(ગતાંકથી ચાલુ)

શિકાગોમાં પુન: પ્રવેશ:

સ્વામીજી ફિકરની ફાકી ન કરી શક્યા હોત તો, ત્રણ અઠવાડિયાં પહેલાં તેઓ કદાચ, શિકાગોથી બોસ્ટન જઈ શક્યા ન હોત. આ પ્રવાસમાં, ફિકરનો પડછાયો પડવાનુંયે કારણ ન હતું. એ વળતો પ્રવાસ સુખદ હતો. પણ, પ્રવાસ પૂરો થતાં મુસીબતની વાદળી મંડાઈ. પ્રોફેસર રાઈટે સ્વામીજીને, એ વિશ્વધર્મ- પરિષદમાંના પોતાના કોઈ મિત્ર ઉપર ભલામણપત્ર લખી આપ્યો હતો ને ક્યાંક ગૂમ થઈ ગયો. અને એ વ્યક્તિનું નામ કે સરનામું શું જોવા જાણવાની તક્લીફ સ્વામીજીએ લીધી ન હતી. રાત પડી ગઈ હતી. હવે? યાર્ડમાં પડેલા એક ભારખાનાનો ખાલી ડબ્બો (અમેરિકામાં ભારખાનાના ડબ્બાને ‘બોક્સ કાર’ કહે છે તેથી, ગેરસમજથી એનો અર્થ ‘પેટી’ કરવામાં આવ્યો જણાય છે. બાકી પ્લેટફૉર્મ પર, એક પુખ્તવયનું માણસ સૂઈ શકે તેવડી ખાલી પેટી ક્યાં પડી હોય?-) શોધી, તેમાં સ્વામીજીએ રાત ગુજારી, સવાર થતાં તે ભારખાનાના ડબ્બામાંથી બહાર પડી. સ્વામીજી સ્ટેશનની બહાર નીકળી, શિકાગોના રસ્તા પર આવ્યા. અને એ રસ્તે આવેલા આવાસો સમીપ જઈ ‘ભગવતી ભિક્ષા ન્નદેહિ!’ જેવો પોકાર કરવા લાગ્યા. મુખ્યત્વે જર્મન મૂળના એ લત્તામાં સ્વામીજીને કોઈ સમજ્યું નહીં કાં, કોઈ સમજવા માગતું ન હતું. તેમાં વળી એ ગોરી વસતિની વચ્ચે આ શ્યામ વર્ણનો આદમી. ચોળાઈ ગયેલા ઝભ્ભાવાળા, નવાઈભરી પાઘડી પહેરેલા, મેલાઘેલા ને લઘરવઘર લાગતા સ્વામીજીને જોઈ કોઈને ભડક પેસે એ સ્વાભાવિક પણ હતું. સ્વામીજીને જોઈને ગૃહિણીઓ મોં ફેરવતી હતી, ગૃહસ્થો ઘરના દરવાજા બંધ કરતા હતા અને ચાકરો-જાકારો આપતા હતા. કેટલાક લોકો તો તેમને ગાળો ભાંડવા પણ લાગ્યા. એ બધાંની ઉપેક્ષા કરી સ્વામીજી ચાલતા જ રહ્યા. એમ ને એમ તેઓ એ ડિયરબૉર્ન સ્ટ્રીટ પર બે અઢી માઈલ, એટલે સાડાત્રણ-ચાર કિલોમીટર, ચાલ્યા પછી, થાકી જવાથી, ફુટ પાયરી પર જ બેસી પડ્યા. એ શેરીનો એ પશ્ચિમ છેડો હતો. બેસતાં ભેગીજ જાતને સંપૂર્ણપણે ઈશ્વરને સોંપી દીધી અને બાઈબલમાં કહ્યું છે તેથી ઊંધો ચમત્કાર થયો. અત્યાર સુધી સ્વામીજી દ્વારો ખટખટાવતા હતા પણ, તે ઉઘડતાં ન હતાં. હવે એમણે દ્વાર ખટખટાવવાનું બંધ કર્યું અને એમની પર ઈશ્વરની કૃપા વરસી. સ્વામીજી બેઠા હતા તેની સામેના ઘરનો દરવાજો ખૂલ્યો અને તેમાંથી સારાં વસ્ત્રો પહેરેલાં એક સુશીલ સન્નારી બહાર આવ્યા, ને સ્વામીજી પાસે પહોંચવા માટે રસ્તો ઓળંગવા લાગ્યાં. પોતાના ઘરની બારીમાંથી સ્વામીજીને આમ, અસહાય જેવા, બેઠેલા જોઈ, બહાર આવનાર એ ગુણિયલ મહિલા શ્રીમાન જૉર્જ ડબલ્યુ હેયલનાં પત્ની શ્રીમતી બેલ ( Belle, સુંદરી (ફ્રેંચ)) હેયલ હતાં. તેઓ અતિથિસત્કારમાં માનતાં હતાં. તેમને પરદેશીનો, ને તે સ્વામીજી જેવા વિચિત્ર અને મલિન વેશવાળા હોય તોયે, જરીય ડર ન હતો અને મેલના થરને ભેદતું, એ વિચિત્ર લાગતા વેશની પાર રહેલું સ્વામીજીનું શીલ એ ભદ્ર સન્નારીએ વરતી લીધું હતું. સ્વામીજીમાં તેમને કોઈ રાજ્યનાં દર્શન થયાં હતાં. રસ્તો ઓળંગી, સ્વામીજી પાસે આવી, શ્રીમતી બુલે વિવેકપૂર્વક સ્વામીજીને પૂછ્યું: “મહાશય, આપ વિશ્વધર્મપરિષદના પ્રતિનિધિ છો?” સ્વામીજીનો હામાં ઉત્તર સાંભળી, તે સન્નારી વિના વિલંબ સ્વામીજીને પોતાના ઘરમાં તેડી ગયાં. સ્વામીજીને સ્વસ્થ થવાની સગવડ આપી, પછી સ્વામીજીને શિરામણ આપ્યું અને નહાઈ-ધોઈને સ્વામીજી પરવાર્યા પછી તેઓ જાતે સ્વામીજીને વિશ્વધર્મ પરિષદને કાર્યાલયે લઈ ગયાં. તે દિવસ ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૦મીને રવિવારનો હોવો જોઈએ.

સ્વામીજીની નમ્રતા અને જિજ્ઞાસા:

શિકાગોના તે સમયના એક વર્તમાનપત્ર ‘શિકાગો રેકર્ડ’ની તા. ૧૧-૯-૧૮૯૩ની આવૃત્તિમાં, સ્વામીજીના એ પરિષદમાંના આગમનની ટૂંક નોંધ લેવાઈ છે. ડૉ. બૅરોઝના કાર્યાલયમાં, ડૉ. બૅરોઝ ઉપરાંત, જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ત્યાં ગયેલા શ્રી વીરચંદ ગાંધી, ચીનથી ગયેલા એક યુરોપીય પાદરી અને સ્વામી વિવેકાનંદ હતા તેમ નોંધી એ પત્ર આગળ લખે છે કે: “પોતે જાણે એક જ ધર્માનુરાગી હોય તેમ આ ચારેય વાતો કરતા હતા. હિંદુ (વિવેકાનંદ)નો દેખાવ કુમાશભર્યો છે. એનો ભરાવદાર ચહેરો તેજસ્વી અને બુદ્ધિશાળી છે. એણે ભગવા રંગની પાઘડી અને એ જ રંગનો ઝભ્ભો પહેર્યો છે. એનું અંગ્રેજી સરસ છે, ‘હું અનિકેત છું.’ એમ એ કહે છે. ભારતમાં હું એક કૉલેજથી બીજી કૉલેજમાં વ્યાખ્યાન દેતો ફરું છું. અમેરિકા આવતાં પહેલાં મેં થોડો સમય મદ્રાસમાં ગાળ્યો હતો. અહીં આવ્યા બાદ મને સર્વત્ર લોકોના વિનયનો અને દયાળુપણાનો અનુભવ થયો છે. આ પરિષદમાં અમારું પ્રતિનિધિત્વ અમને ગૌરવ આપનારું છે. આ પરિષદ વિશ્વના ધર્મના ઇતિહાસ પર દૂરગામી અસર કરે તેવો સંભવ છે. અમે અહીં ઘણું નવું જાણવાની અને અમારા પંદર કરોડ હિંદુઓ માટે લઈ જવાની આશા રાખીએ છીએ.” સ્વામીજીના આ કથનમાં ભારોભાર નમ્રતા ડોકાય છે. અલબત્ત, તેઓ ઘણું બધું જાણવાના હતા – પણ તે બધું જ તેમની અપેક્ષા મુજબનું ન હતું.

વિશ્વધર્મપરિષદનો આરંભ:

તારીખ ૧૧મી સપ્ટેબર ને સોમવારે સવારથી, આર્ટ ઈન્સ્ટિટ્યુટ ઑફ શિકાગો (એ ઈમારત આજે પણ ખંડી છે)ના કૉલંબસ હૉલમાં આતુર સભાજનો એકઠાં થવા લાગ્યાં હતાં. સવારના દસ વાગે તે પહેલાં એ ખંડમાંના એકેએક આસન પર લોક બેસી ગયું હતું અને વચ્ચેથી જવા-આવવાના માર્ગો પર પણ કેટલાય ઉત્સાહી લોકો ઊભા હતા. બેઠક વ્યવસ્થા ચાર હજાર શ્રોતાઓ માટેની હતી ને એક પણ બેઠક ખાલી ન હતી. શ્રોતાજનો આટલી સંખ્યામાં હતાં પરંતુ, ટાંકણી પડે તો તેનો અવાજેય સંભળાય એવી શાંતિ હતી. અને એક નાનકડું પંખી એ ચિકાર ખંડમાં ભૂલું પડી, પોતાની પાંખોના ફફડાટથી એ શાંતિને વધારે તીવ્ર બનાવી, પાછું બહાર ઊડી ગયું: ‘તમને હું નવો આદેશ આપું છું, તમે એકમેકને ચાહો; એવું લખાણ જેની ઉપર કોતરવામાં આવ્યું હતું તે નવા સ્વાતંત્ર્ય ઘંટ (મૂળ સ્વાતંત્ર્ય ઘંટ ફિલાડેલ્ફિયામાં છે) ના દસ ડંકા બજ્યા અને વિશ્વધર્મપરિષદનો આરંભ થયો. ડંકા પૂરા થયા અને શ્રોતાજનોની પીઠે જે દરવાજો હતો તેમાંથી, બધાં રાષ્ટ્રોના ફરફરતા ધ્વજો વચ્ચેથી, રંગબેરંગી, ચિત્રવિચિત્ર વેશભૂષાવાળું, મોભાદાર, વિવિધવર્ણી અને વિવિધ ધર્મધૂરંધરોનું ગંભીર સરઘસ પ્રવેશ્યું. આઠ હજાર કરતાં વધારે આંખો એ સરઘસ પર મંડાઈ. સભાખંડ વીંધી, સામી બાજુએ આવેલા સોળેક મીટર લાંબા અને સવાત્રણેક મીટર પહોળા એક સાદા મંચ પર એ સરઘસ ચડ્યું. મંચની પીઠિકા સાવ સાદી હતી. એક પ્રાચીન હિબ્રુ અને બીજી પ્રાચીન જાપાની લેખપટ્ટીઓ બે તરફ હતી અને બે મહાન પ્રાચીન રોમન અને ગ્રીક સેનેટરો સિસેરો અને ડેમોસ્થેનિસની પ્રતિમાઓ રાખવામાં આવી હતી. ધજાપતાકા કે એવું સુશોભન ત્યાં ન હતું. એ મંચ પર ત્રણ હારમાં નેવું ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. પહેલી હારની ખુરશીઓની બરાબર મધ્ય ભાગમાં એક સિંહાસન મૂકવામાં આવ્યું હતું. અમેરિકાના રોમન કેથલિક ધર્મના વડા નામદાર પોપના પ્રતિનિધિ, કાર્ડીનલ ગિબન્સ અધ્યક્ષની રૂએ એ સિંહાસન પર આરૂઢ થયા. એમને જમણે હાથે પૂર્વના ધર્મોના પ્રતિનિધિઓને બેસવાની વ્યવસ્થા હતી. ચીન અને જાપાનના ધર્મગુરુઓ પોતપોતાની વિશિષ્ટ વેશભૂષામાં સજ્જ હતા. કલકત્તાથી ગયેલા, બ્રાહ્મસમાજના પ્રતિનિધિ શ્રી પ્રતાપચંદ્ર મજમુદાર (તેઓ અગાઉ અમેરિકા આવી ગયા હતા અને સ્વામીજીને તેમનો પરિચય હતો) યુરોપિય ઢબના, ઔપચારિક, કાળા પોશાકમાં શોભતા હતા. જૈનધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ ગાંધીએ સફેદ લાંબો કોટ અને પાટલૂન પહેર્યાં હતાં અને માથે કાઠિયાવાડી ફેંટો ધારણ કર્યો હતો. શ્રી લંકાના બોદ્ધ ધર્મના પ્રતિનિધિ તરીકે ગયેલા શ્રી ધર્મપાલે ઊનનો સફેદ પોશાક ધારણ કર્યો હતો. આફ્રિકન મૅથડિસ્ટ ચર્ચના પ્રતિનિધિ અબનૂસના વર્ણના હતા. પ્રોટેસ્ટંટ પાદરીઓ કાળાં વસ્ત્રોમાં હતા. મંચ પરનું નારીવૃંદ સંખ્યામાં અલ્પ હતું તે પોતાના આકર્ષક વિવિધરંગી પોશાથી મંચની શોભામાં અભિવૃદ્ધિ કરતું હતું. ઊડીને આંખે વળગે એવા લાલ ઝભ્ભા ઉપર બાંધેલા ભગવા રંગના કમરબંધમાં, માથે પહેરેલી ભગવા રંગની પાઘડીમાં અને એ પાઘડીના આગળ લટકતા છોગાથી વેરુળના શિલ્પીએ કંડારેલી કાંસા જેવી મુખાકૃતિથી, સ્વામી વિવેકાનંદ, મંચ પરના એ સઘળા વૃંદથી નોખા તરી આવતા હતા.

વિશ્વધર્મ પરિષદમાં પ્રથમ પ્રવચન:

બધા મંચ પર ગોઠવાયા પછી ઑર્ગન વાદ્યના વાદન સાથે સ્તોત્રો ગવાયાં. પછી લૉર્ડઝ પ્રેયર (પ્રભુની પ્રાર્થના) થઈ. ત્યાર પછી ઔપચારિક સ્વાગત પ્રવચનો થયાં અને એ પરિષદમાં ભાગ લેવા આવેલા વિવિધ પ્રતિનિધિઓને પોતાનો અને પોતાના ધર્મસંપ્રદાયનો ટૂંક પરિચય આપવા નિમંત્રણ અપાયાં. આવડો વિશાળ મંચ, એ મંચ પર બેઠેલા જગતભરના ધર્મધુરંધરો, તેમના વૈવિધ્યમય પોશાક અને તેમનાં પ્રભાવશાળી લાગનાં વ્યક્તિત્વો અને, સામે બેઠેલો આતુર વિશાળ શ્રોતા સમુદાય : આ બધું કોઈને આંજી નાખવા પૂરતું હતું. વળી, કાર્યક્રમના આરંભથી જ સ્વામી વિવેકાનંદે જોયું કે, દરેક વક્તા તૈયારી કરીને, હાથમાં પોતાના પ્રવચનના કાગળો લખીને આવ્યા હતા. અને પૂરતી અદબ અને ઔપચારિક્તા પૂર્વક એમાંથી એ વાંચી જતા હતા. સ્વામીજીએ પોતે જણાવ્યું કે પોતે, આ બધું જોઈ, પ્રથમ તો, ડઘાઈ ગયા હતા. એમને ગળામાં શોષ પડવા લાગ્યો ને જીભના લોચા વળવા લાગ્યા. આથી, એ સવારની બેઠકમાં એમને બોલવાનું બે-ત્રણ વાર કહેવામાં આવ્યું તે તેમણે ટાળ્યું હતું અને એ બધો સમય સ્વામીજી શાંત, ધ્યાનસ્થ અને પ્રાર્થના કરતા રહ્યા. ખાણા પછીની બપોરની બીજી બેઠક શરૂ થઈ. ત્રણ-ચાર પ્રતિનિધિઓ, સવારની બેઠકમાં બન્યું હતું તેમ, પોતાનાં તૈયાર કરેલાં પ્રવચનો વાંચી ગયા. સ્વામીજીની બાજુમાં બેઠેલા ફ્રેંચ પાદરી બૅને મોરી દ્વારા સ્વામીજીનું નામ ફરી પોકારાયું ત્યારે, મનમાં દેવી સરસ્વતીનું સ્તવન કરતાં, સ્વામીજી ઊભા થયા. વીણાધારિણી સ્વામીજી પર પ્રસન્ન જ હતાં. સ્વામીજીએ પોતાના પ્રવચનનો આરંભ કર્યો. પોતાની સમક્ષ બેઠેલાં અમેરિકન શ્રોતાજનોને સંબોધી સ્વામીજી બોલ્યા: “અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ.” આ આત્મીયતા ભર્યા શબ્દો જેવા સ્વામીજીને શ્રીમુખેથી સર્યા કે સમગ્ર શ્રોતાગણ અરે આખોયે એ કોલંબસ હૉલ, હર્ષોલ્લાસથી ઝણઝણી ઊઠ્યો. તાળીઓનો ગડગડાટ કેટલીક મિનિટો સુધી ચાલ્યો. હજારો શ્રોતાગણો ઊભા થઈ ગયા અને પાછળ બેઠેલાંઓ સ્વામીજીને નજીકથી નીરખવાને આગળ ધસી આવ્યાં, ખુદ સ્વામીજીએ એ ગડગડાટને ‘કાન બહેરા કરી નાખે તેવો’ કહ્યો છે. પછીથી, લૉસ એન્જલ્સમાં સ્વામીજીનું આતિથ્ય કરનાર શ્રીમતી બ્લોજેટે જણાવ્યું છે કે, ‘આ શબ્દોથી અને એ ઉચ્ચારનાર સ્વામીજીથી આકર્ષાઈ’, સ્વામીજીને નજીકથી નીરખવા માટે અનેક મહિલાઓ બાંકડા ટપની આગલી હરોળમાં ધસી આવી. આ ધસારો દર્શાવે છે કે, એ સંબોધન કરનાર વ્યક્તિની મોહિનીએ સમગ્ર સભા-ખંડને જાણે કે બાંધી લીધો હતો. એ ટૂંકુ કશી જ પૂર્વતૈયારી વગર કરાયેલું, સ્વામીજીના હૃદયમાં તત્કાલ ઉદ્ભવેલું એ પ્રવચન આખું જોઈએ:

(ક્રમશ:)

Total Views: 234

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.