બ્રાહ્મસમાજના સુપ્રસિદ્ધ તત્ત્વવેત્તા શ્રી કેશવચંદ્ર સેન એક વાર ભગવાન રામકૃષ્ણને મળવા દક્ષિણેશ્વર મંદિરમાં ગયા. થોડી વાર વાત કર્યા પછી તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું:

‘સમજમાં નથી આવતું કે લોકો ચાહે એટલા ભણ્યાગણ્યા હોય તોયે સંસારની માયાજાળમાં ફસાયેલા કેમ રહે છે? તેમનામાં જ્ઞાનનો ઉદય કેમ નથી થતો?’

શ્રીરામકૃષ્ણ બોલ્યા: ‘સમડીઓ આકાશમાં બહુ ઊંચે શુદ્ધ હવામાં ઊડતી હોય છે. પણ સાથે-સાથે જ તેમની નજર નીચે પડેલાં મરેલાં પ્રાણીનાં માંસ તથા હાડકાં પર જ રહે છે.’

‘આપણે ગમે તેટલી ઊંચી જાતનાં પુસ્તકો વાંચીએ, પણ મન તો માયાના વશમાં આવી જાય છે. કેવળ વિદ્યાથી જ્ઞાન મેળવી નથી શકાતું. અનેક પ્રકારનાં આશાનાં બંધનો જ્ઞાનના માર્ગમાં અડચણો ઊભી કરે છે. વિદ્યાથી આપણે ભાષાનું પાંડિત્ય, શુદ્ધ ઉચ્ચાર અને અટક્યા વગ૨ શ્લોકો બોલવાનું પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણી ઇચ્છાઓ આપણા સ્વભાવ પ્રમાણે આપણને ઊંચે કે નીચે લઇ જાય છે. કામિની-કાંચનના પાશમાં આપણે આવી જઈએ તો આપણે ગમે એટલા મોટા પંડિત હોઈએ તોયે કશા કામના ન રહીએ. હા, ખૂબ વાંચી કરીને આપણે મોટાં મોટાં વ્યાખ્યાનો ભલે આપી શકીએ: બ્રહ્મ, પરબ્રહ્મ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, મૂળ પ્રકૃતિ, જીવાત્મા તથા પરમાત્મા વગેરે પારમાર્થિક વિષયો અંગે વાદવિવાદ કરીને આપણે શ્રોતાઓને ચકિત કરી શકીએ, પરંતુ આપણું મન ભક્તિથી દ્રવીને ૫રમાત્મા તરફ ન જાય તો એ સઘળું પાંડિત્ય વ્યર્થ જશે. સા, રે, ગ, મ, પ, ધ, નિ વગેરે સ્વરોનું કેવળ ઉચ્ચારણ કશા કામનું નથી હોતું. સ્વરો લયની સાથે બોલવાથી જ સંગીત પેદા થાય છે. વૈરાગ્ય અને જ્ઞાનની બાબતમાં વ્યાખ્યાન આપવાનું સહેલું હોય છે. તેનું આચરણ ઘણું કઠણ હોય છે.

પંચાંગમાં લખ્યું હોય છે કે અમુક તિથિએ વ૨સાદ પડશે. એ વાત સાચી પણ પડી જાય છે. પણ પંચાંગનાં પાનાં ફાડી તેને નિચોવવાથી કદી વરસાદ વરસી શકે ખરો? એ જ રીતે ધાર્મિક પુસ્તકો વાંચવા માત્રથી સંતુષ્ટ ન રહેતાં આપણે એમાં કહેલી વાતોનું પાલન કરતા થઈ જઈએ, મન સંયમમાં રાખીએ, તો જ ભક્તિ પ્રાપ્ત થઈ શકે.

ઈશ્વરની આગળ ભણેલાઅભણનો ભેદભાવ નથી હોતો. ત્યાં આંધળો પણ જોઈ શકે છે અને મૂગો પણ બોલી પડે છે. લોકો ભાંગ વાટીકરીને પીએ છે ત્યારે નશો ચડે છે. અનેક વાર ભાંગનું નામ લેવાથી નશો પેદા થઈ શકતો નથી. ઈશ્વરનું નામ હજાર વાર જપવાથી કશો લાભ નથી. મનને તટસ્થ રાખીને ધ્યાન કરવાથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે.

નિશાળમાં દીવાલ પર ભારતનો જે નકશો ટાંગ્યો છે તેમાં ‘કાશી’ નામ અને ચિહ્ન જ્યાં લખેલું છે તે જોઈને કોઈ એમ ન કહી શકે કે ‘હું કાશી જઈ આવ્યો છું.’ એ જ રીતે કેવળ શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી કોઈ પણ બ્રહ્મ વિષે ઉપદેશ નહીં કરી શકે.

જેમ ગૂંચવાઈ ગયેલું સૂતર કશા કામનું નથી હોતું તે જ રીતે ભક્તિ, શીલ અને ધ્યાન વિના મેળવેલી વિદ્યા પણ ગૂંચવાઈ ગયેલી અને નકામી હોય છે. વિનયહીન અને ભક્તિહીન વિદ્યાથી અહંકાર વધે છે. હૃદયની એ એટલી બધી જગ્યા રોકી લે છે કે જ્ઞાનને માટે ત્યાં જગ્યા નથી રહેતી.

અહંકાર રાખના ઢગલા જેવો હોય છે. એના પર બુદ્ધિરૂપી પાણી રેડતા જાઓ તોય અહંકારરૂપી રાખ એ બધું પાણી ચૂસી લે છે. એ અહંકારને દૂર કરવાનું એકમાત્ર સાધન ભગવદ્ – ભક્તિ જ છે.

ઈશ્વર પાસે જવાને માટે ધર્મશાસ્ત્રો આપણને રસ્તો બતાવે છે. ભક્તિ, શીલ અને મનનની મદદથી જ આપણે એ માર્ગ પાર કરી શકીએ. કેવળ માર્ગ જાણવાથી જ કોઈ પણ લક્ષ્ય ૫૨ કેવી રીતે પહોંચી શકાય? એ માર્ગ પર ચાલવાથી જ તો ત્યાં પહોંચી શકાય છે.

એક વાર શ્રી ચૈતન્ય પ્રભુ દક્ષિણમાં યાત્રા કરવાને ગયા. એક જગ્યાએ એક પૌરાણિક ભગવદ્ ગીતા વાંચી સંભળાવતો હતો. શ્રોતાઓમાં એક ભક્ત પણ હતો. ગીતાનો એક પણ શ્લોક તે સમજી શકતો નહોતો. પરંતુ એની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. ચૈતન્યદેવે તેને પૂછ્યું: ‘ભાઈ, રડે છે કેમ? ગીતાજીમાં એવું શું છે જેથી તારું મન દ્રવે છે?’

ભક્તે જવાબ આપ્યો: ‘મારા કાનમાં કશી વાત પેસતી નથી. હું તો રથમાં બેઠેલા નરનારાયણને જ જોઈ રહું છું. મારાં આંસુ હું રોકી શકતો નથી.’

આ અભણ ભક્ત પણ સાચો જ્ઞાની છે. કૃષ્ણપરમાત્મા ૫૨ એને જે પ્રેમ છે તે જ વેદવેદાન્તોનો સાર છે.

Total Views: 298

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.