૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩નો ઐતિહાસિક દિવસ! શિકાગો વિશ્વધર્મપરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો ઝંડો ફરકી ગયો. સમસ્ત વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યા એ વીર સંન્યાસી સ્વામી વિવેકાનંદ અને જે ભારતને પછાત, અસભ્ય, ધર્મહીન દેશ ગણવામાં આવતો હતો તે જ દેશ સંસ્કૃતિ અને અધ્યાત્મમાં મોખરે ગણાવા લાગ્યો. આ અદ્ભુત પ્રભાવનું રહસ્ય શું છે? કઈ શક્તિએ આ ચમત્કાર સર્જ્યો? સ્વામી વિવેકાનંદજી પોતે આ વિષે શિકાગોથી બીજી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ તેમના મદ્રાસી યુવક શિષ્ય આલાસિંગા પેરુમલને લખેલ પત્રમાં જણાવે છે, ‘ઘણા દબદબા સાથે સંગીત, વિધિ અને ભાષણોથી પરિષદની શરૂઆત થઈ.’ પછી પ્રતિનિધિઓનો એક પછી એક પરિચય કરાવવામાં આવ્યો અને તેમણે આગળ આવીને ભાષણો આપ્યાં. અલબત્ત, મારું હૃદય ધબકવા લાગ્યું હતું અને મારી જીભ લગભગ સુકાઈ ગઈ, હું એવો તો ઢીલો થઈ ગયો કે સવારે તો બોલવાની હિંમત જ કરી શક્યો નહિ. મઝુમદારે સુંદર ભાષણ આપ્યું અને ચક્રવર્તીએ એથી પણ વધુ સુંદર. અને તેમની ખૂબ પ્રશંસા થઈ. તે બધાએ પૂર્વે તૈયારી કરી હતી અને ભાષણો તૈયાર કરી લાવ્યા હતા. હું તો રહ્યો મૂર્ખ એટલે મારી પાસે કશું જ તૈયાર ન હતું. પણ દેવી સરસ્વતીને પ્રણામ કરીને હું આગળ ગયો અને ડૉ. બૅરોઝે મારો પરિચય આપ્યો. મેં એક ટૂંકું ભાષણ આપ્યું, તેમાં એ સભાને ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ!’ તરીકે સંબોધન કર્યું. એ સાથે જ બે મિનિટ સુધી કાન બહેરા કરી મૂકે એવો તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો. ત્યાર બાદ મેં ભાષણ આગળ ચલાવ્યું અને જ્યારે એ પૂરું થયું ત્યારે ઊર્મિના આવેશથી લગભગ લોથપોથ થઈને હું બેસી ગયો. બીજે દિવસે બધાં વર્તમાનપત્રોએ જાહેર કર્યું કે મારું ભાષણ સર્વશ્રેષ્ઠ હતું અને હું આખા અમેરિકામાં જાણીતો થઈ ગયો! મહાન ભાષ્યકાર શ્રીધરે સાચું જ કહ્યું છે કે ‘મૂકં કરોતિ વાચાલં’ અર્થાત ‘જે મૂંગાને વાચાળ બનાવે છે! તેના નામનો જય હો!”10
અહીં સ્વામીજી પોતાની સિદ્ધિનો શ્રેય મા સરસ્વતીને અને ઈશ્વરને આપે છે. અન્યત્ર ઘણી વાર તેઓ પોતાની સફળતાનું શ્રેય શ્રીરામકૃષ્ણદેવને આપે છે. શું તેમના માટે દેવી સરસ્વતી ઈશ્વર અને શ્રીરામકૃષ્ણ એક હતા? આ પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે એ સ્વાભાવિક છે.
અમેરિકાથી પાછા ફર્યા બાદ કલકત્તામાં ભાષણ આપતી વખતે સ્વામીજીએ કહ્યું હતું, “મારા ગુરુદેવ, મારા માલિક, મારા આદર્શ, જીવનમાં મારા ઈશ્વર એવા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ઉલ્લેખ કરીને તમે મારા હૃદયના બીજા ઊંડામાં ઊંડા તારને સ્પર્શ કર્યો છે. વિચારોથી, શબ્દોથી કે કાર્ય દ્વારા મારાથી જે કાંઈ પણ સાધી શકાયું હોય, જો મારા મુખમાંથી દુનિયામાં કોઈને પણ મદદ થાય એવો એક પણ શબ્દ નીકળ્યો હોય, તો તેનો યશ મને નથી. એ બધો યશ તેમને જ છે. પરંતુ જો મારે મોઢેથી કોઈ શાપવાણી નીકળી હોય, જો મારામાંથી કોઈ ધિક્કારની લાગણી બહાર આવી હોય, તો તે બધો દોષ મારો છે, તેમનો નથી.”2
પોતાની જ મુક્તિ માટે તત્પર એવા નરેન્દ્રનાથમાંથી વિશ્વને કાજે સંપૂર્ણ સમર્પિત એવા સ્વામી વિવેકાનંદનું સર્જન કરનારા હતા શ્રીરામકૃષ્ણદેવ. એક વાર શ્રીરામકૃષ્ણદેવે કલકત્તાના કાશીપુરના બગીચામાં નરેન્દ્રનાથને પૂછ્યું હતું, “તારે શું જોઈએ છીએ?” નરેન્દ્રનાથે જવાબ આપ્યો, ‘“હું શુકદેવની જેમ હંમેશાં સમાધિમાં મગ્ન રહેવા માગું છું.” કોઈ પણ ગુરુના હૃદયમાં શિષ્યનો આવો ઉત્તર ગર્વ અને આનંદની લાગણી ઉપજાવે. પણ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, “ધિક્કાર છે તને! હું તો એમ ધારતો હતો કે તું એક વિશાળ વટવૃક્ષ માફક હોઈશ જેની છાયા તળે હજારો લોકો શાંતિ પામશે, પણ તું કેવળ પોતાની જ મુક્તિ માટે લાલાયિત છે.”
એક દિવસ કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવે કાગળના એક ટુકડા પર લખ્યું, “નરેન્દ્ર લોકોને ઉપદેશ આપશે.” નરેન્દ્રનાથે આ વાતનો અસ્વીકાર કર્યો ત્યારે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું “તું નહીં, તારાં હાડકાં જ એ કરશે.” પાછળથી આ વાત સાચી પડી. કૉલેજના એ વિદ્યાર્થી નરેન્દ્રનાથ વિશ્વના ઉપદેશક સ્વામી વિવેકાનંદ બન્યા!
શ્રીરામકૃષ્ણદેવે નરેન્દ્રનાથને ફક્ત પ્રેરણા જ ન આપી અદ્ભુત શક્તિસંચાર પણ કર્યો. સ્વામીજીએ પોતે કાશીપુરના બગીચામાં બનેલ એ શક્તિસંચારની ઘટનાનું વર્ણન કર્યું છે. વાર્તાલાપ કરતી વખતે તેમણે તેમના શિષ્ય શ્રી શરત ચક્રવર્તીને કહ્યું, “તેમણે દેહત્યાગ કર્યો તે પહેલાં બે ત્રણ દિવસ અગાઉ એક વાર મને પોતાની પાસે બોલાવ્યો અને સામે બેસવા કહ્યું; પછી મારી સામે એકી નજરે જોતાં જોતાં સમાધિમાં મગ્ન થયા; તે વેળા મને ખરેખર એમ જ લાગ્યું કે વીજળીનો સંચાર થાય તેમ એક સૂક્ષ્મ શક્તિ મારા શરીરમાં પ્રવેશ કરતી હતી. થોડી વારમાં મારું દુન્યવી ભાન જતું રહ્યું અને હું શાંત બેસી રહ્યો. ક્યાં સુધી હું તે સ્થિતિમાં રહ્યો તે મને યાદ નથી. જ્યારે ભાન આવ્યું ત્યારે મેં શ્રીરામકૃષ્ણને આંસુ સારતા જોયા. મેં જ્યારે એમને પૂછ્યું ત્યારે તેમણે સ્નેહપૂર્વક કહ્યું, “આજે મારું બધું તને આપીને હું ભિખારી બની ગયો છું. આ શક્તિ દ્વારા જગતના કલ્યાણ માટે અનેક કાર્યો કર્યા પછી તું પાછો આવીશ.” મને એમ લાગ્યા કરે છે કે એ જ શક્તિ મારી પાસે સતત આ અગર પેલું કામ કરાવ્યા કરે છે.
કન્યાકુમારીના શિલાખંડ પર ઘ્યાનમગ્ન થઈ સ્વામીજીએ ભારતમાતાની સમસ્યાઓ પરચિંતન કર્યું હતું. પોતાના દેશવાસીઓ માટે આર્થિક સહાય મેળવવા માટે અને સનાતન ધર્મનો પ્રચાર કરવાના ઉદ્દેશથી તેમણે શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવાનો વિચાર કર્યો. તેમના મદ્રાસના શિષ્યોએ આ નિર્ણય વધાવી લીધો અને તેમની યાત્રા માટે ભંડોળ એકઠું કરવાનો પ્રારંભ કરી દીધો, પણ સ્વામીજીના મનમાં શંકા જાગી, “હું પોતાની ઇચ્છાથી તો વિદેશ નથી જઈ રહ્યો ને? નહિ, નહિ, જ્યાં સુધી જગન્માતાની જ ઇચ્છાથી હું જઈ રહ્યો છું એવો સંકેત ના મળે ત્યાં સુધી મારે જવું ન જોઈએ.” તેમણે વિદેશયાત્રાનો વિચાર માંડી વાળ્યો અને તેમની ઇચ્છાથી એકઠું કરેલ ભંડોળનું ગરીબોની વચ્ચે વિતરણ કરવામાં આવ્યું. એક દિવસે રાતના સમયે સ્વામીજીને સંકેત મળી ગયો કે તેમનો વિદેશ જવાનો વિચાર જગન્માતાની ઇચ્છાથી જ થયો છે. તેમણે અર્ધજાગૃત અવસ્થામાં જોયું કે શ્રીરામકૃષ્ણદેવ સાગરના કિનારેથી જળ પર જઈ રહ્યા છે અને તેમને પાછળ-પાછળ આવવા માટે સંકેત કરી રહ્યા છે. આ પછી સ્વામીજીએ પત્ર દ્વારા શ્રીમા શારદાદેવીનો આદેશ માગ્યો. શ્રીમા શારદાદેવીએ વિદેશ જવા માટેની સહર્ષ અનુમતિ આપી અને લખ્યું કે તેમને પણ આ જ પ્રકારનાં દર્શન થયાં હતાં. એટલું જ નહિ, તેમને અન્ય દર્શન પણ થયાં હતાં જેમાં તેમણે શ્રીરામકૃષ્ણદેવને સ્વામીજીના દેહમાં વિલીન થઈ જતા જોયા હતા. શ્રીમા શારદાદેવીને ખાતરી થઈ ગઈ હતી. કે શ્રીરામકૃષ્ણદેવ હવે નરેનના (સ્વામીજીના) દેહના આધારે કાર્ય કરી રહ્યા છે.
વિદેશમાં શ્રીરામકૃષ્ણદેવ સૂક્ષ્મરૂપે તેમની સાથે રહેતા, તેમની સહાય કરતા, એવી પ્રતીતિ સ્વામીજીને વારંવાર થતી. અમેરિકામાં ભાષણ આપતી વખતે તેમને ઈશ્વરીય સહાય મળતી તેનું નિદર્શન સ્વામીજીએ વાર્તાલાપ કરતી વખતે શ્રી શરતચંદ્ર ચક્રવર્તીને આપ્યું હતું, ”જ્યારે શિકાગો કે બીજા શહેરોમાં ભાષણ આપવાની મેં શરૂઆત કરી, ત્યારે દર અઠવાડિયે મારે લગભગ બાર કે પંદર કે કોઈ વાર તેથી ય વધારે ભાષણો આપવાં પડતાં. શરીર અને મનનો આ અતિશય પરિશ્રમ કોઈક વાર મને થકવી નાખતો; વ્યાખ્યાનના વિષયો પણ ખૂટી પડ્યા હોય એમ લાગતું અને બીજા દિવસના વ્યાખ્યાન માટે શો વિષય લેવો તેની ચિંતા રહેતી. નવા વિચારો સદંતર ઓછા થઈ ગયા હોય એમ લાગતું. એક દિવસ ભાષણ કર્યા બાદ હવે પછી બીજું શું કરવું તેનો પડ્યા-પડ્યા હું વિચાર કરતો હતો. વિચારમાં ને વિચારમાં ઝોકું આવી ગયું. તે સ્થિતિમાં જાણે કોઈ મારી પાસે ઊભા-ઊભા ભાષણ કરે છે એ મેં સાંભળ્યું. ઘણા નવા વિચારો અને વિચારસરણી જે મેં મારી જિંદગીમાં કદીય સાંભળી કે વિચારી ન હતી, તે બધું સાંભળ્યું. જાગ્યા પછી જોયું તો મને તે યાદ હતું અને મારા ભાષણમાં મેં બધું કહી સંભળાવ્યું. આવી ઘટના કેટલીવાર બની હશે તે હું કહી શકું તેમ નથી. પણ પથારીમાં પડ્યા-પડ્યા આવાં ભાષણો સાંભળવાનું ઘણી વાર બન્યું છે. કોઈક વાર તો ભાષણો એવા ઉચ્ચ અવાજે ચાલતાં કે બાજુના ખંડના લોકો તે સાંભળતાં અને વળતે દહાડે પૂછતાં. સ્વામીજી! તમે ગઈ કાલે રાત્રે કોની સાથે ઊંચે સાદે વાત કરતા હતા?’ ગમે તેમ કરીને હું તે પ્રશ્ન ઉડાવી દેતો. ઘટના ખરેખર અદ્ભુત હતી.”3
શ્રીરામકૃષ્ણદેવે સ્વામીજીને શક્તિ અર્પી, એટલું જ નહીં પગલે-પગલે તેમની રક્ષા કરી. અમેરિકામાં સ્વામી વિવેકાનંદજીની અભૂતપૂર્વ સફળતાથી કેટલાક કટ્ટર ખ્રિસ્તી મિશનરીઓ છંછેડાઈ ગયા. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા વિષેનો ભ્રામક પ્રચાર હવે તેઓ કરી શકે એમ નહોતા. સ્વામીજીએ સત્યને છતું કરી દીધું હતું. હવે તેઓએ સ્વામીજીના ચારિત્ર્ય વિષે ભ્રામક પ્રચાર શરૂ કર્યો. આ કાર્યમાં સ્વામીજીના કેટલાક ભારતીય મિત્રો પણ ઈર્ષ્યાવશ જોડાયા. પણ રામ રાખે તેને કોણ ચાખે! બધી કસોટીમાંથી, મુશ્કેલીઓમાંથી સ્વામીજી હેમખેમ પસાર થયા. એક વાર તો એક ભોજન સમારંભમાં તેમને કૉફી સાથે ઝેર ભેળવીને આપવામાં આવ્યું હતું પણ તેઓ પીવા ગયા ત્યારે શ્રીરામકૃષ્ણદેવે તેમને દર્શન આપી તેમને ચેતવી દીધા. આમ સ્વામીજીની પ્રાણરક્ષા થઈ.
૧૮૯૭માં જે દિવસે કલકત્તામાં શ્રી બલરામ બોઝના મકાનમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના માટે બેઠક બોલાવવામાં આવી તે દિવસે સ્વામીજીના ગુરુભાઈ સ્વામી યોગાનંદજીએ પ્રશ્ન પૂછ્યો, “આ બધું તમે પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે કરો છે, તમે કહી શકશો કે શ્રીરામકૃષ્ણદેવ આવી કંઈ સૂચના આપતા ગયા છે?” તેના જવાબમાં સ્વામીજીએ જણાવ્યું, “આ બધું શ્રીરામકૃષ્ણની પદ્ધતિ પ્રમાણે નથી થતું એમ તમે કેવી રીતે જાણો છો? તેમની ભાવના અનંતગણી વિશાળ હતી… આ જીવનમાં વારંવાર મને તેમની કૃપાની ખાતરી મળતી રહી છે. તેઓ પાછળ ઊભા રહી બધું કાર્ય મારી પાસે કરાવે છે. નિરાધાર સ્થિતિમાં ભૂખથી પીડાતો જ્યારે હું એક ઝાડ નીચે પડ્યો હતો, જ્યારે લંગોટી માટે મારી પાસે કપડાનો એક ટુકડો પણ નહતો અને મારી પાસે એક પાઈ પણ રાખ્યા વિના મેં દુનિયાના પરિભ્રમણની પ્રતિજ્ઞા લીધી, ત્યારે પણ શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી સર્વ પ્રકારની સહાય મને મળી રહી હતી. વળી આ વિવેકાનંદને જોવા માટે શિકાગોની શેરીઓમાં હૈયે હૈયુ દળાય તેટલાં માણસો ઊભરાતાં હતાં. ત્યારે, જે સન્માનનો સોમો ભાગ પણ બીજા સામાન્ય માણસને તો ગાંડો જ બનાવી દે એવું સન્માન હું મુશ્કેલી વિના પચાવી શક્યો તેનું કારણ ? કારણ તેમની કૃપા ! અને તેમની કૃપાને લીધે જ સર્વત્ર વિજય પ્રાપ્ત થયો.” આ વાર્તાલાપના પ્રસંગમાં સ્વામીજીએ એક અદ્ભુત ઉક્તિ ઉચ્ચારી, “તેમની કરુણાપૂર્ણ આંખોની એક જ દૃષ્ટિથી હજારો વિવેકાનંદ ઉત્પન્ન થાય! તેમ ન કરતાં, આ વખતે તેમણે મને એકલાને સાધન બનાવી કાર્ય કરવવાનું પસંદ કર્યું છે. તમે જ કહો, એમાં હું શું કરી શકું.”4
શ્રીરામકૃષ્ણદેવ વિશેની એક અદ્ભુત વાત સ્વામીજીએ કરી હતી, “શ્રીરામકૃષ્ણ એક લાંબો શ્વેત તાંતણો પોતાના દેહમાંથી બહાર નીકળતો જોતા. એને છેડે તેજનો રાશિ હોય. આ રાશિ ઉઘડતો; અને એમાં તેઓ વીણાધારિણી જગદંબાને જોતા. પછી જગદંબા વીણા વગાડવાનું શરૂ કરતાં અને એ વીણાવાદન દરમ્યાન એ જોતા કે એનું સંગીત પક્ષીઓ અને પશુઓ તથા અનેક જગતોમાં પરિવર્તન પામી રહ્યું છે અને એ બધાં વ્યવસ્થિત ગોઠવાઈ રહ્યાં છે. પછી જગદંબા વીણા વાદન અટકાવી દેતાં, એટલે આ બધું અલોપ થઈ જતું. પ્રકાશ ધીમેધીમે ઝાંખો થઈને કેવળ તેજોમય રાશિ બની જતો. તાંતણો ટૂંકો થતો જતો અને ફરીથી એ બધું શ્રીરામકૃષ્ણના દેહમાં સમાઈ જતું.”
સ્વામીજીની અદ્ભુત વાણી-શક્તિની કારણ સ્વરૂપ હતી-વીણાધારિણીની શક્તિ, શ્રીરામકૃષ્ણદેવની શક્તિ અને સ્વામીજીની દૃષ્ટિમાં શ્રીરામકૃષ્ણ જ વીણાધારિણી હતા અને વાણીસ્વરૂપ હતા. એટલે જ શ્રીરામકૃષ્ણદેવ વિશેના તેમના કાવ્યમાં તેઓ લખે છે:
“મારા પ્રભુજી, વળી પ્રાણ-સખા તમે છો,
છો આપ હું, વળી હું આપ છું, એમ દેખું;
વાણી તમે, ધરી વીણા મમ કંઠ રહેજો,
છે સર્વ નારી નર આપ તણા તરંગો.
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૧૪મીમાર્ચ-૯૪) પ્રસંગે તેમનાં ચરણકમલમાં પ્રાર્થના કે વાગ્વાદિની સ્વરૂપે સૌને શુદ્ધ જ્ઞાન અર્પે.
સંદર્ભ:
૧ સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક ૧૧, દ્વિતીય સંસ્કરણ (૧૯૮૪) પૃ. ૨૦૬-૨૦૭
૨. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક ૪ દ્વિતીય સંસ્ક૨ણ (૧૯૭૯) પૃ ૧૮૨
૩. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક ૧૦, દ્વિતીય સંસ્કરણ (૧૯૮૩) પૃ. ૩૦૨-૩૦૩
૪. એજન પૃ. ૨૬૦
Your Content Goes Here