(૫ અને ૬ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના જે ઉત્તરો આપ્યા હતા તેનો સારાંશ વાચકોના લાભાર્થે ધારાવાહિક રૂપે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)
પ્રશ્ન-૧ મન નિર્વિચાર કેમ કરવું? ખૂબ જ મહેનત કરવા છતાં નિર્વિચાર થતું નથી.
અથવા
ચાલુ સાધનામાં માનસિક વિચારો અગર વાસનાના વિચારો કેમ અટકાવવા?
મન કાંઈ આપણા ઉપર કોઈએ લાદી દીધું હોય એવું નથી. આપણા વિચારો,આપણી જીવન પ્રણાલી, વગેરેથી મનની પ્રકૃતિ ઘડાય છે. મન વિષયો તરફ હંમેશાં ગમન કરે છે. મનને વિષયોથી રોકી શકાતું નથી. એને વિષયોમાંથી અલગ કરવાના અભ્યાસ કરતાં-કરતાં તમારી આકાંક્ષાઓ પૂર્ણ થશે. અભ્યાસ અર્થાત્ વારંવાર પ્રયત્ન કરતા રહો, તો ધીરેધીરે મન શુદ્ધ બનશે. એનો બીજો રસ્તો નથી. મન એ તમારી પ્રકૃતિનું રૂપ છે. એ પ્રકૃતિ તમે સતત અભ્યાસથી જ બદલાવી શકો છો. નહીં તો મન આપોઆપ બદલાય તેવું નથી. કેવી રીતે મનને શુદ્ધ કરવું એ તો બહુ અગત્યનો પ્રશ્ન છે. મનમાં અશુદ્ધિને પ્રવેશવા દેવી ન જોઈએ. સ્વામી તુરીયાનંદજી કહેતા: “જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે મનના દરવાજા ઉપર લખી નાખો No Admission”. તમે કહેશો કે “આ અમે કેવી રીતે કરીએ? મનનો દરવાજો ક્યાં છે? કેવી રીતે લખવું?” “આ બધા સવાલ મનમાં આવે તો સ્વામી તુરીયાનંદજીનું જીવન જોવું. એમને નાનપણથી ભગવદ્ભક્તિ વિના બીજું કંઈ આવડતું નહિ. એમનું આખું જીવન એ રીતે જ વીત્યું. ભગવાન રામકૃષ્ણ દેવના શરણમાં આવ્યા તે પહેલાંથી એમનું જીવન એવું જ હતું. સખત પુરુષાર્થથી એ એવા બન્યા. બધાંને માટે આ એક જ રીત છે – સખત પુરુષાર્થની. એવો દૃઢ પ્રયાસ કરવાની જરૂર છે. એ દૃઢ પ્રયાસ તે એટલે સુધી કે જીવન જાય તો પણ આપણું લક્ષ્ય છોડવું નહિ. એ પ્રમાણે બધા કરી શકે છે પણ એ માટે તીવ્ર પ્રતીતિની – તીવ્ર વિચારની જરૂર છે. આપણામાં એ પ્રતીતિ – દૃઢ વિચાર નથી અને આમ અર્ધા એક બાજુ અને અર્ધા બીજી બાજુ એમ સમયને વેડફી દઈએ છીએ. એ વિશે હંમેશાં સાવચેત રહેવાની જરૂર છે. એમ કરો તો વધારે ઝડપથી લક્ષ્ય તરફ પહોંચી શકો છો. એ જ રીત છે – અભ્યાસ, પ્રયત્નની. વારંવાર એ બાબતમાં પુરુષાર્થ કરવો જોઈએ. ઈશ્વરકૃપા એ પણ પુરુષાર્થનું ફળ છે. ઈશ્વરકૃપા તો બધા ઉપર હોય છે. ઈશ્વર કાંઈ એક તરફનો વિચાર કરતી નથી. ઈશ્વર પ્રત્યેની લાગણીને લીધે જ માણસ ઈશ્વરકૃપાનો અનુભવ કરે છે. એટલે બધાને માટે ઈશ્વરની કૃપા હોવા છતાં બધાને કૃપાનો અનુભવ થતો નથી. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ કહે છે:
“પ્રભુનો કૃપા પવન તો વહ્યા જ કરે છે. તમારા સઢને ઉપર ચઢાવો તો તમારી નાવ આગળ વધશે.” તમે સઢ ચઢાવતા નથી એટલે કૃપાનો અનુભવ થતો નથી. એ ખાસ યાદ રાખવું જોઈએ કે પ્રભુ આ સંસારની સ્થિતિમાં કોઈને નાખી નથી દેતા પરંતુ પોતે પોતાનો જ સંસાર બનાવી લે છે અને એમાંથી નીકળવાનો ઉપાય પણ એ જ છે.
શ્રીરામકૃષ્ણ દેવ કહેતા “માછલી પકડવા માટે એક જાળ હોય છે. તેમાં માછલી અંદર પ્રવેશ કરે છે. ઘૂસી જાય છે પણ જે રસ્તે એ અંદર જાય છે, એ જ રસ્તો ખુલ્લો છે. તેમાંથી એ બહાર નીકળી શકે છે પણ બહાર જવાની ખબર ન પડે એટલે અંદર જ ભમ્યા કરે.”
એ પ્રમાણે આપણી પણ એવી સ્થિતિ છે. ઈશ્વરે આપણને સંસારમાં નાખી દીધા છે એમ નથી, આપણે જ એમાં પ્રવેશ કર્યો છે એમ ધારીએ તો નીકળવાનો રસ્તો મળે છે પણ આપણો પ્રયાસ પૂરતો નથી એટલે એ રીતે આપણો સમય નકામો જાય છે. પ્રભુને લક્ષ્ય કરીને જીવન સ્થિર કરવાનું થતું નથી. અથાક પ્રયાસની જરૂર છે. એ જ માર્ગ છે.
(ક્રમશ:)
Your Content Goes Here