચાયું.

પુરાણપ્રસિદ્ધ ગણપતિ આજીવન બ્રહ્મચારી હતા. કથા એવું કહે છે કે બાળપણમાં એક બિલાડીને તેમણે રમતમાં ઈજા કરેલી, માતા દુર્ગાના શરીર પર એમણે એ ઈજાનાં ચિહ્નો નિહાળ્યાં. માતાએ નારીમાત્રમાં જ પોતાનું સ્વરૂપ છે, એમ કહ્યું. ત્યારથી એમણે લગ્ન ન કરવાનો નિશ્ચય કર્યો. રખેને વિવાહિતામાં ક્યાંય માતાનું સ્વરૂપ રહેતું હોય! ગણેશ આથી લગભગ એકલા પૂજાય છે. આમ છતાં કેટલીકવાર રિદ્ધિ અને સિદ્ધિની શક્તિઓ – અરૂપ શક્તિઓના પ્રતીકો સાથે – એનો વિવાહસંબંધ દર્શાવવામાં આવે છે. આ ગણેશનો એક અલગ ગાયત્રીમંત્ર પણ છે.

શ્રદ્ધાળુઓ ગૌરીપુત્ર ગણેશને સર્વવિઘ્નહરદેવ માને છે. બહારના અને અંતરના સર્વ અવરોધોને દૂર કરીને એ છેવટે ઉપાસને મુક્તિ આપે છે. શંકરાચાર્ય જેવા મેધાવી મહામાનવ પણ અનેક સ્તવનો અને ટીકાઓમાં આવી શ્રદ્ધા વ્યક્ત કરે છે.

પોતાના મનમાં ગોઠવેલા મહાભારતને લિપિ – બદ્ધ કરાવવા નારદની સલાહથી વ્યાસમુનિ લેખક તરીકે ગણેશની પસંદગી કરે છે. ગણેશજી વ્યાસ પાસે વાગથંભ્યું લખાવ્યે જવાની શરત મૂકે છે. વ્યાસજીએ અર્થ સમજીને જ લખવાની ગણેશ પાસે સામી શરત મૂકી. બન્ને અરસપરસ કબૂલ થયા. પોતાને શ્લોકો રચવાનો અવકાશ મળી રહે, એટલા માટે વ્યાસજી વચ્ચે-વચ્ચે ફૂટ શ્લોકો મૂકતા જાય, ગણેશ વિચાર કરતા થાય, તેટલામાં વ્યાસજી નવા શ્લોકો બનાવી કાઢે, આમ મહાભારતનું લેખન પૂરું થયાનું કહેવાય છે.

નારીમાત્રમાં માતૃત્ત્વનું દર્શન, અતુલિત મેધાશક્તિ અને અખંડ બ્રહ્મચર્યનાં ચારિત્ર્ય લક્ષણો ઉપરાંત માતૃ-પિતૃનિષ્ઠાનું અને પરમજ્ઞાનનું એક વિશિષ્ટ ચારિત્ર્યલક્ષણ પણ ગણપતિમાં જોવા મળે છે. એકવાર પાર્વતીએ પોતાના બન્ને પુત્રો – ગણેશ અને કાર્તિકેયને કહ્યું કે, “તમારા બેમાંથી જે કોઈ આખી ધરતીની પરિક્રમા કરીને મારી પાસે પહેલો પાછો આવશે, એને રત્નહાર ભેટ આપીશ.” ગણેશનું ભારે શરીર, ફાંદ, મૂષકવાહન વગેરે જોઈને પોતાની જીત નિશ્ચિત માનતા કાર્તિકેય તો હસતે મુખે પોતાના વાહન મોર પર સવાર થઈને ઊપડ્યા. પણ પોતાના પરમજ્ઞાનથી ગણેશે જાણી લીધું કે શિવ-શક્તિથી જ આખું જગત વ્યામ છે. એટલે શાંતિથી તેમણે પાસે રહેલાં માતા-પિતા – શિવપાર્વતીની પરિક્રમા જ કરી લીધી! પાર્વતી ખુશ થયાં, ગણેશ જીત્યા. થોડા સમય પછી પાછા ફરેલા કાર્તિકેય છોભીલા પડી ગયા.

શ્રીરામકૃષ્ણ પાસેથી આવી-આવી ગણેશકથાઓ વારંવાર સાંભળ્યા પહેલાં તો સ્વામી વિવેકાનંદ જેવા મનીષી પણ ગણેશ વિશે ઉપેક્ષા સેવતા હતા પણ પછી એમનો આદર ગણેશ પ્રત્યે ખૂબ વધી ગયો હતો.

સમગ્ર ભારતમાં દર વરસે ભાદરવા સુદ ચોથને દિવસે (ઑગસ્ટ-સપ્ટેમ્બર) ગણેશની વિશેષ પૂજા-અર્ચા થાય છે. ગણેશને જનગણનેતૃત્ત્વનું પ્રતીક માનીને લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવની પ્રથા શરૂ કરી હતી. આ દિવસ વેદાભ્યાસના આરંભનો પ્રથમ દિવસ મનાય છે. કારણ કે ગણેશ જ જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિના અધિષ્ઠાતા દેવ મનાયા છે અને એ બંને શક્તિઓનો સમન્વય જ જીવનને પૂર્ણ બનાવી શકે છે.

ગણપતિ સાથે શાસ્ત્રીય સંગીતનો ‘કલ્યાણ’ રાગ સાર્થક રીતે જોડાયેલો છે. ઘણું કરીને ગણપતિસ્તુતિ કલ્યાણ રાગમાં ગવાય છે. કલ્યાણ રાગ કલ્યાણકારી અને શાન્તિદાયક રાગ છે. શાસ્ત્રીય સંગીતકારોએ ઉચિત રીતે જ આવા રાગના અધિષ્ઠાતા તરીકે ગણેશને કલ્પ્યા છે.

ગણપતિની સ્વરૂપસંરચના-પ્રતીકમૂર્તિ અને પુરાણકથાઓથી એ પ્રતીકને મઢવાની ભારતની આર્યપ્રજાની રુચિ, ભારતીય આર્ય સંસ્કૃતિનાં બે અગત્યનાં વલણોને છતાં કરી જાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં એક વલણ અન્યોને અપનાવવાનું રહ્યું છે. ઇતિહાસકારો કહે છે કે આદિવાસીઓની પશુ-પ્રાણી પૂજાને આર્યોએ અપનાવી લીધી હતી. અને બીજું વલણ એ અપનાવેલી બાબતોની વિભાવના બદલી નાખવાનું હતું. એક ઇતિહાસકારે તો એવું ય નોંધ્યું છે કે “આદિવાસીઓના ‘વિઘ્નકર્તા’ ગણેશ જ આર્યજાતિના ‘વિઘ્નહર્તા’ ગણેશ બની ગયા!”

આમ વિભાવના બદલી નાખ્યા પછી એ નવવિભાવનાના વિકાસ માટે પૌરાણિક ચરિતકથાઓ તે-તે દેવ-દેવીની રચાઈ. આમ આપણને ગણેશનું આજનું આરાધ્ય અને સંગ્રહણીય સ્વરૂપ સાંપડ્યું છે. એ સાંપડેલાને આપણે સાચવીએ, સંસ્કૃતિનો પટ વિસ્તારીએ, સંચિત નિધિને સજીવ રાખીએ, આપણી પરંપરાગત સંવેદનશીલતાનો અને એવાં વલણોનો વિકાસ કરીએ, આપણી ભાવસમૃદ્ધિ જાળવીએ અને વધારીએ, સોરઠી ભજનવાણીની લહેકાદાર સાખીમાં આ ગણપતિને વધાવીએ: ભક્તોના અને ભજનિકોના ભાવચૂરમાના મોદક માણતા આ ગણપતિ-

દૂંદાળા દુ:ખભંજણા, સદાય બાળાવેશ;

પરથમ પહેલા સમરીએ, ગૌરીનંદ ગણેશ જી

આ સર્વ ગુણપતિ ગણપતિને પ્રણામ!

Total Views: 202

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.