કોઈપણ કંપનીમાં કે વ્યવસ્થાતંત્રમાં અથવા કોઈપણ સામાજિક સંસ્થામાં યોગ્ય નેતૃત્વ જરૂરી છે. નેતૃત્વ વિના વિકાસ શક્ય નથી, એટલા માટે નેતૃત્વને એક જવાબદારી સાથેની બાબત ગણવામાં આવે છે. કોઈપણ કંપનીનાં વ્યવસ્થાતંત્રમાં વારંવાર દોરવણી આપવી અને ઘણા મોટા સમૂહને સાથે રાખીને કાર્ય કરવું એ એક પડકારરૂપ પ્રશ્ન છે. તેથી જ્યારે નેતૃત્વ અંગેની જવાબદારી સોંપવાનો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે યોગ્ય ક્ષમતાવાળી વ્યક્તિને જ પસંદ કરવામાં આવે છે.

નેતૃત્વ માટે મહત્ત્વના ક્યા ગુણો હોવા જોઈએ એ માટે કોઈ સ્પષ્ટ સિદ્ધાંતો નથી. આમ છતાં આ ક્ષેત્રે ભૂતકાળમાં જે જુદાંજુદાં સંશોધનો થયાં છે તેના આધારે નીચે મુજબના ત્રણ અભિગમો મહત્ત્વના બન્યા છે:

૧ લાક્ષણિકતા અભિગમ: જેમાં વ્યક્તિના ખાસ ગુણો અને લાયકાતો જોવામાં આવે છે.

૨ પરિસ્થિતિજન્ય અભિગમ: આ બીજા અભિગમમાં જુદીજુદી પરિસ્થિતિમાં બદલતી જતી સ્થિતિ વખતે મહત્ત્વના ગુણો હોવા જરૂરી માનવામાં આવ્યા છે. જેને ‘Law of Situation’ તરીકે ઓળખવામાં આવે છે.

૩ સમૂહ અભિગમ: આ અભિગમ મુજબ જુદાજુદા સમૂહને સંતોષ આપી શકે એ પ્રકારની ચોક્કસ લાયકાતની અપેક્ષા રાખવામાં આવે છે.

આમ ઉપર મુજબના મુખ્ય અભિગમો ધ્યાનમાં લેવામાં આવે છે. આમ છતાં બીજાં અન્ય ઘણાં પરિબળો પણ ધ્યાનમાં લેવાં પડે છે અને તે પરિબળોનાં આધારે નેતૃત્વ અંગેના ગુણો અને લાયકાતો વિષે વિચારી શકાય છે.

(૨) સ્વામી વિવેકાનંદના અભિપ્રાય અનુસાર નેતૃત્વના આવશ્યક ગુણો:

સ્વામી વિવેકાનંદ દ્વારા નેતૃત્વ માટે જે જરૂરી ગુણો જણાવવામાં આવ્યા છે તે નીચે મુજબ છે:

૧. ચારિત્ર્યની શુદ્ધિ, ૨. લોકોને સંગઠિત કરી રાખવાની શક્તિ, ૩. સેવા અને પ્રેમ, ૪. આત્મસમર્પણ, ૫. જવાબદારી અંગે સભાનતા, ૬. નિષ્પક્ષ અને વિશાળ મન અને ૭. શ્રેષ્ઠ દોરવણી.

ઉપર મુજબના જે ગુણો દર્શાવવામાં આવેલા છે તેને સહેલાઈથી માપી શકાય તેમ નથી. આમ છતાં જ્યારે-જયારે કોઈ વ્યવસ્થાતંત્રમાં જવાબદારી સોંપવાનો પ્રશ્ન આવે ત્યારે આ ગુણો પ્રત્યે ખાસ લક્ષ આપવું જરૂરી છે. આ બધા ગુણો માનવીની એક આંતરિક શક્તિ અથવા વ્યક્તિત્વ બતાવે છે. તેથી માત્ર બાહ્ય શક્તિ જ ધ્યાનમાં લેવાની નથી.

સ્વામી વિવેકાનંદ કહેતા કે, “એક સિદ્ધાંત કે કાર્ય ખાતર તમે જો પ્રાણ સમર્પણ કરવા તૈયાર હો તો જ તમે નેતા થઈ શકો પણ આપણે તો બધા જરા પણ ત્યાગ વગર નેતા બનવાના કોડ સેવીએ છીએ એટલે પરિણામ શૂન્મ જોઈને આપણું કોણ સાંભળે?” આમ નેતાગીરી એ કોઈ સામાન્ય બાબત નથી પણ અત્યંત કઠિન અને પુરુષાર્થયુક્ત બાબત છે. તે માટે સામાન્ય પુરુષાર્થ નહીં પણ ખૂબ જ મુશ્કેલભર્યો અને આત્મસમર્પણ સહિતનો પુરુષાર્થ જરૂરી બને છે. જે કોઈ વ્યક્તિ આ પ્રકારના ગુણો ધરાવતી હોય તે જ સાચો નેતા બની શકે.

(૩) સંચાલનમાં ક્યા પ્રકારની અપેક્ષા રાખવામાં આવે છે?

ભારતમાં નેતૃત્વને આચાર્ય તરીકે ગણવામાં આવે છે અને એટલે ‘આચરણમાં મૂકનાર’. એટલે તે જે ઉપદેશ આપે છે તેને જીવનમાં અનુસરે છે. આ જ રીતે કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપેલ છે એટલે આપણે શ્રીકૃષ્ણને એક ઉત્તમ નેતા તરીકે સ્વીકારીએ છીએ.

સમાજમાં કે કોઈ ધંધાકીય વ્યવસ્થાતંત્રનાં સંચાલનમાં તેજસ્વી વ્યક્તિ જે કંઈ કરે છે તેને સામાન્ય માનવી અનુસરે છે. સમગ્ર વિશ્વમાં અનુકરણ કરનારાઓની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. તેથી નેતૃત્વ સ્વીકારનાર ખૂબ જ જવાબદાર હોવો જરૂરી બને છે. તેથી સંચાલનમાં અથવા વહીવટમાં અમુક ચોક્કસ પ્રકારની નેતૃત્વ અંગેની અપેક્ષા રાખવામાં આવે છે જે અંગે મુખ્ય બાબતો નીચે મુજબ છે:

૧ ભવિષ્ય દ્રષ્ટા: ‘ભવિષ્ય દ્રષ્ટા’ એ નેતૃત્વ માટે એક મહત્ત્વનું લક્ષણ ગણવામાં આવે છે. સમગ્ર દેશમાં અને વિશ્વમાં જુદાજુદા વિષયોમાં જે ઝડપથી પરિવર્તન આવી રહ્યાં છે તેનો અભ્યાસ જરૂરી બને છે અને ભવિષ્યમાં ક્યા પ્રકારની સ્થિતિ રહેશે તેનું જ્ઞાન હોવું જરૂરી છે. કોઈપણ પ્રકારનું આયોજન દીર્ઘદૃષ્ટિ વિના સંભવી શકે નહીં. આજના જાપાનના પ્રણેતા કોનો સુકે મત્સુશીતાએ સ્વીકારેલ છે કે તેની સફળતા માટે લાંબી દૃષ્ટિ જ કારણભૂત હતી.

ચાણક્યના અભિપ્રાય મુજબ મંત્રીઓ એવા હોવા જોઈએ કે જેઓને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગેની સ્પષ્ટ દૃષ્ટિ હોય. જો કોઈ નેતા પાસે દૃષ્ટિ ન હોય તો અન્ય નિષ્ણાતો પાસે જઈને સલાહ લેવી જોઈએ.

૨ દરેક વ્યક્તિને સાથે રાખવાની શક્તિ: કોઈપણ સંચાલનમાં કોઈ એક વ્યક્તિ માત્ર સફળતા મેળવી શકે નહીં. આ માટે દરેક કર્મચારીને સાથે રાખવો જોઈએ. કારણ કે યોગ્ય ટીમવર્ક વિના કાર્યની સફળતા શક્ય નથી. આ ઉપરાંત કર્મચારીઓમાં એક ચોક્કસ પ્રકારની શુભેચ્છાની લાગણીઓ પેદા કરવી જોઈએ. જો નેતા પવિત્ર હોય તો ખૂબ સહેલાઈથી અન્ય કર્મચારીઓનો સહકાર મેળવી શકે છે.

૩ મનની સમતુલા: વર્તમાન સમયમાં જ્યારે ધંધાકીય સંચાલનમાં અસંખ્ય પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે ત્યારે ધંધામાં નેતૃત્વ સંભાળનારે માનસિક સમતુલા જાળવવા માટે વ્યવસ્થિત પ્રયાસો કરવા જોઈએ. હવે માની લો કે બધી કુશળતા હોવા છતાં સફળતા પ્રાપ્ત ન થાય તો શું કરવું? આ સંજોગોમાં ગીતામાં દર્શાવેલ ઉપદેશ મુજબ શાંત ચિત્ત રાખવું અને પરિસ્થિતિનો સ્વસ્થતાથી સ્વીકાર કરવો યોગ કર્મસુ કૌશલમ્ આમ શાંત મન વ્યક્તિને પક્ષનાં ઊંડાણમાં લઈ જશે અને નિષ્ફળતાનું ખરેખર ક્યું કારણ છે તે જાણી શકાશે.

૪ પ્રેરણાદાયી અને સ્વયંસ્ફૂરિત કાર્યશીલતા: ચોક્કસ ધ્યેય અને દૃષ્ટિ સાથેના નેતાઓ ખૂબ જ વ્યાવહારિક અને પ્રેરણાદાયી હોવા જોઈએ અને સ્વપ્નને સત્યમાં ફેરવી શકે તેવા રાક્તિમાન હોવા જોઈએ. આ પ્રકારની શક્તિઓ સ્વયંસ્ફુરિત અને ધ્યેયલક્ષી હોવી જરૂરી છે. પ્રેરણાદાયી નેતૃત્વ તેમના કર્મચારીઓમાં પણ એક પ્રકારની પ્રેરણાઓ ઉત્પન્ન કરે છે.

૫ સાધન પ્રત્યે ધ્યાન આપવું : સાચી નેતાગીરી તેને કહેવાય કે ધંધાનો હેતુ સિદ્ધ કરવા માટે જે સાધનો સ્વીકારવામાં આવે તે અંગે પણ જાગૃત હોય. આપણે ઘણી વખત કોઈ હેતુ સિદ્ધ કરવા જે પ્રયત્નો કરીએ તેટલી કાળજી સાધનોની યોગ્યતા વિષે કરતા નથી. આમ ન થવાથી નિષ્ફળતા મળે છે.

૬ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરે તેવી શક્તિ: ધંધાકીય સંચાલનમાં વારંવાર પ્રતિકૂળ સંજોગો ઉપસ્થિત થવાની શક્યતા રહેલી છે. આ સંજોગોમાં નેતાએ ખુબજ મક્કમ બનીને પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.

૭ દરેક કર્મચારીને માન આપવું: ‘કર્મચારીઓને મિલ્કત તરીકે ગણો.’ આ બાબત દરેક નેતાએ અમલમાં મૂકવા જેવી છે. કર્મચારીઓને ખૂબ જ માન સાથે એક ધંધાકીય ભાગીદાર તરીકે ગણો. એક સફળ અમેરિકન મેનેજર જણાવે છે કે કર્મચારીઓને માત્ર માન આપવું એટલું જ નહીં પણ તમે તમારી ઓફિસમાં બોલાવવાના બદલે તમે તેમની મુલાકાત માટે જાવ. આ બાબત કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી છે.

૮ બલિદાનની ભાવના: સત્યમય નેતૃત્વમાં બલિદાનની ભાવના હોવી એ જરૂરી લક્ષણ છે. સ્વામી વિવેકાનંદ કહેતા – ‘સરદાર તો સરદાર’ જે બિલદાન કરી શકે તે જ સરદાર (નેતા) બની શકે.

૯ ઉત્તમ કૌટુમ્બિક વાતાવરણ પેદા કરવું: કોઈપણ વ્યવસ્થાતંત્રમાં એકતા, અખંડિતતા, પ્રેમ, ભ્રાતૃભાવ, કાર્યક્ષમતા અને સદ્ભાવના પેદા કરવા માટે એક આનંદદાયક સુંદર કૌટુંબિક વાતાવરણ ઊભું કરવું જોઈએ. આ માટે સંચાલકોએ ખૂબ જ જાગૃતિ દાખવવી જોઈએ અને કર્મચારીઓના સતત કલ્યાણની ચિંતા કરવી જોઈએ. જાપાનના વહીવટમાં આ બાબત અગ્રસ્થાને છે.

૧૦ કાર્યની ઉત્તમ સ્થિતિ: કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે કાર્યની ઉત્તમ સ્થિતિનું સર્જન થવું જરૂરી છે. જે જગ્યાએ કાર્ય થતું હોય તે જગ્યાને પૂજા કરવાની જગ્યા ગણવી જોઈએ. તેથી ખૂબ જ સ્વચ્છતા, હવા મળે તેવી સગવડતા, પૂરતા પ્રમાણમાં પ્રકાશ વગેરે બાબતો પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઈએ. કામદારો પાસેથી કાર્યની સફળતા માટે આ પ્રકારની સગવડતા ઊભી કરવી એ નેતાની જવાબદારી છે.

આપણા દેશમાં ધંધાકીય ક્ષેત્રે ખૂબ જ ધૈર્યવાન તથા બળવાન નેતાઓ તૈયાર થાય એ વર્તમાન સમયમાં ખૂબ જ આવશ્યક બાબત છે. સ્વામી વિવેકાનંદના અભિપ્રાય મુજબ પશ્ચિમની કાર્યક્ષમતા અને પૂર્વની આધ્યાત્મિક્તાનું સંગઠન થાય તો આપણે ખૂબ જ સારા નેતાઓ તૈયાર કરી શકીએ. આ માટે હોલિસ્ટિક અભિગમ જરૂરી બને છે. વર્તમાન સમયનાં જે વહેણો ભારતમાં વહી રહ્યાં છે તેના પરથી એમ લાગે છે કે સ્વામી વિવેકાનંદની આગાહી સાચી પડવાની ઘણી જ શક્યતા વધતી જાય છે.

સંદર્ભ: ૧/Swami Jitatmananda – Indian Ethos For the Modern Management, Chapter-19. Published By: Ramakrishna Ashrama, Rajkot, Edition 1992. ૨/ સ્વામી વિવેકાનંદ: આદર્શ માનવનું નિર્માણ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, આવૃત્તિ ૧૯૮૩. ૩/ શ્રીરામકૃષ્ણ જ્યોત, દીપોત્સ્વી અંક, ૧૯૯૨.

Total Views: 383

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.