(બ્રહ્મલીન શ્રીમદ્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.)

જે લોકો દાર્શનિક વિચાર દૃષ્ટિવાળા છે, જે લોકો પોતાને શિષ્ટ અને સુધરેલા માને છે, જે લોકો બૌદ્ધિકતાને આશરે જ કાર્ય કરવા માંગતા હોય છે, તેવા લોકો પ્રાર્થનાની અસરકારકતા અને એની જરૂરિયાતમાં બહુ માનતા નથી. આવા લોકો એમ કહે છે કે “માણસના પોતાના પ્રયત્નો જ પૂરતા છે. તમે જેનો અનુભવ નથી કર્યો અને જે માટેની કોઈ સાબિતી તમે આપી શકો એમ નથી એના ઉપર તમારે શા માટે આધાર રાખવો જોઈએ? તમારા પોતાના પ્રયત્નો ઉપર જ, તમારી વિવેકશક્તિ ઉપર જ તમારે આધાર રાખવો બહેતર છે. તમારી બુદ્ધિને કેળવો, અભ્યાસ કરો અને તમારી જાતે વિચાર કરો અને પછી જ પ્રવૃત્તિ કરો. ખરી રીતે તો એ જ અક્કલવાળું ગણાય. આ વિચારો ખૂબ તર્કસંગત લાગે છે. સુંદર પણ લાગે છે, પરંતુ આપણે માત્ર તર્કથી જ જીવન જીવતા નથી. ઘણો બૌદ્ધિક પરિશ્રમ કર્યો પછી આપણને ખબર પડે છે કે આપણી બુદ્ધિ હંમેશાં આપણી મદદે આવતી નથી. આપણે ઘણીવાર એવી પરિસ્થિતિમાં મૂકાઈ જઈએ છીએ જ્યારે આપણી શક્તિઓ આપણને અપર્યાપ્ત જણાય છે. તે પણ એટલી હદે, કે ખરેખર, સાચું શું છે તેની પણ આપણને ખબર પડતી નથી. આપણને કોઈ રસ્તો જડતો હોતો નથી.

અબ્રાહમ લિંકને કહ્યું છે, “મારી મૂંઝવણમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ રહ્યો જ નથી એવી અતિશય દૃઢ પ્રતીતિ જ્યારે મને થતી ત્યારે ઘણીવાર મારે ઘૂંટણ ઉપર માથું ટેકવીને બેસી જવું પડતું. મારું પોતાનું તથા મારી સાથે સંબંધ ધરાવતું બધું ડહાપણ પણ મને તે દિવસ પૂરતું નો અપર્યાપ્ત લાગ્યું.” મને લાગે છે કે તેઓ પોતાની સામે આવેલી અત્યંત વિકટ સમસ્યાઓનો ઉકેલ પોતે કાઢી શકતા નહિ હોય ત્યારે રીતસર તેઓ પોતાના ખાનગી ઓરડામાં જઈને પ્રાર્થના કરતા હશે.

બર્ટ્રાન્ડ રસેલ કે જેઓ એક સમર્થ વિચારક હતા અને આધુનિક તર્કસંગત વિચારસરણીના પ્રતિનિધિરૂપ હતા તેમણે પણ “એક મુક્ત માણસની પૂજા” નામના તેમના ખૂબ સુંદર નિબંધમાં પણ એમ કહ્યું છે કે “આપણે આપણી નાની ઉંમરમાં એમ માનતા હોઈએ છીએ કે આપણે બધુંજ કરી શકવા સમર્થ છીએ; પરંતુ અનુભવે આપણને સમજાય છે કે પ્રત્યેક વસ્તુની પ્રાપ્તિ હંમેશાં શક્ય હોતી નથી. મૃત્યુના, રોગના તથા ગરીબાઈના અનુભવો ઉપરથી આપણને ખબર પડે છે કે આ જગતનું નિર્માણ આપણા માટે થયું નથી, માત્ર તમારા મનોરંજન માટે પણ ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું નથી. બીજી વસ્તુઓ માટે પણ તે છે. તો પછી ઉપાય શો? મુક્ત માણસ માટે ક્યો ઉપાય છે? પૂજા માટે મુક્ત માણસ પાસે ક્યો ઉપાય છે?” આ વાત એમણે ખૂબ નિખાલસતાથી કહી છે. એમનું આ કથન મને ગમે છે. એમણે કહ્યું છે, “જ્યારે દુર્ભાગ્ય આવી પહોંચે અને આશાઓના ચૂરેચૂરા થઈ જાય ત્યારે લેશમાત્ર પણ ખિન્ન થયા વગર એને સહન કરી લેવું અને નિરાશાના વિચારોને આપણા મનમાંથી હાંકી કાઢવા એમાં બહાદુરીનો અંશ છે.” હવે એ થાય કેવી રીતે! એનો ઉપાય પણ એમણે બતાવ્યો છે. “ઈશ્વરી સત્તાને શરણે જાઓ, પ્રારબ્ધ સામે સમર્પણ કરી દો.” આમ તો આ વાત બહુ સુંદર લાગે છે, પરંતુ ખરેખર થાય છે શું લેશમાત્ર ખિન્ન થયા સિવાય, આવી પડેલા દુર્ભાગ્યને સહી લેવું અને બિલકુલ નિરાશ થવું નહિ, એ માટેની હિંમત કેવી રીતે મેળવવી? એવી હિંમત

આપણને શેમાંથી મળે? આ જ ખરેખરી સમસ્યા છે. એઓ કહે છે, “ઈશ્વરી સત્તાને શરણે જાઓ.” ઈશ્વરી સત્તાનો માત્ર એ ‘સ’ કંઈ આ સમસ્યાને હલ કરવાનો નથી. સમસ્યાનો ઉકેલ એમણે ખૂબ સરળ કરી દીધો છે. ઈશ્વરી સત્તાને શરણે જવાનું અને નિરાશાને ખંખેરી નાખવાની. એ કેવી રીતે બને? પ્રારબ્ધને શરણે જવાનું અને નિરાશાને ખંખેરી નાખવાની એ પણ કેવી રીતે બને? એમ કરવાનું શક્ય નથી. જ્યારે કોઈ સમસ્યા તમારી સમક્ષ આવી પડે અને એના ઉકેલ માટે કોઈપણ પ્રકારનો રસ્તો તમને સૂઝે નહિ ત્યારે તમારી પાસે પ્રાર્થના કરવા સિવાયનો બીજો કોઈ ઉપાય રહેતો નથી. જાણતાં કે અજાણતાં દરેક માણસ પ્રાર્થના કરતો જ હોય છે. ભક્ત અથવા અવ્યક્ત વિચારો દ્વારા બધા જ માણસો પ્રાર્થના કરતા જ હોય છે. એ પ્રાર્થના પછી ઈશ્વરની હોય કે કોઈ માનવીની હોય. જ્યારે કોઈ ગંભીર રોગ થયો હોય, ત્યારે તમે નિ:સહાય પરિસ્થિતિમાં ડૉક્ટર પાસે દોડી જાઓ છો. મેં એક કિસ્સો નજરે નિહાળ્યો છે. જેમાં એક વાલી, બનતાં સુધી એક દાદીમા પોતે દવાખાનાના સુપ્રીટેન્ડન્ટના પગ પકડીને એને કાકલૂદીભરી વિનંતી કરે છે કે “એને બચાવો, તમે એને માત્ર બચાવી લો.” આ કિસ્સામાં તમે જોશો કે એ કદાચ બુદ્ધિજીવી વ્યક્તિ હતી એટલે એણે ઈશ્વરને પ્રાર્થના કરી નહિ. પરંતુ ઈશ્વરના અંશ સમાન, ઈશ્વરના પ્રતિનિધિરૂપ એવા જે ડૉક્ટર હતા, તેવી માનવીય વ્યક્તિને પ્રાર્થના કરવાનું તેને માટે ફરજિયાત થઈ પડ્યું. તમે જ્યારે કોઈ ફોજદારી ગુન્હામાં, કાયદાની ચુંગાલમાં સપડાઈ જાઓ ત્યારે પણ આમ જ બને છે.

તમે વકીલની પાસે જાણે કે ઘૂંટણ ટેકતા જાઓ છો અને એની મદદ માટે વિનવો છો, કે, “હે મારા ભગવાન તમે મને બચાવી લો.” આ બધી અનુભવજન્ય હકીકતો છે એનો કોઈ અસ્વીકાર કરી શકશે નહીં. તમારે જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે તમે શ્રીમંત માણસને ત્યાં જાઓ છો અને એની પાસેથી કાં તો પૈસાની ભીખ માગો છો અથવા તો ઉછીના લો છો. આ પણ પ્રાર્થનાના જ પ્રકારો છે. હું એ કહેવા માગું છું કે આ બધું એમ દર્શાવે છે કે આપણી બધી શક્તિઓ જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે આપણા પોતાનાથી બહારની વ્યક્તિ પાસેથી મદદની અપેક્ષા રાખીએ છીએ અને સદ્ભાગ્યે કે કમનસીબે, આપણા જીવનમાં આગળ ને આગળ વધતાં-વધતાં આપણને જેમ-જેમ પૂરતા અનુભવો થતા જાય છે તેમ-તેમ આપણને ખબર પડતી જાય છે કે આપણી શક્તિઓ ખૂબ મર્યાદિત છે; અને આપણે સર્વશક્તિમાન નથી. જીવનમાં નિરાશાઓ તો આવ્યા જ કરવાની અને આપણી આશાઓ ભાંગીને ભૂક્કો પણ થવાની. તમને ગભરાવવા માટે આ નથી કહેતો પરંતુ આ વાસ્તવિક વાત છે; અને આપણા જીવનની પ્રત્યક્ષ હકીકત છે. આપણે જ્યારે આપણા પોતાના જ પ્રયાસો ઉપર આધાર રાખીએ છીએ ત્યારે શું બને છે? બીજી રીતે કહીએ તો જ્યારે આપણા અહમ્ ઉપર જ આધાર રાખીએ છીએ ત્યારે શું થાય છે? ગમે ત્યારે પણ ઊભા થએલા કોઈ સંજોગો દ્વારા તમારા અહમને ધક્કો લાગવાનો જ છે. જ્યારે આપણા અહમ્ને ધક્કો લાગે છે ત્યારે સહારો આપે એવું કશું જ હોતું નથી. આ પરિસ્થિતિ છે. આથી કોઈ પણ માણસ એમ નહિ કહી શકે કે “હું પ્રાર્થના નહિ કરું. ખરી વાત એમ છે કે પ્રાર્થના કોને કરવાની છે એ બાબત તમને ખબર નથી અને તમે વ્યવસ્થિત રીતે પણ પ્રાર્થના કરતા નથી. પરંતુ જ્યારે-જ્યારે જરૂર પડે છે ત્યારે અને એ ઉપરાંત જ્યારે કોઈ કટોકટીભરી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે ત્યારે અજાણતાં પણ આપણે ખૂબ હૃદયથી અંતરમાં ઇચ્છા રાખીએ છીએ કે આપણને કોઈની મદદ મળી જાય. જો આપણે સાચી દિશામાં અને યોગ્ય વ્યક્તિને ઉદ્દેશીને તથા પદ્ધતિસર આર્દ્ર હૃદયથી કોઈ માગણી કરીએ એ જ આપણી પ્રાર્થના બને છે.

બૌદ્ધધર્મ વિશે વાત કરતાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “જ્યાં સુધી આ પૃથ્વી ઉપર મૃત્યુનું અસ્તિત્વ હશે, જ્યાં સુધી માનવસહજ નબળાઈઓ જીવિત હશે, જ્યાં સુધી રોગોનું સામ્રાજય હશે, જ્યાં સુધી માણસ પોતાની નિ:સહાય અવસ્થાનો અનુભવ કરતો હશે, ત્યાં સુધી માણસ બીજા કોઈની મદદ માગતો જ રહેશે.” જાણ્યે અજાણ્યે પણ માણસ એમ જ કરતો રહેશે.

પ્રત્યેક ધર્મ પ્રાર્થનાની વાત કરે છે; અને દ્વૈતવાદીઓ તો એની વધારે વાત કરે છે. મૂળમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મે ઈશ્વરની વાત કરી નહોતી; પ્રાર્થનાની વાત કરી નહોતી. બુદ્ધ ભગવાન હંમેશાં સ્વ-પ્રયત્નની જ વાત કરતા હતા. એમને માટે તો એ શક્ય હતું. એ પોતે દૃઢનિશ્ચયી હતા; એમનું મનોબળ પ્રબળ હતું. જ્યારે એઓ ધ્યાનસ્થ અવસ્થામાં હતા અને મારાએ એમના ઉપર હુમલો કર્યો અથવા તો માનસશાસ્ત્રીઓ કહે છે તેમ જ્યારે અર્ધજાગૃત મનના વિચારોએ એમને ઘેરી લીધા ત્યારે એમણે કહેલું, “હું આ સ્થાન છોડવાનો નથી. મારા શરીરનું ભલે કણકણમાં રૂપાંતર થઈ જાય, મારાં હાડકાં અને માંસ ભલે સૂકાઈ જાય, પરંતુ જ્યાં સુધી મને આત્મબોધ નહિં થાય ત્યાં સુધી હું આ જગ્યા છોડવાનો નથી. તારાઓ અને ગ્રહો ભલે એની ભ્રમણ કક્ષામાંથી છૂટા પડી જાય; સમુદ્રોનાં નીર ભલે સૂકાઈ જાય; બધાંજ માનવીઓના મન હૃદય ભલે એકરૂપ બની જાય; અશક્ય વસ્તુઓ ભલે શક્ય બને, પરંતુ જ્યાં સુધી મને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે નહિં ત્યાં સુધી હું આ જગ્યા છોડી દઉં એ શક્ય નથી.” એ હતા દૃઢનિશ્ચયી ભગવાન બુદ્ધ અને એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું.

બુદ્ધ ભગવાન સ્વ-પ્રયત્ન ઉપર ખૂબ ભાર આપતા હતા. ઈશ્વર વિશે એમણે વાતો નહોતી કરી; ઈશ્વરની પ્રાર્થના કરવાની વાતો એમણે નહોતી કરી. નૈતિક જીવન જીવવાની અર્થાત્ આજીવિકા માટે યોગ્ય સાધનની, યોગ્ય વર્તનની, યોગ્ય કાર્યની, યોગ્ય વાણીની, વગેરે-વગેરેની વાતો એમણે કરી હતી. ધ્યાન ધરો અને પોતાની જાતનું મનોવિશ્લેષણ કરો તો તમને સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. વિપરીતતા તો એ છે કે એમના સીધેસીધા અનુયાયી ઓએ બુદ્ધ ભગવાનની પ્રાર્થના કરવા માંડી. મેં એક વખત આમ વાંચ્યું ત્યારે મને હસવું આવ્યું. આ વાત એમની ત્રીજી અથવા ચોથી પેઢીના અનુયાયીની વાત નથી. એની વાત હોય તો તો આવું સરળતાપૂર્વક બની શકે એમ હું માનત. પરંતુ આ વાત તો એમના સીધેસીધા અનુયાયીની છે. જેમ આપણને બધાને આપણું મન સતાવે છે તે જ પ્રમાણે એમના એક સીધેસીધા અનુયાયીને ધ્યાન વખતે એમનું મન સતાવતું હતું. એમને જ્યારે પરિસ્થિતિ નિ:સહાય લાગી ત્યારે એમણે બુદ્ધ ભગવાનની પ્રાર્થના કરવા માંડી. મેં સાંભળ્યું છે તે મુજબ સામ્યવાદી રશિયામાં ઈશ્વરને હાંકી કાઢવામાં આવ્યા હતા અને એની જગ્યાએ સ્ટૅલીનને મૂકવામાં આવ્યા હતા. એ લોકો કહેતા “ઈશ્વરની પૂજા ના કરો, પરંતુ સ્ટૅલીનની પૂજા કરો; અથવા લેનિનની પૂજા કરો,” વગેરે-વગેરે. એક વાત તો નક્કી જ કે કોઈ પ્રતિનિધિની જરૂર તો પડી જ. વૉલ્ટેરે કહ્યું છે, “જો ઈશ્વરનું અસ્તિત્વ જ ના હોત તો એમની શોધ કરવી પડત. ઈશ્વરની આટલી મોટી આવશ્યકતા છે. વ્યવહારદક્ષ હોવાથી આપણે ઈશ્વરનો અસ્વીકાર ભલે કરીએ. પરંતુ આ કે તે વ્યક્તિ આપણો ઈશ્વર બને છે. આપણા શારીરિક બંધારણ સાથે સુસંગત હોય એવી એ એક આવશ્યકતા છે. આપણને એના સિવાય ચાલે એમ નથી. જ્યાં સુધી માનવસહજ નબળાઈઓ છે, જ્યાં સુધી અસાધ્ય રોગોનું અસ્તિત્વ છે, જ્યાં સુધી મૃત્યુનું અસ્તિત્વ છે, અને આ બધાંમાંથી આપણે છટકી જઈ શકીએ નહિ એવી કઠોર હકીકતો છે ત્યાં સુધી આપણને ઈશ્વરની જરૂરિયાત તો રહેવાની જ છે. જેમ-જેમ આપણને આ બધા અનુભવો થતા જાય છે તેમ-તેમ એ સત્ય આપણને સમજાવા માંડે છે.

પહેલો પ્રશ્ન આપણે એ પૂછી શકીએ કે ક્યા પ્રકારના ઈશ્વરની આપણે પ્રાર્થના કરવી? આપણા હ્રદયમાં અજાગૃત પ્રાર્થના હરહંમેશ ચાલ્યા જ કરતી હોય છે. કારણ કે ક્ષણે-ક્ષણે આપણને કશીક ઇચ્છાની ભાવના થયા જ કરતી હોય છે. જાગૃત અવસ્થામાં અથવા તો અજાગૃત અવસ્થામાં આપણને આ કે તે વસ્તુની ઇચ્છા થયા જ કરતી હોય છે; આ બધી તીવ્ર ઇચ્છાઓ ત્યાં પડેલી જ હોય છે. કેટલીકનો આપણે પોતે ઉપાય કરી શકીએ છીએ, કેટલીકનો નહિ. આથી જણાશે કે આપણા હૃદયમાં અજાગૃત પ્રાર્થના સતત ઊભી થયા જ કરતી હોય છે. પરંતુ એ પ્રાર્થનાઓ કોને ઉદ્દેશીને કરવામાં આવે છે? અથવા તો કોને ઉદ્દેશીને એ પ્રાર્થનાઓ કરવી જોઈએ? જો તમે ધર્મોનો ઇતિહાસ વાંચશો તો તમે ગૌરવથી કહી શકશો કે પ્રાચીન ધર્મોમાં એવી વાતો આવે છે કે જંગલી લોકો પ્રેતાત્માઓની પૂજા કરતા હતા, કુદરતી શક્તિઓમાં દૈવત્વનું આરોપણ કરીને તેમની પૂજા કરતા હતા અને એવી-એવી પૂજાઓ કરતા હતા, તેમની પ્રાર્થનાઓ કરતા હતા. પરંતુ હકીકત તો એ રહે જ છે કે જે માનવશક્તિ નથી એવી કશીક શક્તિની પ્રાર્થના કરતા હતા. જે માનવસત્તાની પેલે પાર છે એવી કોઈ સત્તાની પ્રાર્થના કરતા હતા. એ બધા તો જૂનવાણી ઢબના લોકો હતા એમ કહીને આપણે આ બાબતને અવગણી શકીશું નહિ, એને એક તરફ હડસેલી દઈ શકીએ નહિ. એમની સંસ્કૃતિની તે સમયની અવસ્થા પ્રમાણે, એમની વૈચારિક કક્ષા પ્રમાણે એઓ બધા કોઈ પ્રેતાત્માની પ્રાર્થના કરતા હતા. આપણે એમ પણ કહીએ કે તેઓ કોઈ મૃતાત્માની અથવા કોઈ પ્રેતાત્માની અથવા તો કુદરતની કોઈ શક્તિની પ્રાર્થના કરતા હતા. એનો અર્થ એવો ના કરી શકીએ કે એમની પ્રાર્થનાઓ કોઈ નિરાશાઓમાંથી ઉદ્ભવી નહોતી અથવા તો એમ પણ નહિ કહી શકાય કે એ પ્રાર્થનાઓમાં સચ્ચાઈનો અંશ નહોતો. એ પ્રમાણે માનવાની જરૂર નથી. કારણ કે દાર્શનિક સંકલ્પનાના આધુનિક આદર્શ મુજબ એમ કહેવામાં આવે છે કે ઈશ્વર શું છે એની સંપૂર્ણ કલ્પના દરેક માણસને હોય જ એવું અવશ્ય બનતું નથી. આપણને એની સંપૂર્ણ કલ્પના ભલે ન હોય પરંતુ જ્યારે આપણે હૃદયની સચ્ચાઈથી પ્રાર્થના કરીએ અને ઉપરાંત આપણી પ્રાર્થના વિશુદ્ધ અને નિખાલસ હોય તો એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર સાંપડવાની સંભાવના છે.

બર્ટ્રાન્ડ રસેલ પ્રારબ્ધને અથવા તો ઈશ્વરી સત્તાને શરણે જવાની જે વાત કરે છે એની પાછળ આધાર છે. એ એમ કહે છે કે ઈશ્વરી સત્તાને શરણે જાઓ. જૂનવાણી ઢબના લોકો જેને તેઓ પ્રેતાત્મા અથવા તો કુદરતી શક્તિઓ કહેતા એવી ઈશ્વરી સત્તાને શરણે જતા. આમાં શું ફેર પડે છે? જ્યારે પણ કોઈ હોય ત્યારે એને રાહત મળવી જોઈએ, શાંતિ પ્રાપ્ત થવી જોઈએ. ઈશ્વરની સાચી પરિકલ્પનાની કોઈનેય ખબર નથી. જ્યાં સુધી સાક્ષાત્કાર થાય નહિ ત્યાં સુધી કોઈપણ માણસ જાણી શકે નહિ કે ઈશ્વર શું છે? એટલે આપણે કોની પ્રાર્થના કરવી જોઈએ એ પ્રશ્ન રહેતો નથી. કારણ કે વિકાસ માટેના વિવિધ તબક્કાઓ છે અને જૂનવાણી ઢબના લોકોનો ધર્મ એમની પ્રાચીન કક્ષાને અનુરૂપ હોય એવો હોઈ શકે.

જે માણસ ખૂબ વિદ્વાન હતા અને પ્રાર્થના વિશે ટીકા કરવામાં નિપુણ હતા તેમને શ્રીરામકૃષ્ણે કહ્યું: “તમે બીજાઓની ટીકા શા માટે કરો છો? શું ઈશ્વર બધું જ જોતા નથી? બધું જ જાણતા નથી? તમે તો પ્રાર્થના કરો. તમને ઈશ્વર વિશેની સાચી પરિકલ્પના નહિ હોય તો ઈશ્વર તો તમારી પ્રાર્થના સાંભળશે જ. તમે પ્રાર્થના કરો અને ઈશ્વરને કહો: “હે ભગવાન! હું આપને જાણતો નથી, આપના મૂળ સ્વરૂપને હું જાણતો નથી, પરંતુ હું આપની પ્રાર્થના કરું છું. આપની મૂળ સ્વરૂપની અવસ્થા છે. ત્યાં મારી પ્રાર્થના પહોંચે એમ કરો. આપનું મૂળ સ્વરૂપ શું છે એનું મને જ્ઞાન નથી. પરંતુ આપ જે કોઈ પણ હો તે, મારી પ્રાર્થના આપ સુધી પહોંચો.” આ જ ખરી મહત્ત્વની બાબત છે. કોની પ્રાર્થના કરવી એની સ્પષ્ટ પણે ખબર ના હોય તો પણ જો માણસ પ્રાર્થના કરે તો જેવા છે એવા ઈશ્વરને એ જ્યાં હોય ત્યાં એ પ્રાર્થના અવશ્ય પહોંચી જાય છે. શ્રીરામકૃષ્ણ કહેતા, “ધારો કે પ્રાર્થના કેવી રીતે કરવી એનું જ્ઞાન માણસને નથી; પરંતુ ઈશ્વર એની પાસે આવશે અને એને શીખવો કે પ્રાર્થના કેવી રીતે કરવી. ધારો કે તમારે જગન્નાથપુરીની યાત્રા કરવી છે. પરંતુ તમે તો ખોટા માર્ગ ઉપર જતા રહ્યા છો. જો યાત્રા માટેનો તમારો દૃઢ નિશ્ચય હશે અને યાત્રા કરવાની તમારામાં ઉત્કટ ભાવના હશે તો તમારી પાસે કોઈ આવશે અને સાથે રસ્તે જવા માટે તમને મદદ કરશે. બહુ અનોખી ઢબે ઈશ્વર તમારી પાસે આવે છે અને એ જ પ્રમાણે બન્યા કરતું હોય છે. તો પછી એ અંગે તમે ઝઘડો શા માટે કરો છો?”

આપણે કોની પ્રાર્થના કરવી? આધુનિક માનસ ધરાવતા લોકોને એમના પોતાના અભિપ્રાયો હશે. પરંતુ ધર્મોનો ઇતિહાસ બતાવે છે કે આ માટે વિવિધ પ્રક્રિયાઓ છે. કેટલાક લોકો ધરતીકંપ નિહાળશે અને વિચારશે કે ધરતીકંપોના કોઈક દેવ છે. એ જ પ્રમાણે એ લોકો વિચારશે કે વંટોળિયાનો દેવ છે, વાવાઝોડાંનો દેવ છે, વર્ષાનો દેવ છે, વગેરે-વગેરે અને એ લોકો આ દેવોની પ્રાર્થના કરશે. ત્યાર પછી એમને જ્યારે ભાન થશે કે આ બધા દેવોની પાછળ એકજ સત્તા કામ કરી રહી છે ત્યારે એ લોકો એ સત્તાની પ્રાર્થના કરશે અને એ દેવ એ ન્યાયનો દેવ હોઈ શકે, અથવા તો સંરક્ષણનો દેવ હોઈ શકે. પ્રત્યેક જનજાતિના તથા દરેક પ્રકારના લોકો એમ કહેશે કે, એ દેવ આપણું રક્ષણ કરશે અને બીજા કોઈપણ આપણને ઈજા પહોંચાડે નહિ એનો પણ ખ્યાલ રાખશે. પરંતુ તમે એમ ના માનશો કે આ બાબતમાં માત્ર જૂનવાણી ઢબના લોકો જ સંસ્કૃતિના નીચલા થરે છે. આજના આધુનિક જમાનામાં પણ જયારે યુદ્ધો થાય છે ત્યારે બંને પક્ષો ઈશ્વરને પ્રાર્થના કરવા માંડે છે. તેમના ઘણાં બધાં દેવળો, મસ્જિદો અને મંદિરો છે તેથી ઈશ્વર એમના પો હોવો જોઈએ. ઘણા બધા પૈસા તેઓ ખર્ચી શકે એમ છે. તેથી ઈશ્વર એમને સાંભળશે. ભારતમાં પણ બીજા વિશ્વયુદ્ધ વખતે જેમાં ઘણા બધા લોકો શાંતિ અને વિજય માટે પ્રાર્થના કરે એવી ત્રણથી ચાર દિવસ ચાલેલી પ્રાર્થના સભાઓ એક પાદરીએ યોજેલી એમ મેં જયારે જોયું ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું. મને એ જાણીને આશ્ચર્ય થયું કે આ બધી વાતો તેઓ એવી રીતે કરતા હતા કે જાણે ઈશ્વર ખાસ તેમના જ પક્ષે રહેશે.

આજના આધુનિક સમયમાં પણ આવું બધું બને છે. આપણે સર્વોચ્ચ સત્યની ઝાંખી કરી નથી ત્યાં સુધી આપણે બધા પણ જૂનવાણી ઢબના લોકો જેવા જ છીએ. ત્યાર પછી જો એ લોકો પોતાના પક્ષને જીત મળે એ માટે જો ઈશ્વરની પ્રાર્થના કરતા હોય તો એમાં કોઈ આશ્ચર્ય જેવું નથી. ઈશ્વરની એક વધારે ઊંચી સંકલ્પના છે, ન્યાય કરનારો ઈશ્વર, જે ખોટાં કાર્યો કરનારને સજા કરશે અને સારાં કાર્યો કરનારને આશીર્વાદ આપશે. એ કલ્પનામાં વળી એક નવી મુશ્કેલી છે. ઈશ્વર આપણને નિર્બળ શા માટે બનાવે છે? આમ જોવા જાઓ તો આપણે નિર્બળ છીએ માટે જ આપણે ખોટાં કાર્યો કરીએ છીએ. ત્યાર પછી આવે છે ઈશ્વરની એક વધારે સંસ્કારી કલ્પના. દયાનિધિ ઈશ્વર અથવા પ્રેમમૂર્તિ ઈશ્વર. પરંતુ ઈશ્વર વિશેની આપણી સાચી સંકલ્પના ઉપર પ્રાર્થનાની અસરકારકતાનો આધાર નથી. બલકે આપણો ઈશ્વર તરફનો અભિગમ કેવો છે અને કેવા પ્રકારની અને શેને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ એના ઉપર પ્રાર્થનાની અસરકારકતાનો આધાર છે.

(ક્રમશ:)

ભાષાંતર: શ્રી વાલ્મીકભાઈ એમ. દેસાઈ

Total Views: 159
By Published On: February 1, 1994Categories: Pavitrananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram