કેટલાંક પશુઓ અને કેટલાક લોકો સ્વભાવે જ ઝઘડાખોર હોય છે. પરાઈ શેરીનું કૂતરું નજરે પડતાં પોતાની શેરીની અસ્મિતા ધરાવતાં કૂતરાં કેવા ઝનૂનથી ભસી ઊઠે છે? ઘર… ઘર… અવાજે લાક્ષણિક પેંતરા રચીને લડતાં બિલાડાં અવારનવાર આપણું ધ્યાન ખેંચે છે. કેટલાંક પક્ષીઓ, કાબરો, કે કાગડા જેવાં, ભારે કલહપ્રિય જણાય છે. ગામથી થોડે દૂર થાણાં નાખી પડેલા વાંદરાઓ જાણે મોરચાપદ્ધતિથી લડતા હોય તેમ જૂથમાં રહીને અરસપરસ યુદ્ધ પુકારે છે.
એવા અનેક માણસો આપણને વારંવાર ભેટે છે કે જેઓ ઝઘડો કરવાની તક જ શોધતાં હોય છે. કવિ દલપતરામે એવા એક કજિયાખોરનું મજેદાર ચિત્ર દોર્યું છે. એક મિયાં સાહેબને મિત્રભાવે એક જણે પરિચય વધારવા સહજ પૂછ્યું, “મિયાં સાહેબ, આ ચાલાક જણાતો ચિરંજીવી આપનો જ કે? મિયાં સાહેબ તાડુકી ઊઠ્યા, “સાલે વહુ મેરા નહિ તો ક્યા તેરે બાપકા હૈ?” પેલો જરા છોભીલો તો પડ્યો પરંતુ બગડેલી બાજી ઠીક કરવા વધારે નમ્રતાથી બોલ્યો “હા, એ તો આપનો જ છે. ખુદા એને સુખી રાખે! આપ એને લાડુ, જલેબી વગેરે પકવાનો ખવડાવી મજબૂત બનાવો.” મિયાં સાહેબ વળી વિફર્યા, “હું મારા ફરજંદનું ગમે તે કરીશ, તેમાં તને શું? મારી મરજી હશે તો હું તેને પકવાન ખવડાવીશ અને નહિ તો માર મારીને ઠુસ કાઢી નાખીશ!” અર્થાત્ આ વૃત્તિ કુદરતી જ હોય છે.
ઝઘડાની ખાતર ઝઘડો કરવો એવી વૃત્તિ બાળકથી માંડીને મોટેરાંઓ સુધી ઘણાંમાં દૃષ્ટિગોચર થાય છે. વિકૃત દશામાં એ કજિયાખોરી છે. વ્યવસ્થિત સ્વરૂપે એ કલા પણ બની શકે છે.
આવી તિરસ્કૃત બાબતોને કલાનું નામાભિધાન આપવાથી કોઈ કલારસિક છેડાઈ પડશે. “પણ નામથી શું થયું? ગુલાબને ગમે તે નામ આપો એની સૌરભ તો એની એ જ રહેશે,” એવું શેક્સપિયરે જ કહ્યું છે. કોઈ પણ પદ્ધતિસરની ક્રિયા એટલે કલા. એ વ્યાખ્યા પ્રમાણે પદ્ધતિસરના ઝઘડાને કલા કહેવામાં કંઈ ખોટું નથી. સાસુ – વહુના ઝઘડામાં શું કલાનું દર્શન નથી થતું? વહુને કેવી વાણીથી મહાત કરવી, ક્યાં છિદ્રો શોધી તેને દોષિત ઠરાવવી તેમાં સાસુની પ્રતિભા પૂર્ણપણે પ્રગટ થાય છે. બીજી બાજુએ વહુઘેલા પતિની મોહવશતાનો યુક્તિપૂર્વક લાભ ઉઠાવી સાસુના વર્ચસ્વમાંથી મુક્ત થવાના અનેક પ્રસંગો વહુઓ ખૂબીથી ઉપસ્થિત કરી દે છે. ક્યાં વાગ્બાણો કેવી અને કેટલી અસર પહોંચાડશે અને બેચાર આંસુઓથી સામાનું અગ્ન્યાસ્ત્ર કેમ ઓલવી દેવાશે તેની શસ્ત્રવિદ્યા તેઓ બરાબર જાણે છે.
ઝઘડા કરવાની પણ સૂક્ષ્મ અને સ્થૂલ રીતો હોય છે. આડકતરા ટોણા મારી, કોહેલું કસાયેલું બોલી, એકને ઉદ્દેશી બીજાને સંભળાવવા ચાતુરીભર્યા ઝઘડા કરવામાં આવે છે. આ યુદ્ધ ખાઈઓમાંથી ગોળીબાર કરવા જેવું છે. તેનાથી આગળ વધી મેદાને પડવા સુધી પણ વાત આવે છે.
એક જણે કહ્યું, “મારા પ્રિય મિત્ર એટલા બધા શ્યામવર્ણ છે કે તેઓ સ્નાન કરે છે ત્યારે તેમના સ્નાનનું પાણી વિદ્યાર્થીઓ ખડિયામાં ભરી લઈ શાહી તરીકે વાપરે છે.” તેના પ્રત્યુત્તરમાં શ્યામવર્ણ મિત્રે કહ્યું, “હા, મારા મિત્ર, વર્ષી, એટલા બધા ગોરા છે કે તેમના સ્નાનનું પાણી રોગચાળા વખતે વાઈટવોશ કરવામાં વપરાય છે.”
કેટલાક કટાક્ષને ખૂબીથી સ્વીકારી લઈ સામાના કટાક્ષને બુઠ્ઠો કરી નાખે છે. “અમે તો ગરીબ માણસ, રોટલા ખાઈને જીવીએ છીએ, તમારી પેઠે થોડું જ છે!” એમ કહેનારને જવાબ મળે છે, “હા; જુઓને અમે શ્રીમંત માણસો તો સોનું ખાઈને જીવીએ છીએ!” કટાક્ષ ન સમજવાનો ડોળ કરીને પણ તેનો સામનો થઈ શકે છે. એકે કહ્યું, તમારી વિદ્વત્તા શંકરાચાર્ય કરતાં ક્યાંય ચડે છે અને તમારી કીર્તિ તો ચારે દિશાએ ફેલાઈ ગઈ છે.” સામાએ જવાબમાં કહ્યું “તમે ભલા માણસ અતિશયોક્તિ કરો છો, પણ બધા જ માણસો જ્યારે તમારા જેવું કહેવા લાગે, ત્યારે બીજું કંઈ નહિ તો એટલું તો સિદ્ધ થાય છે કે અમને વિદ્વાન તરીકે તમે હવે સ્વીકારવા લાગ્યા ખરા!”
ઘણુંખરું તો ઝઘડો કરવો એ નિંદ્ય વસ્તુ મનાય છે, પણ જીવન પોતે જ કલહ રૂપ છે અને પ્રાણી શાસ્ત્રીઓએ તે સિદ્ધ કર્યું છે, પછી નિંદાનો સવાલ જ રહેતો નથી. ઉલટું આપણે ઝઘડાથી દૂર નાસીએ તે જ નિંદાપાત્ર ગણાવું જોઈએ. જો આપણે ઝઘડો નહિ કરીએ તો બીજા કોઈક કરાવશે એમ સમજી તેને માટે તૈયાર તો રહેવું જ જોઈએ; નહિ તો પેલી કથામાંના વરુ અને ઘેટાના બચ્ચા જેવી કરુણ દશા થશે.
કોઈ કહેશે કે બળવાન સામે ઝઘડો જ ન કરવો, પણ એનાથી કૂવામાં સિંહને પોતાનો પડછાયો બતાવી તેનો કાંટો કાઢનાર શિયાળ જેવી વૃત્તિ વધારે ડહાપણભરી નથી?
આધુનિક કાળમાં સંગઠિત થઈને કીડી જેવા મજૂરો લડે છે, ત્યારે ભોરિંગ સમા મૂડીવાદીઓ પણ પછડાટ ખાઈને હારી જાય છે. માટે ઝઘડાને નિંદ્ય માની હાથ જોડીને બેસી રહેવા કરતાં એ કલા શીખી જવામાં જ કલ્યાણ છે. એવી કથા છે કે એક સાધુએ કોઈ સાપને અહિંસક રહેવાનો અને કોઈને ન કરડવાનો બોધ કર્યો. એ બોધનું પાલન કરવા જતાં બિચારો સાપ તો અધમૂઓ જ થઈ ગયો. લોકોએ તેની અહિંસક વૃત્તિનો ગેરલાભ ઉઠાવી પથરા મારી બેહાલ કરી નાખ્યો. સાપની આ કરુણ કથની સાંભળી સાધુએ તેને કહ્યું: “અરે, ભલા ભાઈ! મેં તને કરડવાની ના પાડી હતી, કંઈ ફૂંફાડો મારવાની ના નોતી પાડી.” આમ ફૂંફાડો મારી દુશ્મનને ડારી કલહ ટાળવામાં પણ કલા જ છે. સાર એ કે જીવનમાં ઝઘડો કરવા કરતાં ઝઘડો જીતવામાં જ કલાની કસોટી રહેલી છે.
અને ઝઘડા ક્યા ક્ષેત્રમાં નથી થતા? શું સાક્ષરો વિતંડાવાદની સાઠમારીમાં નથી ઊતરતા? શું રાજકારણી પુરુષો વર્તમાનપત્રો દ્વારા બાથંબાથા નથી કરતા? શું પોતાના અલગ ચોકા અને અલગ તિથિઓ પાડી ધાર્મિક પુરુષો યુદ્ધમંત્ર નથી ઉચ્ચારતા? શિષ્ટ લેખકો, પ્રસિદ્ધ વક્તાઓ અને નામાંકિત વકીલો પણ ઝઘડા તો કરે જ છે. ફરક એટલો કે તેમની શૈલી સૂક્ષ્મ અને જુદીજુદી હોય છે.
મવાલીઓ રસ્તામાં ગાળાગાળી કે મારામારી કરે, ત્યારે શિષ્ટ લોકો શિષ્ટ પ્રકારથી લડે એટલો જ ભેદ. હાથોહાથની મારામારી તો આ વ્યાપક જીવનકલહનું કેવળ અંશત: સ્થૂલ દર્શન છે. યુદ્ધો તો આ કલાનું સર્વોચ્ચ શિખર છે. દરેક રાષ્ટ્ર શસ્ત્રસરંજામ, કિલ્લેબંદી, યુદ્ધમોરચા, યુદ્ધ કેળવણી પાછળ અઢળક સંપત્તિ ખર્ચે છે.
એક ગાંધીજી કહે છે ખરા કે પાશવી અને હિંસક યુદ્ધ કરતાં આધ્યાત્મિક પ્રેમની શક્તિમાં વધારે સામર્થ્ય છે અને એ જ શસ્ત્રોથી લડાયેલું યુદ્ધ સાચો અને ટકાઉ વિજય અપાવે છે. એ વાત ખરી હશે, તો પણ આજે તો દુનિયા યુદ્ધના માર્ગે જ ધસી રહી છે.
Your Content Goes Here