(શિકાગો ખાતે ઈ.સ. ૧૮૯૩માં ભરાયેલ વિશ્વધર્મ મહાસભાને સ્વામી વિવેકાનંદે કરેલ સંબોધનની શતાબ્દીની ઉજવણી પ્રસંગે ૮ ઑક્ટૉબ૨, ૧૯૯૩ના રોજ યોજાયેલ ઉદ્‌ઘાટન સમારંભમાં યુનેસ્કોના ડાયરેક્ટ૨-જન૨લ મિ. ફેડરિકો મેયરે કરેલ સંબોધન)

મહાનુભાવો, સ્વામીજીઓ, બહેનો અને ભાઈઓ,

સ્વામી વિવેકાનંદના જીવન ઉપર આધારિત પ્રદર્શન અને તેમના ઉપર યોજાયેલ પરિષદમાં આપ સૌને આવકારતાં મને અત્યંત આનંદ થાય છે.

સ્વામી વિવેકાનંદના વિચારો, આદર્શો અને સામાજિક સંદેશાઓનાં ઘણાં પાસાંઓ યુનેસ્કો (Unesco) દ્વારા ફ્રાંસમાં યેાજાયેલ તે વિશ્વધર્મમહાસભાની શતાબ્દીની ઉજવણીને યોગ્ય ઠરાવે છે.

એમાંથી સૌપ્રથમ છે વૈશ્વિક્તા અને સહિષ્ણુતા પ્રત્યેની તેમની સમર્પિતતા અને સમગ્ર માનવજાત સાથેની તેમની અસ૨કા૨ક એકરૂપતા. તેમણે વિશ્વધર્મમહાસભાના પ્રતિનિધિ તરીકે જે કહ્યું તેને હું ટાંકું છું: “હું તીવ્રપણે માનું છું કે આ મહાસભાના માનમાં સવારે જે ઘંટ વાગ્યો તે બધા પ્રકારની ધર્માંધતા અને તલવાર કે કલમથી થતા બધા પ્રકારના જુલમોનો મૃત્યુઘંટ નીવડે.” હું ચોક્કસપણે માનું છું કે અહીં હાજર રહેલા સૌ આ ઉચ્ચાભિલાષાની સાથે પૂરેપૂરા સંમત છે, કારણ કે એકાંગીપણા સામેનો સંઘર્ષ અવિરત ચાલુ રહેવો જોઈએ. આજના કાર્યક્રમનાં બધાં પાસાંઓ-પ્રદર્શન, પ્રવચનો અને સંગીતના જાહેર કાર્યક્રમમાં વૈશ્વિકતાનો સૂર અને જુસ્સો સામેલ છે તેની હું સહર્ષ નોંધ લઉં છું.

બીજું, ગરીબો અને પીડિતો માટેની તેમની કાળજી. ભારતમાં તેમણે સ્થાપેલ રામકૃષ્ણ-મિશન કે જે હવે તો સમગ્ર દુનિયામાં ફેલાયેલ છે; તે ગરીબીને ઓછી કરવા અને સમાજના જુદાજુદા સ્તરોના લોકો વચ્ચેની અસમાનતાને દૂર કરવા મથે છે. આ સમસ્યાઓને જડમૂળથી નાબૂદ ક૨વાથી મોટો કોઈ પડકાર આપણી સામે નથી અને હું માનું છું કે આવી રહેલાં વર્ષોમાં શક્ય એટલી બધી જ બિનસરકારી સંસ્થાઓ (NGOS)ની ભાગીદારીમાં યુનાઈટેડ નેશન્સ આ સમસ્યાઓના ઉકેલને એકમાત્ર પ્રાથમિક્તા આપશે.

ત્રીજું, માનવીય વિકાસ માટેનો સ્વામી વિવેકાનંદનો આગ્રહ અને આ વિકાસને મૂર્ત સ્વરૂપ આપવા માટેનાં જરૂરી ઉપકરણો તરીકે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ તરફનો તેમનો અભિગમ. સ્વામીજીના આ વિષેના વિચારો અને યુનેસ્કોની કાર્યપ્રણાલી લગભગ એકમેકમાં મળી જાય છે.

૧૮૯૭માં વિવેકાનંદે સ્થાપેલ રામકૃષ્ણ-મિશનના બંધારણ અને ૧૯૪૫માં સ્થપાયેલા યુનેસ્કોના સંવિધાન વચ્ચેનું સામ્ય જોઈને હું ખરેખર આશ્ચર્ય અનુભવું છું. બંને, વિકાસ માટેના તેમના બધા પ્રયત્નોનાં કેન્દ્રમાં મનુષ્યને રાખે છે. શાંતિ અને લોકશાહી સ્થાપવા માટેની તેમની કાર્યસૂચિમાં બંને સહિષ્ણુતાને પ્રથમ ક્રમે મૂકે છે. સંસ્કૃતિ અને સમાજની વિવિધતાને માનવજાતના સહિયારા વારસા તરીકે બંને માન્ય રાખે છે.

આજનું જગત સંક્રમણના પડકારરૂપ યુગમાંથી પસાર થઈ રહ્યું છે. વંશીય ને આંતર-વર્ગીય અથડામણો તેમજ ધાર્મિક સંઘર્ષો નવી તાકાત સાથે પાછા ફરી તેમનું વરવું સ્વરૂપ બતાવી રહ્યા છે. આજે આપણે ઉજવી રહ્યા છીએ તેવી ઉજવણીઓ આપણને આવા પાશવી બળો સામે ઉત્સાહપૂર્વક નવેસરથી ઝઝૂમવાની શક્તિ આપે છે.

બહેનો અને ભાઈઓ, સ્વામી વિવેકાનંદનો સ્મરણોત્સવ કે જે સ્વામીજીના જીવન અને સંદેશ ઉ૫૨ના પ્રદર્શનથી શરૂ થાય છે, તેનું ઉદ્‌ઘાટન કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું.

ભાષાંતર: ડૉ. ચેતના માંડવિયા

(‘પ્રબુદ્ધ ભારત’, જાન્યુઆરી ’૯૪માંથી સાભાર)

Total Views: 164
By Published On: March 1, 1994Categories: Federico Mayor0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram