(ગતાંકથી ચાલુ)
રાઈટ કુટુંબ પર અસર:
સ્વામી વિવેકાનંદનાં આ યજમાન પત્ની, શ્રીમતી રાઈટ જે મુલાકાતથી આટલાં પ્રભાવિત થયાં હતાં તે સ્વામી વિવેકાનંદની અનિસ્કવૉમમાં રાઈટ ઘરની મુલાકાતની અસર એટલી તો પ્રબળ એ ઘરનાં આબાલવૃદ્ધ – (વૃદ્ધા – જો કોઈ હોય તો) પર પડેલી કે, તે કાળે, ૧૮૯૩માં માત્ર બે વર્ષની વયનો રાઈટ દંપતીનો પુત્ર જૉન મોટો થયા પછી યે સ્વામીજીનો ઉલ્લેખ ‘અમારા સ્વામી’ તરીકે કરતો. એ જૉનથી નવ વર્ષ મોટો ઑસ્ટિન હતો જે સ્વામીજી સાથે ફરવા જતો અને રમતો અને સ્વામીજીથી ખૂબ પ્રભાવિત થયો હતો. એને સ્વામીજીએ ઍડવિન આર્નલ્ડ કૃત ‘લાઈટ ઑફ ઍશિયા’ (એશિયા જ્યોતિ- બુદ્ધ વિશેનાં કાવ્ય)ની નકલ ભેટ આપી હતી. એ યુવાન વયે અવસાન પામ્યો હતો. એના લખેલા એક ખંડ કાવ્યનું શીર્ષક ૐ રાખ્યું હતું. રાઈટ દંપતીનું સૌથી મોટું સંતાન તેર વરસની પુત્રી ઈલીઝાબેથ હતી. અનિસ્કવૉમની સ્વામીજીની આ મુલાકાત સ્વામીજી માટે પરિવર્તનકારી હતી તો એથી રાઈટ કુટુંબ ધન્ય બન્યું હતું. શ્રીમતી ટપ્પન રાઈટની ડાયરીની એક નોંધ આ માટે બસ થશે: એ (રવિવારની) સાંજે એમણે (સ્વામીજીએ) એક અમેરિકન દેવળમાં વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાનને અંતે (રાબેતા મુજબ) જે ફાળો એકઠો થયો તે “બાઈબલમાં નહીં માનનારાઓ માટેની, પૂરા અબાઈબલી સિદ્ધાંતો પર ચાલનારી કૉલેજ માટે “એકઠો થયો હતો’, ને શ્રીમતી ટપ્પન રાઈટ એથી પોતાનું હસવું ખાળી શકતાં ન હતાં!”
સૂર્યની પરખ:
અનિસ્કવૉમ આવવાનું સ્વામીજીને નિમંત્રણ આપનારા સદ્ગૃહસ્થ હતા શ્રીમતી ટપ્પન રાઈટના પતિ શ્રીયુત જોન હેન્રી રાઈટ. તેઓ અમેરિકાની ખ્યાતનામ યુનિવર્સિટી – હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગ્રીક ભાષાસાહિત્યના અધ્યાપક હતા. ભાષાશાસ્ત્ર, ગ્રીક ઇતિહાસ અને પુરાતત્ત્વવિદ્યાના તેઓ સારા જ્ઞાતા હતા. તત્કાલીન ‘ડિક્શનરી ઑફ અમેરિકન બાયોગ્રાફી’ (અમેરિકન જીવનકથા કોશ)માં જણાવ્યા પ્રમાણે તેમનો વ્યાપ જ્ઞાનકોશ સમો હતો. પ્રાચીન ભારતીય વિદ્યાઓ વિશે તેમની પાસે થોડી ઘણી પણ જાણકારી હશે. એથીસ્તો, સ્વામીજી વિશે તેમણે જે કંઈ સાંભળ્યું હતું તેથી, સ્વામીજીને મળવાની તેમની ઉત્સુકતા વધી હતી અને, સ્વામીજી સાથેની તેમની મુલાકાત થતાંવેંત, થોડી જ પળમાં સ્વામીજીના જ્ઞાનકોશ સમા વિશાળ વ્યાપને અને ઊંડાણને તેઓ સમજી શક્યા હતા અને શિકાગો વિશ્વધર્મપરિષદના અધિકારીઓએ આવશ્યક અધિકારપત્રના અભાવે સ્વામીજીને જાકારો આપ્યાનું તેમણે સાંભળ્યું ત્યારે તરત જ પોકારી ઊઠ્યા હતા : “આપની પાસે અધિકારપત્ર માગવો એ સૂર્યને પોતાનો પ્રકાશવાના અધિકાર પ્રસ્થાપિત કરવા જણાવવા કહેવા જેવું છે!” આટલું કહીને જ તેઓ અટક્યા ન હતા. એ વિશ્વધર્મ- પરિષદનાં, એ પરિષદના સ્વામીજી ભાખ્યા પ્રયોજનની પૂર્તિનાં, સ્વામીજી વિશેની ગુરુભાખી ભવિષ્યવાણી સાચી પડવાનાં દ્વાર પ્રૉફેસર રાઈટે ખોલી આપ્યાં. ‘અમેરિકાના બધા વિદ્વાનોને ભેગા કરો તે તેમના કરતાં વિદ્વત્તામાં ક્યાંય ચડિયાતા’ (આ પ્રૉ. રાઈટના શબ્દો છે) સ્વામીજીને એ વિશ્વધર્મપરિષદમાં પ્રવેશ આપવાનો વિનંતીપત્ર એ પરિષદના સંચાલકોમાંના પોતાના મિત્રોને લખી, સ્વામીજી માટે તેમણે બધી વ્યવસ્થા કરી આપી હતી. સ્વામીજી હવે એકલ, અજાણ, અધિકારપત્ર વિનાના, આર્થિક ભીંસ અનુભવતા સંન્યાસી ન હતા રહ્યા. હવે એ કીર્તિની સીડીને પહેલે પગથિયે ચડી ચૂક્યા હતા અને કીર્તિ એમને ચરણે આળોટતી આવવાની હતી, આવતી થઈ ગઈ હતી એમ કહેવું પણ અયોગ્ય નહીં ગણાય.
મૅસૅચ્યુસેટ્સની થોડી વિગતો:
બૉસ્ટન મૅસૅચ્યુસેટ્સ રાજ્યનું સૌથી મોટું શહેર અને મોટું વિદ્યાધામ છે. પ્રૉ. રાઈટ જ્યાં અધ્યાપનકાર્ય કરતા હતા તે હાર્વર્ડ વિદ્યાપીઠ બૉસ્ટનમાં – બૉસ્ટન પાસે કૅમ્બ્રિજમાં આવેલી છે. શ્રીમતી સેન્બોર્ન સાથે શિકાગોથી સ્વામીજી આ મૅસેચ્યુસેટ્સ રાજ્યમાં આવ્યા હતા. તેમણે બ્રીઝી મૅડૉઝ અને અનિસ્કવૉમ ઉપરાંત આસપાસનાં કેટલાંક સ્થળોની મુલાકાત પણ લીધી હતી. ન્યુયૉર્ક રાજ્યમાંના, નજીકના, સારાટોગા સ્પ્રિંગ્ઝની સ્વામીજીની મુલાકાતનો ઉલ્લેખ અગાઉ થઈ ગયો છે. શ્રીમતી સેન્બૉર્નને ત્યાં સ્વામીજીને મળેલાં એક સન્નારી શ્રીમતી કેયટ ટૅનૅટ વુડ્ઝ હતાં. તેમણે સ્વામીજીને પોતાને ત્યાં, પાસેના સૅલૅમ નામના ગામે, નિમંત્ર્યા હતા. સ્વામીજી શ્રીમતી વુડ્ઝના મહેમાન બન્યા હતા અને પોતાની બીજી મુલાકાત વખતે, સ્વામીજીએ તે કુટુંબને પોતાનો ટ્રંક, પોતાની લાકડી અને પોતાની શાલ ભેટ આપ્યાં હતાં. શ્રીમતી વુડ્ઝનો પુત્ર પ્રિન્સ તબીબી વિદ્યાર્થી હતો. વુડ્ઝ કુટુંબે એક મહાત્માની પ્રસાદી તરીકે દાયકાઓ સુધી આ વસ્તુઓ સાચવી રાખી હતી. શ્રીમતી કેયટ વુડ્ઝને લખેલા ત્રણ પત્રો પણ એમનાં પુત્રવધૂ પાસેથી પ્રાપ્ત થયા છે.
સ્વામીજીની સૅલૅમની મુલાકાતની અને ત્યાંની ‘થૉટ ઍન્ડ વર્ક ક્લબ’ (વિચાર અને કાર્યની ક્લબ) સમક્ષ સ્વામીજીએ આપેલા પ્રવચનની નોંધ એ સમયના સ્થાનિક વર્તમાનપત્ર લીધી છે તે પણ હાથ લાગી છે. એ ક્લબના સ્થાપકની અને, એ ક્લબની સાથે શ્રીમતી વુડ્ઝ નિકટતાથી સંકળાયેલાં હતાં. એ ક્લબમાં સ્વામીજીએ આપેલા પ્રવચનમાં, એ વર્તમાનપત્રે જણાવ્યા પ્રમાણે, સ્વામીજીએ ભારતની ગરીબાઈની, ભારતની સ્ત્રીઓની કરુણ દશાની (અમેરિકન મહિલાઓને છૂટથી હરતી ફરતી જોઈને તેમજ સામાજિક ક્ષેત્રમાં અગત્યનું પ્રદાન કરતી જોઈને સ્વામીજીને ભારતની નારીઓની સ્થિતિ વધારે હૃદયદ્રાવક અને દયાજનક લાગી હતી), ભારતમાં મિશન- રીઓના કાર્ય પ્રત્યે અશ્રદ્ધાની અને મૂર્તિપૂજાની વાતો કરી હતી. એ સભામાંના શ્રોતાવર્ગમાં કેટલાક પાદરીઓ પણ હતા. એમની દૃષ્ટિએ એક વાત સ્પષ્ટ હતી : દુનિયાના બીજા બધા ધર્મો ખ્રિસ્તી ધર્મ કરતાં ઊતરતા હતા. એવા એક નીચલી કક્ષાના ધર્મનો કોઈ પ્રતિનિધિ મિશનરીઓની ‘અજ્ઞાની’ લોકોના ઉચ્ચારની ‘પવિત્ર’ પ્રવૃત્તિને સ્વાર્થી વટાળપ્રવૃત્તિ કહે અને મૂર્તિપૂજાનું રહસ્ય સમજાવે, ને તે પણ પાછું આ અમેરિકાની ભૂમિ પર તે, કેમ સાંખી લેવાય? મૂળે ય એમાંના કેટલાક તો પૂર્વગ્રહથી પ્રેરાઈને જ એ સભામાં ગયા હતા. એમનો અહં ઘવાયો અને પોતાના ધર્માનુયાયીઓની સમક્ષ સ્વામીજીને મહાત કરી દેવાના આશયથી સ્વામીજીની સાથે એમણે દલીલબાજી શરૂ કરી. એમની દલીલોમાં પ્રતીતિકરતા હતી એના કરતાં રોષની ઉગ્રતા વધારે હતી. શ્રીમતી કેયટ વુડ્ઝનાં પુત્રવધૂ ત્યાં હાજર હતાં. તેમણે નોંધ્યું છે કે પાદરીઓ જેટલા ઉગ્ર હતા તેટલા જ સ્વામીજી વિનમ્ર હતા. વળી સ્વામીજીની દલીલોમાં ભારોભાર તર્ક હતો. સ્વામીજીને ભાગ્યે આવા સામનાઓ ઘણા બધા આવવાના હતા તેનો આ અણસાર હતો. ૨૯મી ઑગસ્ટે, બાળકો સમક્ષ બાળસુલભ વાતો કર્યા પછી તારીખ ત્રીજી સપ્ટેમ્બરે, સ્વામીજીએ ઈસ્ટ ચર્ચમાં ભારતના ધર્મ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. એ વ્યાખ્યાનમાં, યુરોપ અમેરિકાથી ભારત આવતા મિશનરીઓને અનુલક્ષીને સ્વામીજીએ જણાવ્યું હતું કે, ભારતને ધર્મપ્રચારકોની નહીં પણ, ઉદ્યોગના અને સામાજિક સુધારણાના શિક્ષણ માટેના મિશનરીઓની જરૂર છે. અનિસ્કવૉમમાં પોતાના એ પ્રવચનમાં, પોતાની રાષ્ટ્રભક્તિથી, યુરોપીય ઇતિહાસના ભાવિ દર્શનથી – યુરોપનું પતન થશે એમ કહી તેમણે શ્રોતાઓને ચમકાવી દીધા હતા – અને પોતાનાં સંસ્થાનોમાં યુરોપના દેશોએ આચરેલાં ધોર દુષ્કૃત્યોનો જવાબ કાળ કેવી રીતે લેશે તે વિશે ચોટદાર શબ્દોનાં વેધક વાક્યોની ચડઊતર લયવાળી વાણીમાં કહી શ્રોતાજનોને ખૂબ ચમકાવી દીધા હતા. મૅસૅચ્યુસેટ્સ રાજ્યમાંના આ ત્રણ અઠવાડિયાના સ્વામીજીના મુકામની ફલશ્રુતિ ઘણી મોટી હતી. સૌથી અગત્યની અને દૂરગામી પરિણામવાળી વાત એ કે વિશ્વધર્મપરિષદમાં સ્વામીજીનો માનભેર પ્રવેશ નિશ્ચિત થઈ ચૂક્યો હતો. એમની આર્થિક ચિંતા દૂર થઈ ગઈ હતી. અમેરિકન શ્રોતાવર્ગ સમક્ષ બોલવાનો મહાવરો સ્વામીજીને મળી ચૂક્યો હતો. અને પ્રૉફેસર રાઈટ જેવા વિદ્વાન સમાન ગુણ અને શીલવાળા મિત્રો સ્વામીજીને મળી ચૂક્યા હતા. હવે એમની બધી ચિંતા દૂર થઈ ગઈ હતી અને, ઈશ્વરની કૃપાથી પોતાના અમેરિકાગમનના પ્રયોજનની પૂર્તિની દિશામાં સ્વામીજી વેગથી આગળ વધી રહ્યા હતા.
બૉસ્ટનથી આગગાડીમાં બેસી, સ્વામીજી ૯મી સપ્ટેમ્બરે રાતે, શિકાગોના ડિયરબૉર્ન સ્ટેશને આવ્યા.
(ક્રમશ:)
Your Content Goes Here