જ્યોતિ કલશ: લેખક: નવલકાન્ત લ. જોશી

પ્રકાશક: સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાયતન, ગાયત્રી શક્તિપીઠ પાસે, અમરેલી. ૩૬૫૬૦૧

મૂલ્ય: ૬૦ રૂપિયા

‘જ્યોતિકલશ’ નામની લઘુનવલ સાથે ‘ગુરુનવલ’ ગુજરાતની પ્રજા સમક્ષ આવે છે ત્યારે એ કૃતિને સત્કારતાં આનંદ અનુભવું છું, સાથે-સાથે લેખકશ્રીને ધન્યવાદ આપું છું.

‘દાનેવ દર્શન’ નામના માસિક પત્રમાં ધારાવાહિક રીતે પ્રકાશિત થયેલી આ લઘુનવલને પુસ્તક સ્વરૂપે રજૂ કરતી વખતે લેખકશ્રી જણાવે છે, “દિવસે-દિવસે અમાનુષી યુદ્ધ, ત્રાસ, અનૈતિક ભોગવિલાસ તરફ ધસી રહેલાં આપણા વિશ્વ પરિવારનાં ભાઈ-બહેનોનાં ચિત્તની ભૂમિમાં સનાતન અને શાશ્વત માનવીય મૂલ્યોનાં બીજ રોપવાના યજ્ઞકર્મમાં સમર્પિત થઈને ધર્મચક્ર પ્રવર્તનના મંગલ અભિયાનને વેગ આપી રહેલા મહાપ્રભાવી ધર્માચાર્યો, સંતો, મહંતો, સાધુઓ, સંન્યાસીઓ, યોગીઓ, તપસ્વીઓ, સુજ્ઞ શિક્ષકોના વરદ હસ્તમાં આ પૌરાણિક લઘુનવલ કૃતજ્ઞતાપૂર્વક સમર્પિત કરું છું.”

પૌરાણિક વિષય વસ્તુને અર્વાચીન ઢાંચામાં ઢાળવાનો પ્રયોગ કરી, લઘુનવલ સ્વરૂપે પ્રજા પાસે મૂકવામાં લેખકશ્રી સફળ બન્યા છે, એટલું જ નહિ પણ હિરણ્યકશિપુનું હૃદયપરિવર્તન બતાવી અહિંસામાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે. શ્રી નવલભાઈએ પ્રહ્‌લાદને ‘સત્યાગ્રહીઓનો આદિ અર્ક’ ગણાવ્યો છે, મહાત્મા ગાંધીએ પ્રહ્‌લાદને જે સ્થાન આપ્યું એ જ સ્થાન લેખકીએ પ્રહ્‌લાદને આપ્યું છે. પરંતુ હિરણ્યકશિપુનું હૃદયપરિવર્તન એ નવી જ બાબત છે અને એટલે જ ‘જ્યોતિકલશ’ના શીર્ષક ઉપર ખૂબ જ વિશ્વાસપૂર્વક જણાવ્યું છે, ‘આપણી રાષ્ટ્રીય યુવા શક્તિને લોકશાહી મૂલ્યો માટે પ્રેરતી અને કોઈ પણ ક્રાન્તિ માટે પ્રબળ શસ્ત્ર તરીકે સત્યાગ્રહની, અહિંસક તાકાતની પુન:પ્રતિષ્ઠા કરતી પૌરાણિક લઘુનવલ એટલે ‘જ્યોતિકલશ’.

આવરણપૃષ્ઠ પાછળની કલ્પના ખરેખર દાદ માગી લે એવી છે. સમગ્ર પુસ્તકનું આંતરબાહ્ય સ્વરૂપ એક દ્રષ્ટાની, એક કલાકારની દૃષ્ટિ છતી કરે છે. પુસ્તકને સંતો, મહંતો, ધર્માચાર્યોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તો શિક્ષણક્ષેત્રના અગ્રણી મહાનુભાવોના કિંમતી અભિપ્રાયો પણ મળ્યા છે. ડૉ. વસંત પરીખ લખે છે, “હિરણ્યકશિપુ અને પ્રહ્‌લાદની કથા આ દેશવાસીઓ માટે નવી નથી, પણ શ્રી નવલભાઈએ એ સમગ્ર કથાને એક નવી જ દૃષ્ટિથી મૂલવી છે. ભારતીય સંસ્કૃતિના ઉત્તમ અંશને પુરાણમાંથી શોધી, પોતાના નૂતન અભિગમનો સ્પર્શ આપી શ્રી નવલભાઈ ગુજરાતને આમ જ અજવાળતા રહે એવી શુભકામના”.

ડૉ. અશ્વિનભાઈ કાપડીઆ જણાવે છે, “શ્રી નવલભાઈએ પોતાની ઐતિહાસિક શબ્દાવલિને જે રીતે કંડારી છે એ માત્ર સુસંસ્કૃત જ નથી. આત્માના ઓજસથી પ્રદિપ્ત પણ છે.”

પુસ્તકમાં ગૂઢ રહસ્યમય ચિત્રો, ઉક્ત કૃતિના ભાવને અનુરૂપ લેખકશ્રીએ મૂક્યાં છે પોતાનાં જ દોરેલાં – એ સૌનું ધ્યાન ખેંચ્યા વગર રહેતાં નથી. રંગ-કાવ્યો અને રસદર્શન વિભાગ માણવા જેવો છે. લેખકશ્રીએ પોતાના પુસ્તકમાં તસવીરો દ્વારા પાત્ર સૃષ્ટિ ખડી કરવા પ્રયાસ કર્યો છે. એનાથી પુસ્તકનો મનનીય પક્ષ થોડો ઘવાયો છે, ‘જ્યોતિ કલશ’ એક સુંદર મનનીય-ચિંતનીય કૃતિ બને એ ઇચ્છવા યોગ્ય છે. કલાકૃતિ બની દર્શનીય બને એ જરા ખૂંચે! તસવીરોનો અતિરેક પુસ્તકના નિજી સૌંદર્યને ઝાંખું પાડે છે. સત્યાગ્રહીઓનો આદિ અર્ક પ્રહ્‌લાદ તો સાદો, છતાં ઠંડી તાકાત વાળો, ઓજસથી ભરપૂર હોય. ઈન્સેટમાં મૂકેલી તસવીરમાં કોઈ રાજસી કથાકાર જેવો તો ન જ હોઈ શકે.

ગુજરાતની પ્રજાને એક સુંદર પુસ્તક આપવા બદલ શ્રી નવલભાઈને ધન્યવાદ.

– ક્રાંતિકુમાર જોશી

Total Views: 108
By Published On: January 1, 1994Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram