“જ્યારે ધાણી ફૂટી રહી હોય ત્યારે બે-ચાર દાણા તાવડામાંથી ટપ્ ટપ્ કરતાક બહાર ઊછળી પડે. એ દાણા જાણે કે મોગરાનાં ફૂલ જેવા ઊજળા-ઊજળા, અંગે લગારે ડાઘડૂઘ વગરના…” ભાડભૂંજાની ભઠ્ઠી સમા ધખધખતા સંસારની કાજળકોટડીમાંથી છટકીને ભાગેલા ત્યાગી જ્ઞાનપ્રાપ્ત સંન્યાસીજન માટે ઠાકુરે દીધેલી કેવી તો અનોખી ઉપમા! અવતારની સંગે-સંગે એમના નિર્ધારિત દેવકાર્યને સંપન્ન કરવામાં સહાયક થવા આવતાં પાર્ષદ-પાર્ષિદાઓ આ જ વર્ગનાં-મોગરાનાં ફૂલસમાં ઊજળાં-ઊજળાં, મધમધતાં.

ઠેઠ ૧૯૫૪ની સાલમાં સ્થપાનારા શારદામઠનાં પ્રથમ અધ્યક્ષા પ્રવ્રાજિકા ભારતીપ્રાણાજીને પણ શ્રીરામકૃષ્ણ, મા શારદા અને સ્વામીજીએ કેવાં તો એ સંસારમાંથી અળગાં તારવી લઈને, સંગોપન કરીને, ઘાટઘૂટ દઈને તૈયાર કરી દીધેલાં એની કથા ઈશ્વરી કૃપાની અને એને પ્રાપ્ત કરનાર પાત્રનાં અનોખાં ત્યાગ વૈરાગ્ય અને સાહસની દ્યોતક છે પણ ચાલો ને, આપણે ભારતીપ્રાણાજીના પોતાના જ શબ્દોમાં સાંભળીએ એ પ્રેરણાદાયી રોમાંચક ઘટનાનો હેવાલ:

‘…કાંઈયે જાણતી નહોતી, કશું ય સમજતી નહોતી બહેન! સ્કૂલ મને વ્હાલી હતી અને સુધીરાદીદી વ્હાલાં હતાં, સુધીરાદીદી જાણે કે જાદુ જાણતાં હતાં. જે પણ કોઈ એક વાર એમની નજીક આવે તે એમને પ્યાર કર્યા વગર રહી જ ના શકે. એમના પ્રેમનું અદ્‌ભુત આકર્ષણ હતું. મને તો એવું લાગતું કે એમના શબ્દે હું વાઘને મોઢે સુધ્ધાં જઈ શકું. ચહેરો મ્હારો તો કાંઈ બહુ સારો ન હતો, પણ એ તો જાણે કે એમના માને કરતી. માટે પરમ આશીર્વાદરૂપ હતો. દુનિયાની બિલકુલ પરવા રાખે નહિ. વખત-બેવખત, રાત-બેરાત, સગવડ-અગવડ કશુંય એમને રોકી શકતું નહિ. કોઈ પણ સંકલ્પ કર્યો કે જીવને હોડમાં મૂકીને પણ એનું પાલન કરતાં. એમના ત્યાગના આદર્શો, પ્રેમે, ઉત્સાહે અને હમદર્દીએ મારા જીવનને પલટાવી મૂક્યું. જન્મી તો હતી ગામડાગામમાં. માનું નામ સુશીલાદેવી. નાનાજી કલકત્તામાં સારું કામકાજ કરતા હતા. બાપુજી ગુપ્તિપાડા ગામે રહેતા, નામ રાજેન્દ્રનાથ મુખરજી.

બંગાળી સાલ ૧૩૦૧ના આષાઢ મહિનામાં પાછી વળતી રથયાત્રાને દિવસે સન ૧૮૯૪ના જુલાઈ મહિનામાં એ ગુપ્તિપાડા ગામે જ મારો જન્મ થયેલો. મારાથી મોટો એક ભાઈ હતો અને એક મારાથી નાનો હતો. બેઉ બચપણમાં મરી ગયેલા. હું પણ માંદી ને માંદી જ રહ્યા કરતી હતી. વૈદના અનેકાનેક ઔષધ ઉપચારો થાય ત્યારે વળી સાજી થાઉં. ડરી જઈને બાપુજી મને લઈને ગામડેથી કલકત્તા આવી ગયા. ત્યારે મારી ઉંમર ત્રણ-ચાર વર્ષની હશે. નાનાજી બાગબજારમાં નં-૨૭ બોઝપાડા લેનમાં ત્યારે રહેતા. બાર વર્ષની ઉંમરે એકવાર બા-બાપુજી સાથે જન્મસ્થાન જોવા ગયેલી, ત્યારે થોડાક મહિના બધાં ત્યાં રહેલાં. ત્યાર બાદ સોળ વર્ષનાં ઉંમરે ફરી એક વાર દુર્ગાપૂજામાં ગયેલી, ત્યારે હું એકલી જ હતી.

કલકત્તા આવ્યા બાદ મારા બીજા ત્રણ ભાઈ અને ત્રણ બહેન જનમ્યાં. હું જ ત્યારે બધામાં મોટી હતી. નાની માસી મારાથી ત્રણ વર્ષે મોટી હતી, એની જોડે મારે બહુ બનતું. અમે દિલની સઘળી વાતો એકબીજાને કહેતાં. મારી મા બહુ શાંત પ્રકૃતિની અને અદ્‌ભુત સહિષ્ણુતાવાળી હતી. શ્રી શ્રીમાએ એક દિવસ યોગીનમાને કહેલું કે, “સરલાની મા બહુ સત્ત્વગુણી છે.”

મોસાળના કુટુંબકબીલાનો બહોળો વસ્તાર હતો. હું દસ વર્ષની હતી ત્યારે નાનાજી મૃત્યુ પામ્યા, જોડેજોડે ઘરની જાહોજલાલીમાં પણ ઓટ આવી. ઘરમાં બે-ત્રણ નોકર બાઈઓ હતી તે બીયને રવાના કરી દેવી પડી. નાનીમાની સંગાથે માને પણ ઘણું કામકાજ કરવું પડતું. હું પણ થાય તેટલી મદદ માને કરતી.

તે વખતે રમાકાન્ત બોઝ સ્ટ્રીટના નાકે આવેલા સફેદ મકાનમાં એક મિશનરી સ્કૂલ હતી ત્યાં હું ભણવા જતી. છ-સાત વરસની ત્યારે હોઈશ. એના એકાદ જ વર્ષ પછી ઈ. સ. ૧૯૦૨ની સાલમાં સિસ્ટર નિવેદિતાની સ્કૂલમાં દાખલ થઈ. ત્યારે શાળા ૧૭ નંબર બોઝપાડા લેનમાં હતી. સિસ્ટરની શાળામાં સ્વામી વિવેકાનંદજી ઘણીવાર આવતા પણ ત્યારે હું બહુ નાની હતી એટલે ખાસ કાંઈ બહુ યાદ નથી. ફક્ત એમનો ભરાવદાર ચહેરો અને બે મોટી-મોટી આંખો બરાબર યાદ આવે છે. ઘણું કરીને એ જ વર્ષે ઠાકુરની તિથિપૂજાને દહાડે સિસ્ટર અમને દસ-બાર નાની છોકરીઓને લઈને હોડી કરીને બેલુડ મઠે ગયેલાં. અમે સહુએ સ્વામીજીને પ્રણામ કરેલા – એ બધી વાત ખૂબ સ્પષ્ટપણે યાદ છે.

એ દિવસોમાં સાંજ પછી શરદ મહારાજ સ્કૂલે આવીને બહેનોની સમક્ષ ગીતાપાઠ કરતા. ત્યારે એના ચહેરા પર લાંબી દાઢી હતી. સ્ત્રીઓ માટે ઓસરીમાં ચકની આડશમાં બેસવાની વ્યવસ્થા હતી. અમે નાનેરાં ચોકમાં બેસતાં. સિસ્ટર ઘોડાગાડી કરીને સહુને લઈ આવતાં. દાદરા હેઠળની નાની જગ્યામાં બેસીને શરદ મહારાજ પાઠ કરતા. હું તો ઊંધી જતી, સિસ્ટર ખભે તેડીને પાછી ઘેર પહોંચાડી જતાં.

યોગીન-મા અને ગોલાપ-માને પણ ઘણી વાર શાળામાં દેખતી. એ લોકો લગભગ રોજ બલરામ મંદિરે આવતાં અને પાછા વળતાં, સિસ્ટરને મળીને જતાં. સિસ્ટર એમને સાષ્ટાંગ પ્રણામ કરતાં તેઓ પૂછતાં, “કેમ છે તું નિવેદિતા?”

એક દિવસ સિસ્ટર અમને થોડાંક જણને શ્રી શ્રીમા પાસે લઈ ગયાં, એ મારું પ્રથમપહેલું માનું દર્શન. ત્યારે તેઓ બાગબજાર સ્ટ્રીટમાં ભાડાના ઘરમાં હતાં. અમે લોકો પ્રણામ કરીને બહાર ઊભાં રહ્યાં અને સિસ્ટર મા પાસે બેસીને વાતો મૂકી આવ્યા. કરવા લાગ્યાં. ત્યાર પછી પ્રસાદ લઈને પાછા આવ્યાં. ઈ. સ. ૧૯૦૯ની સાલમાં મા ઉદ્‌બોધનના મકાને આવેલાં ત્યારે સિસ્ટર એક દિવસ માને સ્કૂલે લઈ આવેલાં. તે દિવસે નિવેદિતાના આનંદનો પાર નહિ. નાની કિશોરીની જેમ ચારે બાજુ દોડાદોડ કરીને શાળા શણગારેલી.

તે વખતે વચમાં-વચમાં અમને પણ મા પાસે લઈ જતાં. હું તો ત્યારે કંઈયે જાણતી નહોતી, સમજતી નહોતી, પણ તે છતાં સિસ્ટર સંગાથે ફરવું, માની પાસે જવું એ બધું બહુ જ ગમતું. સ્કૂલનું મને ભારે ઘેલું લાગેલું, સ્કૂલ છોડીને ઘેર જવાનું ગમે નહિ. મોટી થતી ગઈ તેમ તેમ જાણે કે એ આકર્ષણ પણ વધતું ચાલ્યું. સુધીરાદીદી આવ્યાં ત્યારે હું ઉપરના વર્ગમાં હતી. અમારા પર એમનું અનહદ હેત અને અમને પણ એમના તરફ અદ્‌ભુત પ્યાર. સહુની અંદર ધર્મભાવના જગાડી દેવાની સુધીરાદીદીની અત્યંત ચેષ્ટા રહેતી.

મને જગ લાગ્યો ખારો રે

બાર વર્ષની વયે મા બાપુજીએ પરણાવી દીધેલી, પણ સંસાર મને તાણવા પામ્યો નહિ. કોઈ રીતે એ દિશામાં મન ગયું જ નહીં. માબાપની જવાબદારી હતી, મારી ઉંમર પણ વધતી ચાલેલી; એટલે બધાંએ જબરદસ્તી કરીને મને સાસરે વળાવવાની તૈયારી કરવા માંડી. શું કરું? ચિંતા કરી કરીને ય કશો આરો કે ઓવારો લાધે નહિ. સુધીરાદીદીને બધું કહ્યું. એમની અપરંપાર સહાનુભૂતિ મેળવીને મારા મનનું જોર વધ્યું. એમણે ઈશારો કરી દીધો – ઘરમાં બહુ જબરદસ્તી કરે તો ભાગી નીકળજે.

ધર્મલાભ – ભગવત્પ્રાપ્તિ એ બધી મોટી-મોટી વાતો સમજતી નહોતી; પણ સ્કૂલ, સુધીરાદીદી એ બધાંની સોબત વિના બીજું કશું ય સારું લાગતું નહિ, અને કશાયમાં આનંદ આવતો નહીં.

તે વખતે સુધીરાદીદી કલકત્તામાં નહોતાં, આ બાજુ ઘરના લોકો મને સાસરે વળાવવાની તૈયારીઓ જોરશોરથી કરવા માંડેલા. ત્યારે એક દિવસે રાત્રે ઘરમાંથી નાસી છૂટી. સુધીરાદીદીએ એક વાર કહેલું કે “અગર ઘરમાંથી ભાગે તો સૌથી પહેલાં નરેશદીદીને ઘેર પહોંચજે. એ ગોઠવણ કરી દેશે.” મેં મુર્ખામી કરી અને ત્યાં જવાને બદલે સ્કૂલની એક વિદ્યાર્થિની મહામાયાને ઘેર પહોંચી. એ લોકોને બીક લાગવાથી મને એમની પાસે રાખી નહિ અને તે જ રાતે ચતુરાની માને ઘેર મૂકી આવ્યા.

આ તરફ ઘરમાં તો હોબાળો મચી ગયો – છોકરી ગઈ ક્યાં? શોધતાં-શોધતાં એ લોકો મહામાયાને ઘેર પહોંચ્યા. એમણે બધું કહી દીધું; કેટલું તો કહીને આવેલી કે કશું બહાર ના પાડશો. ઘરના લોકો મને બળજબરીથી લઈ ગયા, પણ તો યે ખાસ કાંઈ વઢ્યા કર્યા નહિ.

એના ચાર-પાંચ મહિના બાદની વાત છે. ત્યારે સુધીરાદીદી કલકત્તામાં સ્કૂલના મકાને જ હતાં. ૧૯૧૧ની સાલનો સરસ્વતીપૂજાના વિસર્જનનો દિવસ હતો. પહેલેથી જ સુધીરાદીદી જોડે બધું નક્કી કરી રાખેલું. ૧૭ નંબર બોઝપાડાના સ્કૂલના મકાને નીચેના રૂમમાં મારી રાહ જોતાં બેઠેલાં. આ બાજુ ઘર નિર્જન થયા વગર હું નાસવા પામું કેવી રીતે? રાત્રે બાર વાગ્યે બધાં ઊંઘી ગયાં એટલે ભાગી છૂટી. નાની માસી બધું જાણે. તે દિવસે પણ એમને કહીને જ નીકળેલી.

સુધીરાદીદી રાહ જોઈ-જોઈને ત્યાં ભોંયતળિયે જ પાટલીઓ ભેગી કરીને સૂઈ ગયેલાં. સિસ્ટરને સુધીરાદીદીએ બધી વાત જણાવેલી પણ એમણે ખાસ પ્રોત્સાહન દીધું નહિ. કહ્યું કે, “સીતા – સાવિત્રીના દેશમાં આ આદર્શ શું સારો થશે?” વગેરે. સિસ્ટર ક્રિસ્ટીને પણ અનુમોદન ના દીધું. જે હોય તે ખરું પણ હું સ્કૂલે પહોંચી કે તરત જ એ જ રાત્રે, સુધીરાદીદી મને લઈને બહાર નીકળ્યાં. રાત થશે એમ વિચારીને એમણે ગણેન મહારાજને પહેલેથી જ કહી રાખેલું કે કદાચ સાથે જવું પડશે. એ પણ તૈયાર જ હતા.

ત્યારે મારી સત્તર વર્ષની વય. એ રાતના બાર વાગ્યાની વેળાએ હું, સુધીરાદીદી અને ગણેન મહારાજ પગે ચાલતાં નીકળી પડેલાં. ઘોર રાત, આટલી રાતે ગાડી ક્યાંથી મળે? બાપ રે! રસ્તો તો જાણે કેમેય કર્યો ખૂટે નહિ! હાથીબાગની નજીકમાં રાજા રાજકૃષ્ણ લેનમાં સુધીરાદીદીની ફોઈની દીકરી બેનને ઘેર લઈ જઈને મને રાખી. મારું ઘરનું નામ ‘પારૂલ’ હતું તેને બદલીને સુધીરાદીદીએ નવું નામ રાખ્યું. ‘સરલા.’

એ ઘેર લગભગ બે મહિના લગી રહી. એક જ ઠેકાણે ઝાઝા દિવસ રહેવાથી વળી પાછી ખબર પડી જાય એટલે તે પછી સુધીરાદીદીએ એમની મોટી બહેન જોડે મને તારકેશ્વરની પાસે આવેલા હરિપાલ ગામે મોકલી દીધી. ત્યાં ત્રણ મહિના રહ્યા બાદ ઉનાળાની રજાઓ પડતાં સુધીરાદીદી ત્યાં આવ્યાં અને પોતાની જોડે મને લઈ આવીને હાથી બાગાનમાં પોતાના ઘરમાં રાખી.

ત્યારે સુધીરાદીદીના મોટાભાઈ દેવવ્રત મહારાજ બિમાર હોવાથી ઘરમાં હતા. સુધીરાદીદીનાં મા, મોટીબહેન, મોટાભાઈ વગેરે સહુ હતાં. સ્વામી પ્રજ્ઞાનંદ (દેવવ્રત મહારાજ) મારા પર ખૂબ સ્નેહ રાખતા. સુધીરાદીદીએ એક દિવસ કહેલું કે, “આ છોકરી જુદા જ પ્રકારની છે, સરસ આધાર છે. એની મારફત ઘણાં કામ થશે.” સુધીરાદીદી કહેતાં કે એ મોટાભાઈની યોગિની અંતર્દ્રષ્ટિ હતી. તેઓ સુધીરાદીદી પાસેથી વચમાં-વચમાં મારી ખબરઅંતર લેતાં. એ ઘરમાં રહેવા કાળે દેવવ્રત મહારાજ ઘણીઘણી સારીસારી વાતો કહેતા-કેવી રીતે ઠાકુરને આધારે રહીને પોતાના પગ ઉપર ઊભા રહેવું જોઈએ – એવી-એવી ઘણી વાતો કરતા. હું તો કેવળ મૂંગી રહીને સાંભળ્યે જતી.

ત્યારે મારામાં પુષ્કળ કામ કરવાની તાકાત હતી. શરીર પણ સારું હતું. જ્યાં પણ જ્યારે રહેતી ત્યાં એમના ઘરનાં કામમાં મદદ કરતી. એ બધાં પણ મને ઘણો પ્રેમ કરતાં. ચુસ્ત હિન્દુ કુટુંબની બ્રાહ્મણ કન્યા, એ જ પદ્ધતિ પ્રમાણે ઊછરીને મોટી થયેલી. સુધીરાદીદીનાં સગાંવ્હાલાં બધાં બ્રાહ્મ અને રહેણીકરણી બધી સાહેબી ઢંગની પણ મને કાંઈ દ્વિધા કે સંકોચ થતાં નહિ. સુધીરાદીદી જે પ્રમાણે કહે તે જ પ્રમાણે વર્તતી. એ ઘરમાં રહેવા ટાણે સુધીરાદીદી મને વારંવાર ટોકતાં, “જો જે, મને ક્યાંક જેલ ના કરાવતી” તેથી હું ખૂબ સાવધાની વરતીને રહેતી. ઘરમાં કોઈ આવે તો મને એક ઓરડામાં બંધ કરી દેતાં. આગલો દરવાજો તો બધો વખત બંધ જ રાખવામાં આવતો. ઘરનાં માણસો પણ એ બાબતમાં પુષ્કળ સાવચેતી રાખતા.

એ ઘેર હતી તે દરમ્યાન જ સુધીરાદીદીએ મને માને ઘેર લઈ જઈને દીક્ષા અપાવડાવી. ૧૯૧૧ની સાલનો બુદ્ધ પૂર્ણિમાનો એ દિવસ હતો. ભાડાની ઘોડાગાડી કરીને ગયેલી. દીક્ષા વગેરે પૂરા થતાં પ્રસાદ લઈને સાંજે ઘેર પાછી આવેલી. વચમાં-વચમાં વળી રાત્રે પણ મને મા પાસે લઈ જતાં.

મારી ઘર છાડીને નીકળી આવવાની વાત સુધીરાદીદીના મોઢેથી સાંભળીને પહેલાં તો માએ કહ્યું કે, “આ તો સુધીરા, એક છોકરીની જિંદગીભરની જવાબદારી! આ શું સારું કામ કર્યું તે?” સુધીરાદીદીએ કહ્યું, “મા, કરી તો કાઢ્યું છે, હવે બીજું શું કરાય?” પણ તે પછી માની મારા ઉપર એક વિશેષ સહાનુભૂતિ થઈ ગઈ. મારી બાબતમાં ખૂબ ચિંતા કરતાં. સુધીરાદીદી જ્યારે મને ઘડીઘડી અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં હેરવફેરવ કર્યા કરતાં હતાં ત્યારે મા મને કહેતાં, “અરે દીકરી, હજી કેટલા દહાડા તારે આવી રીતે રહેવું પડશે!”

આ તરફ મારા ભાગી નીકળવા બાદ ઘરમાં હો-હા મચી ગયેલી. ઘણાંયે સુધીરાદીદી પર સંદેહ કરવા લાગેલાં પણ સુધીરાદીદી તો એવો ભાવ દેખાડવા મંડ્યાં જાણે પોતે કશું જાણતાં જ નથી! પહેલવહેલા સમાચાર સાંભળીને તો જાણે કે એમના પર આભ તૂટી પડ્યું! એટલે એમને જોઈને તો એવું લાગતું નહિ. છેવટે ઠર્યું કે છોકરી નાસી ગઈ! અરે માડી, કેવી તો એ રામકહાણી! ઘરનાં લોકોએ પાર વગરની શોધાશોધ કર્યા બાદ હતાશ થઈને જોષી પાસે, દાણા જોવડાવવા માંડ્યા. એક સારા જોષીએ એમને કહ્યું કે, “તમારી દીકરી ખૂબ સારા આશ્રયે છે, મહાન આશ્રયે છે” ત્યારે બધાંને સહેજ શાંતિ વળી.

ત્રણ મહિના હાથીબાગવાળા ઘેર રહીને ભાદરવા મહિને પાછી હરિપાલ ગામે ગઈ! પણ ત્યાં મૅલૅરિયા લાગુ પડ્યો એટલે વળી પાછાં સુધીરાદીદી દુર્ગાપૂજાની રજામાં આવીને દવાદારૂ કરાવવા હાથીબાગના ઘરે જ લઈ ગયાં.

એક દિવસ સુધીરાદીદી ઘેર નહોતાં એવે સમયે અમારી ઓળખીતી એક બાઈ સુધીરાદીદી પાસે મદદ માગવા આવી. હું રસોડામાં હતી એટલે મને કાંઈ અણસાર આવ્યો નહિ. મને જોઈને એ તો ઠરી જ ગઈ! મારા મોંમાથી પણ એક હરફ નીકળે નહી. બીકની મારી લાકડું જ થઈ ગઈ! સુધીરાદીદી મળ્યાં નહિ એટલે તે પાછી ચાલી ગઈ.

સુધીરાદીદી ઘરે આવ્યાં એટલે બધી વાત કરી. સાંભળીને પહેલાં તો બહુ ચિડાઈ ગયાં. “થયું ને હવે! હું જેલમાં જઈશ અને તને પણ પકડીને લઈ જશે.” બીજે જ દહાડે એમની જૂની નોકરાણી ‘પડશી’ સાથે હરિપાલ ગામે મોકલાવી દીધી. પણ ત્યાં તબિયત બગડવા માંડી – ખૂબ મૅલૅરિયા. મોટીબહેન એકલપંડે સંભાળી શક્યાં નહિ એટલે સુધીરાદીદીને જણાવ્યું.

સુધીરાદીદી ભારે મુસીબતમાં આવી પડ્યાં. અહીં મારું શરીર સારું રહે નહિ અને કલકત્તાને ઘેર પેલી બાઈ તે દહાડે જોઈ ગઈ છે. પાછી લાવે ને ક્યાંક પકડાઈ જાઉં તો! ગમે તેમ પણ મને ફરી પાછી કલકત્તા તેડી લાવવા પડીને મોકલી ત્યારે હું બહુ જ બિમાર હતી. રોજ ટાઢ વાઈને તાવ ચઢે. પાછા જતાં રસ્તામાં તારકેશ્વરે પહોંચીને વેઈટિંગ રૂમમાં બેઠાં-બેઠાં શરીર થરથર ધ્રૂજે છે. પડશી ટિકિટ કઢાવવા બહાર ગયેલી, શું કરું? કશી સૂઝ પડે નહિ. બરાબર એ જ વખતે બે-ત્રણ સુંદર યુવતીઓ એ વેઈટિંગ રૂમમાં પ્રવેશી અને મને જોઈને બોલવા માંડી, અરે માડી, આ આવું કેમ કરે છે? એ લોકો ખૂબ જ ગભરાઈ ગયાં અને મને સુવડાવી દઈને એમનાં જ ચાદર સાડલા વડે મને દબાવીને બેસી ગયાં. ટ્રેન આવતાં એમણે પડશીને કહ્યું કે આને અમારા સેકંડ ક્લાસના ડબામાં ચઢાવી દઈએ. કશી ફિકર નહિ. મારી ટિકિટ તો થર્ડક્લાસની હતી. એમણે મને પોતાની જોડે ગાદીવાળી બર્થ પર સુવડાવી દીધી અને એકબીજાને કહેવા લાગી કે, “આવી હાલતમાં આને એકલી તો મૂકાય નહિ. આપણે ઘેર લઈ જઈએ, સાજી થતાં પોતાને ઘેર જશે” હું તો બધું સાંભળું છું. છાનામાના પડીને કહ્યું કે, કરી આપે, તો પછી હતો પછી આપણે આરામથી જઈ શકીશું. કેટલું કહ્યું ત્યારે એમણે એક ગાડી ઠરાવી દીધી અને હું ને પડી સુધીરાદીદીને ઘેર પહોંચી ગયાં.

તાવ તો પીછો છોડે નહિ. સુધીરાદીદી ભારે ફિકરમાં પડી ગયાં. ત્યારે સ્વામી પ્રજ્ઞાનંદ ઉદ્‌બોધનના મકાને હતા. સુધીરાદીદી ઉપર એમને ઘણું હેત, બધી રીતે એમને મદદ કરે, ઉત્સાહ આપે. એમની સહાયના ભરોસે તો સુધીરાદીદીએ મારી જવાબદારી લેવાનું સાહસ કરેલું. બેઉ જણાંએ મસલત કરીને એક બેનામી કાગળ લખ્યો. જાણે કે પ્રિયબાલા નામની કોઈક સ્ત્રીએ તારકેશ્વરથી લખ્યો છે કે એક નાની ઉંમરની જુવાન છોકરીને અહીં એકલી જોતાં અમને શંકા પડે છે કે એ ઘેરથી નાસી આવેલી છે. બહુ મહેનતે એનાં નામ ઠેકાણાં જાણવા પામ્યાં છીએ. તે તમારી પાસે આવવા માગતી નથી અને બહુ જ બિમાર છે. અમારા એક મિત્ર સુધીરા કલકત્તામાં રહે છે એમની પાસે છોકરીને મોક્લાવી દીધી છે વગેરે વગેરે લખીને કાગળ ૨૭ નંબર બોઝપાડાને સરનામે પોસ્ટ કરી દીધો. હું હાથીબાગવાળા ઘેર રહેલી.

બધી વાત સાંભળીને મને તો બહુ બીક લાગી ગઈ. એક તો તાવને કારણે શરીર દુર્બળ, એના ઉપર મનમાં ફફડાટ પેઠો કે ઘરના લોકો કાગળ મળતાં નક્કી આવીને મને પકડી જશે. બધું ભેગું થવાથી એવી તો બૂરી હાલત થઈ ગઈ. તાવ ૧૦૫ લગી ચઢી ગયો, બે ત્રણ વાર બેહોશી જેવું થઈ ગયું. સુધીરાદીદી તો ગભરાઈ ગયાં અને ડૉક્ટરને બોલાવ્યા અને કહેવા લાગ્યાં કોણ જાણે ભાઈ! છેવટે છોકરીનો જાન બચાવી શકાય તો ય ઘણું!

જન્મદાત્રી મા કાગળ મળતાં જ સુધીરાદીદીને ઘેર આવી. મને જોઈને દડદડ આંસુ વહેવડાવતી શરીરે માથે હાથ પસવારવા માંડી.

સુધીરાદીદીએ નિર્વિકાર ચિત્તે માને પૂછ્યું, આપ શું દીકરીને લઈ જશો? માએ કહ્યું, ના બહેન, ભલે તમારી પાસે જ રહી. ઘેર આવશે તો વળી પાછી ભાગી જશે. ઘણીવાર મારી પાસે બેસીને મા ઘેર પાછી ગઈ. મારો પણ ભય દૂર થઈ ગયો અને થોડાક દિવસના દવાદારૂ પછી સાજી થઈને ઊઠી.

…અને આમ, પારુલમાંથી પરિવર્તિત સાધિકા શ્રી સરલાદેવીનાં નૂતન જીવનનાં પગરણ મંડાયાં. ૧૯૧૧ની સાલના બંગાળના એ રૂઢિચુસ્ત જમાનામાં કેવળ ભગવાનને આમને ઘેર નહિ જાઉં. તું એમને કહે કે આપણને એક ગાડીભરોસે ઘરબાર, માતાપિતા – પતિની છત્રછાયા ત્યજીને નીકળી પડેલી સત્તર વરસની સુંદર કન્યાને ઠાકુર-મા-સ્વામીજીએ કેવી રીતે હાથ સાહીને ચલાવી, રક્ષી, કેળવી, કસોટીએ ચઢાવી – એનો અનોખો ઇતિહાસ ‘ભારતીયપ્રાણાની સ્મૃતિકથા’માં કંડારાયેલો છે. ફરી ક્યારેક શ્રી શ્રીમાની ઇચ્છા હશે તો એ પુણ્યકથાનું અમૃત ભેગાં મળીને પીશું.

(મૂળ બંગાળી ‘ભારતીપ્રાણા સ્મૃતિકથા’ને આધારે)

Total Views: 148
By Published On: January 1, 1994Categories: Pragnaben Shah Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram