“હે જગદંબે, તું જ મારી રક્ષા કર!” સ્વામી વિવેકાનંદજીના હૃદયમાંથી આર્તનાદ નીકળ્યો. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના નામનો સતત જાપ અને જગદંબાને વ્યાકુળ પ્રાર્થના કરવા સિવાય હવે તેમની પાસે ઉપાય પણ શો હતો? જે ઓરડામાં તેમને બંદી બનાવવામાં આવ્યા હતા તેમાં લટાર મારતાં-મારતાં તેઓ વિચારવા લાગ્યા, “હવે આ પરિસ્થિતિમાં શું કરવું?” તાજેતરમાં બનેલી ઘટનાઓનાં દૃશ્યો તેમના મનઃચક્ષુ સમક્ષ એક પછી એક આવવા માંડ્યાં. હજુ થોડા દિવસો પૂર્વે તો તેઓ રાજસ્થાનમાં ખેતડીના રાજા અજિતસિંહના અતિથિરૂપે હતા, કેવો આદર-સત્કાર તેમનો થયો હતો! ખેતડીના રાજા તો તેમના શિષ્ય બની ગયા હતા. અમદાવાદમાં સબ જજ લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીએ તેમનું કેટલું ભાવભીનું સ્વાગત કર્યું હતું! કેવું ઉત્કટ પ્રેમભર્યું આતિથ્ય તેમણે દિવસો સુધી માણ્યું હતું! અમદાવાદમાં જૈન ધર્મનો અભ્યાસ કરી તેઓ પગપાળા વઢવાણ આવ્યા હતા. ત્યાં સતી રાણકદેવીનાં દર્શન કરી ભારતીય સંસ્કૃતિના વિવાહ- સંસ્કારની ઉદાત્તતા વિશે વિચારતાં વિચારતાં તેઓ થોડા જ દિવસો પૂર્વે સંધ્યા ટાણે થાક્યા-પાક્યા લીંબડી પહોંચ્યા હતા અને શહેરની ભાગોળે આવેલા આ મકાનમાં સાધુઓનો આશ્રમ જાણી આશ્રય લીધો પણ અરેરે, આ તો વામમાર્ગી બાવાઓનો અડ્ડો નીકળ્યો! ગઈ રાતે જ પાસેના ઓરડામાંથી વિચિત્ર મંત્રોચ્ચારો અને સ્ત્રીઓના અવાજ સાંભળીને તેમને શંકા ગઈ કે ધર્મના નામે ધતિંગ અને અત્યંત કુત્સિત કર્મ કરનારા કેટલાક સંપ્રદાયો વિશે પૂર્વજીવનમાં તેમણે સાંભળેલું તેવા એ ધૂતારા-પાખંડી બાવાઓ તો નહીં હોય ને! આ વિચાર સાથે જ ત્યાંથી નાસી જવાનો નિર્ણય કર્યો. પણ આ શું? ઓરડાની બહાર તો સાંકળ હતી! તેઓ તો બંદી બની ચૂક્યા હતા! અને આજે સવારે બાવાઓના મહંતે જે વિચિત્ર માગણી કરી હતી તેનાથી તો સ્વામીજી ભડકી જ ગયા! મહંતે કહ્યું હતું, “તમે કોઈ પ્રભાવશાળી સાધુ છો. તમે જરૂર વર્ષોથી બ્રહ્મચર્યનું પાલન કરતા હશો. તો તમારી લાંબી તપશ્ચર્યાનું ફળ અમને આપો. અમારી એક ખાસ સિદ્ધિ માટે તમારા બ્રહ્મચર્યનો ભંગ કરાવવો પડશે. તેના વડે અમને અમુક સિદ્ધિ પ્રાપ્ત થશે.”

“હે પ્રભુ, આવી આકરી કસોટી! દિવસો સુધી પગપાળા ફર્યો છું, ત્રણ-ત્રણ દિવસો સુધી ખાધા-પીધા વગર ચલાવ્યું છે, કેટલીય વાર મોતના મુખમાંથી પાછો ફર્યો છું! વેરાન જંગલમાં વાઘનો પણ એકવાર સામનો કર્યો છે! અત્યાર સુધી પરમ પદની પ્રાપ્તિ ન થઈ તો આ દેહને ટકાવી રાખીને શો લાભ એમ વિચારીને વાઘને કહ્યું હતું, ‘લે, ભાઈ, આ દેહને ખાઈને તું તારી ભૂખ તો સંતોષી લે.’ આમ બોલી આંખ મીંચીને મૃત્યુદેવની રાહ જોતો પડ્યો હતો પણ વાઘ તો ત્યાંથી ચાલ્યો ગયો! કેવી વિપદામાંથી તેં મારી રક્ષા કરી છે. પ્રભુ! આમાંથી હવે ઉગાર.” આમ પ્રાર્થના કરતાં-કરતાં તેઓ ઓરડામાં લટાર મારી રહ્યા હતા. અચાનક થંભી ગયા અને મનોમન દૃઢ નિશ્ચય કર્યો, “નહીં, નહીં, જાન જાય તો ભલે જાય પણ જીવનભર માટે લીધેલું મારું બ્રહ્મચર્યવ્રત તો ભંગ નહીં જ થવા દઉં.”

એટલામાં કોઈકે બારણું ખટખટાવ્યું. અરે! આ તો પેલો દૂધવાળો છોકરો! થોડા જ દિવસોમાં તે સરળ બાળક સ્વામીજીનો ચાહક અને મિત્ર બની ગયો હતો. દૂધ આપતાં-આપતાં બાળકે પૂછ્યું- “સ્વામીજી, આજે સાવ ઉદાસ લાગો છો. આપની હું શું સેવા કરી શકું?” સ્વામીજી ગંભીર વિચારમાં પડી ગયા. અચાનક તેમને એક ઉપાય સૂઝી આવ્યો. લીંબડીના ઠાકોરસાહેબની ઉદારતાની અને કાબેલિયતની વાતો તેમણે ઘણી સાંભળી હતી. “શું તેઓ મને નહીં છોડાવે?” આમ વિચારી તેમણે તરત જ આસપાસ જોયું. એક ઠીકરું મળી આવ્યું. કોલસાથી તેના પર લખ્યું, “સાધુ ભય મેં હૈ” અને પેલા દૂધવાળા બાળકના હાથમાં મૂકીને કહ્યું, “મારું આટલું કામ કરીશ? આ સંદેશાને તાત્કાલિક ઠાકોરસાહેબને પહોંચાડી શકીશ? પણ કોઈને ખબર ન પડવી જોઈએ.” નાના બાળકે આ કામ સ્વીકારી લીધું. ઠીકરાને ચાદરની નીચે સંતાડીને તરત જ તે રાજમહેલ તરફ ભાગ્યો. પણ, પ્રવેશ દ્વાર પર દરવાનોએ તેને રોક્યો, ત્યારે ઠાકોરસાહેબ રાજમહેલની છત પર લટાર મારી રહ્યા હતા. તેમણે જોયું કે નીચે દરવાનો એક છોકરાની સાથે રકઝક કરી રહ્યા છે. કોણ જાણે તેમને શું સૂઝ્યું. તેમણે દરવાનોને ઉપરથી જ છોકરાને પ્રવેશ આપવાની આજ્ઞા કરી. છોકરાએ સ્વામીજીનો સંદેશો આપ્યો કે તરત જ ઠાકોરસાહેબે સિપાહીઓને બાવાઓના અડ્ડામાં મોકલાવી સ્વામીજીને છોડાવ્યા અને તેમને માનભેર બોલાવી પોતાની સાથે રાજમહેલમાં જ રહેવાની વિનંતી કરી. સ્વામીજીએ જ્યારે આ સમસ્ત ઘટનાનું વર્ણન કર્યું ત્યારે ઠાકોરસાહેબ અત્યંત ક્રોધિત થયા અને તુરત વામનમાર્ગી બાવાઓનો અડ્ડો બંધ કરાવ્યો.

ઠાકોર સાહેબે સ્વામીજીને ભવિષ્યમાં પોતાનો ઉતારો રાખવામાં સાવધાન થવા કહ્યું. સ્વામીજી પણ આ પાઠ મળવાથી હવે પરિવ્રાજકરૂપે રાતવાસો કરતી વખતે સાવધ રહેવા લાગ્યા. ઠાકુર સાહેબની વિનંતીને માન આપી સ્વામીજી રાજમહેલમાં જ રહેવા લાગ્યા. અત્યંત મનોહર હતો એ રાજમહેલ. ઠાકોરસાહેબે યત્નપૂર્વક આ ભવ્ય રાજમહેલ રૂ. ૫ લાખના ખર્ચે કાઠિયાવાડ એજન્સીના ઍન્જિનિયર મિ. બ્રુશસાહેબની દેખરેખ તળે ૧૮૮૧માં તૈયાર કરાવ્યો હતો. અમેરિકાના ટાઉનહૉલના પ્લાન પ્રમાણે બાંધકામ કરવામાં માવ્યું હતું. મહેલની ઉપર એક મિનારો ચણાવી તે ઉપર સાર્વજનિક ઉપયોગ માટે ચોતરફ જોઈ શકાય તેવું કિંમતી ઘડિયાળ મૂકવામાં આવ્યું હતું. ઠાકોર સાહેબે ખાસ વિલાયતથી ફર્નિચર ગોઠવીને મહેલની શોભા વધારી હતી. મુંબઈના ગવર્નર લૉર્ડ રે સાહેબે ૧૮૮૬માં આ મહેલમાં થયેલ સમારંભમાં મહેલ વિશે પ્રશંસાના ઉદ્દગારો કાઢતાં પોતાના પ્રવચનમાં કહ્યું હતું. “અત્યારે જેમાં મેં બેઠક લીધેલી છે, જેમાંનો ઉત્તમ સાજ-શણગાર, સ્થાપત્ય આપની રસજ્ઞતાનું રૂડી રીતે ભાન કરાવે છે, તે રાજમહેલમાં આવનાર ગવર્નરોમાં હું પહેલો વહેલો હોઈને મને પોતાને ભાગ્યશાળી સમજું છું. આખું હિન્દુસ્તાન જેને માટે ગર્વાનંદ પામે છે. તેવા પ્રખ્યાત ચિત્રકાર મિ. વાનરુથને રાજમહેલની દિવાલો શણગારવા માટે પસંદ કરીને, તેની ખરી યોગ્યતા આપે પિછાણી છે.”

રાજમહેલમાં દરબાર હૉલમાં સ્વામીજી સાથે ઠાકોર સાહેબની કલાકો સુધી વાતો ચાલતી. થોડા દિવસોમાં તો બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. સ્વામીજીની વિદ્વતા, તેમની તેજસ્વિતા, તેમની આધ્યાત્મિક શક્તિ વગેરેથી ઠાકોર સાહેબ અંજાઈ ગયા. બન્ને પોતપોતાના જીવનના પ્રસંગોની ચર્ચા કરવા માંડ્યા. સ્વામીજીને એ જાણી આનંદ થયો કે ઠાકોર સાહેબ કેવળ એક અત્યંત કાબેલ રાજા માત્ર નહીં, પણ મહાન આધ્યાત્મિક સાધક પણ હતા. ઠાકોર સાહેબ યશવંતસિંહજી સ્વામીજીથી માત્ર ૪ વર્ષ મોટા હતા. એટલે બન્ને યુવાન હોવાથી એક અનેરો પ્રેમસંબંધ બન્ને વચ્ચે બંધાઈ ગયો. ઠાકોરસાહેબનો જન્મ ૨૩મે ૧૮૫૯ના સોમવારના રોજ લીંબડીમાં થયો હતો. માતુશ્રી મહારાણી હરીબા સાહેબ અત્યંત ધર્મપરાયણ હતાં અને સ્વામી વિવેકાનંદનાં માતુશ્રી ભુવનેશ્વરી દેવીની જૈન શ્રીશંકર ભગવાન પ્રત્યે અતિશય શ્રદ્ધાસંપન્ન હતાં. કોઈ સારી વસ્તુ હોય તો તે શંકર ભગવાનને ધરાવ્યા વિના પોતે આરોગતાં નહોતાં અને રાજકુમારોને આરોગવા દેતાં નહોતાં. આથી રાજકુમારો (યશવંતસિંહજી તેમજ તેમના નાનાભાઈ ઉદેસિંહજી)માં પણ ભક્તિ અને શ્રદ્ધાના બીજબાળપણથી જ આરોપાયાં હતાં. યશવંતસિંહજીએ માત્ર ત્રણ વર્ષની વયે પોતાના પિતા ફત્તેસિંહજીને ગુમાવ્યા હતા પણ માતુશ્રી રાણીબા હરીબા સાહેબે પુત્રને આ ખોટ સાલવા દીધી નહોતી. રાજકાજનો મોટો કાર્યભાર સંભાળતાં-સંભાળતાં રાજકુમારોને સાચવવાનું. તેમને કેળવણી આપવાનું કામ તેઓ જાતે જ કરતાં.

૧૮૭૧માં યશવંતસિંહજી રાજકોટની રાજકુમાર કૉલેજમાં વિદ્યાભ્યાસ કરવા માટે દાખલ થયા અને ટૂંક સ્ટે સમયમાં જ પ્રથમ પંક્તિના વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. કૉલેજના પ્રિન્સિપાલ મિ. મૅકમોહન સાહેબે ઈનામ વિતરણ સમારંભમાં કહ્યું, “અભ્યાસ અને સદ્વર્તનમાં બધા રાજકુમારોથી ચઢિયાતા રાજકુમાર શ્રી યશવંતસિંહજી છે. એમ જણાવતાં મને બહુ આનંદ ઉપજે છે.” વિદ્યાભ્યાસ ચાલુ હતો ત્યારે તેમના વિવાહ થયા ત્યારે ઘણાને એમ લાગ્યું હતું કે હવે તેમના અભ્યાસ પર અસર થશે પણ યશવંતસિંહજી આથી વિચલિત થયા નહીં. તેમણે દૃઢતાથી પોતાના મિત્રને આ વિષે કહ્યું, “અપૂર્વ સુખાનંદમાં પડવાની મારી આ અવસ્થા હોય એમ હું માનતો નથી. બ્રહ્મચર્ય પાળવાની અને વિદ્યા ઉપાર્જન કરવાની મારી આ અવસ્થા છે. લગ્ન થયા છતાં લગ્ન પછીના વ્યવહારમાં નહિ પડતાં હું મારો અભ્યાસ આગળ ચલાવીશ અને પછી આગળ અભ્યાસ કરી તેમણે જે કહ્યું હતું તે કરી બતાવ્યું.

ઈ.સ. ૧૮૭૬ના ઐપ્રિલની ૬ઠ્ઠી તારીખે શ્રી યશવંતસિંહજી ઈંગ્લૅન્ડના પ્રવાસે જવા નીકળ્યા. આ પહેલાં કાઠિયાવાડના કોઈ રાજાએ વિદેશ પ્રવાસ કર્યો ન હતો અને લોકોએ આ વિદેશ યાત્રા માટે પ્રોત્સાહન ન આપ્યું, પણ તેમનો મનોભાવ ઉચ્ચ હતો અને નિશ્ચય દૃઢ હતો. પોતાની નોંધપોથીમાં તેમણે લખ્યું, “ઈંગ્લૅન્ડના પ્રવાસે જવાનો હું મારો દૃઢ નિશ્ચય કરી ચૂક્યો છું. ગાદીપતિ થતાં પહેલાં જે જ્ઞાન અને અનુભવ મેળવવાની આવશ્યકતા છે તે આવશ્યકતા પ્રવાસથી કેટલેક દરજ્જે પૂરી પડવાનો સંભવ છે.” ઈંગ્લૅન્ડમાં શ્રી યશવંતસિંહજીએ ચીવટપૂર્વક બધી વસ્તુઓનો અભ્યાસ કર્યો, ઘણી મહાન વ્યક્તિઓ સાથે પરિચય કેળવ્યો. જર્મનીનાં મહારાણી સાથેની વાતચીતના પ્રસંગમાં તેમણે જે કહ્યું, તે તેમની દેશભક્તિ કેટલી હતી, તે પુરવાર કરે છે. “તમે ઈંગ્લૅન્ડને કેટલે દરજ્જે ચાહો છો?” એ પ્રશ્નના જવાબમાં તેમણે જર્મનીના મહારાણીને કહ્યું, “ઈંગ્લૅન્ડને હું અનેક રીતે ચાહું છું, …છતાં ઈંગ્લૅન્ડ પ્રત્યેની મારી ચાહનામાં અને ભરતખંડ વિષેની મારી ચાહનામાં મોટું અંતર છે, એમ કહ્યા વિના ચાલતું નથી. માતા અને જન્મભૂમિનું હું એક જ સ્વરૂપ માનું છું. માતાથી વિખૂટું પડેલું બાળક તેનું બીજે સ્થળે ઉત્તમ રીતિએ લાલનપાલન થતું હોય તેમ છતાં, બીજે સ્થળે ઘરના કરતાં તેને બહુ જ ગમ્મત-આનંદ પડતાં હોય તેમ છતાં માતાને ફરી મળતાં જ તેને જે આનંદ થાય છે તે કેવળ અપૂર્વ પ્રકારનો હોય છે. તેવી જ રીતિએ ઈંગ્લૅન્ડમાં મને જ્ઞાન અને અનુભવ મળી શકે છે, ઈંગ્લૅન્ડના લોકોના વર્તન પરથી ઘણું ઘડો લેવા જેવું મળી શકે. અહીંના દેખાવોથી, અહીંના ઉદ્યોગોથી, અહીંની કરામતોથી મને અતિશય આનંદ ઉપજે છે, તથાપિ મારી માતૃરૂપ જન્મભૂમિમાં પાછી જઈશ, ત્યારે મને જે પ્રકારનો અપૂર્વાનંદ પ્રાપ્ત થશે, તે પ્રકારનો આનંદ અહીં કદી પણ મળી શકે તેમ નથી.”

૧લી ઑગસ્ટ ૧૮૭૭ના રોજ યશવંતસિંહજી રાજ્યાસન પર આરૂઢ થયા અને થોડા જ વખતમાં પોતાની આગવી બુદ્ધિમત્તા, કુશળતા અને નીતિમત્તાને કારણે લોકપ્રિય થઈ ગયા. તેમની અસાધારણ કુશળતા અને આશ્ચર્યજનક ચતુરતા નિહાળી મુંબઈ સરકારે ૧૮૮૪માં તેમને ધારાસભા (Leglslative Council)ના સભાસદ નિમ્યા. કાઠિયાવાડના રાજાઓમાંથી કોઈને આ પહેલાં આવું ગૌરવ પ્રાપ્ત થયું નહોતું.

ઘણાં લોકોપયોગી કાર્યો કરવા ઉપરાંત તેઓ પોતાની આત્મિક ઉન્નતિ માટે પણ અવિરત પ્રયત્નશીલ રહેતા. નિયમિત જ્ઞાનચર્ચા, સત્સંગ તેઓ કરતા. અનેક ગ્રંથોનું અધ્યયન કરતા. ૧૮૭૯થી ૧૮૮૩ સુધીના ગાળામાં તેમણે અનેક ગ્રંથોનું અવલોકન કર્યું – મિલ, સ્પૅન્સર, બર્કલે, શૅક્સપિયર, મિલ્ટન, સ્માઈલ્સ, કૉબેટ વગેરે ઘણા અંગ્રેજ ગ્રંથકારોનાં પુસ્તકો, મનુસ્મૃતિ, ભર્તૃહરિ કૃત નીતિ શતક, અને વૈરાગ્ય શતક, યોગ વાસિષ્ઠ, રામાયણ, મહાભારત વગેરે ઘણા સંસ્કૃત અને હિન્દી ભાષાનાં ચંપૂઓ, કાવ્યી, નાટકો અને ઐતિહાસિક પુસ્તકો, તથા સુબોધક અને સુપ્રસિદ્ધ તત્ત્વજ્ઞાનના તથા રાજ્ય, ધર્મ, સંસાર અને વ્યવહારોપયોગી ઘણાં ગુજરાતી પુસ્તકોનું તેમણે અધ્યયન કર્યું.

૨૧મી જૂન ૧૮૮૭ના રોજ ઈંગ્લૅન્ડમાં જ્યુબિલી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે કેટલાક ચૂંટેલા ભારતીય રાજાઓ મહારાણી વિક્ટોરિયાને અભિનંદન આપવા ગયા હતા તેમાં શ્રી યશવંતસિંહજી પણ હતા. આ બીજી વારના વિદેશ પ્રવાસ વખતે તેમણે ઈંગ્લૅન્ડ ઉપરાંત અમેરિકાની પણ મુલાકાત લીધી અને પોતાનું જ્ઞાનવર્ધન કર્યું. ઈંગ્લેંડમાં મહારાણીએ પોતાના હાથેથી તેમને કે.સી.આઈ.ઈ. (K.C.T.E.)નો ખિતાબ આપ્યો. અમેરિકાના પ્રૅસિડૅન્ટ ક્લીવલૅન્ડ વોશિંગટનમાં વ્હાઈટ હાઉસમાં તેમની ઉમળકાભેર સત્કાર કર્યો.

ઠાકોર સાહેબે સ્વામીજીને પોતાનો જીવનવૃત્તાંત સંભળાવ્યો, પોતાના વિદેશના અનુભવોની વાત કરી અને સ્વામીજીને પણ વિદેશ જવાનું સૂચન કર્યું. સ્વામીજીને વિદેશ જઈ વિજય દિગ્વિજય કરવા માટેની પ્રેરણા આપવામાં તેઓ સૌથી પ્રથમ હતા.

ઠાકોર સાહેબને કોઈ સંતાન નહોતું. તેઓ સ્વભાવથી જ આધ્યાત્મિક વલણ ધરાવતા હતા. વળી થોડા જ વખત પહેલાં (૨૫ ઑગસ્ટ ૧૮૯૧ના રોજ) તેમના નાના ભાઈ શ્રી ઉદેસિંહજીના નિધનથી સંસારની અસારતા સમજી તેઓ અધ્યાત્મ અને દર્શનની વાતો સાંભળવા માટે વિશેષ આતુર હતા. સ્વામીજીના અગાધ અધ્યાત્મજ્ઞાનથી પ્રભાવિત થઈ ઠાકોર સાહેબે સ્વામીજી પાસેથી મંત્રદીક્ષા લીધી અને તેમના શિષ્ય બની ગયા.

દરબાર હૉલમાં અને પાસે જ આવેલ અક્લેશ્વર મહાદેવના મંદિરમાં સંસ્કૃત પંડિતો સાથે સ્વામીજીની ધાર્મિક ચર્ચાઓ ચાલતી. અક્લેશ્વર મંદિરના પૂજારી શ્રીવૈજનાથ મોતીરામ ભટ્ટ આ વિદ્વતાપૂર્ણ ચર્ચાઓ સમયે હાજર હતા. પાછળથી તેઓ ગૌવર્ધન મઠ, પુરીના શંકરાચાર્ય જગન્નાથતીર્થ બન્યા. થોડા દિવસો રહી સ્વામીજીએ જ્યારે લીંબડી છોડ્યું. ત્યાં સુધીમાં તો લીંબડીમાં અદ્‌ભુત આધ્યાત્મિક વાતાવરણ સર્જાઈ ગયું હતું.

લગભગ પાંચ માસ બાદ ગુજરાતનો પ્રવાસ પૂરો કરી સ્વામીજી મે માસમાં ઉનાળો ગાળવા મુંબઈ, પૂના, થઈ મહાબળેશ્વર ગયા. ત્યારે ઠાકોર સાહેબ પણ ત્યાં ઉનાળો ગાળવા આવ્યા હતા. પોતાના ગુરુ સાથેની અણધારી મુલાકાતથી ઠાકોર સાહેબ રાજીના રેડ થઈ ગયા અને પોતાના નિવાસસ્થાને તેમને તેડી આવ્યા. જેટલા દિવસો તેઓ એક સાથે રહ્યા ત્યાં સુધી વિભિન્ન આધ્યાત્મિક વિષયો પ૨ ચર્ચા ચાલી. ઠાકોર સાહેબે તે બધું પોતાની નોંધપોથીમાં લખી રાખ્યું. ૩થી ૨૮ મે સુધીના દિવસોની નોંધપોથીમાં આ ઊંડી આધ્યાત્મિક ચર્ચાના અનેક મુદ્દાઓ ઠાકોર સાહેબે લખેલ છે. તા. ૯, ૧૦, ૧૧ એ ત્રણ દિવસે સામટું નોંધપોથીમાં ઠાકોર સાહેબે લખ્યું, સ્વામી શ્રી વિવેકાનંદજીના શાસ્ત્રીય જ્ઞાનથી મને સાનંદાશ્ચર્ય ઉપજે છે. શાસ્ત્રો સંબંધી મારું જે જ્ઞાન હતું તેમાં તેમની સાથે ચર્ચા થવાથી જાણવા જોગ વૃદ્ધિ થઈ શકી છે.”

૧૫ જૂન સુધી ઠાકોર સાહેબ સાથે મહાબળેશ્વરમાં રહીને સ્વામીજી પૂના આવ્યા અને ઠાકોર સાહેબને ત્યાં જ કેટલાક દિવસો ગાળ્યા. ઠાકોર સાહેબને સ્વામીજીની એવી માયા લાગી ગઈ કે તેઓ તેમને છોડવા જ તૈયાર નહોતા. તેમણે સ્વામીજીને કહ્યું, “સ્વામીજી, મારી સાથે લીંબડી ચાલો અને ત્યાં જ હંમેશ માટે રહો.” સ્વામીજીએ એ વખતે તો એ આમંત્રણ એમ કહીને જતું કર્યું કે, “હમણાં નહિ, મારે હજુ કામ કરવાનું છે. એ મને આગળ વધવા દબાણ કરે છે. એ બધું પૂરું નહિ થાય ત્યાં સુધી મને જંપવા દેશે નહિ. પણ જો મારે કદીક નિવૃત્ત જીવન ગાળવાનું થશે તો એ તમારી સાથે જ હશે.”

આ પછી સ્વામીજીએ ઘણીવાર લીંબડી જવાનો પ્રયાસ કર્યો પણ તેઓ સફળ થયા નહિ. અમેરિકાથી ભારત પાછા ફર્યા બાદ તેઓ જ્યારે રાજસ્થાનમાં ખેતડી મહારાજાના અતિથિ હતા ત્યારે ઠાકોર સાહેબે તેમને લીંબડી આવવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું. સ્વામીજી લીંબડી માટે રવાના થયા અને રતલામ સુધી પહોંચ્યા પણ ખરા, પણ સ્વાસ્થ્ય લથડી જવાને કારણે તેમને કાઠિયાવાડનો પ્રવાસ રદ કરવો પડ્યો. સપ્ટેમ્બર ૧૮૯૮માં સ્વામીજીએ કાશ્મીરના ભ્રમણ પછી ફરી કાઠિયાવાડનો પ્રવાસ નક્કી કર્યો પણ આ વખતે પણ સ્વાસ્થ્ય ભાંગી પડવાને કારણે આ પ્રવાસ રદ કરવો પડ્યો, લીંબડીના ઠાકોર સાહેબનું વારંવાર આગ્રહભર્યું નિમંત્રણ મળવાથી સ્વામીજીને કેટલીયવાર લીંબડી જવાનો વિચાર કર્યો પણ દરેક વાર કોઈને કોઈ વિઘ્ન આવી ઊભું રહ્યું. બીજીવાર વિદેશથી પાછા ફર્યા પછી સ્વામીજીએ કાઠિયાવાડનો પ્રવાસ ફરી નકકી કર્યો. બેલુર મઠથી તેમણે ૧૯૦૧માં મિસ મૅકલાઉડને પત્રમાં લખ્યું હતું. “ગમે તે રીતે હું મુંબઈ પ્રેસીડન્સીના સહૃદયી મિત્રોને ‘કેમ છો?’ કહેવા પૂરતું તો ત્યાં અવશ્ય જઈશ. ત્યાંના લોકો મારી રાહ જોતાં-જોતાં થાકી ગયા છે, આ વખતે તો તેમને મળવા જવું જ પડશે.” ૩ જૂન ૧૯૦૧ના રોજ સ્વામીજીએ બેલુર મઠથી પોતાના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજને પત્રમાં લખ્યું, “તમે એક માસનો આરામ કરી લો પછી આપણે બન્ને ગુજરાત, મુંબઈ વગેરેનો ભવ્ય પ્રવાસ ગોઠવીશું.” આમ સ્વામીજીએ લીંબડી આવવાના ઘણા પ્રયાસો કર્યો તેમ છતાં ભૌતિકદેહે તેઓ આવી ન શક્યા. સઘન પ્રવૃત્તિમય અને અતિશય શ્રમને કારણે માત્ર ૩૯ વર્ષની વયે ૪ જુલાઈ ૧૯૦૨ના રોજ તેમણે પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો.

ઠાકોરસાહેબ યશવંતસિંહજીએ પણ રાજમહેલમાં આગ લાગ્યા બાદ ૧૯૦૭માં દેહત્યાગ કર્યો. એલિઝાબેથ શાર્પે પોતાના પુસ્તકમાં લખ્યું છે, “મહેલનો મોટો ભાગ આગથી આકસ્મિક રીતે બળી ગયો તે રાતે ઠાકોર સાહેબને બચી ગયેલ રાણી સાથે પહેરેલાં વસ્ત્રોએ મહેલથી ભાગી જવું પડ્યું હતું. આથી ઠાકોરસાહેબને જે માનસિક આઘાત લાગ્યો હતો તેમાંથી તેઓ છેવટ સુધી ઉગરી ન શક્યા. અદ્‌ભુત મૂલ્યવાન પૌરાણિક સંસ્કૃત હસ્તપ્રતોવાળા લીંબડીના ભવ્ય ગ્રંથાલયની સ્મૃતિથી મહારાજાની આંખોમાં અશ્રુ આવી જતાં.”

ગ્રંથો પ્રત્યે, શાસ્ત્રો પ્રત્યે, વિદ્યા પ્રત્યે ઠાકોર સાહેબનો અનહદ પ્રેમ હતો. કેળવણીના ક્ષેત્રમાં તેમને ઊંડો રસ હતો. તેમની દૃઢ ધારણા હતી કે ભારતના પુનરુદ્ધાર માટે પ્રથમ આવશ્યકતા છે- નારીઓને કેળવણી આપવી. કેળવણીના ક્ષેત્રમાં તેમણે અભૂતપૂર્વ કાર્ય કર્યું. કુશળ શાસક હોવા ઉપરાંત તેઓ પવિત્ર હૃદયવાળા, દયાવાન પરોપકારી અને આધ્યાત્મિક ગુણોથી સમ્પન્ન એવા વિરલ રાજા હતા, એટલે રાજા જનકની જેમ તેઓ એક રાજર્ષિ તરીકે ઓળખાતા. જૉન હસ્ટર્ન તેમના વિશે લખ્યું છે, “તેમના જીવનની પવિત્રતાએ તેમને ‘મહાન જનક’ની પદવી અપાવી છે, જેઓ અતીતના યુગના એક અલંકારરૂપ હતા અને જેઓ મહાન બુદ્ધિમતાથી વિભૂષિત હતા. વૈદાંત દર્શનનું પ્રમાણ આપી મહારાજા (યશવંતસિંહજી) કહે છે કે, નાઈલ નદીના વહેણને બદલવું શક્ય છે, પૅસિફિક સાગરને પી જવું શક્ય છે, હિમાલયને પોતાના સ્થળથી ખસેડવી શક્ય છે અને આગનું ભક્ષણ કરવું શક્ય છે પણ આ બધાં કરતાં વધુ કઠિન વાત છે મનને વશમાં રાખવું, જેના વગર મુક્તિ શક્ય નથી. તેઓ એમ માને છે કે કામના એ અજ્ઞાન છે અને કામનાની નાશ જ મુક્તિ છે, અને આ મુક્તિ કેવળ કામનાનો ત્યાગ કરવાથી જ મળી શકે છે.”

શ્રીરામકૃષ્ણદેવે સ્વામી વિવેકાનંદ વિષે કહ્યું હતું, “એ તો નરૠષિનો અવતાર છે.” શ્રીરામકૃષ્ણદેવે દિવ્ય દર્શનમાં જોયું હતું કે એક ઉચ્ચ લોકમાં સાત ઋષિઓ ધ્યાનમાં મગ્ન છે, તેમાનાં એક ઋષિને એક બાળકે વહાલથી કહ્યું, “હું ત્યાં, પૃથ્વી પર જઈ રહ્યો છું. તમારે આવવું પડશે.” પાછળથી શ્રીરામકૃષ્ણદેવે સ્વીકાર્યું હતું કે એ પોતે જ એ બાળક હતા અને એ નરઋષિએ જ હતા – નરેન્દ્ર – સ્વામી વિવેકાનંદ, જગતના કલ્યાણ અર્થે આ બ્રહ્મર્ષિનો જન્મ થયો હતો.

જો આ રાજર્ષિ યશવંતસિંહજીએ આ બ્રહ્મર્ષિ સ્વામી વિવેકાનંદજીની રક્ષા ન કરી હોત તો ઇતિહાસે કેવો વળાંક લીધી હોત! એ કલ્પના પણ દુષ્કર છે. વિશ્વના ઇતિહાસમાં સ્વામી વિવેકાનંદનું જીવન એક અનેરું સ્થાન ધરાવે છે અને સ્વામીજીના જીવનમાં લીંબડી અને લીંબડીના ઠાકોર સાહેબ રાજર્ષિ યશવંતસિંહજી એક અનેરું સ્થાન ધરાવે છે.

એ અત્યંત આનંદની વાત છે કે આ ઐતિહાસિક લીંબડીમાં આ માસે એક નવો ઇતિહાસ સર્જાઈ રહ્યો છે. રામકૃષ્ણ મઠ અને મિશનનાં વિશ્વમાં ૧૩૦શાખા કેન્દ્રો છે, તેમાંનું એક જ ગુજરાતમાં છે – રાજકોટમાં અને હવે આ માસે લીંબડી ખાતે રામકૃષ્ણ મઠ અને મિશનનું નવું શાખા કેન્દ્ર પ્રારંભ થઈ રહ્યું છે.

ઈશ્વરની લીલા અકળ છે. જેમ ચમત્કારિક રીતે રાજર્ષિ યશવંતસિંહજીને યંત્ર બનાવી બ્રહ્મર્ષિ સ્વામીજીની રક્ષા થઈ, તેવી જ રીતે ૧૯૦૬માં જ્યારે લીંબડીના મનોહર રાજમહેલમાં ભયંકર આગ લાગી ત્યારે મહેલનો મોટો ભાગ ભસ્મીભૂત થઈ ગયો પણ જે ભાગમાં દરબાર હૉલ હતો, જ્યાં સ્વામીજીએ કલાકો સુધી ચર્ચા કરી હતી, તે ભાગ ચમત્કારિક રીતે બચી ગયો.

ઘણાં વર્ષો પછી લીંબડીમાં એક જૈન શેઠ શ્રી છબીલભાઈ શાહે દૈવી પ્રેરણાથી શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરની સ્થાપના કરી. આ પ્રાર્થના મંદિરના ઉપયોગ માટે આ ઐતિહાસિક રાજમહેલની માગણી કરવાની દૈવી પ્રેરણા તેમને થઈ અને રાજમાતા પ્રવીણકુંવરબાને પણ આ મહેલ સોંપી દેવાની દૈવી પ્રેરણા થઈ. ૧૯૬૮માં લીંબડીના વર્તમાન ઠાકોરસાહેબ શ્રી છત્રસાલજીએ આ રાજમહેલ ‘શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર’ ટ્રસ્ટને અર્પણ કરી દીધો અને હવે આ ટ્રસ્ટ આ રાજમહેલ સહિત ટ્રસ્ટની સમસ્ત મિલકત રામકૃષ્ણ મિશનને સમર્પણ કરી રહ્યું છે.

આજે આ રાજમહેલના નીચેના ભાગમાં ઔષધાલય, પુસ્તકાલય વગેરે સેવા પ્રવૃત્તિઓ ચાલે છે અને જે દરબાર હૉલમાં બેસીને સ્વામીજીએ, દિવસો સુધી આધ્યાત્મિક ચર્ચાઓ કરી હતી. ત્યાં મંદિરની સ્થાપના થઈ છે. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદની છબીઓ અને શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ છે. નિત્ય પૂજા, દૈનિક આરતી, આધ્યાત્મિક ચર્ચાઓ વગેરે આ સભાખંડમાં યોજાય છે. કેટલાક ભક્તોનું માનવું છે કે સ્વામીજીએ જે વચન આપ્યું હતું તે પાળ્યું ખરું, તેઓ લીંબડી પધાર્યા પણ ભૌતિક દેહે નહિ, સૂક્ષ્મ દેહે અને એકલા ન પધાર્યા, સાથે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવીને લઈ આવ્યા.

એ અદ્‌ભુત સંયોગ છે કે આ માસની બીજી તારીખે સ્વામી વિવેકાનંદજીની જન્મતિથિ (વિશુદ્ધ પંચાંગ પ્રમાણે) દેશ-વિદેશમાં ઉજવાઈ રહી છે. તે જ માસમાં લીંબડીમાં રામકૃષ્ણ મિશનનું શાખા કેન્દ્ર પ્રારંભ થઈ રહ્યું છે. સ્વામી વિવેકાનંદજીની જન્મતિથિ પ્રસંગે તેમનાં શ્રીચરણકમળમાં પ્રાર્થના કે તેઓ ગુજરાતમાં વિશેષરૂપે બિરાજે અને સૌ ગુજરાતીઓ માટે પ્રેરણાસ્રોત બની રહે.

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.