GO FORWARD (Letters of Swami Premeshananda, compiled by Satchidananda Dhar) Translated by Swami swahananda, Published by satchidananda Dhar, 95, Bosepukur Road, calcutta, 42, Price Rs. 140, Pages 280.

શ્રીશ્રીમા શારદામણિદેવી દ્વારા દીક્ષિત થયેલા અને એમના વિશેષ કૃપાપાત્ર એવા સ્વામી પ્રેમેશાનંદ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના લાડકા નામે જાણીતા થયેલા આ સાધુપુરુષે અસંખ્ય નરનારીઓને ગૃહસ્થોને, સંન્યાસીઓને, અધ્યાત્મજીવન અને – સેવાધર્મમાં આગળ વધવા માટે માર્ગદર્શન પૂરું પાડતા અનેક અતિપ્રેરક પત્રો લખ્યા હતા. તેમાંથી હાથવગા થયેલા અને ચૂંટેલા ૩૩૧ પત્રો આ પુસ્તકમાં સંગ્રહાયા છે. મૂળ બંગાળી ભાષામાં લખાયેલા આ પત્રોનો સ્વામી સ્વાહાનંદજીના નિપુણ હાથે થયેલો આ અંગ્રેજી અનુવાદ છે. સ્વામી સ્વાહાનંદજીએ કેટલાક સાથીઓની સહાય લઈને આ અનુવાદ તૈયાર કર્યો છે.

મૂળ બંગાળી પત્રોમાં લખેલાં પ્રેમભર્યાં સંબોધનો અને એવાં જ સમાપનો તેમજ કુટુંબ, સ્વાસ્થ્ય વગેરે કુશલાચારની વૈયક્તિક બાબતોને જતી કરીને કેવળ સમુચિત, સર્વતોભદ્ર અને સર્વજનોપયોગી અને પ્રેરણાક્ષમ પત્રાંશો જ અહીં વાચકો સમક્ષ મૂકવામાં આવ્યા છે.

જુદીજુદી ૩૩ વ્યક્તિઓને લખાયેલા આ ૩૩૧ પત્રો ઉપરાંત આરંભમાં ૨૫ પૃષ્ઠોમાં સ્વામી શ્રી અચ્યુતાનંદે ખાસ લખેલી સ્વામી શ્રી પ્રેમેશાનંદજીની જીવનરેખા પત્રલેખકનું હીર બતાવી જાય છે. વળી, પત્રો પૂરા થયે અંતમાં ચાર પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. પ્રથમ પરિશિષ્ટમાં સ્વામી પ્રેમેશાનંદજીના ગુરુભાઈ અને બાળગોઠિયા સ્વામી શારદેશાનંદજીએ લખેલાં પ્રેમેશ મહારાજ સંબંધી પત્રસ્વરૂપે સંસ્મરણો અપાયાં છે. બાકીનાં બે પરિશિષ્ટોમાં પ્રેમેશ મહારાજે જુદીજુદી વ્યક્તિઓને મોકલેલી અને તે વ્યક્તિઓએ જતનથી જાળવેલી નોંધો આપવામાં આવી છે. આ નોંધો આધ્યાત્મિક અને વ્યાવહારિક દૃષ્ટિએ ખૂબ મૂલ્યવાન છે. આમ, પુસ્તકમાં સમાવાયેલ તેમની જીવનરેખા અને પરિશિષ્ટો ગ્રંથની ઉપાદેયતામાં વધારો કરી જાય છે.

આ પુસ્તક નોંધો અને ખાસ કરીને સંસ્મરણો વાંચતાં એવું લાગે છે કે જે લોકોને સ્વામી પ્રેમેશાનંદજી સાથે સાક્ષાત્ સંબંધ ન હોય તેવા લોકો પણ તેમના આ લખાણ દ્વારા તેમના વ્યક્તિત્વનું વાસ્તવિક ચિત્ર પામી શકે છે અને પરિણામે એમણે લખેલા પત્રોનો આસ્વાદ વધુ સારી રીતે માણી શકશે.

શ્રીરામકૃષ્ણ પ્રબોધેલા વિશ્વકલ્યાણના આધ્યાત્મિક આદર્શો શ્રીશ્રીમાના અને સ્વામી વિવેકાનંદના તેમ જ તેમના સાક્ષાત્ શિષ્યોના રોજબરોજના જીવનવ્યવહારમાં અને તેમની વિવિધ આધ્યાત્મિક સાધનાઓમાં મૂર્ત થઈ ઊઠ્યા હતા. શ્રીરામકૃષ્ણના ઉપદેશોનું સારતત્ત્વ, માનવીની ભીતર પડેલી દિવ્યતાને પ્રકટ કરવાનું અને સર્વમાં રહેતી એ જ દિવ્યતાને પીછાણીને સર્વની શિવભાવે જીવસેવા કરવાનું હતું. શ્રીરામકૃષ્ણના આ સંદેશને – આ ત્યાગ અને સેવાના આદર્શને સ્વામી વિવેકાનંદે સૂત્રરૂપ આપી રજૂ કર્યો: “આત્મનો મોક્ષાર્થં જગદ્ હિતાય ચ” એટલે કે પોતાનો મોક્ષ સાધવો અને જગતનું હિત સાધવું.

રામકૃષ્ણ સંઘ આ મહાન આદર્શને વર્યો છે. એના અનુયાયીઓએ પોતાના જીવનમાં આ આદર્શની પૂર્તિ કર્યા જ કરી છે. શ્રીરામકૃષ્ણના પોતાના સંન્યાસી શિષ્યો અને તેમના પણ પેઢી દર પેઢી ઊતરી આવેલા શિષ્યો પોતાના જીવનમાં આ અધ્યાત્મસાધના અને સેવા ભાવનાના આદર્શની અભિવ્યક્તિ કરતા રહ્યા છે. અને ઉત્તરોત્તર પોતાના શિષ્યોને આ વારસો આપતા રહ્યા છે. એ રીતે આ આદર્શ એક અખંડ પરંપરા રૂપે સતત પ્રજ્વલિત અને ગતિશીલ રહ્યો છે.

પૂર્વાશ્રમના શ્રી ઈન્દ્રદયાલ ભટ્ટાચાર્ય નામધારી સ્વામી પ્રેમેશાનંદજી પણ પોતાના શૈશવકાળથી જ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના ઉછળતાં મોજાંરૂપ બન્યા હતા. આ પુસ્તકમાં સંકલિત થયેલ તેમના જીવન, તેમના પત્રો, તેમને વિશેનાં સંસ્મરણો અને તેમની નોંધોમાં પૂર્વોક્ત આદર્શની એક વિશિષ્ટ અભિવ્યક્તિ થયેલી જોવા મળે છે. અને ગુરુ પાસેથી શિષ્યમાં સંક્રમણ પામેલા આધ્યાત્મિક આદર્શનું એક ઊજળું ઉદાહરણ એ પૂરું પાડી જાય છે.

આ પત્રો અને નોંધો વાંચતાં એવું લાગ્યા વગર રહેતું નથી કે પ્રેમેશ મહારાજના સીધા-સાદા, નિર્મળ, મધુર, પ્રેમાળ અને અધ્યાત્મસભર વ્યક્તિત્વનો જે કોઈને પણ સંસ્પર્શ થતો, તે સભાનપણે કે અભાનપણે અવશ્ય આત્મધર્મ અને સેવાધર્મનું ઉદાત્ત જીવન જીવવા માટે પ્રેરિત અને સમર્પિત થઈ ઊઠતો; વળી, એક વાર પણ જે કોઈનો તેમણે હાથ ઝાલ્યો હોય, એનો એના મનોવલણ અનુસાર જ્યાં સુધી પૂર્ણ વિકાસ થઈ રહે, ત્યાં સુધી પ્રેમેશ મહારાજ એ ઝાલેલો હાથ કદીય છોડતા નહિ.

આ પુસ્તકમાં સમાવાયેલ પત્રો તેમણે જેને-જેને લખ્યા છે તે બધી જ વ્યક્તિઓનાં જીવન ઉપર્યુક્ત વિધાનનું પ્રત્યક્ષ પ્રમાણ પૂરું પાડે છે. તેમના પત્રોમાં જિજ્ઞાસુના માનસિક સ્તરને પિછાણવાની અને અસરકારક માર્ગદર્શન આપવાની જબરી શક્તિ વરતાય છે.

આ પત્રાવલિમાં મુખ્યત્વે તો વિશિષ્ટ જિજ્ઞાસુ સાધકને વિશિષ્ટ માર્ગદર્શન મળી રહે એવા પત્રો સંગ્રહાયા છે. જિજ્ઞાસુ સાધક પોતાના અભીપ્સિત માર્ગે ક્રમશઃ આગળ વધતો રહે એવા ઉપાયો અને સાધનો આ પત્રો આપે છે. આમ છતાં એની સાથોસાથ આ પત્રોમાં સર્વજન સામાન્ય એવો વૈશ્વિક સંદેશ પણ સાંપડે છે ખરો, કે જે સૌ કોઈની ચિત્તશુદ્ધિ, આત્મજાગૃતિ અને નવતર – ઉચ્ચતર જીવનનિર્માણ માટે પ્રેરક નીવડી શકે તેમ છે.

આ પત્રાવલિના અનેક પત્રો એવાય છે કે જે શ્રી પ્રેમેશાનંદજીના ઊંડા આત્મસાક્ષાત્કારના લક્ષ્યની બૌદ્ધિક ખોજ, કઠિન શાસ્ત્રપરિચ્છેદોની સમજૂતી, સામાજિક સદાચાર વિશે તેમની ભેદક દૃષ્ટિ, સામાજિક અને રાજકીય કાર્યકલાપોમાં તેમનું પરીક્ષણ, વિવિધ દેશોની જીવન પદ્ધતિઓ અને ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસની સાધારણ બાબતોનો ખ્યાલ પણ આપણને એમાંથી મળે છે. વળી, વર્તમાનકાળમાં માનવ જીવનની અને વિશ્વની વિવિધ સમસ્યાઓનો ઉકેલ, શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના ઉપદેશોના અમલથી કેવી રીતે મળી શકે છે, તે પણ પત્રોમાં દર્શાવ્યું છે. રામકૃષ્ણસંઘની અંદર પણ આ ત્યાગ સેવાના આદર્શને મૂર્ત ક૨વાની સમજૂતી પણ આ પત્રોમાં છે. આ બધા અને બીજા કેટલાક મુદ્દાઓ અહીં સીધી-સાદી છતાં તર્કપૂત અને ઉદાહરણસભર ભાષામાં અહીં ચર્ચા છે.

પ્રેમેશ મહારાજની લેખનશૈલી સહજ, કાવ્યમય, હળવી, ચાતુર્યભરી અને વાચકના મનમાં ઊંડી અસર કરનારી છે. માણસના ચરિત અને સ્તરને પારખવાની તેમની શક્તિ ગજબની છે. તેઓ દરેક વ્યક્તિને એની ક્ષમતા અને વલણ પારખીને જ એવું માર્ગદર્શન આપતા કે જેથી વ્યક્તિ પોતાનું જીવનલક્ષ્ય પામી જાય. આ પત્રોમાં આપણે અત્ર-તત્ર-સર્વત્ર પ્રેમેશ મહારાજનો પ્રેમ, તેમની ઊંડી આધ્યાત્મિક, ભેદક દૃષ્ટિ અને સદ્ભાવ નીતરતાં જોઈએ છીએ. આ પત્રોમાં જાણે તેઓ સદેહે આપણી સમક્ષ ઊભીને વાતો કરી રહ્યા હોય એવી પ્રતીતિ થાય છે.

અનેક યુવક-યુવતીઓ, સાધુ-સાધ્વીઓ, ડૉક્ટરો, શિક્ષકો, દેશ ભક્તો, છાત્રો વગેરેને લખાયેલા આ પ્રેમભર્યા પ્રેરણાસ્રોત સમા અભિનવ જીવનનો આનંદ આપતા, સમસ્યોન્મૂલક, પૂર્ણ પરિતોષજનક આ પત્રો ખરેખર બહુમૂલ્ય ખજાના જેવા સંગ્રહણીય છે.

આજથી પચાસ-સાઠ વરસ પહેલાં પ્રેમેશ મહારાજે એવા લોકોનો – અધિકારીજનોનો – વર્ગ પારખી લીધો હતો, એ જાણીને આનંદ થાય છે. એમના પત્રો મેળવીને આજે તેમાંના દરેકે દરેક અધ્યાત્મપંથના અગ્રણી તરીકે ઉપસી આવેલ છે. પ્રેમેશ મહારાજની અને એમના પત્રોની આ અનન્ય પ્રભાવકતા છે.

સુંદર છપાઈ, સારા કાગળો અને અચ્છા ઉઠાવથી શોભતું ડેમી સાઈઝનું આ પુસ્તક અધ્યાત્મમાર્ગના રસિકો માટે અવશ્ય ઉપાદેય છે, એમ કહેવું જ જોઈએ.

સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 169
By Published On: February 1, 1994Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram