સ્વામી વિવેકાનંદ

લેખક: શ્રી દુષ્યન્ત પંડ્યા

સંપાદક: શ્રી યશવંત દોશી

પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, ચર્ની રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨. આવૃત્તિ: પહેલી

કિંમત : રૂ. ચાર,

મુખ્ય વિક્રેતા: નવજીવન ટ્રસ્ટ., પો. નવજીવન: અમદાવાદ: ૩૮૦૦૧૪.

છેલ્લાં પચાસ વર્ષથી રાજકોટના શ્રીરામકૃષ્ણ મિશન સાથે તથા ત્યાંના રામકૃષ્ણ આશ્રમ તરફથી પ્રકાશિત થતા “શ્રીરામકૃષ્ણ જ્યોત” સાથે પણ સંકળાયેલા રહેલા શ્રી દુષ્યન્તરાય ડોલરરાય પંડ્યાએ આ અગાઉ શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશે એક પરિચય પુસ્તિકા આપી હતી. હવે તેમની પાસેથી વિશ્વપ્રકીર્તિત વંદનીય વિભૂતિ સ્વામી શ્રી વિવેકાનંદનાં જીવન અને કાર્યને પ્રકાશિત કરતી તથા ઉચિત રીતે મૂલવતી પુસ્તિકા પ્રાપ્ત થાય છે.

સ્વામી વિવેકાનંદ કલકત્તાના અગ્રગણ્ય વકીલ વિશ્વનાથ દત્ત અને એમનાં જાજરમાન પત્ની ભુવનેશ્વરીનું છઠ્ઠું સંતાન. એનું નામ નરેન અથવા નરેન્દ્ર. ૧૮૬૩ના જાન્યુઆરીની તા. ૧૨મીએ મકરસંક્રાન્તિને શુભ દિવસે સવારે તેમનો જન્મ થયો. શ્રી દુષ્યન્ત પંડ્યા યોગ્ય જ કહે છે કે- “સવારે ૬-૧૩ વાગ્યે પુત્રનો જન્મ થયો, તુરત જ સૂર્યોદય થયો, ભારતની નવ-જાગૃતિનો એ સૂર્યોદય.” વિવેકાનંદના જન્મને લેખક એક દૈવી ઘટના લેખે છે. જન્મનામ વીરેશ્વર, મહોલ્લાના નરેન વિશ્વવિખ્યાત વિભૂતિ વિવેકાનંદ તરીકે દુનિયાભરમાં પ્રકીર્તિત થયા તે કથા ખરેખર જાણવા જેવી છે; રસપ્રદ છે અને આત્મોન્નતિ સાધવા ઈચ્છનાર હરકોઈ જીવને પ્રેરણાદાયી તેમ જ માર્ગદર્શક નીવડે એવી છે.

બાળપણથી જ નરેન્દ્રમાં ત્યાગવૃત્તિ અને સાધુ-પ્રીતિનો છંદ. ધ્યાનભક્તિની ટેવ કેળવવા તરફ વલણ. તીવ્ર યાદશક્તિ, કુશાગ્ર બુદ્ધિ, ઉત્કટ જિજ્ઞાસા, વિશાળ વાચન, સુષુપ્ત જીવનધ્યેયની અલપઝલપ થતી ઝાંખી, બંગાળી, સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યનાં શિખરોનાં આરોહણ, ઇતિહાસનું અવગાહન, તર્કશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો અભ્યાસ, ગણિતમાં પારંગતતા અને ફિલસૂફીના અધ્યયનમાં ઊંડો રસ. આ સર્વનો સમગ્રતામાં વિચાર કરતાં, વિવેકાનંદનો જન્મ કોઈ ચોક્કસ મહાન ધ્યેયની સિદ્ધિ અર્થે જ, કાળની લીલારૂપે જ થયો હોવાનું ઘટાવવું રહ્યું. મનુષ્ય જીવનમાં બનતી, ચમત્કારિક અર્થાત્ બુદ્ધિગમ્ય ન લાગતી ઘટનાઓનો બુદ્ધિગ્રાહ્ય ખુલાસો ન મળે ત્યારે તેને દૈવી કે ચમત્કારિક ઘટનારૂપે જ ઘટાવવી રહી. રામકૃષ્ણ પરમહંસ જેવી વિભૂતિ નરેન્દ્રને ઝંખે, નરેન્દ્ર તેમને મળે ત્યારે તેમના મુખમાંથી “આટલું બધું મોડું અવાય?” એવા ભાવોદ્ગાર સરી પડે, નરેન્દ્રમાં તેમને પુરાતન ૠષિ અને જીવોની દુર્ગતિ નિવારવા અવતરેલા નરરૂપી નારાયણ એવા અવતારી પુરુષની ઝાંખી થાય, આ સર્વ, બાબતો તર્ક અને બુદ્ધિની સીમાની પારના શ્રદ્ધાના પ્રદેશમાં જઈને સ્વીકારવું જ રહ્યું.

રામકૃષ્ણે નરેન્દ્ર ધ્યાનસિદ્ધ હોવાની, દર્શનોમાંના નર હોવાની અને એને હાથે થવાના મહાનકાર્યની ખાતરી કરી લીધી હતી. શ્રી દુષ્યંતરાય લખે છે: “શક્તિનો અખંડ સ્રોત, પ્રચંડ જ્યોત, ઉચ્ચ સંગઠનનો ભાવિ નેતા એવા નરેન્દ્ર વિના રામકૃષ્ણ ટળવળતા.”

નીરક્ષીર જુદાં કરવાની વિવેકશક્તિ લાધી માટે જે વિવેકાનંદ કહેવાયા, તે વિવેકાનંદે પોતાનું અવતારકાર્ય સિદ્ધ કરવા ભારતવ્યાપી પ્રવાસ કરતાં તેમનો આત્મા જાગ્રત થઈ ચૂક્યો હતો. હિન્દુધર્મને સર્વધર્મોની જનની તરીકે પછીથી બિલે, અને તે પછી નરેન્દ્ર. કલકત્તાના સિમુલિયાઓળખાવનાર વિવેકાનંદની વિદેશયાત્રા, તેમણે સાધેલો દિગ્વિજય, શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના એમની જીવનયાત્રાના પ્રત્યેક મુકામની વાત લેખકે વિગતે લખી છે. “દરિદ્રનારાયણ” જેવો શબ્દ આપનાર સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય ચેતનાની કેવા ગંગોત્રી હતા તે લેખક બરાબર દૃઢાવી શક્યા છે.

શ્રી દુષ્યંતભાઈએ સ્વામી વિવેકાનંદ વિશે એક ખાસ્સો મોટો ગ્રન્થ આપવો જોઈએ એવી આ પુસ્તિકા વાંચ્યા પછી સહેજે ઉદ્ભવે છે.

સમીક્ષક: શ્રી કૃષ્ણવીર દીક્ષિત

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.