(ગતાંકથી આગળ)

(શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક The Spiritual Heritage of Indiaમાંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)

હવે આપણે જોઈએ કે નરેન્દ્રનાથની શ્રીરામકૃષ્ણદેવ સાથેની બીજી મુલાકાતમાં શું થયું હતું. એમની પહેલી મુલાકાત તો કલકત્તામાં એક સામાન્ય મિત્રને ઘેર થઈ હતી. એ મિત્રે પહેલાં શ્રીરામકૃષ્ણદેવને આમંત્ર્યા હતા. પણ તે સમયે ભજન ગાવા માટે કોઈ ગાયક મળ્યો નહિ તેમણે આસપાસ તપાસ કરી તો વિશ્વનાથ દત્તનો પુત્ર નરેન્દ્રનાથ દત્ત નજરે ચડ્યો. આમ ગાયક મળી ગયો અને પેલા મિત્ર તેને તેડી લાવ્યા. આમ એ બન્નેની પ્રથમ મુલાકાત થઈ. નરેન્દ્રનાથે ગાયું અને શ્રીરામકૃષ્ણને સમાધિ લાગી ગઈ! એ ‘બ્રાહ્મોસંગીત’માં સૂચિત વિશ્વૈક્યે તેમને ભાવાવેશના સમાધિસ્તર સુધી લાવી મૂક્યા! ઘણી મુસીબતે જ્યારે તેઓ માંડ પાછા સામાન્યસ્તરની ચેતનાએ ઊતર્યા ત્યારે તેમણે એ યુવાન નરેન્દ્રનાથને પ્રેમથી આગ્રહભર્યું નિમંત્રણ આપ્યું. અર્વાચીન જગતના પ્રાશ્નિક માનસનું જાણે પ્રતિનિધિત્વ કરતા હોય તેમ પ્રશ્ન કર્યો. નરેન્દ્રનાથે આ પ્રશ્ન આમ તો ઘણા બધા લોકોને કર્યો હતો. એ પ્રાથમિક પ્રશ્ન હતો: “મહાશય તમે ઈશ્વરની વાત કરો છો, પણ તમે ઈશ્વરને જોયો છે ?” દરેકે ઉત્તર એક યા બીજી રીતે અસ્પષ્ટરૂપે જ આપ્યો હતો અને એ આ યુવાનના માનસને સંતૃપ્ત કરી શક્યો ન હતો. યુવાન દક્ષિણેશ્વર ગયા અને જતાંવેંત એ જ પ્રશ્ન પૂછી નાખ્યો: “મહાશય, તમે ઈશ્વરને જોયો છે?” અને તરત જ એનો જવાબ પણ મળી ગયો: “હા, મેં એને જોયો છે અને જો તું ઇચ્છતો હો, તો તને પણ બતાવી શકું છું.”

શ્રીરામકૃષ્ણે સૂચવ્યું કે ભગવદ્દર્શન કંઈ ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો કે ચાક્ષુષ પ્રક્રિયાનો વિષય નથી. ઈશ્વરદર્શન કરવું એટલે ઈશ્વરસ્વરૂપ થવું, પોતાને ઈશ્વર તરીકે પિછાણવો, તે છે. નરેન્દ્રનાથ તો સ્તબ્ધ થઈ ગયા. આવો ઉત્તર મેળવવા તો તેઓ સજજ ન હતા. એણે ખરેખર તો આજના વૈજ્ઞાનિક માનસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ આ જવાબ સાંભળી જ રહ્યા, કંઈ બોલી શક્યા નહિ. પણ તેમના મનમાં શંકા તો થઈ. નરેન્દ્ર દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણના ઓરડામાં પ્રવેશ્યા ત્યારે સદ્ભાગ્યે ત્યાં કોઈ જ ન હતું, ઢળતા બપોરનો એ સમય હતો. લોકોને આવવાનો એ અનુકૂળ સમય ન હતો. નરેન્દ્રને જોતાંવેંત જ શ્રીરામકૃષ્ણ ભાવાવેશમાં ખોવાઈ ગયા. ખૂબ આનંદના નશામાં એમણે સામે જોઈને નરેન્દ્રને સ્પર્શ કર્યો. સ્વામી વિવેકાનંદના પોતાના જ શબ્દો દ્વારા આપણે જાણીએ છીએ કે શ્રીરામકૃષ્ણ જેવો તેમને સ્પર્શ કર્યો કે તરત જ તેમનું મન ઉચ્ચત્તર ચેતનાના સ્તરે ઊડવા લાગ્યું અને તે છેક પરિપૂર્ણ પરમતત્ત્વમાં તેમની વ્યક્તિમત્તા સાવ ઓગળી ગઈ ત્યાં સુધીની અંતિમ સીમા સુધી ઊંચે ને ઊંચે ઊડતું જ રહ્યું. આ અણીને વખતે નરેન્દ્ર રડીને બૂમ પાડી ઊઠ્યા અને બોલ્યા: “અરે, તમે મને આ શું કરી રહ્યા છો? મારે ઘેર મારાં માતાપિતા છે.”

નરેન્દ્રનાથે રામકૃષ્ણને ‘તમે ઈશ્વરને જોયા છે?” એમ પૂછ્યું અને એનો જવાબ હતો: “હા મેં જોયા છે અને તનેય બતાવી શકું છું.” આમ કહી શ્રીરામકૃષ્ણ એને પોતાનું સ્વરૂપ બતાવવા ઇચ્છતા હતા પણ એ માટેની આવશ્યક પૂર્વશરત હજુ હાજર ન હતી. વૈજ્ઞાનિક અને બૌદ્ધિક બાબતોની પેઠે જ અહીં પણ આવશ્યક પૂર્વશરત હોય છે. અહીંની આવશ્યક પૂર્વશરત સ્વેચ્છાપૂર્વક પોતાની પૃથક્તાને ખોઈ નાખવાની છે, અને પોતાની વ્યક્તિમત્તાને પૂર્ણતત્ત્વમાં ઓગાળી દેવાની છે. મુમુક્ષુત્વ અને એ માટે તીવ્ર આધ્યાત્મિક સાધનાની (શમદમાદિસાધનસંપત્તિની) આવશ્યકતા હોય છે અને તે વખતે નરેન્દ્રનાથ એવા આધ્યાત્મિક રીતે સજ અધિકારી ન હતા. એટલે એ વખતે માતાપિતાને યાદ કરીને રડતા નરેન્દ્રને મન નિર્વિકલ્પ સમાધિ કરતાં માતાપિતાનું મહત્ત્વ વધારે હતું. શ્રીરામકૃષ્ણે એનો સ્પર્શ કરીને કહ્યું: “રાહ જો, હજુ રાહ જો, સમય પાક્કે બધું જ થઈ રહેશે.” આ ઐતિહાસિક હકીકત છે, આ કંઈ કપોળકલ્પિત કથા કે અરેબિયન નાઈટ્સની વારતા નથી.

આ રીતે ભારતના આધ્યાત્મિક વારસાની સત્યતાની આજે જે પ્રસ્તુતના વરતાઈ રહી છે, તે આ પ્રસંગ કહી જાય છે. આ જીવનનું એક સત્ય છે અને જો તમે ઈચ્છો, તો એ પામી શકો છો.

ત્યાર પછીના ચાર વરસના ટૂંકા સમયગાળામાં શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્રનાથ વચ્ચેના પારસ્પરિક સંબંધો ચાલુ રહ્યા. શ્રીરામકૃષ્ણને ઘણી ઉતાવળ હતી. તેમને ખબર હતી કે તેમનો જવાનો સમય હવે આવી પહોંચ્યો છે અને હજુ ઘણાં મોટાં કામ કરવાનાં બાકી છે. ગામે-ગામ ઘેરઘેર અને દરેક માણસ સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે તેમણે નરેન્દ્રનું ઘડતર કરવાનું વિચાર્યું. આપણે જાણીએ છીએ કે આ બે અનન્ય આધ્યાત્મિક પ્રતિભાઓ વચ્ચે કેવું આશ્ચર્યજનક પ્રશ્નાર્થચિન્હ મુકાયેલું હતું! આ બન્ને વ્યક્તિત્વોનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે એક બાજુ નરેન્દ્રનાથ વર્તમાન સમયના માનવના પ્રાશ્નિક મનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ શ્રીરામકૃષ્ણ ભારતની ચાર હજાર વરસ જૂની આધ્યાત્મિક ઝંખનાના ફલસ્વરૂપ સાંપડેલા સંચિત જ્ઞાનરાશિનું એની આધ્યાત્મિક આશા-આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા!

પણ ભારતના શાસ્ત્રવચનની આપણને ખબર છે કે માનવીય સ્વરૂપમાં શરીર અને મન, પ્રકૃતિનાં તત્ત્વોની જ સરજત છે. અને પ્રકૃતિનાં એ તત્ત્વોના વિશુદ્ધી કરણની પદ્ધતિ પણ છે. જયારે એ તદૃન વિશુદ્ધ થઈ જાય ત્યારે આત્માની એકતાની પિછાણ મેળવે છે, એને જાળવે છે અને ત્યારે એ દિવ્યતાની પરમોચ્ચ ઝાંખી પામે છે. સામાન્ય રીતે તો આપણો આ દુર્બળ માનવદેહ, વિશ્વની આધ્યાત્મિક એક્તાની સભાનતાના ભારને, એની પીડાને, એના ઉદ્દેગને જીરવી શકવામાં નાકામિયાબ નીવડે છે, પણ શ્રીરામકૃષ્ણની બાબતમાં એવું ન હતું.

શ્રીરામકૃષ્ણનું માનવીય સ્વરૂપ તો વૈશ્વિક એકતાની આ આધ્યાત્મિક સભાનતા સાથે એટલી તો સુંદર અને ઘનિષ્ઠ સંવાદિતા સાધી ચૂક્યું હતું કે હવે તેઓ આખી માનવજાત માટે તેમના રોજબરોજના જીવનમાં એ પરમસત્યની અભિવ્યક્તિ કરાવવાની તકલીફ લઈ શકે તેમ ન હતું. તેથી જે સંદેશ લઈને તેઓ અવતર્યા હતા, તેને ફેલાવવા કોઈ બીજા વાહન કે બીજા માનવીય સ્વરૂપને ઉત્પન્ન કરવાની કે સ્વીકારવાની આવશ્યકતા ઊભી થઈ હતી. એટલે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને નોખાં નોખાં વ્યક્તિત્વ માનવાં એ એક ભૂલ છે. એ બંનેનું એક જ દિવ્ય વ્યક્તિત્વ હતું. એણે આધ્યાત્મિક પૂર્ણતાનું સત્ય સ્થાપિત કર્યું અને એની સાથે એકતાના એ સત્યને નક્કર રીતે પ્રકટ પણ કર્યું અને જ્યારે એક આધ્યાત્મિક વ્યક્તિત્વે આધ્યાત્મિક વિશ્વવિજય શક્ય બનાવવા માટે અન્ય વાહન કે અન્ય સ્વરૂપ ઈછ્યું, ત્યારે સ્વામી વિવેકાનંદના સ્વરૂપે એ જ વ્યક્તિત્વ પુન: પ્રાદુર્ભૂત થયું.

શ્રીરામકૃષ્ણના અવસાન પહેલાંના થોડા જ દિવસે તેમણે નરેન્દ્રને બોલાવ્યા. એ પહેલાં નરેન્દ્રનાથે ગુરુના આશીર્વાદથી, પોતાના સુદૃઢ નિશ્ચયી, તીવ્ર ઇચ્છા શક્તિથી નિર્વિકલ્પ સમાધિનો સ્વાદ ચાખી લીધો હતો. એ માટે પેાતાની રીતે પોતે તૈયાર થવામાં તેમને કેટલોક વખત લાગ્યો. એમણે પોતે એ અનુભવની ખરાઈની કસોટી પણ કરી. તેઓ આનંદિત થઈ ઊઠ્યા અને પછી પોતાના ગુરુદેવ પાસે ગયા. અને જયારે ગુરુએ તેમને તેમના જીવનના આદર્શ વિશે પૂછ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો: “કેમ? હું તો નિરંતર જ નિર્વિકલ્પ સમાધિમાં જ રહેવા માગું છું અને અનંતના સાગરને આસ્વાદવા માગું છું.” આ ઠેકાણે જો બીજો કોઈ ગુરુ હોત તો તે ખૂબ આનંદી નાચી ઊઠત. એમની વાહવાહી પોકારત કે “વાહ મને કેવો ગજબનો વેદાન્તી શિષ્ય મળી ગયો!” પણ આ ગુરુ એવા ન હતા. તેમણે એમની સામે આંખો નીચે ઢાળીને જોયું અને ઠપકો આપ્યો: “તું આવો સ્વાર્થી હોઈશ એનો મને ક્યારેય ખ્યાલ ન હતો. તું આટલા બધા આપરખા હોઈ શકે એવું મેં કહ્યું ન હતું. મેં તો ધાર્યું હતું કે આ સંસારનાં થાક્યા-પાક્યાં તપેલાં યાત્રીઓ અને મુસાફરો જેની શીળી છાયામાં આશરો લઈ શકે એવા પીપળાના વિશાળ વૃક્ષ જેવો તું હોઈશ અને તું ફક્ત તારામાં જ રચ્યો પઓ બની ગયો! ધિક્કાર છે તને! મને તારું મોં જોવું ય નથી ગમતું.” બસ, આ હતું નરેન્દ્રનાથના જીવન પરિવર્તનનું કેન્દ્રબિન્દુ.

હવે શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનાથને આશીર્વાદ આપ્યા, એ છેલ્લી ઘટના પણ વર્ણવી લઉં: શ્રીરામકૃષ્ણનું શરીર એ વખતે ઘણું નબળું પડી ગયું હતું અને તેઓ ઘણી મુસીબતે નરેન્દ્રનાથની સામે સીધા બેસી શક્યા. થોડીવાર તો તેઓ એની સામે જોતા જ રહ્યા. જાણે કે પોતાની આંખોના માધ્યમથી તેઓ પોતાને ખુદને નરેન્દ્રમાં રેડી રહ્યા હોય એવું લાગતું હતું. નરેન્દ્રને પોતામાં ગજબની શક્તિનું સંક્રમણ થતું હોય એમ લાગ્યું. એનું આખું અસ્તિત્વ અવર્ણનીય બલ અને જેમથી જાણે છલકાઈ ઊઠ્યું. થોડા વખત પછી શ્રીરામકૃષ્ણે કહ્યું: “નરેન, મેં જે કંઈ મેળવ્યું હતું તે બધું જ તને આપી દીધું છે. જા, નરેન, અને જગન્માતાનું કામ કરે” અને આ ઘટના પછી થોડા દિવસોમાં જ તેમણે મહાપ્રયાણ કર્યું.

ભારતની સમગ્ર આધ્યાત્મિક ચેતનાના સમસ્ત જ્ઞાનરાશિથી યુક્ત, પૂર્ણ આધ્યાત્મિક વ્યક્તિત્વ એ એકલું જ હતું, એવું જયારે હું ભારપૂર્વક કહું છું ત્યારે એ જ વ્યક્તિત્વ બીજા વાહનમાં સંન્ત થયું હતું એમ સમજાવું જોઈએ. અને એ જરૂરનું પણ હતું. કારણ કે વૈજ્ઞાનિકો જાણે છે કે જે સાધનો પાયાના સત્યને સાબિત કરવા માટે ઊપયોગી હોય છે, તેના કરતાં જથ્થાબંધ ઉત્પાદન કરવામાં ઉપયોગી સાધનો જુદાં જ હોય છે. તો અહીં પણ આ સાધનોની અદલાબદલીનો જ મામલો છે. નરેન્દ્રનાથ પોતાની રીતે વિશ્વગુરુ તરીકે ખીલ્યા અને તેમણે શો સંદેશ આપવાનો હતો? બુદ્ધના સમયગાળા દરમિયાન આ જ્ઞાનનું નૈતિક વર્ગીકરણ તો દયા, દાન, સહાનુભૂતિ, કરુણા અને માનવતાના સ્વરૂપે અભિવ્યક્તિ પામી ચૂક્યું હતું. પરંતુ એક વધારાની બાંબત કરવાની બાકી રહી ગઈ હતી. આધ્યાત્મિક જીવનના પરંપરિત વિચારોના અવરોધો હજુ દૂર કરવાના બાકી હતા, હજુ ભેદની ભીંતોને ભાંગવાની બાકી હતી. આધ્યાત્મિકતાનાં પુરાતન મૂલ્યો અને પુરાતન પદ્ધતિઓની બાબતમાં આપણે એટલા બધા રૂઢિચસ્ત છીએ કે આપણે આધ્યાત્મિકતાને કોઈ ગિરજાઘર, કોઈ મસ્જિદ, કોઈ મંદિર કે કોઈ અગિયારીની ચાર દિવાલોમાં જ ગોંધી રાખી છે. જીવનનો આ આધ્યાત્મિક માર્ગ દુનિયાદારીના જીવનમાર્ગ કરતાં કંઈક સાવ જુદો જ છે, આવો અભિગમ બદલાવવાની આવશ્યકતા હતી. આ બધું સ્વામી વિવેકાનંદે કરવાનું હતું, તેમના પર આ ઉત્તરદાયિત્વ છોડાયું હતું. તેમણે જે જ્ઞાન પોતાના ગુરુદેવના જીવનમાં પ્રાદુર્ભૂત થયેલું જોયું હતું, જે જ્ઞાન તેમણે સમગ્ર ભારતની ચારે દિશાઓમાંના પરિભ્રમણ દ્વારા ભેગું કર્યું હતું, જે જ્ઞાન તેમણે પોતાની સાધનાથી પ્રાપ્ત કર્યું હતું, તે જ્ઞાનને જગત સમક્ષ સિદ્ધ કરી બતાવવાનું હતું, તે ભવ્ય અને ઉજ્જ્વલતમ જ્ઞાન પોતાના દેશની દુર્દશાના સમયમાં પણ જગત સમક્ષ રજૂ કરવાનું કામ સ્વામી વિવેકાનંદે કરવાનું હતું કે સૂર્યની નીચે જીવતી દરેકે દરેક વ્યક્તિને પોતાની આધ્યાત્મિક અનુભૂતિ અને જ્ઞાન મેળવવાનો અધિકાર છે અને એ ઉપલબ્ધિ એ પોતાની ફરજો અદા કરીને અને પોતાનાં બધાં કાર્યો ઈશ્વરને સમર્પિત કરીને હાંસલ કરી શકે છે.

તો હવે આપણે સ્વામી વિવેકાનંદે એ દાયિત્વ કેવી રીતે નિભાવ્યું તે ઉપર નજર નાખીશું: ઉપનિષદયુગ પછીના તરતના કાળમાં ઉપનિષદોએ તારવી આપેલા આધ્યાત્મિક અનુભૂતિના જ્ઞાનને જીવનમાં નક્કર રીતે પ્રકટ કરી શકે એવા ચારિત્ર્યની સમાજને જરૂર પડી હતી. એ ઐતિહાસિક અણીની આવશ્યકતા હતી. એ વખતે એવી વિભૂતિ આપણને બુદ્ધમાં સાંપડી હતી. બુદ્ધે એ વખતે આધ્યાત્મિક જ્ઞાનને માનવતાવાદ અને માનવકેન્દ્રિતતામાં રૂપાન્તરિત કરી દીધું હતું. અને આજે હવે સ્વામી વિવેકાનંદે વિશ્વની દરેકે દરેક વ્યક્તિને શ્રદ્ધાનો સંદેશ આપવાનું કામ કરવાનું હતું. અને એ માટે આધ્યાત્મિક, ધાર્મિક, નૈતિક અને વ્યાવહારિક જીવનની રૂઢિગ્રસ્ત વિભાવનાઓને આપણી આંખો સામેથી હટાવવાનું કામ પહેલાં કરવાનું હતું. આપણા માંનો દરેકે દરેક સભાનપણે કે અભાનપણે પોતાની ભીતર રહેલ દિવ્યતાના પ્રકટીકરણની દિશામાં જઈ જ રહ્યો છે; જીવનના ઉદ્દેશ તરફ આગળ વધી રહ્યો છે જ. પરન્તુ એ આપણે સભાનપણે, તીવ્ર ઇચ્છાશક્તિથી, શ્રદ્ધા અને ભક્તિ સહિત કરવું જરૂરી છે. કારણ કે તેથી ઉત્કાન્તિની પ્રક્રિયા ઝડપી બને છે. અને માનવજાતમાં એક વૈચારિક ક્રાન્તિ ઉત્પન્ન થાય છે.

આ બધું કરવા માટે આધ્યાત્મિક, ધાર્મિક, નૈતિક અને વ્યાવહારિક જીવનની નવી વિભાવનાઓ શોધવી જોઈએ, એને અપનાવવી જોઈએ, એને જીવનમાં ઉપસાવવી જોઈએ. આ કઈ વિભાવના છે? એ એક સીધી-સાદી આચરણીય વિભાવના છે. વ્યક્તિની ભીતર પડેલી દિવ્યતાનું સતત સાવધાનપણું જ એ વિભાવના છે. અને દરેક માનવને ધરતી પરનો હાલતો-ચાલતો ઈશ્વર સમજીને તેના તરફ તદનુરૂપ વર્તન કરવું એ આ વિભાવનાની ફલશ્રુતિ છે માનવની ભીતરનું દિવ્યતાનું સત્ત્વ એનાં બધાં જ કાર્યોમાં, ફરજોમાં, માનવતાવાદમાં તેમજ ધર્મમાં પ્રતિકૃલિત થઈ જ ઊઠવું જોઈએ. તો આ સંદેશ લઈને વિશ્વને દોરવા સ્વામી વિવેકાનંદ અવતર્યા હતા.

તેમણે કહ્યું: “જેમ બુદ્ધ પાસે તેમના પોતાના જમાનામાં પૂર્વને આપવા માટેનો સંદેશ હતો, તેમ મારે પણ આ સમયમાં પશ્ચિમને દેવાનો સંદેશ છે” અને એ સંદેશ નિષ્કામ કર્મયોગ અને ભક્તિયોગનો છે. એમાં દરેકેદરેક વસ્તુ કે કાર્ય દિવ્યતાને ચરણે નૈવેદ્ય તરીકે ધરી દેવાનું હોય છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ માનવે પોતાની બધી ફરજો એ રીતે અદા કરતી રહેવાની છે કે જાણે એ દિવ્યતાને ભેટ ધરાની હોય. એમાં કોઈ સીમા નથી, કોઈ બંધન નથી, કોઈ વિભાગીકરણ નથી. દરેક માણસે પોતાની ક્ષમતા અનુસાર એમાં ઓતપ્રોત થવા મથવાનું છે. તેમણે બબ્બે શબ્દોમાં ચાર વિચારો આવ્યા: “બહુજન- હિતાય, બહુજન-સુખાય, આત્મનો મોક્ષાર્થમ્, જગદ્ધિતાય ચ.”

‘બહુજન હિતાય’નો અર્થ ‘ઘણા લોકોના કલ્યાણ માટે’ એવો થાય છે; ‘બહુજન સુખાય’નો અર્થ ઘણા લોકોની વધારે સારી સ્થિતિ માટે એવો થાય છે. વિશ્વને ઉચ્ચતર સ્થિતિમાં લઈ જવાનાં આ વલણો ‘આત્મનો મોક્ષાર્થમ્’ના પાયા પર ખડાં છે. મનની આ બધી જ પ્રવૃત્તિઓ એક જ લક્ષ્ય પર અવલંબેલી છે, અને તે છે ‘દિવ્યતાનું પ્રકટીકરણ’ અને એનું મહાફલ શું છે! “જગદ્ધિતાય ચ’ – આ ઉમદા વલણ દ્વારા સમગ્ર જગત લાભાન્વિત થશે.

પરિવર્તનશીલ જગત અને શાશ્વત સત્ય વચ્ચેની આ સભાનતાની ખીણને કેવી રીતે બૂરી દેવી, એ એક પડકાર છે. ઉચ્ચતમ આધ્યાત્મિક મૂલ્ય દ્વારા જ એ શક્ય બને. અને એ મૂલ્ય તે છે કે આપણું દરેક કાર્ય અને આપણી દરેક હલચલ દિવ્યતાના વિચારે છલકાઈ ઊઠવાં જોઈએ.

વળી, સ્વામીજી કેટલા નમ્ર હતા! એક દિવસ જ્યારે તેમને કોઈએ પૂછ્યું કે દુનિયાને અનુસરવા યોગ્ય ક્યા ઉમદા વિચારો આપ આપી જાઓ છો? ત્યારે તેમણે ઉત્તર આપ્યો હતો કે શાલીપુત્રને બુદ્ધે આપેલો ઉત્તર જ મારો ઉત્તર છે. જ્યારે શાલીપુત્રે બુદ્ધને કહ્યું: “ભગવન્ત, આપ બધાજ પૂર્વવર્તી બુદ્ધો કરતાં શ્રેષ્ઠ છો” બુદ્ધે પૂછ્યું: “તેં કોઈ પૂર્વવર્તી બુદ્ધને જોયા છે?” શાલીપુત્રે જવાબ આપ્યો: ‘ના’. બુદ્ધે પાછું પૂછ્યું: “તું મને પૂરેપૂરો પિછાણે છે?” શાલીપુત્રને ‘ના’ કહેવા સિવાય કોઈ આરોવારો ન રહ્યા. “તો પછી તું મને આવું બુદ્ધિ વગરનું કેમ કહી રહ્યો છે?”

તાંડવનૃત્ય કરતા નટરાજ સમા સ્વામીજી, ભારતીય માનવસમાજને એના પ્રમાદ-ઘારણમાંથી જગાડવા માટે એક વિસ્ફોટની માફક માનવસમાજ ઉપર ત્રાટક્યા અને એને હચમચાવી મૂક્યો ત્યારે આખી માનવજાત એના પાયામાંથી જ ધ્રૂજી ઊઠી. તેઓ માનવની ભીતરની દિવ્યતાને તેમને સચેત કરવા માગતા હતા. અને જયારે-જયારે તેમને પૂછવામાં આવતું કે, “આપ ક્યો અને કેવો અદ્‌ભુત સંદેશ આપી જાઓ છો?” ત્યારે તેઓ જવાબમાં કહેતા કે, “હું કેવળ નવાપાત્રમાં પ્રાચીન અમૃત જ તેમને પીરસી રહ્યો છું.” જીવનનું આ નવું મૂલ્ય આપણા સૌ માટે અર્થવાહી છે. દુનિયાદારીની ગમે તેવી પાત્રતા ગમે તેની પાસેથી આપણે મેળવી લઈએ એની કોઈ ઝાઝી કિંમત નથી. આ મહાન ઉપદેશકે તો બતાવ્યું કે આવી દુનિયાદારીની પાત્રતા કે એવો લાભ આધ્યાત્મિક ઉપલબ્ધિ માટે કોઈ અવરોધક વસ્તુ નથી. આપણે આપણા પોતાના સ્થાન પર ઊભા રહીને પણ આપણા જીવનની પ્રત્યેક ક્ષણને દિવ્યતામાં રૂપાન્તરિત કરતાં-કરતાં મુક્તિ માટે કામ કરી શકીએ છીએ.

આ સાવ નવી જ આધ્યાત્મિક ટૅક્નૉલોજી – કલાવિજ્ઞાન છે. આપણે ક્યારેય ક્ષણભર પણ ન ભૂલવું જોઈએ કે આપણે મૂળે તો દિવ્યતાનાં સન્તાનો છીએ અને આપણા જીવનનો હેતુ એ મૂળમાં પડેલી દિવ્યતાને પ્રકટ કરતાં રહેવાનો છે. આ આપણો વારસો છે, આ આપણો મૂળ ખરો સ્વભાવ છે. આ ખાલી આપણી ખોવાયેલી પિછાણને પુન: પામવાની જ બાબત છે. આપણા પોતાના જ ભાગ્યના ઘડવૈયા બનવા માટે કામ કરી છૂટવાનો આ આધ્યાત્મિક વારસો આજે જમાનાની માગ છે. આધ્યાત્મિક ઉપલબ્ધિના આ અભિનવ કલાવિજ્ઞાન દ્વારા આપણે પોતાને સંપૂર્ણ દિવ્ય બનાવી શકીશું. આ કલાવિજ્ઞાન એટલું તો વિશિષ્ટ છે અને એટલું તો આત્મલક્ષી છે કે એને આ દુનિયા ક્યાં જઈ રહી છે કે શું કરે છે, એની સાથે લેવાદેવા નથી. આમાં માણસ પોતાની આગવી દુનિયામાં જીવી જાય છે.

એક અંગ્રેજી કહેવત કહે છે કે, “દરેક ટોપીની નીચે અલગ-અલગ દુનિયા હોય છે” (તુણ્ડે તુણ્ડે પૃથગ્વિશ્વમ્) આપણે પોતામાં એક નિરાળી અલગ દુનિયા વસાવી બેઠા છીએ. તો આપણે એ દુનિયાનું સારું ઘડતર કરીએ, કે જેથી સમગ્ર ભારતીય માનવવંશ પોતાના સાંસ્કૃતિક વારસાને અને એની પદ્ધતિને જાણીને જ્યાં આધ્યાત્મિકતા સિવાય અને ધાર્મિકતા સિવાય બીજું કશું જ ન હોય એવા ઉચ્ચતમ સ્તરે પહોંચી જાય. પોતાની ભીતરની દિવ્યતાને પ્રકટ કરવામાં જે કંઈ સહાયક નીવડી શકે તેમ હોય તે બધું ‘પુણ્ય’ છે, અને જે કંઈ એનું અવરોધક હોય, તે ‘પાપ’ છે. ‘પુણ્ય’ અને ‘પાપ’ની આ નવી પરિભાષાઓ છે. પોતાને પાપી માનવા જેવું કોઈ પાપ નથી, કોઈ માણસ આજે પાપી હશે, તો આવતીકાલે જો એને ઝંખના હશે તો સંત થઈ શકે છે.

‘આપણે દીન-હીન-વહેમી નથી જ’ એવી અખૂટ શ્રદ્ધાનું ભાથું ભીતરમાં ભર્યું હશે, અગાધ આત્મવિશ્વાસ હશે અને આપણા જીવનનું આધ્યાત્મિકીકરણ થઈ ચૂક્યું હશે તો આપણે સમગ્ર વિશ્વનું શાસન કરી શકીએ. તો દરેક જ્ઞાનશાખા અને દરેક કાર્યપ્રવૃત્તિ આપણું લક્ષ્ય સિદ્ધ કરવાની એક પદ્ધતિ બની રહેશે. ફરી યાદ આપીએ કે એ લક્ષ્ય ભીતરની દિવ્યતાનું પ્રકટીકરણ છે. શ્રીરામકૃષ્ણ, વિવેકાનંદ અને શ્રીશ્રીમા શારદાદેવીમાં પ્રકટ થયેલી અમાપ આધ્યાત્મિક શક્તિઓની આપણે પ્રાર્થના કરીએ કે તે આપણને પર્યાપ્ત શ્રદ્ધા અને ઉત્સાહ બન્ને અને આપણો હાથ ઝાલીને આપણને અનન્ત આનન્દસાગર તરફ દોરી જાય.

Total Views: 119
By Published On: September 1, 1993Categories: Shridharananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram