એપ્રિલ, ૧૯૯૩ના “શ્રીરામકૃષ્ણ જ્યોત”ના અંકમાં, ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા, લિખિત પુસ્તક ‘ઘડપણ, રોગ અને મૃત્યુ’ પરથી ‘મૃત્યૂપનિષદ’ નામનો એક સમીક્ષા લેખ પ્રકાશિત થયો છે. વાચકો, મિત્રો અને સ્નેહીજનોએ એ લેખને વધાવી લીધો અને લોકોમાં જાગ્રતિ લાવે, લોકો સ્વતંત્ર રીતે તંદુરસ્ત જીવન વિશે વિચારતા થાય એ પ્રકારનો બીજો લેખ આપવા સૂચન કર્યું. કુદરતને કરવું અને મારા હાથમાં, એ જ બે ડૉક્ટર મિત્રો, ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતાનાં બે પુસ્તકો, ‘કૅન્સર – કેટલીક ભ્રમણા, કેટલુંક સત્ય’, અને ‘તબીબી ક્ષેત્રે હિંસા’ આવી પડ્યાં. હૃદયને હચમચાવી મૂકે અને આંખો પરનાં અજ્ઞાનના પડળો દૂર કરે એવી સચોટ વાતો ખૂબ જહેમતપૂર્વક આ બન્ને ડૉક્ટર મિત્રોએ આપણી સમક્ષ મૂકી છે. આ ગજવેલ સત્યને આપણે જેટલું સમજીશું એટલા પ્રમાણમાં સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી શકીશું અને મૃત્યુની ગોદમાં શાંતિથી પોઢી શકીશું.
‘કૅન્સર’ નામના પુસ્તકમાં, મુખપૃષ્ઠ પરની છેલ્લી બાજુએ આ બન્ને ડૉક્ટર મિત્રો ચિંતકની અદાથી કૅન્સર વિશે લખે છે, “મનુષ્યમાં કૅન્સરનું ઉદ્ભવવું એ બ્રહ્માની શક્તિનો આવિર્ભાવ છે. કૅન્સરનું પોષણ પણ સકળ સૃષ્ટિના પાલનહાર વિષ્ણુ જ કરે છે. એટલું જ નહિ, કૅન્સર તો વિષ્ણુની પાલક શક્તિને ય સંપૂર્ણપણે પ્રદર્શિત કરે છે કારણ કે જીવ વિજ્ઞાનની દૃષ્ટિએ કૅન્સર અમર છે. મૃત્યુ નજીક આવી રહ્યું છે એનાં એંધાણ આપનારું કૅન્સર શંકરની વિનાશકારી શક્તિનું ચિહ્ન છે. આમ, કૅન્સર એ મંગલમય ત્રિમૂર્તિનું એક દિવ્ય સ્વરૂપ છે. કૅન્સરનો ઉદ્ભવ કોઈ પાપનું કર્મફળ નથી. રામકૃષ્ણ પરમહંસ અને રમણ મહર્ષિ જેવા સંતો તેમનાં કૅન્સર સહિત હસતા મુખે મૃત્યુને ભેટયા. કૅન્સર એક દયાળુ દર્દ છે. સુદ છે, આપણું જ અંગ છે. કૅન્સર માનને પાત્ર છે. એ પોતાનું રહસ્ય છતું કરવા માટે આપણને સહુને આવકારી રહ્યું છે.” આટલું ઊંડું ચિંતન કોઈ લેખક, કવિ કે મનીષીનું નથી. કલ્પનાના રંગે રંગાયેલું પણ નથી, પરંતુ જીવનની નક્કર વાસ્તવિકતામાંથી ઉત્પન્ન થયેલું ડૉક્ટર મિત્રોનું ‘કૅન્સર દર્શન’ છે. રામકૃષ્ણ પરમહંસ કૅન્સરનું આ દર્શન પામી ગયા અને એમના મુખમાંથી અમૃત વાણી વહેવા લાગી અને કવિ મિત્ર શ્રી મકરંદ દવેએ પોતાના કાવ્ય, ‘પરમહંસનું ગાન’માં ગાયું,
“પરમહંસને કંઠે કૅન્સર દાહક,
પરમહંસને ગળે ગાન આહ્લાદક”
તો રમણ મહર્ષિ તો દેહાતીત અવસ્થામાં જ જીવી ગયા.
કૅન્સર વિશેની અનેક ભ્રમણાઓના ગૂંચવાડામાંથી સામાન્ય માનવીને બહાર કાઢવો એને આ બન્ને ડૉક્ટર મિત્રો પોતાની ફરજ સમજે છે અને તેજાબી ચાબખાઓ અને તાતાં તીર છૂટે છે તબીબી વ્યવસાયમાં પડેલા ડૉક્ટરો તરફ, તીવ્ર આક્રોશ વ્યક્ત થાય છે દવાઓ અને કહેવાતી સારવાર તરફ. લેખકો લખે છે, “સેંકડો વર્ષોના અથાગ પુરુષાર્થ પછી પણ આ રોગની વિનાશકતા ઓછી કરાઈ નથી. એનું અસ્તિત્વ, પ્રસરણ અને નાબૂદી એ ગૂઢ રહસ્યો જ રહ્યાં છે.”
“કૅન્સરની ઉત્પત્તિ બાહ્ય વસ્તુઓને કારણે થાય છે, જો બાહ્ય વસ્તુઓનું કારણ દૂર કરીએ તો કૅન્સર આપમેળે દૂર થાય.” આ માન્યતાને બન્ને ડૉક્ટર મિત્રો હડહડતું જુઠાણું ગણાવે છે, અને કહે છે, “માનવજાતની અજ્ઞાનતાનો લાભ ઉઠાવવાની રમત રમવાની પ્રવૃત્તિ આપણે બંધ કરવી પડશે.” કૅન્સર શાસ્ત્ર હજુય તેના મૂળમાં અજ્ઞાનતાથી સબડે છે. નૉબેલ પારિતોષકિ વિજેતા ડૉક્ટર વૉટસન તેની જલદ ભાષામાં કહે છે, “કૅન્સર વિશેનાં સંશોધનોએ આપણી વૈજ્ઞાનિક નાદારી છતી કરી છે.” કૅન્સર વિશેનાં વૈજ્ઞાનિક સંશોધનો સરવાળે શૂન્ય સાબિત થયાં છે. જો કૅન્સર વિશેનું નિદાન વહેલું થાય તો કૅન્સરના રોગમાંથી મુક્ત થઈ જવાય એ જાતની માન્યતાને પણ લેખક મિત્રો પાયા વિનાની ગણાવે છે. હાર્ડિન જૉન્સ જણાવે છે કે, કૅન્સરની સારવાર કરવામાં આવે તે કરતાં તેની સારવાર ન કરવામાં આવે તો વધુ લાંબુ જીવવાની શક્યતા રહેલી છે.”
દવા એક ફારસ:
કૅન્સર, ઘટ સાથે ઘડાયેલ અને જીવજગતના તાણાવાણામાં વણાયેલું છે. મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષો આદિ કૅન્સરના રોગમાં સપડાતા હોય છે. કૅન્સર ‘બાહ્યજન્ય’ રોગ નથી પણ ‘આંતરજન્ય’ રોગ છે. કૅન્સર માનવ સમુદાયમાં હંમેશાં નિશ્ચિત પ્રમાણમાં થાય છે. જગતભરમાં પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિ કૅન્સરનો ભોગ બને છે. છતાં, કૅન્સર વારસાગત કે કુટુંબગત નથી. ફ્રેઝર રૉબર્ટ કહે છે, “ત્રણ પેઢીમાં કૅન્સર જોવા મળે તો શું થયું? તેથી કાંઈ કૅન્સરને વારસાગત ન કહી શકાય, કારણ કે કૅન્સર સર્વ સામાન્ય છે.” કૅન્સર માટે અનેક પરિબળો કામ કરતાં હોવાથી તેને માટેની કોઈ ચોક્કસ અસરકારક દવા પ્રાપ્ય બની નથી. ‘રેડિયોથૅરાપી અને કૅમોથેરાપી’ને આપણા લેખક મિત્રો ફારસ જ માને છે.
કૅન્સર અને મૃત્યુ:
કૅન્સર જે રીતે શરીરમાં ફેલાય છે એ જોતાં તેને કાબૂમાં લેવાનું અશક્ય બને છે. સામાન્ય રીતે તેના ઉદ્ભવસ્થાન ઉપરાંત ફેફસાં, બરોળ, હાડકાં અને મગજમાં સ્થાન જમાવે છે. “કૅન્સરનો ફેલાવો નિદાનશાસ્ત્રીને છેતરે છે, સર્જનને હતાશ કરે છે અને દર્દીને મૃત્યુ તરફ લઈ જાય છે.”
કૅન્સર થયું છે એવી ખબર પડતાં જ દર્દીના અને કુટુંબીજનોના મોતીયા મરી જાય છે. વિખ્યાત જૅનૅટીસીસ્ટ હાલ્ડેન પોતે કૅન્સરથી મૃત્યુ પામ્યા પણ એ સ્વસ્થતાપૂર્વક કહી શકે છે.
“કૅન્સરથી માનવી મૃત્યુનો ભોગ બને છે ખરો, પરંતુ એમ તો બેદરકારીથી હંકારાતી મોટર ગાડીઓ અને ઊંઘની ગોળીઓ પણ મૃત્યુનું કારણ ક્યાં નથી બનતી?”
કૅન્સરનો સામનો હિંમતપૂર્વક કરવા, ધીરજ અને શાંતિની જરૂર છે. બિનઉપયોગી, હાનિકારક દવાઓમાંથી તો ડૉક્ટર મિત્રો જ દર્દીને બહાર કાઢી શકે.
કૅન્સર વિષેની અન્ય માહિતી:
૧. કૅન્સર એ સમગ્ર શરી૨નો રોગ છે, અને ગાંઠ રૂપે દેખાડે છે.
૨. નિદાન થવાની કક્ષાએ પહોંચે ત્યારે તો એ એકથી વધુ જગ્યાએ પ્રસરી ગયું હોય છે.
૩. ‘ગાંઠ દેખાઈ’ એટલે ‘કૅન્સરનું નિદાન થયું’ એમ કહેવું એ નિદાનની નિષ્ફળતા છતી કરવા બરાબર છે, કારણ કે જે ગાંઠ દેખાય છે તે તો સાગર – શરીરમાં છુપાયેલી કૅન્સરની હિમશિલાનો માત્ર ટોચનો જ ભાગ છે.
૪. કૅન્સરમાં, ‘જેમ સારવાર લેવામાં વિલંબ વધુ તેમ મૃત્યુ મોડું’ એવો કુતૂહલપ્રેરક વિરોધાભાસ આશ્ચર્યજનક છે.
૫. સંપૂર્ણ આધુનિક સાધનો ઉપલબ્ધ હોવા છતાં નિદાનની બાબતમાં પરિસ્થિતિ ધૂંધળી છે. છતાં કૅન્સરની કાળજી લેવી અનિવાર્ય બને છે. સઘરલેન્ડે ટિપ્પણી કરતાં કહ્યું છે, “‘કોઈ પણ વ્યક્તિ પર ઈલાજની કેટલે અંશે અસર થશે તે કહેવું મુશ્કેલ છે.’”
ઘણીવાર એવું બને છે કે, જ્યાં સુધી કૅન્સરનું નિદાન ન થયું હોય અને દર્દીને સારવાર આપવાની શરૂઆત ન થઈ હોય ત્યાં સુધી વ્યક્તિ મોજથી જીવે છે. પણ જે ઘડીએ કૅન્સરનું નિદાન થયું અને સારવાર શરૂ થઈ કે તરત જ દર્દી જીવનનો આનંદ ખોઈ બેસે છે, ગુમસુમ બની જાય છે અને પરેશાન થતો મોતને ભેટે છે.
કૅન્સર ખર્ચ પર કરકસર:
કૅન્સર પર કેટલો, ક્યારે અને કેવી રીતે ખર્ચ ક૨વો એ સૌએ જાણી લેવું જરૂરી બને છે. મુંબઈના એક નિષ્ણાત સર્જન ડૉ. મુન્સીફને ટાંકતાં આપણા ડૉક્ટર મિત્રો જણાવે છે. “સારો સર્જન એને કહેવાય જે જાણે છે કે ક્યારે શસ્ત્રક્રિયા ન કરવી જોઈએ. આજે ડૉક્ટરોએ, દર્દીઓએ અને સગાંવહાલાંઓએ કંઈ પણ શીખવાનું હોય તો એ છે કે ક્યારે કંઈ જ ન ક૨વામાં વધુ ડહાપણ રહેલું છે એવી સમજ હોવી.” કંઈ જ ન કરવું એટલે નિષ્ક્રિય રહેવું એ પણ સારવારનો એક ભાગ જ બની જાય છે. ધનપ્રાપ્તિના હેતુથી, બિનજરૂરી શસ્ત્રક્રિયાઓ થતી જોઈને બર્નાર્ડ શૉ જેવી વ્યક્તિ સર્જનો પ્રત્યેનો પોતાનો રોષ પ્રગટ કરે છે, “ઓ શસ્ત્રક્રિયાન નિષ્ણાતો, તમારો પોતાનો રોગ તો મટાડો” બર્નાર્ડ શૉની સાથે આપણને પણ સૂર મેળવવાનું મન થાય અને આપણો ‘માંયલો’ પણ બોલી ઊઠે, “ડૉક્ટરો, તમારા કુટુંબીજનોમાંથી કોઈને કૅન્સર થાય તો તમે કેવા પ્રકારની સારવાર અપાવો? તમને પોતાને કૅન્સર થાય તો તમે તરત જ શસ્ત્રક્રિયા કરાવો કે કેમ?’”
‘કૅન્સર’ પુસ્તકના ડૉ. લેખક મિત્રોનાં પોતાનાં કુટુંબીજનોમાંથી જેમને કૅન્સરનો વ્યાધિ લાગુ પડ્યો એમને આ બન્ને મિત્રોએ ઓછામાં ઓછી, લગભગ નહિવત દવાઓ આપી. શસ્ત્રક્રિયાઓથી તો દૂર જ રાખ્યાં, સેક અપાવવાની તો વાત જ નહિ, જેને સઘન સારવાર કહીએ એવી સારવાર તો ન જ કરાવી. પરિણામે ઓછી તકલીફે એ દર્દીઓ શાંતિથી જીવ્યાં અને મૃત્યુ પામ્યાં.
પુસ્તકમાં કોઈ જગ્યાએ તેજાબી ચાબખાઓ છે તો કોઈ જગ્યાએ આકરા કટાક્ષો છે તો વળી એ ચાબખાઓ અને કટાક્ષો વિનોદનું સ્વરૂપ પણ ધારણ કરે છે: “દર્દી ડૉક્ટર પાસે જાય છે કારણ કે ડૉક્ટરને જીવવું છે, ડૉક્ટર દવાઓ લખી દે છે કારણ કે દવાના વેપારીને જીવવું છે અને દર્દી એ દવાને ગટરમાં પધરાવે છે કારણ કે દર્દીને જીવવું છે.”
છવ્વીસ પ્રકરણમાં લખાયેલું આ પુસ્તક સૌ વાંચે, વિચારે, સમજે અને સૌને સમજાવે તો સૌનું ભલું થાય, સૌને શાંતિ મળે.
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા:।
Your Content Goes Here