કોઈપણ વ્યવસ્થાતંત્રની સફળતા માટે ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિક સંચાલનની જરૂરિયાત રહે છે. વર્તમાન સમયમાં ધંધા-વ્યવસાયને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં આવેલ છે એ સંજોગોમાં વ્યવસ્થાતંત્રને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ અંગે મોટાભાગની કંપનીઓ કર્મચારીઓની કાર્યક્ષમતા દ્વારા જુદા જુદા પ્રકારના પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કરે છે. તાજેતરમાં ઘણી કંપનીઓ માનવ સંશોધન વિકાસની કેટલીક પદ્ધતિઓ અમલમાં મૂકી, માનવ – કાર્યક્ષમતા વધારવા માટે પ્રયાસો કરી રહી છે, આમ છતાં સમગ્ર વિશ્વમાં વ્યવસ્થાતંત્રનાં વહીવટ અને સંચાલનમાં ઘણી ખામીઓ જોવા મળે છે.

આપણા દેશ પાસે ખૂબ જ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો રહેલો છે. આપણા વેદાન્ત સિદ્ધાંતો અને ગીતાનો ઉપદેશ વર્તમાન સમયમાં ઉદ્યોગોનાં સંચાલન અને વહીવટની સફળતા માટે ઉપયોગી બને તેમ છે. માત્ર જરૂર છે આ પ્રકારનાં મૂલ્યોનો અમલ કરવાની.

આપણા દેશમાં ઋષિમુનિઓ દ્વારા સત્યની શોધ માટે તથા માનવ ઉત્થાન માટે કેટલાંક સનાતન સત્યોની વ્યવસ્થિત રીતે શોધ કરવામાં આવી છે પણ આપણે આપણા ધંધા-વ્યવસાયમાં આ સનાતન સત્યોનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શક્યા નથી. પરિણામે ‘માનવ-મૂલ્યો’ને વહીવટમાં ખાસ સ્થાન આપવામાં આવ્યું નથી.

ભારતમાં સૌથી પ્રથમ માર્ચ ૧૫, ૧૯૬૫ના રોજ મધ્યસ્થ સરકાર તથા ગાંધિયન ઈન્સ્ટિટયુટ ઑફ સ્ટડીઝ દ્વારા વ્યાપાર-ઉદ્યોગ ધંધાની સામાજિક જવાબદારી (Social Responsibilities of Business) અંગે દિલ્હી ખાતે એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંતો તથા વ્યાપાર-ધંધાની જુદા જુદા પ્રકારની સામાજિક જવાબદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ‘On Ethics and Economics’ By Amartya Sen, તથા ‘Of value and discpiline’ By Dr. D. K. Ghosh, તથા પ્રૉ. એસ. કે. ચક્રવર્તી દ્વારા સારાં પુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે.

તાજેતરમાં જે. આર. ડી. તાતા દ્વારા જમશેદપુર ખાતેની ઝેવિયર્સ લેબર રીલેશન ઈન્સ્ટિટયુટને Business Ethics વિષય માટે રૂ. ૨૫ લાખનું દાન આપી આ દિશામાં વિકાસ થાય તેવા પ્રયત્નો થયા છે. આ જ પ્રમાણે મુંબઈ યુનિવર્સિટીમાં પણ Business Ethicsનો વિષય અભ્યાસક્રમમાં દાખલ થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.

ભારતીય વિદ્યા ભવન દ્વારા સ્વામીશ્રી રંગનાથાનંદજી દ્વારા ‘Human Values in Management’ નામનું એક સુંદર પુસ્તક પણ તૈયાર કરવામાં આવ્યું છે.

આમ મૅનૅજમૅન્ટમાં વધતાં જતાં ‘માનવ મૂલ્યો’ની દિશામાં આપણા દેશમાં સામાન્ય શરૂઆત થઈ ચૂકી છે. અને આ દિશામાં આગળ વધવાના એક પ્રયાસરૂપે તાજેતરમાં સ્વામી શ્રી જિતાત્માનંદજી દ્વારા ‘Indian Ethos for Modern Management’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં આધુનિક મૅનૅજમૅન્ટ માટે ભારતીય મૂલ્યો કઈ રીતે અમલમાં મૂકી શકાય તે અંગે ખૂબ જ ઉત્તમ રીતે છણાવટ કરવામાં આવી છે.

સ્વામીશ્રી જિતાત્માનંદજી દ્વારા લખાયેલ આ પુસ્તકમાં કુલ ૧૯ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ભારતીય વહીવટમાં ‘મૂલ્યો’નું મહત્ત્વ તથા મૅનૅજમૅન્ટની આધુનિક વિચારસરણીઓ તથા મૅનૅજમૅન્ટમાં વેદાન્તનાં સિદ્ધાંતોનું પાલન વગેરે બાબતો અંગે છણાવટ કરવામાં આવી છે. આ ઉપરાંત સાત્ત્વિક નેતાગીરી માટે ‘મૂલ્યો’ કઈ રીતે ઉપયોગી બને છે, નેતાગીરી નિષ્ફળ ક્યાં કારણોથી થાય છે વગેરે બાબતો સમજાવવામાં આવી છે.

કોઈપણ વ્યવસ્થાતંત્રમાં હરીફાઈ, સહકાર, સ્વતંત્રતા અને સતત સંશોધનની જરૂર છે. આ બાબતો અંગે વ્યવસ્થિત રીતે સમજ આપવામાં આવી છે. અને છેલ્લાં ચાર પ્રકરણોમાં કંપનીઓમાં સંસ્કાર, આત્મજ્ઞાન, ગીતા ઉપદેશ, સંચાલનમાં નેતાગીરીનાં લક્ષણો અને ભારતીય વહીવટમાં ‘મૂલ્યો’ અંગેનાં મહત્ત્વના સિદ્ધાંતોનું વર્ણન કરેલ છે.

ભારતીય ‘મૂલ્યો’ આપણે એટલા માટે સ્વીકા૨વાં જોઈએ કે તેના ટકાઉપણા વિષે કોઈ શંકા નથી. વેદના સમયથી એટલે કે ચાર હજાર વર્ષો પહેલાંથી ભારતમાં અમુક ‘શાશ્વત મૂલ્યો’ સ્થિર થયાં છે. વેદાન્તના સમયથી ભારતીય પ્રજાએ બે મહત્ત્વના સિદ્ધાંતો શોધી કાઢ્યા છે: એક આપણા શરીરમાં આત્માની ખોજ અને બીજી મહત્ત્વની બાબત જીવનની એકાત્મકતા.

માનવીએ કાર્ય શા માટે કરવું જોઈએ? આ બાબત સમજાવતાં સ્વામીશ્રી જણાવે છે કે કાર્યનો મુખ્ય ઉદ્દેશ જિંદગીમાં સત્યની શોધ અને આનંદ છે પણ આ આનંદમાં કર્મયોગીનો આનંદ જ મહત્ત્વનો ગણવામાં આવે છે. ભારતમાં જે કાર્ય થાય છે તેમાં તેનો આધાર ‘હોલિસ્ટિક વિજ્ઞાન’ પર રહેલો છે. ભારતીય કાર્યની બાબતમાં એમ સ્વીકારેલ છે દરેક પ્રકારનાં કાર્યો અન્યના માટે તથા લાખો લોકોને ઉપયોગી થાય તે માટે કરવાનાં છે. આ દૃષ્ટિ ઈશાવાસ્ય ઉપનિષદમાં નીચે મુજબ સમજાવે છે:

ઈશાવાસ્યમિદં સર્વમ્ યત્ કિંચ જગત્યાં જગત્।
તેન ત્યકતેન ભૂંજીથાઃ મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્।।

હોલિસ્ટિક વિચારો જુદા જુદા ધર્મોમાં કઈ રીતે દર્શાવવામાં આવ્યા છે તે અંગે પણ ખૂબ વ્યવસ્થિત છણાવટ કરવામાં આવી છે. જૈનધર્મમાં મૈત્રીભાવ, કરુણાભાવ, તટસ્થતા તથા બુદ્ધના સિદ્ધાંત મુજબ ‘બહુજન હિતાયઃ બહુજન સુખાય’ અને તે જ રીતે ખ્રિસ્તી ધર્મમાં ‘હું અને મારા પિતા એક જ છે.’ આ જ પ્રમાણે અન્ય ધર્મો પણ માનવી માટે એક સમાન બાબત જ કહે છે. આમ બધાં જ નૈતિક મૂલ્યો, સત્યો વેદાન્તના મધ્યવર્તી વિચાર જિંદગીની અખંડિતતા પર રચાયેલાં છે.

સ્વઅંકુશ અને સાચી દિશાનાં પગલાંથી જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જે કાંઈ પગલાં લેવામાં આવે તેમાં ઘણા બધાનું કલ્યાણ થતું હોય તો તે સાચી દિશાનું પગલું છે. ચાણક્ય દ્વારા આ બાબત સિદ્ધ કરવામાં આવી હતી.

વર્તમાન ધંધાકીય સંચાલનમાં માનવીને કાર્ય કરતા કરવા માટે ‘ભારતીય મૂલ્યો’ (Indian Ethos)નાં તત્ત્વોનો ઉપયોગ કરવો જોઈએ. મુંડકોપનિષદ્માં જણાવવામાં આવ્યું છે તે મુજબ માનવીએ આંતરિક તેમજ બાહ્ય એમ બંને તત્ત્વોમાં સફળતા મેળવવી જોઈએ.

ભારતમાં ભારતીય મૂલ્યો કેટલે અંશે વ્યવહારમાં મૂકવામાં આવ્યાં છે? આ અંગે સ્વામીશ્રી જિતાત્માનંદજીએ જણાવેલ છે કે ભારતીય મૂલ્યોનું પાલન કરનાર તાતા ગ્રુપ જેવી કંપનીઓ અસ્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત જે શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મૂલ્યો’નું પાલન થાય છે તે સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. જ્યાં આ સિદ્ધાંતોનું પાલન થતું નથી તેનો વિકાસ અટકી ગયો છે. આપણા દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો વિકાસ પામ્યા પણ લાંચ-રુશ્વત અને સ્વાર્થી નેતાગીરીના કારણે ડૂબી ગયા. તેનાથી વિરુદ્ધ આપણા ઉત્તમ વૈજ્ઞાનિકોએ અણુ-વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરી.

આમ વિકાસના તબક્કામાં પણ ‘મૂલ્યો’ની જાળવણી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. અશોક જેવા રાજાએ બુદ્ધના સિદ્ધાંતોનું પાલન કર્યું જ્યારે સુભાષચંદ્ર બોઝની સફળતામાં સ્વામી વિવેકાનંદનો સંદેશો પ્રેરણારૂપ હતો. ભારતમાં મહાત્મા ગાંધીજીએ આઝાદી અપાવી અને સમસ્ત વિશ્વને બલિદાન અને અહિંસાનો પદાર્થપાઠ શીખવ્યો. આ બધી બાબતોમાં ‘ભારતીય મૂલ્યો’નું મહત્ત્વ રહેલું છે.

પશ્ચિમના વહીવટ અંગેના સિદ્ધાંતો પીટર ડ્રકરે સમજાવેલ છે તે મુજબ અસ્તિત્વ, વિકાસ અને નફાકારકતા, આ બાબત મહત્ત્વની ગણવામાં આવે છે. જ્યારે ટૉમ પીટર દ્વારા લખાયેલ ‘In Search of Excellence’માં નીચેનાં મૂલ્યો જણાવવામાં આવ્યાં હતાં:

૧. ઉતમત્તા, ૨. કાર્ય-પાલન, ૩. માનવનું મહત્ત્વ, ૪. ગુણવત્તા, ૫. સંશોધન, ૬. ઔપચારિક માહિતીસંચાર અને ૭. આર્થિક વિકાસ અને નફો.

આ પુસ્તકમાં ‘Excellence’ માટે ઉપર મુજબમાં મુખ્ય તત્ત્વો જણાવવામાં આવ્યાં હતાં પણ પ્રામાણિકતા, એકરૂપતા, સત્યતા, ભ્રાતૃભાવ વગેરે જેવાં ‘મૂલ્યો’નો કોઈ ઉલ્લેખ ન હતો.

વર્તમાન પાશ્ચાત્ય દેશોની સંચાલન પદ્ધતિથી સંતોષની માત્રામાં વધારો કરી શકાય? આ પ્રશ્ન અત્યંત મહત્ત્વનો છે. અર્નોલ્ડ જે. ટૉયન્બી આ બાબત અંગે પ્રશ્નાર્થ મૂકે છે. તેમના અભિપ્રાય મુજબ ટેક્નૉલોજી અને વૈજ્ઞાનિક સંચાલનના વિકાસની સાથે-સાથે કર્મચારીઓનું શોષણ થવાની પણ શક્યતા રહેલી છે.

“એશિયન ડ્રામા” નામના પુસ્તકમાં ગુન્નાર મીર્ડાલ દ્વારા એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે ભારતની ગરીબીનું મુખ્ય કારણ લોકોની આળસ છે. વર્તમાન ગરીબીનાં કારણોમાં ભૂતકાળનાં કર્મોને જવાબદાર ગણવામાં આવે છે તેથી વર્તમાનની જે સ્થિતિ છે તેમાં સુધારા કરવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી. સ્વામી વિવેકાનંદ દ્વારા કર્મની ફિલસૂફીને જુદા સ્વરૂપમાં સમજાવવામાં આવી. સ્વામી વિવેકાનંદે જણાવ્યું કે બળવાન બનવું તે જ મહત્ત્વની બાબત છે. ખરાબ કર્મો બદલવા સારાં કર્મો કરવાં જરૂરી છે. તેમણે જણાવ્યું કે વહીવટ કે સંચાલનમાં પણ આધ્યાત્મિકતા અત્યંત જરૂરી બાબત છે.

વહીવટ અને સંચાલનમાં ‘ભારતીય મૂલ્યો’ને દાખલ કરવામાં આવે તો તેનાથી શક્તિ, સફળતા અવશ્ય મેળવી શકાય છે. આ ઉપરાંત મહાન નેતાઓ તૈયાર કરવા માટે પણ “ભારતીય મૂલ્યો” જરૂરી છે.

અપ્રામાણિક નેતાઓ શા માટે નિષ્ફળ જાય છે? આ વાત દુર્યોધન અને અર્જુનનો દાખલો આપી સમજાવવામાં આવી છે. દુર્યોધન તથા અર્જુન બંને પક્ષે લગભગ સમાન શક્તિઓ હતી છતાં પણ દુર્યોધનનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિગત લાભ મેળવવાનો હતો જ્યારે અર્જુનનો મુખ્ય ઉદ્દેશ સામાજિક ન્યાયનો હતો. યુદ્ધ પહેલાં ગાંધારીએ જણાવ્યું હતું કે માત્ર સ્વાર્થમયહેતુ માટે કોઈ રાજ્ય જીતી શકે નહીં અને જો જીતવામાં આવે તો પણ તેને જાળવી શકાય નહીં અને રાજ્ય પ્રાપ્તિનો આનંદ માણી શકાય નહીં. આમ નિઃસ્વાર્થપણું એ મહત્ત્વની બાબત બની જાય છે.

વ્યવસ્થાતંત્રનાં સંચાલનમાં ધંધાદારી કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય જ છે. તંદુરસ્ત હરીફાઈ દ્વારા જ સફળતા મેળવી શકાય છે. પણ વેદાન્તના સિદ્ધાંત મુજબ હરીફાઈના બદલે સહકારને સ્થાન આપવાની જરૂરિયાત છે. ગીતાના ત્રીજા અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે તેમ પરસ્પર ભાવયન્તઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ ‘એકબીજાના સાથ અને સહકારથી જ કલ્યાણ પ્રાપ્ત થઈ શકે.’

વધુ પડતી હરીફાઈના કારણે સામાજિક અસમાનતા ઊભી થાય છે. ગળાકાપ હરીફાઈના કારણે નીતિમત્તાના બધા જ સિદ્ધાંતોનું ઉલ્લંઘન થાય છે તેના પરિણામે ‘નશીલી દવાઓનું સેવન, માનસિક તાણ, અનીતિમય જીવન અને અકાળે મૃત્યુ જોવા મળે છે.’

ખૂબ જ સારા સંબંધો માટે કંપનીમાં ચોક્કસ પ્રકારના સંસ્કારો વિકસાવવા જોઈએ. ભારતમાં હવે ઘણી કંપનીઓ કામની શરૂઆતમાં તથા અંતે પ્રાર્થના કરે છે અને ઓછામાં ઓછું ઘર્ષણ થાય તેવા પ્રયત્નો કરી રહી છે.

ધંધાકીય સંચાલન એ સહેલી બાબત નથી. તેના સતત વિકાસ માટે ઉત્તમ નેતાગીરી હોવી જોઈએ અને નેતાગીરીમાં નીચે મુજબના ખાસ ગુણો હોવા જરૂરી છે:

૧. દૃષ્ટિ, ૨. ઉત્સાહ, ૩. સ્વયં-શક્તિ, ૪. ઉત્તમ વ્યક્તિઓને પ્રોત્સાહન, ૫. માનસિક સમતુલા, ૬. હેતુ તરફ લક્ષ્ય, ૭. વિરુદ્ધ પરિસ્થિતિ સામે મજબૂત વલણ, ૮. દરેક પ્રત્યે માનની લાગણી, ૯. બલિદાનની ભાવના, ૧૦. ઉત્તમ કાર્ય-વ્યવસ્થા અને ૧૧. કંપનીમાં કુટુંબની ભાવના અંગેનાં સંસ્કારો.

આમ આ પુસ્તક મૅનૅજમૅન્ટના વિચારકો તથા કંપનીના મૅનજરો તથા મૅનૅજમૅન્ટના વિદ્યાર્થીઓ માટે ઘણું જ ઉપયોગી પુસ્તક કહી શકાય. સ્વામીશ્રી જિતાત્માનંદજીએ ઘણોજ પરિશ્રમ ઉઠાવીને આ પુસ્તક તૈયાર કરેલ છે જે માત્ર ધંધાકીય સંચાલન માટે જ નહીં પણ વ્યાવહારિક જીવન માટે ઉપયોગી છે.

*

Indian Ethos for Modern Management

લેખક: સ્વામી શ્રી જિતાત્માનંદજી; પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; આવૃત્તિ: પ્રથમ, આવૃત્તિ: ૧૯૯૨, ભાષા: અંગ્રેજી, કિંમત: રૂ. ૨૫.

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.