(ગતાંકથી ચાલુ)

(૯મી ઑગસ્ટ૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)

કોઈપણ પ્રજાની સાંસ્કૃતિક અભીપ્સાઓ, સાંસ્કૃતિક ચેતના, સાંસ્કૃતિક સમૃદ્ધિ વગેરેના વાહકો શિક્ષકો છે. ભલે એ કેવળ ઇતિહાસ, ભૂગોળ, ગણિત કે વિજ્ઞાન જ ભણાવતા હોય, પણ એ બધા વિષયો સંસ્કારજીવનનાં નિમિત્તો છે. વિદ્યાર્થીઓ રુચિ મુજબ વિષય પસંદ કરે. પણ પામે છે તો જીવન જ. વિષય તો નિમિત્ત છે. આ જીવન પામતો વિદ્યાર્થી સાથોસાથ એને ભણાવનારા શિક્ષકનું ચારિત્ર્ય અને એનો સ્વભાવ પણ સહજ રીતે પામતો રહે છે. બાળક જેમ પોતાને ખવડાવતી-પીવડાવતી માતાના સ્વભાવ ને વર્તનને પણ અન્નગ્રહણની સાથે પામે છે, તે જ રીતે ગમે તે વિષય ભણાવતા શિક્ષકનું વર્તન પણ વિદ્યાર્થી વિષયગ્રહણની સાથોસાથ પામતો રહે છે. સંસ્કૃતમાં અવળવાણીવાળું એક સુભાષિત છે:

ચિત્રં વટતરોર્મૂલે વૃદ્ધાઃ શિષ્યા ગુરુર્યુવા।
ગુરોસ્તુ મૌનું વ્યાખ્યાનં શિષ્યાસ્તુ છિન્નસંશયાઃ।।

-‘નવાઈની વાત છે કે વટવૃક્ષના મૂળમાં વૃદ્ધ શિષ્યો અને યુવાન ગુરુ બેઠા છે. વળી મૌન જ ગુરુનું વ્યાખ્યાન છે, છતાં શિષ્યોના સંશયો દૂર થાય છે!’ એનો ગર્ભિત અર્થ એ છે કે “વિશાળ જ્ઞાનવૃક્ષના મૂળે સદા નૂતનવિચારોનું સ્વાગત કરતા, સારાસાર વિવેકસંપન્ન, સારગ્રાહક, અસારપરિત્યાગી ચિત્તવાળા ગુરુ જ યુવાન છે, શારીરિક ઉંમર સાથે એને નિસ્બત નથી અને જરઠ-બુઠ્ઠી ચેતનાવાળા શિષ્યો જ વૃદ્ઘ છે. ભલે તેઓ શરીરે નાના હોય. એવા યુવા ગુરુના સંપર્કમાં આવતાં જ ગુરુના નેત્રોમાંથી નીતરતા નિર્મળ ચારિત્ર્ય – પ્રભાવે કશાય બહારી ભાષણ વગર જ શિષ્યના સંશયો છેદાઈ ગયા! ગાંધીજી માટે કહેવાય છે કે ઘણા માણસો ઘણા પ્રશ્નો લઈને આવતા હતા પણ તેમને જોઈને જ પછી પ્રશ્નો પૂછવાની જરૂર રહેતી નહિ. આંખ ફરતાં આખો માણસ જ ફેરવાઈ જતો.

વિવેકાનંદ, રાખાલ વગેરે પણ એમ જોતાંવેંત જ બદલાઈ ગયા હતા! ‘હું તને શોધતો હતો’ – એટલું કહેવું બસ હતું. માણસની ઉંમર વગેરે બાહ્ય પરિવેશ સંપૂર્ણ નથી. માણસ બાહ્ય છે, એ કરતાં ભીતર વિશેષ છે. અને ભીતરના માણસની શક્યતાઓ અનંત છે. દરેકે દરેક માણસની શક્યતાઓ અનંત છે. વૈજ્ઞાનિકો કહે છે કે માણસને પ્રકટ થવા માટેની જે શક્યતાઓ મળી છે, એનો બે સપ્તમાંશ ભાગ જ એ વાપરે છે અને એટલો જ ભાગ વાપરવાથી પણ આખી દુનિયામાં આટલું પરિવર્તન થયું છે. બાકીનો ભાગ વાપરે તો દુનિયા કેવી બને? મૅક્સિમ ગૉર્કીએ ગાયું હતું: “હે ઈશ, તેં તો એને અગનબોડમાં ફેંકી હતી કો ડુંગરસમી, પણ મેં માણસે – એને કેવી બનાવી છે!” હજુ તો શક્તિના ઘણા-ઘણા અંશો બાકી છે. માણસ એ વાપરે તો દુનિયા કેવી થાય? પણ આપણું આળસુ ચિત્ત એ ભીતરની શક્તિઓને પ્રકટ થવા દેતું નથી. એમાં થોડોક આત્મસંરક્ષણ માટેનો ભય પણ છે. પણ ‘મારું શું થશે’ એવા ભયને છોડી માણસ એ શક્તિઓને બહાર કાઢે તો એ મોટો વૈજ્ઞાનિક, સંત કે મોટો સત્તાધારી, કે રાષ્ટ્રવિધાયક બને.

દરેકમાં આ તત્ત્વ પડેલું છે. માત્ર બહાર કાઢવાની જ આળસ છે. આ વાત પર ‘હોલિસ્ટિક લાઈફ’માં સ્વામી વિવેકાનંદે ખૂબ જ ભાર મૂક્યો છે. શિક્ષકો આ અંદર પડેલ ચૈતન્યને બહાર કાઢવાનાં માધ્યમો છે. આ સમજીએ તો શિક્ષકોના કાર્યનું મૂલ્ય આપણને સમજાશે. રાષ્ટ્રને અને સમાજને આ આવડવું જોઈએ અને શિક્ષકે પણ સમજવું જોઈએ કે પોતે ચૈતન્યનો માળી છે, પોતે આચાર્ય છે. એનું આચરણ દૃષ્ટાન્તરૂપ હોવું જોઈએ. આ આચાર્યે ખૂબ જાગ્રત અને સાવધ રહેવું પડે છે. એણે પેલા અવળવાણીવાળા શ્લોકનો મર્મ પિછાણી લેવો જોઈએ. ગુરુની જીભ નહિ, પણ એનું આચરણ જ બોલે છે. જીભની જરૂર વગર આચરણને વાણી ફૂટે ત્યારે ચમત્કારપૂર્ણ આનંદ થાય છે અને એવો શિક્ષક વર્ગમાં જીભનો ઉપયોગ કરીને ભણાવે, સરસ પાઠ લે ત્યારે વિદ્યાર્થીઓની આંખમાં મૌન-મૂક અનોખી ચમક આવે છે. બસ, શિક્ષક માટે આનાથી મોટું કોઈજ વળતર નથી. ત્યાં પગારની કે બીજા કશાની કોઈ કિંમત રહેતી નથી.

શિક્ષકે આ બાબત પોતાની જાતને પૂછવી જોઈએ. કાગળ પર લખવાનો આ ઉત્તર નથી. બાકી અસંતોષને તો કોઈ આરોવારો નથી. બધું મળીને ત્રીસ હજાર કરમુક્ત માસિક પગાર મેળવતા આપણા ઉઠાવગીર પાયલોટો પણ ફરિયાદો કરે છે કે આટલામાં અમારું પૂરું થતું નથી!!! એમનું કામ બીજો કોઈ કરી શકવાનું નથી એટલે આટલો તગડો પગાર હોવા છતાં એ વધુ કિંમત માગે છે! તેઓ આનંદ માગતા નથી, વસ્તુ માગે છે. ત્રીસના પચાસ હજાર થાય તો યે એવાના હાથમાં આનંદ મૃત્યુ પર્યંત આવવાનો નથી – એમનું ધન ખાલી જોવા માટે જ ૨હી જવાનુંને ! વપરાય કેવી રીતે અને ક્યાં? રોજ સેાનામહોરો જોઈને ગણીને રાજી થતા કંજૂસની પેલી વારતા જેવું છે. પછી એકવાર સોનામહોરો ચોરાઈ ગઈ! વ્યાકુળ બનેલ કંજૂસને મિત્રે કહ્યું કે હવે કાંકરા ગણ કારણ કે ગણવા સિવાય તારે સોનામહોરોના ઉપયોગ જ ક્યાં હતો! મર્યાદિત આયુષ્ય અને મર્યાદિત સાધનોથી કેટલુંક વપરાય? ખૂબ દારૂં ઢીંચનારા પણ છેવટે તો સુસ્તીમાં કોઈ ખપ વગરના બનીને પડી રહે છે. ક્યારેક જાગે તો પત્નીને મારે છે. પત્ની એના પર દયા કરી માર ખાઈ લે છે. જે કંઈ મળ્યું છે તે સવિવેક વાપરવું જોઈએ.

આજે શિક્ષકોનો પગાર ઘણો આગળ વધી ગયો છે. પ્રૉફેસરો રિટાયર થાય ત્યારે તેમને ૮૦૦૦ રૂ. અને શરુ કરે ત્યારે ૪૫૦૦ રૂ. મળે છે. ૧૯૩૯ની સાલમાં વિશ્વયુદ્ધના અરસામાં હું ગુજરાત કૉલેજમાં પાર્ટ-ટાઈમ તરીકે આવ્યો. ત્યારે મારો પગાર ૭૫ રૂપિયા હતો. અને મારી પ્રેસની નોકરીમાં ૭૦-૮૦ રૂ. મળતા હતા. આટલી રકમમાં ઘરનું ભાડું, બે ભાઈ અને બહેનને ભણાવવાનું ખર્ચ, માતા વગેરે પરિવા૨જનોનું ભરણપોષણ વગેરે કરતો. અને ત્યાર પછી પણ ૧૦-૧૨ રૂ. બચાવી શકતો. એ વખતે આટલી સોંઘવારી હતી. કેટલાકના મતે ૧૯૩૯ના ભાવોની આજના ભાવોની સરખામણીએ ૧૦૦ ગણો તફાવત છે, તો કેટલાકને મતે ૫૦ ગણો તફાવત છે. આપણે ૪૦ ગણાએ અટકીએ તો આજના ૪૫૦૦ રૂ. ને ૪૦ થી ભાગતાં આજે ૪૫૦૦ પગાર મેળવતો માણસ એ વખતના ૧૫૦ મેળવનાર કરતાં ઓછો પગારદાર ગણાય. રૂપિયાની ખરીદશક્તિ ઘટી ગઈ છે. અને રૂપિયાની સંખ્યા વધી ગઈ છે. એટલે પ્રૉફેસરને મળતા ૪૫૦૦ના પગારથી મારી આંખો ફાટી જતી નથી. એવું થવું જ જોઈતું હતું એનો કશો જ વાંધો હોઈ જ ન શકે. બીજો છૂટકો જ નથી.

આવું ન થયું કે મોડું થયું એટલે જ મંડળો રચાયાં અને વ્યાવસાયિક સંઘો બન્યા અને એણે પૈસા વધારવાની માગણીઓ કર્યે રાખી અને પછી તો કર્તવ્ય વધા૨વાને બદલે પૈસા વધા૨વાની માગણી મુખ્ય બની બેઠી!

જે જૂના શિક્ષકો હતા, એની વાત કરીએ તો એમને તો આનંદ અને આનંદ જ હતો. વર્ગમાં આવીને તેઓ ભણાવતા ન હોય, એવું મેં ક્યારેય જોયું નથી. વર્ગમાં આવીને એલફેલ વાતો કરીને ચાલ્યા ગયા હોય એવું મેં ક્યારેય જોયું નથી. મારા જ જમાનાની વાત કરું. પ્રૉ. દાવર. એમનો પગાર રૂ. ૧૬૦. એ પ્રૉફેસર પણ નહિ, લૅક્ચ૨૨ પણ નહિ, માત્ર આસિસ્ટન્ટ લૅક્ચ૨૨! અને કેવો મોટો વિદ્વાન? ‘ઈરાનનો ચિરાગ’ વગેરેના લેખક! મનનશીલ મેધાવી! તમે એ સાંભળ્યું હશે. પૂનામાં એક અવળચંડાએ તેમની હત્યા કરી તે પ્રૉફેસર અભ્યંકર, કેટલાંય પુસ્તકોના રચયિતા! એ અમારા સંસ્કૃતશિક્ષક હતા. બીજા એક જોગલેકર સાહેબ, એક લેલે સાહેબ, એ અમારા ગણિતશિક્ષક હતા, સંસ્કૃત પણ શીખવતા. આવા-આવા શિક્ષકો મેં જોયા છે. અને એમની તોલે આજના શિક્ષકોની સરખામણી કરીએ તો પેલા જૂના શિક્ષકોને શું મળતું હતું અને આજના શિક્ષકોને શું મળે છે, એની ચિંતા તો નથી કરતો, પણ ઉત્તરોત્તર વધેલાં જ્ઞાન, સાધનો, પુસ્તકો વગેરે સુલભ હોવા છતાં એ જૂના શિક્ષકોની તોલે આવે એવો આજનો શિક્ષક કેમ ન બની શકે, એ વિચાર કરું છું. આવે વખતે જો શિક્ષકો ધારે તો પોતાનું જ્ઞાન વધારી શકે. શિક્ષક જ્ઞાન વધારતો નથી એનું મુખ્ય કારણ એને જ્ઞાન માટે આદર અને શિષ્યો પ્રત્યે પ્રેમ નથી. શિષ્યપ્રેમ એ શિક્ષકનું મુખ્ય લક્ષણ છે. શાન ઓછું હશે તો ચાલશે પણ શિષ્યવાત્સલ્ય ન હોય તો આ ધંધામાં એણે આવવું જ ન જોઈએ.

શિક્ષકે માનવબાળને વિદ્યાનો અર્થી બનાવવાનો છે. એ પોતે જ જો જ્ઞાનનો અર્થી નહિ હોય તો બાળકને વિદ્યાનો અર્થી કેમ બનાવશે? શિક્ષકનો તેજ: પ્રવાહ વિદ્યાર્થીના ચિત્તમાં સંક્રાન્ત થાય છે. આ ન હોય તો તે ‘અન્ધૈનેવ નીયમાના યથાન્ધા:” જ થાય. બાળકના માબાપોએ શિક્ષકમાં મૂકેલા વિશ્વાસનો દુરુપયોગ ન કરવો જોઈએ, એમ મારું કહેવાનું છે. શિક્ષકને શિરે અનેકોના જીવનની જવાબદારી છે. આ ગૌરવની સમજ શિક્ષકને આનંદ આપે છે.

સન્નિષ્ઠ, સમજદા૨, ગૌરવશાળી શિક્ષકોને હું વંદન કરું છું! ‘દીવે દીવો પ્રકટે’ તેમ એમની છાલક અન્યને લાગશે.

સારું કોઈ કામ કરનારને કેટલાક વળતરવાદીઓ હસે છે. એ લોકો દરેકે દરેક કામના રોકડીઆ વળતરને ઇચ્છે છે – ‘સારા ખાતર સારું’ની વાત એ સમજતા જ નથી. પણ નિષ્ઠાપૂર્વક સારું કરનાર એવી મશ્કરીથી વ્યાકુળ થતો નથી. વળત૨ને એ માત્ર નિમિત્ત માને છે. અને કર્તવ્યને લક્ષ્ય માને છે.

શિક્ષકો આટલું સમજે અને સમાજમાંથી આવતાં બાળકોના ચૈતન્યને ઉછેરે, પોતાની મર્યાદા સમજીને પણ યથાશક્તિ કર્તવ્ય બજાવે, અને એ રીતે વિશ્વસર્જક અને વિશ્વનિયંતા તરફ વફાદારી દાખવે, પરમતત્ત્વ તરફ એ રીતનું ચૈતસિક પ્રયાણ કરે અને જીવન સાર્થક કરે તો એને આનંદ જ આનંદ થઈ રહેશે.

માણસનું મન નિષ્ક્રિય તો બેસતું નથી. કર્તવ્ય ન બજાવીને એને નવરું બનાવીએ તો પેલી અંગ્રેજી કહેવત પ્રમાણે એ શેતાનનું કારખાનું જ બની રહેવાનું. તો પછી એને કર્તવ્યપરાયણ કેમ ન રાખીએ! એને શેતાનનું કારખાનું મટાડીને પ્રસન્નતાનું બંદર કેમ ન બનાવીએ? એટલે પ્રેમ, કર્તવ્ય અને જ્ઞાનથી આપણે આગળ ને આગળ વધતા રહીશું એ શ્રદ્ધાથી આપણને – સૌ શિક્ષકોને – વર્ગમાંથી પણ પ્રસન્નતા મળી રહેશે. સુંદરમનું એક મુક્તક યાદ આવે છે. એનો ભાવ એ છે કે એક ગાયક દંપતી રાજાના દરબારમાં જઈ ચડ્યું અને ગાવા લાગ્યું. ગાયકે બીન છેડી અને ગાયિકાએ ગાયું. આથી રાજા હરખાયો. સભા ખુશ થઈ. રાજા બોલી ઊઠ્યો: “ચાહે સો માગી લો” અહીં તક હતી. શાલ-દુશાલા, માન-અકરામ, જમીન-જાગીર માગી હોત તો મળી જાત. પણ ગાયક દંપતીએ પરસ્પર સામે જોયું, એ કશું જ બોલ્યું નહિ. પણ પછી એણે સભાજનોને પૂછ્યું: “તમે હરખાયા છો ને? બસ, તો અમારું વધુ સાંભળો, આ જ અમારી બક્ષિસ છે. અમે ગાયા જ કરીશું.”

બસ આ છે શિક્ષકનો ધર્મ. શિક્ષકેાને આ યાદ રહે એવી પ્રાર્થના સાથે વિરમું છું.

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.