(૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિજ્ઞાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)

‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ’ આ વિષય પર મને બોલવાનું કહેવામાં આવ્યું છે, તેમાં પૂર્વાર્ધ ‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’ તો બરાબર હતો પણ એની સાથે જોડાયેલો ઉત્તરાર્ધ – ‘આજનું શિક્ષણ’ છે. આ બન્નેનો સંબંધ બાંધવો બહુ અઘરી વસ્તુ છે. છતાં યથાશક્તિ પ્રયાસ કરીશ.

ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત કરતાં એ ન ભૂલવું જોઈએ કે ગુજરાત ભારતનો જ એક ભાગ છે. એ ભારત, ૧૮૫૭માં અંગ્રેજોએ સર કરી લીધેલું ભારત નથી કે નથી તો એ અકબર-ઔરંગઝેબ દ્વારા શાસિત ભારત! અશોક-ચંદ્રગુપ્તના સામ્રાજ્યનો વિસ્તાર પણ એ ભારત નથી જ.

એ ભારત તો એ છે કે જેની ત્રણ બાજુએ સાગર અને ઉત્તરે હિમાલય છે, ભૂગોળે જેને વિશેષ એકતા અર્પી છે, વાહન અને રસ્તાઓની સુવિધા વિનાના જમાનામાં જેની ભૂમિ પર અનેકાનેક સંતમહાત્માઓએ પદયાત્રાઓ કરીને એકતા અને અખંડિતતાને પ્રબોધી છે અને એક વૈચારિક આંદોલન ઊભું કર્યું છે એ ભારત અહીં વિવક્ષિત છે. શંકરાચાર્યનું ભારત અહીં અભિપ્રેત છે.

શંકરાચાર્યે શું કર્યું હતું? એમણે કરેલી મઠસ્થાપના આ દેશની એકતા અને અખંડિતતા માટેનો મોટો સાંસ્કૃતિક સંકેત હતો. વિચારવાહક ઉપકરણોના અભાવકાળમાં પણ કોઈ એક જગ્યાએ પ્રકટેલો વિચાર બીજા ભાગમાં પ્રસરી જતો. આ ભૌગોલિક ઘટનાએ જ આ દેશને સર્જ્યો છે, આ દેશ અખંડ રહેવા સર્જાયો છે એના ગમે તેટલા ભાગલા થાય તો પણ એની ચેતના તો અખંડ રહેવા જ નિર્માયેલી છે.

એ ભૂગોળ અને એ ઇતિહાસનો આ દેશ છે. ભૂગોળે ઇતિહાસને આપેલી એકતાએ આખા દેશને એક બનાવ્યો છે. અહીં રાજકર્તાઓ અને પાખંડીઓ આવ્યા અને પુણ્યાત્માઓ પણ આવ્યા. કોઈકે દેશના ભાગલા પાડયા અને કોઈકે એને એકાકાર કર્યો. હજુ આજેય એ પ્રક્રિયા ચાલુ છે. આજેય આપણે એમ નહિ કહી શકીએ કે આપણી સાંગોપાંગ સંસ્કૃતિની દેશને એક બનાવવાની પ્રક્રિયા વિરામ પામી છે. મારી દૃઢ આસ્થા છે કે એ ‘ભારતીય સંસ્કૃતિ’ નામનો એક પદાર્થ છે જ. એનાં લક્ષણો સમજી લેવાં જોઈએ. વેદ-ઉપનિષદોથી માંડી, પુરાણો-મહાકાવ્યોએ અને પ્રાચીન અર્વાચીન પુણ્યાત્માઓ – સંતોએ જે સત્યો પ્રકટાવ્યાં છે તે દ્વારા ભારતીય સંસ્કૃતિને વાચા આપીને મૂર્ત કરી છે. આ બાબતમાં ગુજરાતની અને ભારતની સંસ્કૃતિ વચ્ચે ભેદ પાડવાનું કદાચ ફાવે તેમ નથી. પણ એક બીજા અર્થમાં ‘ગુજરાતનો સંસ્કાર વારસો’ એ શબ્દ ચિત ગણાશે. જેવી રીતે આપણે બધા માણસો તરીકે સમાન હોવા છતાં પ્રત્યેકની દેહાકૃતિ, સ્વભાવ ગત રુચિ – રસ – વલણ વૈવિધ્યપૂર્ણ છે. દરેકની વ્યક્તિમત્તા વિશિષ્ટ છે, તેવી જ રીતે ગુજરાતની પણ એક વિશિષ્ટ વ્યક્તિમત્તા છે.

વર્ષો પહેલાં સ્વ. મુન્શીજીએ “ગુજરાત: એક સાંસ્કૃતિક વ્યક્તિ” નામે લેખ લખ્યો હતો-કોઈને એમાં સંકુચિતતા લાગે. એમણે “ગુજરાતની અસ્મિતા” એવો શબ્દપ્રયોગ પણ કર્યો હતો. ‘અસ્મિતા’ના યોગસૂત્રીય અર્થ કરતાં એમણે એનો ‘સાંસ્કૃતિક વિશિષ્ટતા’ – એવો જુદો અર્થ કર્યો હતો. ગુજરાતની આ સાંસ્કૃતિક વિશિષ્ટતામાં મુન્શીજીને દૃઢ આસ્થા હતી. એવી આસ્થાના ભાગીદાર થઈને આપણે ગુજરાત તરફ નજર કરીશું.

એક સમયે આ ગુજરાત, આનર્ત, સુરાષ્ટ્ર અને લાટ – એમ ત્રણ વિભાગમાં વિભાજિત હતું અને એ ત્રણ ભાગો મળીને ‘ગુજરાત’ થાય એવી એ વખતે કલ્પના ન હતી, ત્રણેય અલગ પ્રદેશો જ હતા. નર્મદા-તાપી વચ્ચેનો પ્રદેશ ‘લાટ’ કહેવાતો, આજે જેને ઉત્તર ગુજરાત કહીએ છીએ, લગભગ તે પ્રદેશ ‘આનર્ત’ને નામે ઓળખાતો અને આજના ‘સૌરાષ્ટ્ર’ને તે વખતે સુરાષ્ટ્ર કહેતા. આ ત્રણ મળીને આખરે ગુજરાત થયું. નવાઈની વાત એ છે કે આમાંના આનર્ત શબ્દનો આનંદશંકરને મતે વ્યુત્પત્તિલભ્ય અર્થ “જ્યાં તુ તપઃપ્રધાન વૈદિક સંસ્કૃતિ – નથી તે પ્રદેશ” એવો થાય છે. આનંદશંકર ધ્રુવની અનુમિત વ્યુત્પત્તિ સાચી હોય તો પણ એ આનર્તમાં કેવી કેવી મોટી વિભૂતિઓ જન્મી છે! ઇતિહાસકાળથી શરૂ કરીએ તો સર્વપ્રથમ હેમચંદ્રાચાર્ય નજરે ચડે છે. ગુજરાતની એ બધી વિભૂતિઓ – સિદ્ધરાજ, આગળ ચાલતાં નરસિંહ મહેતા, મીરાંબાઈ સુધી પહોંચીએ. મીરાં રાજસ્થાનનાં હોવા છતાં ટેસીટોરીના કહેવા મુજબ ગુજરાત, રાજસ્થાન એ સમયે એકાકાર હતાં એ વખતે ગુજરાત “ઓલ્ડ વેસ્ટ રાજસ્થાન ગણાતું. ગુજરાત અલગ ન હતું. એક જ ભાષા બોલાતી. ટેસીટોરીએ એ ભાષાનો અભ્યાસ કર્યો હતો. મારવાડી-ગુજરાતીમાં ઘણા સમાન અંશો છે તો એમાં જન્મેલી મીરાં ગુજરાતી જ ગણાય. મીરાંએ પોતાની ભાષામાં પદો ગાયાં હોવા છતાં ગુજરાતમાં કંઠોપકંઠ ગવાતાં એ પદો ગુજરાતી ભાષામાં રૂપાંતરિત થઈ ગયાં એટલે મીરાં જેટલા રાજસ્થાનનાં તેટલાં જ ગુજરાતનાં પણ સંત-કવિયત્રી છે.

અહીં પાકેલો એક બીજો વિલક્ષણ પુરુષ અખો હતો. એણે અવળીસવળી વાણીમાં ગુજરાતની ક્ષતિઓ અને મર્યાદાઓ પર ચાબખા લગાવ્યા. એણે વહેમ અને આભડછેટ પર ભારે પ્રહારો કર્યા. “એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ” જેવાં અનેક આકરાં વેણથી એણે મૂર્ખતા, વહેમ, આભડછેટ, અંધશ્રદ્ધા વગેરે દૂષણોની ભારે ટંકડી ઊડાડી. આભડછેટને એણે ‘અત્યજની જણી’ કહી અને એ અંત્યજપુત્રીને બ્રાહ્મણ સાથે પરણાવી છે એમ કહ્યું.

આપણા યુગમાં આવતાં આપણે જોઈએ છીએ કે સ્વામી વિવેકાનંદે આપેલા આદર્શો જેવા જ આદર્શો આપણને પ્રેમાનંદના સમકાલીન આ અખાએ આપ્યા છે. પોતાના જમાના કરતાં અખો કેટલો આગળ વધ્યો હતો? છતાં જમાનાએ એનું સાંભળ્યું હોવાનું આપણે નહીં કહી શકીએ પણ એના પ્રહારો પણ જમાનાનો એક સાંસ્કૃતિક વારસો બની રહ્યા!

ચારેબાજુ જોતાં ગુજરાતી પ્રજાની એક વિશેષતા જોવા મળે છે અને તે છે તેનો સહિષ્ણુતાનો સ્વભાવ. એમાં અપવાદો તો હશે પણ સમગ્ર પ્રજાની ઓળખ કરવી હોય તો આખી પ્રજા ખૂબ સહિષ્ણુ, મળતાવડી, હેતાળ અને બાહોશ તથા વિચક્ષણ છે. આપણે આજે પણ જોઈ શકીએ છીએ કે ગુજરાતીઓ આખા જગતમાં વ્યાપી ગયા છે. દુનિયામાં ગમે તે ભાગમાં ગુજરાતીનો ભેટો થવાનો જ. ગુજરાતીની ચેતના એટલી સાહસી છે. ગમે તેવી પરિસ્થિતિમાં એ ઝંપલાવી શકે છે. આ નિડરતા એની વિશેષતા છે. એની બીજી વિશેષતા બાંધછોડ- તડછોડ કરવાની શક્તિની છે. ભલે કોઈ વાર સિદ્ધાન્તને ભોગેય એણે આ મેલમૂક કરી હોય! સ્વ. જહાંગીર સંજાણાએ મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપતાં એમના પહેલા જ વ્યાખ્યાનમાં એમણે ગુજરાતની સંસ્કૃતિને ‘મહાજનની સંસ્કૃતિ’ કહી. અહીં ચાર-પાંચ અગ્રેસરો તેમના ધનને કારણે નહિ, પણ તેમનાં ચારિત્ર્ય, દૃષ્ટિ, સૂઝ, સંયમ વગેરેને લીધે બને છે અને એ અગ્રેસરોનું ઉદાહરણ લઈ આખો સમાજ ગોઠવાય. આંખની શરમ લાગે, એ ગુજરાત છે. અત્યાર સુધી હું અમદાવાદમાં રહ્યો એટલે કહી શકું કે અમદાવાદમાં એવા ત્રણ-ચાર માણસોને જોઈને આખું નગર વર્તતું. આજના અમદાવાદ માટે હું એવું નહિ કહી શકું. આજે તો એની વીસેક લાખની વસ્તીમાં અનેક પ્રજાઓ આવીને સ્થાયી થઈ ગઈ છે અને અનેક ઉદ્યોગો કરે છે. પરન્તુ એક જમાનામાં કસ્તુરભાઈ અને અમૃતલાલ શેઠ શું વિચારે છે એનો બધા ખ્યાલ કરતા; એક જમાનામાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈએ શું કહ્યું, એનો લોકો ખ્યાલ કરતા. અને આમ આખા અમદાવાદનું હૃદય જાણે સંધાયેલું હોય, જાણે અમદાવાદ એક વ્યક્તિ હોય એવો આભાસ કરાવતું એનું નગરજીવન હતું. કારણ કે અમદાવાદમાં મહાજનો હતા. એટલે સંજાણાએ વાસ્તવિક રીતે જ ગુજરાતની સંસ્કૃતિને મહાજનની સંસ્કૃતિ કહી છે.

આ સંસ્કૃતિમાં અખો, દયારામ, પ્રેમાનંદ વગેરે થયા. “યા હોમ કરીને પડો ફતેહ છે આગે.” એવું કહેનાર ક્રાન્તિવીર નર્મદ આ સંસ્કૃતિમાં થયો. આ ‘યા હોમ’ ક્યાં કરવાનો હતો? ક્યો જંગ જીતવાનો હતો? એણે કહ્યું: “વહેમ જવનની સાથ સુધારો નિત્ય લડે છે.” ગુજરાતના જીર્ણશીર્ણ વહેમો સામે એણે યુદ્ધ માંડ્યું હતું. એ બીજો અખો હતો. વિધવાવિવાહની એણે ઘોષણા કરી. જાણે બંગાળના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર! પછી ઈશ્વરચંદ્રના ‘વિધવાવિવાહ’ નામના પુસ્તકનું એક મરાઠી વિદ્વાને મરાઠીમાં ભાષાન્તર કર્યું અને ગુજરાતના લાલશંકર ત્રવાડીએ એને ગુજરાતીમાં ઉતાર્યું, ઓગણીસમા સૈકામાં જ બંગાળમાંથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં એ વિચાર પ્રસરી ગયો! આમ સંસ્કારોનું સંક્રમણ આખા ભારતમાં કેવી રીતે થાય છે, એનું આ ઉદાહરણ છે. આવાં ઉદાહરણો જ ભારતની મૂળભૂત એકતા દર્શાવે છે. તો આ બધા ગુજરાતની સંસ્કૃતિના ઘડવૈયા હતા.

નર્મદાશંકર પછી આપણે ગોવર્ધનરામને કેમ ભૂલી શકીએ? આજ સુધી ગુજરાતની ચેતના પર ગોવર્ધનરામનો પ્રભાવ છે. ભારતના વ્યક્તિત્વને પ્રોજ્જવલ કરવામાં એમનો મોટો ફાળો છે. આજના દોડધામના જમાનામાં સરસ્વતીચંદ્રનાં બે હજાર પાનાં વાંચવાની કોઈને ફુરસદ ભલે ન હોય, ભલે માત્ર પહેલા બે ભાગ લોકો માંડ વાંચતા હોય, ચોથો ભાગ તો વાંચ્યા વિનાનો જ રહી જતો હોય, આમ છતાં જે થોડાક સદ્ભાગી જનો એ વાંચે છે, તે પુણ્યશાળીઓના સંપર્કથી અન્ય જનોને પણ લાભ મળે છે. આમ એકની ચેતના બીજાની ચેતનાને પ્રજ્વલિત કરી દે છે. આમ થાય છે એટલે ગુજરાતના સંસ્કારજીવન પર ગોવર્ધનરામનો જબરો પ્રભાવ છે.

ત્યાર પછી આવે છે મહાત્મા ગાંધી. મહાત્માજી પ્રત્યક્ષ રીતે ૧૯૧૫માં ગુજરાતમાં આવ્યા. અને પછી અમદાવાદમાં આશ્રમ સ્થાપીને આખા ભારતના થઈ ગયા! પછી તેઓ સેવાગ્રામ ગયા પણ આ આશ્રમ તો એમનો જ રહ્યો.

આ બધા ગુજરાતના સપૂતો ઉપરાંત પણ બીજા કેટલા પુણ્યશાળી મહાત્માઓનો પ્રભાવ આપણા ઉપર પડતો રહ્યો છે! રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, લોકમાન્ય ટિળક, રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર – નામ ગણાવું તો કેટલોય વખત વહી જાય! અસંખ્ય મહામાનવો પાસેથી ગુજરાતે જે કંઈ થોડું ઘણું મેળવ્યું છે, એનાથી ગુજરાતની સંસ્કૃતિનું નિર્માણ થયું છે.

‘સંસ્કૃતિ’ શબ્દ ‘સભ્યતા’ કરતાં સહેજ જુદો છે. એના પર પુસ્તકો લખાયાં છે, એની ઝીણવટમાં હું પડીશ નહિ. પણ એક સ્પષ્ટતાનો દાખલો દઈશ. મનુષ્યને કુદરતે હાથ-પગ તો આપ્યા જ હતા પણ હાથ-પગની શક્તિ વધારવા એણે ઓજારો બનાવ્યાં. શક્તિ તો વધી પણ ઓજારો બન્યાં કેવી રીતે? ઓજારો વિચારોથી, પરિસ્થિતિનો તાગ મેળવવાથી, પરિસ્થિતિમાં થોડો ફે૨ફા૨ કરી લેવાથી બન્યાં. આમ વિચારોથી ઓજારો જન્મ્યાં અને ઓજારોએ વિચાર સુઝાડયા. એટલે પૈડાં પર બેઠેલો માણસ આખરે શાહજહાંના મયૂરાસન સુધી પહોંચી ગયો. મૅલૉનાશી કહે છે: ઓજાર અને વિચારની ટકરામણીથી સંસ્કૃતિ જન્મે છે. આ પ્રક્રિયા કદી અટકતી નથી. સંસ્કૃતિનો કદી અંત નથી. ઉન્નતિના એક બિંદુ પર આવતાં જ આગળની સીમાઓ દેખાય છે. વિકાસ તો નિઃસીમ અને અનંત છે, અનંતમાંથી આવેલા આપણો સૌ અનંતના જ યાત્રીઓ છીએ. આ રીતે જોતાં કહી શકીએ એ સંસ્કૃતિ કોઈ એક દિવસની વાત નથી; એ કોઈ એક વ્યક્તિની મિરાત નથી. એ તો જમાનાઓએ તૈયાર કરેલી છે. એમાં આપણા પરિચિત- અપરિચિત સૌનો દીઠો – અણદીઠો ફાળો છે. ઘરમાં બાળકોને પ્રેમ કરી ખવડાવતી પીવડાવતી માતા કે ગૃહિણી પણ સંસ્કૃતિ સર્જે છે. ખૂણાના ગામડામાં અપ્રત્યક્ષ ચાલતી આવી સંસ્કૃતિસર્જક પ્રક્રિયાની ક્યાંય નોંધ નથી લેવાતી. પ્રેમ, પ્રસન્નતા, નૈતિક વાતાવરણમાં ઉછરતાં માનવો સમગ્ર જીવનને લાભ આપે છે. આમ વિચાર અને આચાર બન્નેનું મૂલ્ય સમાન રીતે ખૂબ મોટું છે.

હવે આટલે આવતાં આપણે ગુજરાતનો સાંસ્કૃતિક યુગ જોયો. ઘણા લાંબા સમય પર પથરાયેલ આ વારસો આપણને સૌને મળ્યો છે. આપણે એનું જતન અને સંવર્ધન ક૨વાનું છે. આ સંવર્ધનનું મુખ્ય માધ્યમ શિક્ષણ છે.

(ક્રમશઃ)

Total Views: 307

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.