ભારતવર્ષની સાત પાવનકારી કુલ નદીઓમાં સ્થાન પામેલી મહાનદી નર્મદા ગંગા પછીની તરતની જ શુચિતમ લોકમાતા છે. સંસ્કૃતિના ઉષઃકાળથી જ એણે ભારતીય ઇતિહાસ અને સભ્યતા પર પ્રભાવ પાડ્યા કર્યો છે. ૧૩૧૨ કિલોમીટર લાંબી આ મહાસરિતા, ભારતીય દ્વીપકલ્પના પશ્ચિમ ભાગમાં વહેતી બધી નદીઓમાં સૌથી મોટી અને સૌથી મહત્ત્વની છે.

એ મધ્યપ્રદેશના સાધોઈ જિલ્લામાં ઉત્તરે ૨૨ અને પૂર્વમાં ૪૧અને પૂર્વમાં ૮૧ ૪૮ પર આવેલ અમરકંટકની ટેકરીમાંથી નીકળીને ૮૦૧ માઈલ વહીને છેવટે ભરુચ પાસેના ખંભાતના અખાતને મળે છે.

આ નર્મદાનું એક નામ રેવા પણ છે. કેટલાક વિદ્વાનો રેવા અને નર્મદાને જુદીજુદી નદીઓ ગણે છે અને કહે છે કે ઋક્ષ પર્વતના મેકાલા ભાગમાંથી નીકળતી નદી જ નર્મદા છે, અને વિંધ્યની ગિરિમાળાના અમરકંટક સ્થળેથી નીકળતી નદી તો રેવા જ છે. અમરકોશના કહેવા પ્રમાણે તો રેવા અને નર્મદા એક જ છે. સોમોદ્ભવા અને મેકાલાકન્યા પણ એ જ છે. એમ કેટલાક વિદ્વાનો માને છે કે અમરકંટક અને મેકાલામાં નદી મૂળે નર્મદા અને રેવા ભલે જુદીજુદી હોય, પણ થોડુંક આગળ ચાલતાં એ બન્ને પ્રવાહો મળીને એક જ નદી બની જાય છે. અને ત્યાર પછી નર્મદા અને રેવામાં કશો ભેદ રહેતો નથી. સાગરસપાટીથી આશરે ૩૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલ અમરકંટક નર્મદાનું ઉદ્ભવસ્થાન મનાયું છે.

આમ, નર્મદા, રેવા, મેકલકન્યા, સોમોદ્ભવા, મેકલસુતા, દક્ષિણગંગા, રુદ્રકન્યા, રુદ્રદેહા વગેરે અનેક નામો આ નદીને મળ્યાં છે. અને દરેક નામ સાથે કેટકેટલી કિંવદન્તીઓ, પુરાણકથાઓ અને કહેવતો જોડાયેલી છે. કેટલાંક નામોને પોતાનો વ્યુત્પત્તિલભ્ય અર્થ છે.

આ બધાં નામો લગભગ પૌરાણિક જ છે. કારણ કે વૈદિક સાહિત્યમાં તો ફક્ત શતપથબ્રાહ્મણમાં જ ‘રેવોત્તરાસા’ તરીકે એનો ઉલ્લેખ મળે છે. આનું કારણ એ લાગે છે કે વૈદિકકાળમાં તો આર્યોને ફકત ગંગાયમુનાનાં મેદાનોનો જ પરિચય હતો. પણ ત્યાર પછી ઉત્તરમાંથી દક્ષિણ તરફ ધસ્યે જતા આર્યો વિંધ્યાચળ અને નર્મદા આગળ અટક્યા હશે. અને ત્યાં આર્યાવર્તની સીમાએ અટકેલા આર્યોએ નર્મદાને નિરાંતે નિહાળી હશે. અને આ પુણ્યસલિલાના પ્રથમદર્શને જ આર્યોનું કવિહૃદય કોળી ઊઠ્યું હશે. એ વખતે વૈદિકસાહિત્યનો યુગ પૂરો થયો હતો અને વૈદિકોત્તર સાહિત્યનો યુગ બેસી ગયો હતો. નર્મદાતીરની વનશ્રી, ગિરિમાળાઓ અને જળસંપત્તિને લીધે એ જ પ્રદેશ તપોધન આર્યોની તપોભૂમિ બની ગયો. કારણ કે હવે તો ગંગાયમુના ઘણાં દૂર પડી ગયાં હતાં. એની ખોટ પૂરે એવી નર્મદા આર્યોને હાથ લાગી ગઈ. એટલે વૈદિકોત્તર સાહિત્યમાં – પુરાણ- મહાકાવ્યકાળમાં જ આનંદવિભોર આર્યોએ નર્મદાને ગાઈ છે. ત્યારે જ એની માહાત્મ્ય કથાઓ રચાઈ. આ કાળમાં આર્યોએ પેટ ભરીને નર્મદાગાન કર્યું છે. મત્સ્ય, પદ્મ, કૂર્મ, સ્કંદ વગેરે પુરાણો અને મહાભારત, રામાયણ મહાકાવ્યો અને યોગિનીતંત્ર જેવા તંત્રગ્રંથોમાં આ નર્મદાસંકીર્તન છે.

એ આર્યોએ અહોભાવથી નર્મદાના કણેકણમાં કરોડો તીર્થો કલ્પ્યાં. દસથી સાઠ સિત્તેર કરોડ જેટલી તીર્થસંખ્યા બતાવી દીધી! એમાંય એના બન્ને કાંઠાના મુખ્ય તીર્થ ૪૦૦ ઉપ૨ થવા જાય છે. ઘણા વખત સુધી આ કલ્પનાનું ઉડ્ડયન ચાલુ રહ્યું. પ્રૉ. પ્લેમી અને પેરીપ્લસ જેવા પરદેશી ભૂગોળવિદોએ એને અનુક્રમે ‘નૅમૅડૉસ’ અને ‘નૅમૅન્ડૉસ’ કહી બિરદાવી છે. સ્કંદપુરાણે વળી કલ્પના તુરંગો પર લગામ મૂકીને કળિયુગમાં પ્રત્યક્ષતીર્થની સંખ્યા ઓછી કરી નાખી છે!

ૠક્ષ પર્વત પર ઉમા સાથે પ્રખર તપ કરતા શિવજીના શરીરમાંથી નીપજેલો પરસેવો, એ પર્વત પરથી નદીરૂપે વહ્યો. એણે પછી નારી રૂપે શિવને પ્રાર્થ્યા અને શિવ પાસેથી આશીર્વાદ મેળવ્યા કે તે સર્વદા સર્વત્ર શુચિ અને અક્ષય રહેશે. આથી નર્મદાનાં ‘રુદ્રકન્યા’, ‘રુદ્રદેહા’, ‘અયોનિની’ વગેરે નામો પડ્યાં એમ પુરાણકથા કહે છે.

બીજી એક કિંવદન્તી એવી છે કે શિવના પ્રસ્વેદથી જન્મેલી આ લોકોત્તર સૌન્દર્યમયી કુમારિકાના રૂપથી મોહિત થયેલા દેવો અને દાનવો બંને એને પકડવા એની પાછળ પડ્યા. એ દેવો અને દાનવો જેવા એની નજીક પહોંચતા કે તરત જ એ અદૃશ્ય થઈ જતી અને વિવિધ રૂપો ધારણ કરતી. દેવો અને દાનવોમાંથી કોઈ એને પકડી શક્યું નહીં. આ પકડાપકડી જોઈને શિવજીને ભારે રમૂજ પડી ગઈ આથી એનું નામ ‘નર્મદા’ પડી ગયું. (નર્મ = રમુજ, દા = આપનારી). આમ દેવો અને દાનવોને ભોઠાં પાડ્યા પછી શંકરે એને સાગરને આપી.

એનું ‘રેવા’ નામ, એના સ્વરૂપને સૂચવતો યૌગિક શબ્દ છે. “રેવ = હણહણવું” એ ધાતુ પરથી નિષ્પન્ન થયેલો આ શબ્દ નર્મદાના ૨વયુક્ત વહેણને સૂચવે છે. વળી, ‘અમરકંટક’ શબ્દનો પણ એવો વ્યુત્પત્તિલભ્ય અર્થ છે કે અમર = દેવો અને કટ = શરી૨. એટલે દેવોના દેહ ૫૨ નૃત્ય કરનારી આ નદી છે. નર્મદાના ઊગમસ્થાન અમરકંટકને પુરાણોએ દેવદેહોથી વ્યાપ્ત ગણ્યું છે. એવી જ રીતે એની એક પાંખ મેકલ પર્વતમાંથી નીકળતી હોવાથી એ ‘મેકલકન્યા’, ‘મેકલદ્રિજા’, ‘મેકલસુતા’ વગેરે નામો પણ પામી છે. કહેવાય છે કે મેકલ નામે એક ઋષિ અહીં રહેતા હોઈને આ પર્વત પછી એમને નામે ઓળખાયો છે.

વિંધ્યાચળની માઈકલ ગિરિમાળામાંથી નીકળીને – અથવા પ્રત્યક્ષ રીતે જ્વાલેશ્વર પાસેના ‘નર્મદાકુંડ’માંથી નીકળીને ત્રણેક કિલોમીટર વહ્યા પછી નર્મદા ૩૩ મીટર ઊંડો કૂદકો લગાવે છે. અને કપિલધારા ધોધ રચે છે. ત્યાંથી જરા આગળ વધી ચાર કિલોમીટર કૂદીને દૂધધારાનો ધોધ રચે છે. અમરકંટકથી નીકળેલી નર્મદા, પોતાની ઉત્તરે વિંધ્યાચળે અને દક્ષિણે સાતપુડાએ બનાવેલી આશરે ૧૬૦ કિલોમીટરની ઊંચીનીચી અને સર્પાકાર ખીણમાં પશ્ચિમ તરફ વહેતી-વહેતી જબલપુર નજીક પહોંચે છે. આ ખીણમાં ઘણા ધોધ રચાયા છે. જબલપુર પાસે ભેરાઘાટ આગળ નવેક માઈલ નીચે આરસના ખડકોમાં પંદર મીટર ભૂસકો મારીને એ અદ્‌ભુત રમણીય ધુંવાધાર ધોધ રચે છે. આ ધોધના નીચાણમાં તે ત્રણ કિલોમીટરની લાંબી, ઊંડી, સાંકડી નાળમાં પ્રવેશે છે. એની લગોલગ ૫૦થી ૮૦ ફૂટ ઊંચો, મોટો આરસનો વિશ્વવિખ્યાત ખડક છે. આ દૃશ્ય ખરેખર ભવ્ય છે અને અહીં નર્મદાનું યૌવન પુરબહારમાં ખીલી ઊઠ્યું છે. આ દર્શનીય ધોધ પછી પણ ચાળીસ-ચાળીસ ફૂટના બે-ત્રણ ધોધ આવે છે. જબલપુરથી નર્મદા એકાએક દક્ષિણ – પશ્ચિમ તરફ ત્વરિત વળાંક લે છે. અને ઠેઠ હાંડિયા ગામ સુધી ફેલાયેલા નર્મદાઘાટીના ફળદ્રુપ પ્રદેશમાં પ્રવેશે છે, ત્યાંથી માંધાતા ટેકરી સુધી ગાઢ જંગલોમાં વહે છે, અને એ રીતે ક્યારેક પહાડ-પથ્થરોમાં અથડાતી, તો ક્યારેક વનપ્રદેશોમાં શાન્ત રીતે વહેતી, તો વળી ક્યારેક વિશાળ મેદાનોમાં પથરાતી, ક્યારેક હરણફાળે સંકોચાતી ગૂજરાતની ફળદ્રૂપ ધરતીને વધુ ફળદ્રુપ કરતી આ રુદ્રકન્યા ધીરે-ધીરે શાન્ત બનીને છેવટે ખંભાતના અખાતને મળે છે. એનાં પાણી ક્યારેક સો ફૂટ ઊંડાં તો ક્યારેક વેંતભર પણ હોય છે.

ગંગાયમુનાને દૂર મૂકીને દક્ષિણમાં આવેલા આર્યો, એના જેવી જ આ પુણ્યસલિલાને નીરખીને અહોભાવથી ઉછળવા લાગ્યા. મુગ્ધભાવે તેઓ બોલી ઊઠ્યા: “એકતટપાવની અને અન્યતટકલ્મષા ગંગા તો કેવળ કનખલ પાસે જ પવિત્ર છે, સરસ્વતી ફક્ત કુરુક્ષેત્ર પાસે જ પાવનકારી છે, પણ ઉભયતટપાવની આ નર્મદા તો અત્ર-તત્ર સર્વત્ર પવિત્ર જ છે.” (મત્સ્ય- પુરાણ). “ગંગામાં સ્નાનથી જે પુણ્યલાભ થાય છે, તે નર્મદાના દર્શનમાત્રથી મળી રહે છે.” (અગ્નિપુરાણ) – “સરસ્વતી જળમાં ત્રણ વખત, યમુના જળમાં સાત વખત અને ગંગાજળમાં એક વખત સ્નાન કરવાથી પાપીઓનાં પાપ ધોવાય છે, પણ નર્મદાનાં તો દર્શનમાત્રથી જ પાપક્ષય થઈ જાય છે.” (મત્સ્યપુરાણ). મહાભારતના વનપર્વમાં લખ્યું છે: “ત્રિભુવનનાં બધાં પવિત્ર તીર્થો, મંદિરો, પર્વતો, સરિતાઓ, ઋષિઓ, સિદ્ઘો નર્મદામાં ડૂબકી મારવા આવે છે.” એવી કિંવદત્તી પણ પ્રચલિત થઈ કે ગંગા પોતે જ વરસમાં એક વાર કાળી ગાય રૂપે નર્મદામાં ડૂબકી મારે છે અને પાપક્ષય થતાં ધોળી ગાય થઈ પાછી ફરે છે!” “દર વરસે વૈશાખ સુદ સાતમે ગંગા નર્મદામાં વસે છે.” એમ શિવપુરાણ કહે છે. સ્કંદપુરાણનો આખો રેવાખંડ અને પછી વાયુપુરાણનો ૧૪૦૦૦ શ્લોકોનો નર્મદાકાંડ નર્મદાને લક્ષ્ય કરી રચાયો છે.

દૂર-સુદૂરથી આવતા સાહસી રેવાભક્તો આ ઉભયતટપાવની નર્મદાની પ્રદક્ષિણા કરી કૃતાર્થ બને છે. રેવાજીના મુખથી મૂળ સુધી અને મૂળથી પાછા મુખ સુધીનું કે એક વરસ ચાલતું આ પરિભ્રમણ ભારે કપરું છે. ગાઢ જંગલો, હિંસક પ્રાણીઓ અને બીજી ઘણી મુસીબતો નડે છે. એટલે ઘણા લોકો પનઈમાં બેસીને યથાસાધ્ય તીરભ્રમણ કરીને સંતોષ લે છે. આ શિવકન્યામાં સર્વત્ર શંકરનો વાસ મનાય છે. અને એથી ‘નર્મદાના કંકર એટલા શંકર’- એવી કહેવત પડી છે. નર્મદામાંથી મળતાં શિવલિંગોને ભક્તો શ્રદ્ધાથી પૂજે છે.

નર્મદાતીરનાં તીર્થોનો તો કોઈ પાર જ નથી. વિશેષતઃ એનાં સંગમ સ્થળોએ તીર્થો બન્યાં છે. આવાં સંગમસ્થાનો લગભગ પાંત્રીસેક છે. પુરાણોમાં નર્મદાતીર્થોની લાંબી લચક યાદીઓ તેમજ તેમની સાથે જોડાયેલ અસંખ્ય દંતકથાઓ અપાઈ છે. કેટલાંક તીર્થોનો મહિમા આજેય અકબંધ રહ્યો છે. નદીમૂળ અમરકંટક જ એક મોટું તીર્થ છે. રુદ્રકોટિ અને નર્મદાકુંડ પ૨નું જ્વાલેશ્વર પણ મહત્ત્વનાં તીર્થો છે. જ્વાલેશ્વર સાથે પૌરાણિક ત્રિપુરદાહની કથા જોડવામાં આવી છે. મત્સ્ય અને કાલિકા પુરાણોમાં આનો ભારે મહિમા ગાયો છે. ઓમકાર માંધાતા નર્મદાતીરનું એક બીજું અગત્યનું તીર્થ છે. અહીં નદી ઓમકારને આકારે વહે છે. અને કાવેરી નામની નાનકડી નદીને મળે છે. પૌરાણિક માહિષ્મતીનું આ સ્થાન મનાય છે. અહીંના ઓમકારેશ્વર બાર જ્યોતિર્લિંગ પૈકીના એક છે. અહીં શ્રી આદિ શંકરાચાર્ય પોતાના ગુરુ ગેાવિંદપાદાચાર્યને મળ્યા હતા. મહાપંડિત મંડનમિશ્રનું નિવાસસ્થાન મનાતું માહેશ્વર પણ મહત્ત્વનું તીર્થ છે. ભરુચ પાસે નીચાણવાળા પ્રવાહમાં સુપ્રસિદ્ધ શુક્લતીર્થ અને કબીરવડ છે. શુક્લતીર્થ બલિરાજાના અશ્વમેઘ યજ્ઞનું સ્થાન મનાય છે. અહીં ભગવાન કૌટિલ્યને મોક્ષ મળ્યો હોવાનું પણ કહેવાય છે. આ ઉપરાંત ચાણોદ, કરનાળી, વ્યાસતીર્થ (ઓરસંગમ), વગેરે પણ પુરાણકથાઓથી મઢેલાં મહત્ત્વનાં તીર્થસ્થાનો છે. શિવમંદિરો તો ડગલે ને પગલે ખડાં છે. ભરુચ પાસે નદીના સાગરસંગમ પ૨ ભૃગુતીર્થ છેલ્લું છે. મત્સ્યપુરાણે એનો ભારે મહિમા ગાયો છે. ભરુચમાં એક જામદગ્ન્ય તીર્થ પણ છે.

આ નર્મદાએ પ્રાચીનકાળમાં આર્યાવર્ત અને દક્ષિણાપથની સીમારેખા બાંધી હતી. ત્યાર પછી પણ એણે ઉત્તર-દક્ષિણ ભારતનું સીમાંકન કર્યું છે. પ્રાગૈતિહાસિક કાળની આ નદી કોણ જાણે કેટકેટલા કાળથી રાષ્ટ્રની ઐતિહાસિક પ્રક્રિયા પર પોતાનો પ્રભાવ પાડતી આવી છે! આર્યોએ એને જોઈ, એ પહેલાંના કેટલાંય વ૨સોથી એણે સંસ્કૃતિનું પારણું ઝુલાવ્યા કર્યું છે, એમ ભૂસ્તરશાસ્ત્રીઓએ નર્મદાની અંદરથી અને આસપાસથી ખોળી કાઢેલા અશ્મિઓ કહી જાય છે. અહીંથી પ્રાગૈતિહાસિક કાળનાં કેટલાંક પથ્થરનાં સાધનો અને રંગીન ખડકના છાપરાં મળ્યાં છે. નર્મદાના જળસંચયન વિસ્તાર ઉપરાંત હોશંગાબાદ પાસેનું આદમગઢ આવી પ્રાગૈતિહાસિક ખડકકલાનું મુખ્ય કેન્દ્ર છે.

નર્મદા કેટલાય પૌરાણિક માનવવંશો, રાજવંશો સાથે સંકળાયેલી છે. માહિષ્મતીના હૈહય રાજ સહસ્રાર્જુનના ભૃગુઓ સાથેના સંઘર્ષ સાથે નર્મદાને સંબંધ છે. જબલપુર જિલ્લાનું ત્રિપુરી પણ કલ્પુરી – ચેદીવંશનું મથક હતું. ચેદીઓ હૈહયવંશની એક પાંખ હતી. મધ્યકાળમાં નર્મદાપ્રદેશનો ઉપરનો ભાગ ગોંદાવનરાજ્ય તરીકે ઓળખાતો. ત્યાંની રાણી દુર્ગાવતીએ બલશાલી સમ્રાટ અકબરને પણ પડકાર ફેંક્યો હતો. ભારતીય ઇતિહાસના અર્વાચીન સમયમાં ૧૮૫૭ના મહાવિપ્લવની દક્ષિણી મર્યાદા બાંધી હતી. બ્રિટીશ અમલ દરમિયાન નર્મદાઘાટી ‘સાગરનર્મદા વિસ્તાર’માં ભેળવી દેવાઈ.

પ્રવર્તમાન યુગમાં આ નર્મદા આપણા રાષ્ટ્રની આર્થિક ઉન્નતિની પ્રક્રિયામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે એવી અપેક્ષા રાખવામાં આવી છે. એવો અડસટ્ટો બાંધવામાં આવ્યો છે કે જો ચોમાસામાં ૩૬ ઈંચ વરસાદ પડ્યો હોય તો આખા વરસ દરમિયાન નર્મદામાં એટલું પાણી આવે કે એ પાણીથી ૩૨૪ માઈલ ક્ષેત્રફળનું અને સો ફૂટ ઊંડું સરોવર ભરાઈ જાય. નર્મદાની નહેરનો વિસ્તાર લગભગ ૩૬૦૦૦ ચોરસ માઈલ જેટલો ધારવામાં આવે છે. પણ નર્મદાના પાણીની વહેંચણી બાબત મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્ય વચ્ચે થોડો મતભેદ હોવાથી આ પાણીની સિંચાઈ કે વીજઉત્પાદન માટે મોટાપાયે પૂરતો યોગ્ય ઉપયાગ થઈ શકતો ન હતો. પણ હવે તો છેવટે નર્મદાએવોર્ડ નિશ્ચિત થઈ ગયો છે અને આ સમસ્યા હલ થઈ ગઈ છે. અને હવે બંને રાજ્યો પોતપોતાના પ્રદેશમાં ઊંચા બંધો અને નહેરો બાંધવાની યોજના કરી રહ્યાં છે. અને પોતાની આર્થિક સમૃદ્ધિ વધારવાનાં આયોજનો થઈ રહ્યાં છે. જલસિંધી, હિરણપ્રપાત અને નવાગામ આવા કેટલાક પ્રકલ્પો છે. નવાગામનો સરદારસરોવર બંધ ગુજરાતની જીવાદોરી બનશે એવી આશા રાખવામાં આવી રહી છે. આ બધા પ્રકલ્પો જ્યારે પૂર્ણ થશે ત્યારે એ બધાં નૂતન ભારતનાં અભિનવ તીર્થો બની રહેશે. અને ભારતના નિર્ધનજનોના જીવનને આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે અને તેમના ગરીબીનાં પાપોને ધોઈ નાખશે, એમાં કશી શંકા નથી.

આ રીતે આ નર્મદાનાં પવિત્ર પાણી આધ્યાત્મિક હેતુઓ અને આર્થિક સાધ્યો – એ બંને માટે જીવનદાતા બનશે. નર્મદા જીવનદાત્રી લોકમાતા જ છે. વ્યક્તિઓ અને રાષ્ટ્રની એ જીવાદોરી જ છે.

अकामो वा सकामो वा नर्मदायाः शुभे जले।
स्नात्वा मुच्येत पापेभ्यो ब्रह्मलोकं च गच्छति॥

હે જીવનદાયી લોકમાતા નર્મદા તને શતશત નમસ્કાર !

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.