સ્વામી વિવેકાનંદજીના જન્મદિન – ૧૨ જાન્યુઆરીના રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે. યુવાવસ્થામાં જ સ્વામી વિવેકાનંદજીએ મહાનતાનાં શિખરોને આંબી લીધાં હતાં અને યુવાવસ્થામાં જ પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (૧૨ ભાગોમાં)નું અધ્યયન કરવાથી જાણવા મળશે કે તેમનો સંદેશ આજના યુવા વર્ગ માટે વિશેષરૂપે ઉપયોગી છે. તેમણે લખેલ મોટા ભાગના ૫ત્રો યુવા ગુરુભાઈઓ અથવા યુવા શિષ્યો (આલાસિંગા પેરુમલ, ભગિની નિવેદિતા વગેરે)ને ઉદ્દેશીને લખવામાં આવ્યા હતા. તેમના વાર્તાલાપો યુવા શિષ્યો – શરતચંદ્ર ચક્વર્તી વગેરેની સાથે થયા હતા. તેમનાં ભાષણોના મોટા ભાગના શ્રોતાઓ યુવકો હતા. ભારતમાં આપેલાં તેમનાં ભાષણોને વાંચીને કેટલાય યુવકોએ પોતાનું સર્વસ્વ માતૃભૂમિ કાજે હોમી દીધું હતું. મહાત્મા ગાંધીએ કહેલું, “સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચ્યાં બાદ મારી દેશભક્તિ હજારગણી વધી ગઈ.” સુભાષચંદ્ર બોઝ, ડૉ. રાધાકૃષ્ણન અને અનેક ક્રાંતિવીરોના પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ ડૉ. રામતીર્ઘ લાહોરની કૉલેજમાં લેક્ચરર હતા. સ્વામી વિવેકાનંદજીનું વેદાંત પરનું વ્યાખ્યાન સાંભળીને તેમણે યુવાવસ્થામાં જ સંન્યાસ લઈ લીધો અને બની ગયા સ્વામી રામતીર્થ. મિસ માર્ગારેટ નૉબેલે પોતાનું સર્વસ્વ ભારતમાતાને ચરણે નિવેદિત કરી દીધું; સ્વામી વિવેકાનંદજી પાસેથી બ્રહ્મચર્યદીક્ષા મેળવી બન્યાં ભગિની નિવેદિતા. આજે પણ અસંખ્ય યુવા ભાઈ-બહેનો સ્વામી વિવેકાનંદજી પાસેથી પ્રેરણા મેળવી રહ્યાં છે. વર્તમાન યુવા વર્ગની બધી સમસ્યાઓનો ઉકેલ સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશમાં મળી રહે છે. આજે ભારતના યુવા વર્ગની સામે ત્રણ સમસ્યાઓ મુખ્ય છે: (૧) બેરોજગારી (૨) ધર્મ પર અવિશ્વાસ (૩) આદર્શોના અભાવમાં નૈતિક અને માનસિક સંઘર્ષ. સ્વામી વિવેકાનંદજીને પોતાની યુવાવસ્થામાં આ ત્રણેય સમસ્યાઓ સામે ઝૂઝવું પડેલું. એવા સમયમાં જ્યારે સ્નાતક થવું એક વિરલ વાત હતી ત્યારે યુવક નરેન્દ્રનાથને બી.એ.ની ડીગ્રી મેળવીને, કાયદાનો અભ્યાસ કરતી વખતે, પોતાના પિતાના આકસ્મિક અવસાન બાદ નોકરી શોધવા ઘેરઘેર ભટકવું પડેલું! પૅન્સર, હેગલ, કાંટ વગેરે પાશ્ચાત્ય વિદ્ગાનોના ગ્રંથોના અધ્યયન બાદ સ્વામી વિવેકાનંદજી ઈશ્વરના અસ્તિત્વ વિષે સંશયશીલ બની ગયા હતા. બધા મહાપુરુષોને તેઓ પૂછતા, “શું આપે પોતે ઈશ્વરનાં દર્શન કર્યાં છે?” ક્યાંયથી તેમને સંતોષજનક ઉત્તર નહોતો મળતો. છેવટે, શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી તેમણે ઉત્તર મળ્યો, “હા દીકરા, મેં ઈશ્વરનાં દર્શન કર્યાં છે. જેમ તને જોઉં છું એથીય વધુ પ્રત્યક્ષ રીતે તેના દર્શન કરું છું. તું ચાહે તો તને પણ તેનાં દર્શન કરાવી શકું.” નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ગુરુરૂપે સ્વીકારે છે અને આધ્યાત્મિક સાધનામાં રત થઈ જાય છે અને પછી આવે છે તેમના જીવનમાં નૈતિક અને માનસિક સમસ્યાઓનો વંટોળિયો, જેનું વિસ્તૃત વર્ણન તેમના સહપાઠી શ્રી બ્રજેન્દ્રનાથ સીલે કર્યું છે. (Life of Swami Vivekananda by His Eastern and Western Disciples. સ્વામી વિવેકાનંદજીએ પોતાની યુવાવસ્થામાં આજના યુવા વર્ગની સમસ્યાઓનો સામનો જાતે કર્યો હતો અને માટે જ તેમનો સંદેશ આજના યુવા વર્ગ માટે વિશેષ પ્રાસંગિક બની જાય છે. તેમના ઉપદેશો સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના ૩થી ૧૨ ભાગોમાં પથરાયેલા છે. આ ઉપદેશોને પાંચ ભાગોમાં વિભક્ત કરી શકાય. આ જાણે કે યુવા વર્ગ માટે, ચારિત્ર્ય ઘડતર માટે પંચશીલ સમાન છે:

૧. આત્મ-શ્રદ્ધા, ૨. આત્મ-જ્ઞાન, ૩. આત્મ-નિર્ભરતા, ૪. આત્મ-સયંમ અને ૫, આત્મ-ત્યાગ.

સ્વામી વિવેકાનંદજી કહે છે, “શ્રદ્ધા, શ્રદ્ધા – પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા. આ છે મહાનતાનું રહસ્ય. તમારા તેત્રીસ કરોડ પૌરાણિક દેવતાઓમાં તમે શ્રદ્ધા ધરાવો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો – અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં. આત્મ- શ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર ઊભા રહો અને બળવાન બનો.” “નારીઓ માટે આપનો શો સંદેશ છે?” આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું હતું, “ભાઈઓ માટે મારો જે સંદેશ છે તે જ બહેનો માટે છે – બળવાન બનો, પોતાને અબળા માનશો નહિ.” શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ચારે પ્રકારના બળની વાત સ્વામીજી કરે છે.

નિર્ભય બનવાનો ઉપદેશ આપતાં સ્વામીજી કહે છે, “ઉપનિષદોમાંથી બૉમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બૉમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે ‘अभीः’, ‘अभय’ અને જગતને જો કોઈ ધર્મનું શિક્ષણ આપવું જોઈએ તો એ છે અભયના ધર્મનું શિક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું મુખ્ય કારણ છે. ભયથી જ દુ:ખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનિષ્ટ ઊભું થાય છે.”

આ આત્મ-શ્રદ્ધા, નિર્ભયતા કેવી રીતે આવે? આત્મ-જ્ઞાનથી. આત્મ-જ્ઞાન બે અર્થોમાં- ૧. આત્માનું જ્ઞાન. ૨. પોતાના વિશેનું – પોતાના મન, બુદ્ધિ, દેહ વિષેનું જ્ઞાન. આત્મ-જ્ઞાનથી પોતાનામાં રહેલી અનંતશક્તિ – દિવ્યતા પ્રગટ થશે અને આ જ માનવ જીવનનો ઉદ્દેશ છે. સ્વામીજી કહે છે “દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમ જ આંતર પ્રકૃતિનાં નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન – એમ એક અથવા અનેક દ્વારા આ જીવનધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્ત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ એ બધું ગૌણ છે.”

સિંહણ અને ઘેટાંની વાર્તા દ્વારા સ્વામીજી સમજાવે છે કે જ્યારે આપણે આપણી આંતરશક્તિને ઓળખીશું, મિથ્યા ભ્રમને ખંખેરી દઈશું ત્યારે જ સિંહનું બળ અનુભવીશું. વેદાંતનો નીચોડ સ્વામીજી પોતાની ઓજસ્વી ભાષામાં આપતાં કહે છે, “તમે તો ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે. મનુષ્ય-પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહો! ઊભા થાઓ અને અમે ઘેટાં છીએ એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો. નિત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી, જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.”

આત્મ-શ્રદ્ધાથી બધી નિર્બળતા દૂર થશે. પ્રારબ્ધના ભરોસે બેસી રહેનારાં યુવા ભાઈ-બહેનોને આળસ ખંખેરીને ઊભા થઈ પુરુષાર્થમાં લાગી જવા માટે સ્વામીજી પડકારે છે. જ્યોતિષવિદ્યા, રહસ્યવિદ્યા એ બધું છોડીને કઠોર પરિશ્રમમાં લાગી જવા માટે સ્વામીજી આહ્‌વાન કરીને કહે છે, “તમારા પગ પર ઊભા રહો અને બધી જવાબદારી પોતાને માથે લો. કહો કે, ‘જે આ દુ:ખ હું ભોગવું છું તે મારી પોતાની જ કરણીનું ફળ છે અને એ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાને જ કરવો પડશે.’ માટે ઊભા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લો – અને જાણી લો કે તમારા નસીબના ઘડવૈયા તમે પોતે જ છો, જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે.” તેમના આ સંદેશ કર્મના સિદ્ધાંત પર આધારિત છે – ‘જેવું વાવશો તેવું લણશો’. યુવાનો પ્રારબ્ધની – નસીબની વાત કરે, જ્યોતિષી પાછળ દોડે તે સ્વામીજીને પસંદ નહોતું. તેઓ કહેતા, – “પ્રારબ્ધ બળવાન છે – એવું બાયલાઓ કહે છે.’ પણ શક્તિશાળી માણસ તો ખડો થઈને કહે છે. ‘મારું ભાગ્ય હું પોતે ઘડી કાઢીશ.’ જેઓ ઘરડા થતા જાય છે એવા માણસો જ ભાગ્યની વાત કરે છે. જુવાન માણસો સામાન્ય રીતે ભાગ્ય વાંચનારાઓની પાસે જતા નથી.”

દરેક સફળતાનું રહસ્ય છે – મનની એકાગ્રતા. સ્વામીજી કહે છે, “કોઈ પણ ક્ષેત્રની તમામ સફળતાઓની પાછળ આ કારણ રહેલું છે… કલા, સંગીત વગેરેમાં ઉત્તમ સિદ્ધિઓ એકાગ્રતાનાં પરિણામો છે… હલકામાં હલકા માણસને મહાનમાં મહાન માણસ સાથે સરખાવી જુઓ. બન્ને વચ્ચેનો તફાવત એકાગ્રતાની માત્રાનો જ હોય છે. એકાગ્રતા કેળવવા માટે આત્મ-સંયમની આવશ્યકતા છે. સ્વામીજીના શબ્દોમાં “નિરંકુશ અને દોરવણી વિનાનું મન આપણને હંમેશાં નીચે ને નીચે, ઘણે નીચે ખેંચ્યા કરશે, ચીરી નાખશે, મારી નાખશે; જ્યારે સંયમિત અને સન્માર્ગે દોરવાયેલું મન આપણને બચાવશે, મુક્ત કરશે.” પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલ યમ (સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ) અને નિયમ (તપ, સંતોષ, શૌચ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન) આ એકાગ્રતા કેળવવામાં સહાયરૂપ નીવડે છે. મન જેમ જેમ નિયંત્રિત અને શુદ્ધ બનશે તેમ તેમ મનની શક્તિઓ વિકાસ પામશે. આધુનિક મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે સામાન્ય રીતે આપણે નેવું ટકા માનસિક શક્તિનો ઉપયોગ જ કરતા નથી. અચેતન મનમાં રહેલી અદમ્ય શક્તિને જાગૃત કરવાથી સફળતાના ઉચ્ચ શિખરો હાંસલ થશે.

ત્યાગ વગર કોઈ પણ મહાન કાર્ય સિદ્ધ થતું નથી. સ્વામીજી કહેતા: “ત્યાગ અને સેવા – એ આપણા રાષ્ટ્રીય આદર્શો છે.” શ્રીરામકૃષ્ણદેવે આપેલ ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના ઉપદેશથી પ્રેરાઈને સ્વામીજીએ રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી. પાછળથી સંન્યાસિનીઓ માટે શારદા મઠની પણ સ્થાપના થઈ છે. સ્વામીજીએ પ્રબોધેલ ‘આત્મનો મોક્ષાર્થે જગત્ હિતાય ચ’ (પોતાની મુક્તિ માટે અને જગતની સેવા માટે)ના આદર્શથી પ્રેરાઈને કેટલાંય યુવક-યુવતીઓએ પોતાનું સર્વસ્વ હોમી દીધું છે – સંન્યસ્ત જીવન સ્વીકાર્યું છે. તો વળી કેટલાંય યુવા ભાઈ-બહેનો પરિણીત અથવા અપરિણીત રહીને, ત્યાગ અને સેવાના આદર્શને અપનાવીને ગામડાંઓમાં, આદિવાસી ક્ષેત્રમાં, તબીબી ક્ષેત્રમાં, સમાજસેવાના ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં અદ્‌ભુત કાર્ય કરી રહ્યાં છે.

આ પંચશીલનું અનુસરણ યુવા ભાઈ-બહેનોના વ્યક્તિત્વ વિકાસ માટે, ચારિત્ર્ય-ઘડતર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ રહ્યું છે. સ્વામીજીની આશા યુવા પેઢી પર હતી. યુવા ભાઈ-બહેનોને માનવતાને કાજે આત્મ-બલિદાનનું આહ્‌વાન આપતાં સ્વામીજી કહે છે: “થાક્યા માંદા – જીર્ણશીર્ણનું આ કામ નથી, ડોસાડગરાનુંય આ કામ નથી. સમાજના દબાયેલા, પિસાયેલા, હડધૂત થયેલા લોકોનું પણ આ કામ નથી. આ કામ તો છે ધરતીનાં ઉત્તમ તાજગીભર્યાં શ્રેષ્ઠ શક્તિસંપન્ન સુંદર યુવક-યુવતીઓનું જ. તેઓ જ એકમાત્ર એવાં છે કે જેમણે બલિવેદી પર ચડવાનું છે, એમણે જ આત્મબલિદાન આપીને આ વિશ્વને ઉગારવાનું છે. તો તમારું જીવનની બાજી લગાવી દો, તમે સૌ પોતાને માનવજાતના સેવક બનાવી દો, તમે ખુદ જીવતો-જાગતો એક પયગામ બની જાઓ, બસ, આનું નામ જ છે, ‘ત્યાગ’. ખાલી વાતો નહિ, ઊભા થઈ જાઓ, અને માંડો સપાટા લગાવવા! હવે ત્યાગ કરવાનો સમય પાકી ગયો છે. માનવતાને કાજે સર્વસ્વને સ્વાહા કરી દો. તમે માનવપ્રેમની વાતો તો એટલી બધી કરી ચૂક્યા છો કે એ શબ્દોના બંધનમાં જ પુરાઈ રહેવાનો ભ્રમ ઉત્પન્ન થઈ જાય! પણ હવે તો કામે લાગી જવાનો સમય આવી પુગ્યો છે. અત્યારનું આહ્‌વાન તો છે: કાર્યમાં ઝંપલાવો! વિશ્વને બચાવવા માટે યા હોમ કરીને કૂદી પડો!”

Total Views: 246

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.