એક ધનાઢય વણિક ખૂબ ઠાઠથી પ્રભુ પૂજન કરે. ચાંદીનો તાટ, ચાંદીનું તરભાણું, આચમની, કળશ. પ્રભુને કુમ-કુમ અક્ષત્ ચઢાવે પણ ધ્યાન શેરબજારની વધઘટ પર હોય. સામે ગરીબ ભિક્ષુક રહે તે પૂજન કરે અને ગાય.
સબ કુછ દિયા આપને ભેટ ધરું ક્યા નાથ
નમસ્કાર કી ભેટ ધરું જોડું મૈં દોનો હાથ.
પરંતુ એ બે હાથના નમસ્કારમાં સમગ્રતા હોય. તલ્લીનતા હોય. એકરૂપતા હોય. અરે ક્યારેક તો
મસ્તક નમાવવાનો વિનય પણ હું વિસર્યો
તલ્લીનતા જ આખરે પૂજન બની ગઈ.
આવી પૂજા પરમાત્મા પરખે. સ્વીકારે. ભરપૂર ભોજનના થાળને પ્રભુ સ્પર્શે પણ નહિ પરંતુ ભાવથી ભરપૂર ભાજી ભગવાન આરોગે. પૂજન અર્ચનમાં ક્યો, કેવો અને કેટલો અંતરનો ભાવ સમાયો છે તે પારખી ભગવાન ગ્રહણ કરે. ઉતારો આરતી અને ચિત્ત ચૂલામાં કે ધંધામાં હોય તો પરમાત્માની ગેરહાજરી. કોઈ ઠાઠ વગર અંતરના પૂકારથી એકાગ્રતાથી કરેલી પૂજા પરમાત્મા અવશ્ય ગ્રહણ કરે. ભક્ત એનું મન નિર્મળ રાખે, પવિત્રતાથી પૂજા કરે તો અવશ્ય બેડો પાર પડે, મનમાં મલિનતા હોય, કોઈ હેતુસર પૂજા થતી હોય, માગણી મુકાતી હોય તો પરમાત્માની પરખ બહાર એ કેમ રહે? ભગવાન શિવજી આડંબર રહિત હોવાથી એમની પૂજન અર્ચન વિધિ પણ બાહ્ય ઠાઠ માઠથી પર છે. શિવ અભિષેક પ્રિય છે. જળ જેમને પ્રિય છે, એવા સદાશિવ પ્રસન્નતાથી ગ્રહણ કરે છે. જલાધારી શિવમંદિર કાયમ ખુલ્લાં હોય છે. દર્શનાર્થી શિવસ્તુતિ કરી પ્રભુને રીઝવે છે. પ્રભુને બીલીપત્ર ચઢાવવામાં આવે છે. બીલીપત્રની ત્રણ પાંદડીઓ કામ, ક્રોધ, મોહ માનીએ તો એ શિવાર્પણ કરીએ. શિવલિગનું સ્વરૂપ અગ્નિશિખાનું સૂચક છે. અગ્નિશિખા ઊર્ધ્વમુખી છે. ઊર્ધ્વગતિ, ઉન્નતિની પ્રેરણા પ્રદાન કરે છે. અગ્નિ દાહક છે. અજ્ઞાનરૂપી અંધકારને અને અશુદ્ધિઓને બાળીને ભસ્મીભૂત કરે છે. ઉત્તર ભારતમાં શિવ પૂજન અર્ચન યજુર્વેદના મંત્રોના રૂપમાં છે. દક્ષિણ ભારતમાં પ્રચલિત કૃષ્ણ યજુર્વેદના રૂપમાં છે. ભારતની પવિત્ર નદી ગંગા અને નર્મદા બન્ને મહાનદીઓ શિવજીની જટામાંથી ઉદ્ભવી હોવાનું મનાય છે. આથી જ શિવજીની ઉપાસનામાં ગંગાસ્ત્રોત્ર અને નર્મદા-અષ્ટક પૂજન અર્ચન સમયે ગવાય છે. શિવ આદિ ગુરુરૂપે પૂજાય છે. એટલે તોટકાષ્ટક અને નિર્વાણાષ્ટક શિવજીના નિર્ગુણ સ્વરૂપની સ્તુતિ રૂપે બોલાય છે. શિવજીના વાદ્યો પણ જનસમુદાયના છે. મૃદંગ, ડમરૂ, શંખ. સ્વંય બ્રહ્માજી પણ શિવસ્તુતિ કરે છે. આદિ સરળ ભક્તિથી ભક્ત કહે છેઃ ‘“આપ જ મારા માતા, પિતા, બંધુ અને સખા છો. આપ જ વિદ્યા ને ધન. હે દેવાધિદેવ, આપ જ મારું સર્વસ્વ છો. હે દયાસાગર, હાથ, પગ, વાણી, કર્મ કે મનથી જે અપરાધ થયા હોય એ વિહિત હોય કે અવિહિત એ સર્વ માટે હે કરુણાસાગર મહાદેવ, ક્ષમા કરો.”
શુદ્ધ મનથી એકાગ્રતાથી કરેલ પૂજન અર્ચન ગ્રહણ કરવામાં આવશે.
Your Content Goes Here