ગીરની વનરાઈનાં જોબન અને સાવજની છલાંગ લઈને ચાંચઈના ડુંગરમાંથી નીકળી પડેલી સૌરાષ્ટ્રની નામધારી નદી જ્યાં ખળ-ખળ-ખળ કરતી વહે છે, એ શેત્રુંજી નદીના કિનારાની અડખે પડખે ડાળીએ-ડાળીએ ઘસાય એવી જટાજુટ વનરાજિની ચાદર ઓઢીને માતાના અંકમાં ઘૂઘવતા બાળકની જેમ ધરતી પર કિલોલ કરતું ફીફાદ નામે નાનકડું ગામ ઉભું છે.

કો’ જોગંદ૨, એની ડાબલીમાં ચમત્કારો અને સિદ્ધિઓ સંતાડી રાખે એમ આ ફીફાદ ગામે સોરઠના ઇતિહાસની સાતસો વર્ષ જૂની ઘટનાઓ સાચવી રાખી છે. શૌર્યની, સમર્પણની, ભક્તિની અજોડ કથાઓ આ ગામની ધરતીના હાડમાં પડી છે.

તાસીરે ખારોપાટ, સંપત્તિએ સાવ ગરીબ છતાં આ ગામે નિજ ધરતીનો ખમી૨વંતો ઇતિહાસ, દીકરી પોતાના બાપનો ‘કરિયાવર’ સાચવે એમ સાચવી રાખ્યો છે.

આજથી આશરે પાંચસો વર્ષ પહેલાં શેત્રુંજી કાંઠાની આ ભોમકા, ગીરના જંગલની બરાબરી કરે એવા હિંસક જાનવરોનાં રહેણાંકવાળી બિહામણી જગા.

એ સમયના એક દિવસે ફીફાદ ગામની અડોઅડ થોડી ઝાડી, થોર કાપીને એક ઓલિયા ફકીરે અહીં ધામા નાખ્યા. નામ એનું ધંતરશા પીર…

જોગંદ૨ સમી નેકી ટેકીવાળો આ ઓલિયો ચોવીસ કલાક બંદગી કરે. અંતરના ઊંડાણેથી ઉમળકો જાગે કે અભાવનો ખાટકો બોલે, ‘આનંદની છોમ’ ઉછળે કે વિષાદની ખંજરી બાજે… બસ જવાબમાં એના હોઠ ઉઘડે: “યા ખુદા! યા માલિક! હા, ખુદા.”

કોઈની પાસે ન કશું માંગવું, ન પૂછવું, ન બોલવું… ન હલવું ચલવું.….! એના રુદિયાનો તા૨ અલબંધણી સાથે સંધાઈને રણઝણ્યા કરે! “યા ખુદા.”

આસ્તે-આસ્તે ફીફાદ ગામ અજાયબ એવા આદમીની અજબ અદબી આગળ નમતું થયું… ફકીરનો મૂંગો પ્રભાવ આસપાસમાં વિસ્તરતો રહ્યો. કોણ હિન્દુ? કોણ મુસ્લિમ? કોણ પુરુષ? કોણ ઓરત? બબ્બે-ત્રણ-ત્રણ દિવસે એની તાવ સમાધિમાંથી ધંતરશા જાગે. ઝાડનાં થોડાં પાન ચાવીને ઉપર પાણી પી લે, ભોજનનો સંતોષ!

“લો, બાપુ! અમારો આ કણકો આરોગો…” ગામના શ્રદ્ધાળુ લોકો એની સામે ભોજન થાળ ધરતા ત્યારે એ આદમી એમાંથી બાજરાની રોટી અને છાશ લઈ લેતા “આ મારું ભોજન. આના સિવાય કશું ન ખપે, ભાઈ!”

ગામવાસીઓ એના પ્રેમ, ત્યાગ અને કરુણાથી અભિભૂત થયાં. મન સંકલ્પો ફળતા થયા. કોઈનાં દુ:ખ, કોઈના રોગ, કોઈનાં સંકટ એની મૂક દૂઆથી નિરસન થતા રહ્યાં…

એની ફકીરીની, બંદગીની સુવાસ પ્રસરતી રહી. પશ્ચિમે સાવરકુંડલા અને પૂર્વે પાલીતાણા સુધી ધંતરશા પીરની પવિત્રતાની સોડમ મહેંકી ઊઠી….

અને એક દિવસ “કૌન હૈ યે ફકીર”નો એક ક્રોધાળવો ઉદ્ગાર આખા ગામે કાને હાથ દઈને સાંભળ્યો.

ઇશુનો પંદ૨મો સૈકો અડધો વિત્યો હતો. ગુજરાતના તખ્ત પર મહમૂદ બેગડાના તે દિ’ બેસણાં. અમદાવાદથી જૂનાગઢ અને જૂનાગઢથી વળી પાછો અમદાવાદ ટીંગાટોળી કર્યા કરતો બેગડો, ભારી કહાંબો બાદશાહ…! ગુજરાત સૌરાષ્ટ્રની વધારે પડતી ધર્મશ્રદ્ધા અને ભક્તિપરાયણતા બેગડાને કાળજે જાતી વાગે…! ઠેકઠેકાણે મંદિરોના ઘંટારવો અને મંત્રોચ્ચારના પ્રલંબ આલાપો, એની આંખોમાં ક્રોધના ટશિયા પ્રગટાવતા. ભગવી, લાલ, કેસરી ધ્વજાઓ ઉતરાવવા એણે ઝનૂની પ્રચારકો અને ભંજકોની મંડળીઓ ગુજરાત પર ઉતારેલી. સાધુસંતોની સાથે-સાથે ક્યાંક એણે પીર ફકીરોને પણ ઝપટમાં લઈ લીધેલા.

આ મહમૂદનો ફાટેલી ખોપરીનો અધાધોમ ઈર્ષાળો સરદાર મલેક અયાઝ એક દિવસ ફીફાદ ગામના પાદરમાં લાવ લશ્કર અને હાથી ઘોડાના જબ્બર કાફલા સાથે પડાવ નાખી બેઠો. તંબુના ખીલા ઠોકાયા. ઘોડાઓની હાવળો અને હાથીના ચિંધાડથી નાનકડું ફીફાદ કંપી ઊઠ્યું.

મલેક અયાઝે ધંતરશાની લીલી ધજા તરફ ધ્રૂજતી આંગળી ચીંધીને ત્રાડ દીધી: “કોણ છે એ ફકીર! હરામજાદાં આ ફકીરાં, સાધુડાં, ભગતડાં – મૌસમી જીવડાંની જેમ જ્યાં ત્યાં ઊભરી નીકળ્યાં છે! ગાંજા સુક્કાના ધુમાડાથી નશીલી ગંધ પ્રસરાવી રહ્યા છે… પ્રજાના હીરને અંધશ્રદ્ધાના એના કુંડામાં પલાળીને નીચોવી રહ્યા છે!! જોઈ લેવા છે મારે…!”

“હજૂર!” ગામના ડાહ્યા, સમજુ આગેવાનો સમતાથી, નમ્રતાથી ધંતરશાની વકીલાત કરી રહ્યા “ખૂબ ગરીબ છે. ધંતરશા.”

“એમ! ગરીબ છે? રોજી રોટી કમાઈને ખાય છે” “નહીં. નામદાર! એને રોટી અમારું ગામ આપે છે” “એનો ક્યો હક્ક છે તમારા ઉપર?” “અમારા ગામના પાદરમાં સારું કામ કરે છે. ખુદાની બંદગી કરે છે. હજુર!” “એની દુઆથી ગામનાં દુઃખ-દર્દ હળવાં બને છે, નામદાર!” “તો-તો મોટો ચમત્કારી, કાં?” “અમને શી ખબર હજૂર! આને ચમત્કાર કહેવો કે નહીં? પણ અમારી દુઃખની વેળામાં અમારું એ આશ્વાસન છે. બદલામાં એ કશું લેતા નથી. માંગતા નથી. ક્યાંય જતા નથી.”

અને આમ હિન્દુઓએ જ્યારે એક મુસ્લિમનો પક્ષ લીધો ત્યારે મલેક અયાઝની પિત્તો ઉછળ્યો. એક મુસ્લિમ બચ્ચો આટલો બધો હિન્દુપ્રેમી? કાફર નહીં તો શું?

“જાફર!” અયાઝે પોતાના રખેવાળને હુકમ કર્યો: “આ ગામના એ ધંતરશા પીરને સંદેશો આપી આવો કે ગુજરાતની સુબો આજની રાત તમારા માટે જ આ ગામમાં રોકાવાના છે. તમારા મંતર-તંતર ઈલમ જે કાંઈ હોય એ સવારે સૂબા આગળ રજૂ કરવા આવજો. સૂબાને ચમત્કાર દેખાડવી પડશે. માટે તૈયારી કરીને આવજો અને તમારા સેવક ચાહકને ભલામણ કરતા આવજો કે ચમત્કાર નહીં બને તો તમારી ખાલ ઉતારીને અમારા શાહી ઘોડેલા ‘જીન’ ઉપર મઢવામાં આવશે. જાઓ…” “અને માણસ થોડાં ડગલાં ચાલ્યો ત્યારે વળી ઉમેર્યું અને ઘંતરશાને એ પણ કહેજો કે એના ઢોંગ ધતૂર જોવા માટે મલેક અયાઝ ત્યાં નહીં આવે. ઘંતરશાએ અહીં જ, તંબુમાં, આગળ એનો ચમત્કાર દેખાડવો પડશે અને પછી ચામડી વગરના એના હાડકાને દાટવા માટેની જોગવાઈ પણ અહીં જ થાશે!”

દરગાહની નાનકડી કોટડી પાસે ઊભા રહીને સૂબાના માણસે ચેતવણી સંભળાવી ત્યારે ધંતરશાએ નમ્રતાથી હાથ જોડ્યા: “ભાઈ! હું તો ગરીબ સૈયદ છું. મારી પાસે ખુદાના નામ સિવાય કશુંય નથી. સબર કરો…” “કાલ સવારે તને ભાન થશે ફકીરા કે ઢોંગ કરનાર, હિન્દુઓ સાથે હળીમળી જનાર, એવા ધંતરશાની ચામડી બાદશાહના ઘોડાના સામાનનો શણગાર બનશે અને…”

“અને બીજું શું” ધંતરશાએ એની કરુણાભરી આંખો આ કાસદ સામે માંડી “બોલો, બીજું શું” “સાંભળવું છે?” કાસદ હસ્યો, “સંભળાવો. તમારી પાસે સત્તા, ગર્વ, મદ-શું નથી!” “મિયાં! જો હું કાચો પોચો હો, ઢોંગી ધતૂરી હો તો રાતવઢો, આ હિન્દુઓ વચ્ચેથી ભાગી નીકળજે. નકર સવારે તારી કઠણાઈ બેસી ગઈ માનજે.”

“શા માટે ભાગું? મારી સાથે મારો ખુદા છે, જે લાખો માલિકોનો માલિક છે. મારી ફીકર આપ ન કરશો, ભાઈ!” કાસદ ગયો…

રાત્રે સુબાની છાવણીમાં ઝોકાર મશાલો સળગી. શાહી ખાણાં તૈયાર થયાં. સુરાહીઓ ખણખણી. નાચગાન આરંભાયાં અને નાનકડું આખું ગામ સવારના ઉતરનારા કોપની કલ્પનાએ કંપતું-કંપતું નિદ્રાધીન થયું.

“માલિક” માઝમ રાતના એકાંતમાં, ભીની પાંપણોમાં પડદા ઉઘાડીને ગેબના ચાકળા સામે તાકતા ધંતરશાએ અંતરની આરઝ કીધી…” તારા નામ જો કોઈ પણ ઢોંગ ધતિંગ કર્યાં હોય તો મારી બૂરી કરજે અને જો જીવતાં-જીવતાં તારી બંદગી અને પરમાર્થ કર્યા હોય તો તું મારા સતનો છાબડે આવીને બેસજે… આવતી કાલની ઊગતી સવાર તારી કરુણાની છે… માલિક!”

સૂરજ ઊગ્યો અને સુબાએ ઉઘરાણી કરી “હાજર કરો પેલા ધંતરશાને.”

“શું થાશે, બાપુ? વહેલી સવારના છાનામાના થોડા ગામલોકો ધંતરશા પાસે જઈને ફફડતાં હતાં.” “શું થાશે બીજું?” ધંતરશા હસ્યાઃ “જે એણે ઘારી હશે તે… વોહી હોગા, જો મંજુરે ખુદા હોગા.”

“ધંતરશા!” દરગાહની કોટડી પાસે સૂબાના સિપાઈઓનો અવાજ ઉઠ્યો…” “ચલ… જ્યાદા દેર નહીં ચલેગી, સૂબા તેરા ઈંતેજારમેં હૈ…”

“અબી આયા ભાઈ!” ધંતરશા તકિયાના પ્રાંગણામાં આવ્યા અને એકાએક એની બુદ્ધિનો કબજો કોઈ દૈવી તત્ત્વ લઈ લીધો અને સિપાઈઓને કહેવાઈ ગયું. મેં આઊંગા… મેરે સાથીઓં કે સાથ યહી કોટડી પર બેઠકે.”

“ચલો મેરે ભાઈ!” ધંતરશાએ ગામ લોકોને ઉદ્દેશ્યા:” ચલો મેરે અઝીઝ! બેઠ જાવ ઈસ કોટડી પર. ચલ કોટડી!”

ધંતરશાના રેવડી કરવાના મનસુબા કરતા મલેક અયાઝની આંખોમાં એકાએક જાળાં બાઝ્યાં. અંધકાર પ્રકાશની ભર ઠલવ થઈ ઊઠી અને એને ભાસ થયો કે ધંતરશા અને થોડા ગામ લોકો કોટડી પર બેઠા છે અને જડ, નિર્જીવ કોટડી (વરંડી) હાથી વેગે તંબુ તરફ આવી રહી છે.

“માશાલ્લા! યે ક્યા દિખાઈ દેતા હે?” અને મલેક અયાઝ ખૂલ્લા પગે ધંતરશાના પેલા આભાસ સામે દોડ્યો: “ધંતરશા! મુઝે મુઆફ કરો, દુઆ કરી, ઑલિયા! મેરી ગલતી હો ગઈ… મૈંને તુમ્હારા ગુના કિયા.”

“મેરા નહીં, માલિકકા, અયાઝ!” “માંગી, ધંતરશા! ચાહે તે માંગો…!” “હવે તો કાયમી યાદમાં મલેક અયાઝ! મારો ખુદા અમીરી માંગશે. તારી સત્તાના પરીઘમાંથી એક ટૂકડો કાપી લેશે અને લેખ લખાવી લેશે… કબૂલ? “હા કબૂલ… ધંતરશા!” “દેખ!” ધંતરશાએ મોજડી કાઢીને દૂર ફેંકી!” આ મોજડી પડે ત્યાં સુધીની ધરતી આ ધતંરશાની અને આ બીજી….”

ધંતરશાએ એક મોજડી ઉત્તરમાં ફેંકી જ્યાં હાલ લુવારા નામનું ગામ છે અને લુવારા ગામની સીમ સુધી હજારો એકર જમીન સાથે ફીફાદ ગામ ધંતરશાને અર્પણ કર્યાનો તામ્ર લેખ થયો. તે દિવસે ફફાદના હિન્દુઓએ અનેરો ઉત્સવ ઉજવીને ધંતરશાના ધણીપણાં સ્વીકાર્યાં.

આ ઘટનાને અમર રાખતો દુહો છે:

કટક સામે કોટડી ધોડી ઘંતરશા,
હાથી ઘોડા હણહણ્યાં શરણે થયા સૂબા

આ ધંતરશાના વંશજો આઝાદી આવી ત્યાં સુધી ફીફાદ ગામના માલિક હતા. બાદશાહનો અરબી ભાષાનો લેખ હાલમાં પણ આમની પાસે છે. ફીફાદના સૈયદો નેકીટેકીથી હિન્દુઓ સાથે જીવે છે અને પક્ષી પ્રેમી છે. ગુજરાતમાં જેનો પક્ષીપ્રેમ જાણીતો છે, એ ગુલામે શબિર પણ ધંતરશાના વંશના છે અને અજાયબ પક્ષીઓ પાળે છે. હાલ રાજકોટમાં પક્ષીઘર રાખે છે.

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.