(ગતાંકથી ચાલુ)

(બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.)

આથી તમે જોશો કે કોઈ વિશિષ્ટ વસ્તુ માટે પ્રાર્થના કરવી એ પણ ભયાવહ છે. તમે જો ઈશ્વરમાં માનતા હો તો બધું ઈશ્વરને સમર્પિત કરી દો. એના પર બધું છોડી દો. તમારે તેની જરૂર હશે એ તમને એ આપશે. પરંતુ હું જાણું છું કે એ રીતે ઈશ્વર ઉપર બધું છોડી દેવું એટલું બધું સહેલું નથી. સંજોગોના દબાણને કારણે, આપણી આંતરિક વ્યાકુળતાઓને કારણે તથા વિશિષ્ટ પ્રકારની આપણી ઇચ્છાઓ હોવાને કારણે, ઈશ્વરની ભલે ઇચ્છા ના હોય તો પણ આપણે ઇચ્છતા હોય એમ બને એવી આપણે ઇચ્છા રાખતા હોઈએ છીએ. આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે જો આપણે ખરેખર જો એની ઇચ્છા ઉપર જ આધાર રાખીશું તો આપણને વધારે લાભ થશે. જ્યારે આપણે ઈશ્વરનો આધાર લઈશું ત્યારે આપણે ઈશ્વરની વધારે ને વધારે નજીક જઈશું. જો આપણી અંતરની વ્યાકુળતાથી પ્રાર્થના કરીશું તો આપણે ઈશ્વરની નજીકને નજીક જઈશું. ખરેખર તો આ જ મોટો લાભ છે, જેનો આપણે ઈન્કાર કરી શકીએ એમ નથી. આપણને આપણી ઇચ્છિત વસ્તુ મળી ગઈ એ મહત્ત્વનું નથી પરંતુ આપણે પ્રાર્થના કરી શક્યા એ જ મહત્ત્વની બાબત છે. આપણે મદદ માટે ઈશ્વર તરફ અભિમુખ થઈએ છીએ – બસ એ જ ઘણી મોટી વાત છે.

પ્રાર્થનાથી તમને શાંતિ મળે છે. માનવીય શક્તિની મર્યાદા બહાર છે, એવા કશાકનો તમને સ્પર્શ કરાવે છે. અને એ જ પ્રમાણે જીવનમાં આગળને આગળ વધતા રહો છો. એમ બનવા સંભવ છે કે ઘણી બધી વસ્તુઓ તમને પ્રાર્થના મારફત મળી હોય. પરંતુ અનુભવ એમ દર્શાવે છે કે તમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર તમને મળ્યો ન હોય ત્યારે પણ તમારા આધ્યાત્મિક જીવનનો વિકાસ આગળ ને આગળ થયા જ કરતો હોય છે. આમ આ જ પ્રકારે આગળ વધતાં-વધતાં આપણે એક એવા તબક્કા ઉપર આવી જઈએ છીએ જ્યારે આપણને કોઈ ચોક્કસ વસ્તુઓ માટે પ્રાર્થના કરવાનું મન જ થતું નથી. જ્યારે આપણે આપણા અહમ્માંજ જીવતા હોઈએ છીએ એવું ભાન હોય છે ત્યારે ચોક્કસ વસ્તુઓ માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ. પરંતુ પ્રાર્થનાને પરિણામે જયારે આપણો અહમ્ ઓછો ને ઓછો થતો જાય છે ત્યારે કોઈ ચોક્કસ વસ્તુઓ માટે પ્રાર્થના કરવાની આપણને ઇચ્છા જ થતી નથી. ઈશ્વરની ઇચ્છા જ પૂરતી છે. એટલે કે આપણા માનવ-સ્વભાવને કારણે આપણે ચોક્કસ વસ્તુઓ માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ, પરંતુ જેમ-જેમ આપણા આધ્યાત્મિક જીવનનો વિકાસ સાધીએ છીએ તેમ-તેમ આપણે અગાઉની જેમ પ્રાર્થનાઓ કરતા નથી. ઈશ્વરની ઇચ્છાને આધીન રહેવા આપણે પ્રયત્ન કરીશું.

શ્રીરામકૃષ્ણ પાસે એક ભાઈ આવ્યા અને એમને કાંઈક મુશ્કેલી હતી એટલે આશીર્વાદ આપવા વિનંતી કરી. શ્રીરામકૃષ્ણે કહ્યું, “ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થાઓ.” એમણે કોઈ આશીર્વાદ આપ્યા નહિ. કેટલીક વાર તેઓશ્રી કહેતા, “મારી પાસે કૃપા કરીને આશીર્વાદની માગણી કરશો નહિ. આશીર્વાદ તો માત્ર ઈશ્વરના જ હોઈ શકે અને જો તમારે કોઈ ખાસ વસ્તુની ઇચ્છા હોય તો ઈશ્વરની ઇચ્છા મુજબ થવા દો.”

એક બાબત બહુ રસપ્રદ છે. આ પ્રકારનું મન કોઈ પણ દિવસ ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધની કોઈ બાબતનો વિચાર જ કરશે નહિ. હિન્દુ ધર્મના સુધારાવાદી સંપ્રદાય એવા બ્રાહ્મસમાજના એક અગ્રણી શ્રી કેશવચંદ્ર સેન મહાન ભક્ત હતા અને એમને શ્રીરામકૃષ્ણ પ્રત્યે ખૂબ ભાવ હતો તથા શ્રીરામકૃષ્ણને પણ એમના પ્રત્યે અપૂર્વ પ્રેમ હતો. એ માંદા પડ્યા અને એમને માટે શ્રીરામકૃષ્ણે ખૂબ પ્રાર્થના કરી. એઓશ્રી પોતે કહેતા કે એમને માટે આખી રાતો ને રાતો પ્રાર્થના કરતા રહેતા. ભારતના ઘણાં બધાં ગામડાંમાં જ્યારે માણસ ઈશ્વરની પ્રાર્થના કરે અથવા તો એની પૂજા કરે ત્યારે નાળિયેર અને મીઠાઈ ધરાવે. એ મુજબ શ્રીરામકૃષ્ણે પણ મા કાલીને પ્રાર્થના કરી અને માને કહ્યું, “જો કેશવચંદ્ર સેન સાજા થઈ જશે તો હું માને નાળિયેર અને મીઠાઈ ધરાવીશ.” એ વખતે તો શ્રી કેશવચંદ્ર સેન સાજા થઈ ગયા પરંતુ પછી જ્યારે શ્રી કેશવચંદ્ર સેન મરણ પથારીએ હતા ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું: “એમને માટે માની પ્રાર્થના કરવાની મને ઇચ્છા જ થતી નથી.” ઈશ્વરની ઇચ્છા સાથે એમનું મન એટલું એકરૂપ બની ગયું હતું કે ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ જાણી જોઈને તેઓ કોઈ કાર્ય કરે જ નહિ. પૂર્ણરૂપે તેઓ તો ઈશ્વરના હાથનું એક સાધન હોય એવા જ બની ગયા હતા. કોઈકને જરૂર આશ્ચર્ય પણ થાય કે જ્યારે કેશવચંદ્ર સેન પહેલવહેલા માંદા પડ્યા ત્યારે શ્રીરામકૃષ્ણે ઈશ્વરની ખૂબ પ્રાર્થના કરી હતી. પરંતુ જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમણે કોઈ પ્રાર્થના કરી નહિ. આથી તમે જોશો કે શ્રીરામકૃષ્ણને ઈશ્વરની ઇચ્છાની હંમેશાં મનોમન જાણ થઈ જતી હતી. ગમે તે હોય પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જેમ-જેમ આધ્યાત્મિક પંથે આપણો આગળ ને આગળ વિકાસ થતો જાય છે તેમ-તેમ કોઈક ચોક્કસ વસ્તુ માટે પ્રાર્થના કરવાની આપણી ઇચ્છા જ થતી નથી.

આથી ફરી પાછા આપણે એ જ પ્રશ્ન ઉપર આવીએ કે આપણે કોની પ્રાર્થના કરીએ છીએ? ઈશ્વરની. પરંતુ ઈશ્વર છે ક્યાં? જો ઈશ્વર સર્વવ્યાપક હોય તો એ આપણી અંદર પણ છે. દરેક હૃદયમાં ઈશ્વરનો વાસ હોય છે. ઈશ્વર સર્વત્ર છે. આપણા વિચારો કરતાં પણ ઈશ્વર આપણી વધારે નજીક છે. ઈશ્વર આપણી અંદર જ છે.

આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે શું બને છે? માનસશાસ્ત્રીની દૃષ્ટિએ એમ કહી શકાય કે પહેલાં તો આપણે ઈશ્વરથી અલગ હોઈએ છીએ પરંતુ આપણા આધ્યાત્મિક જીવનનો ક્રમે-ક્રમે જેમ વિકાસ થતો જાય છે તેમ-તેમ આપણે ઈશ્વરની વધુ ને વધુ નજીક આવતા જઈએ છીએ. જ્યારે આપણે હૃદયની ખૂબ ઉત્કટ ભાવનાથી વિચારીએ છીએ કે આપણે ઈશ્વરથી જુદા નથી ત્યારે આપણા વિચારો ઈશ્વરના વિચાર સાથે એકરૂપ બની જાય છે. અથવા તો ઈશ્વરના વિચાર સાથે આપણા વિચારોની એકરૂપતાનો આપણે સ્પષ્ટપણે અનુભવ ન કરીએ તો પણ જ્યારે આપણે અતિશય વ્યાકુળતાથી કોઈ વસ્તુ માટે આતુરતા સેવીએ છીએ ત્યારે એ આતુરતા દ્વારા આપણે એક એવી કક્ષાએ પહોંચી જઈએ છીએ જ્યાં આપણી અને ઈશ્વરની ચેતના એકરૂપ બની જાય છે. એ આતુરતાને કારણે આપણી ચેતના – વૈશ્વિક ચેતનામાં રહેલા માનવીય તત્ત્વોનું શુદ્ધીકરણ થાય છે. અને એને કારણે જ પરિણામ જોવા મળે છે. જો પવિત્ર હૃદયનો માણસ આતુરતાપૂર્વક વિચાર કરે અથવા તો આતુરતાપૂર્વકની એની પ્રાર્થનાને પરિણામે એના વિચારો એ સમયે શુદ્ધ થઈ જાય તો એને તરત જ વૈશ્વિક ચેતનાનો સ્પર્શ થશે અને પછી પરિણામ જોવા મળશે. આથી એક વાત તો નક્કી કે જ્યારે આપણે આતુરતાપૂર્વક પ્રાર્થના કરીએ છીએ, વ્યાકુળતાથી આર્દ્ર હૃદયથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે છે.

આ જ બાબતને દાર્શનિક દૃષ્ટિએ દર્શાવતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, “આપણી અંદરની શક્તિઓને મૂર્ત સ્વરૂપ આપવા માટે ક્રાઈસ્ટો કે બુદ્ધો તો માત્ર ઉચિત સંયોગો જ છે.” પ્રાર્થનાનો પ્રત્યુત્તર તો અંદરથી જ મળે છે. ઈશ્વર તમારી અંદર જ રહેલો છે. તમે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરો છો તેના કારણે તમને ઈશ્વરની ઇચ્છાનો સંસ્પર્શ થાય છે. તમારી ઇચ્છાઓમાં જે અશુદ્ધિઓ છે તેનું પરિમાર્જન થાય છે અને પછી ઈશ્વરની ઇચ્છા સાથે એકરૂપ થઈ જાય છે અને પછી પ્રત્યુત્તર મળે છે, પરિણામ આવે છે, તમને સંપૂર્ણ સંતોષ થઈ જાય છે. અને એમ જ બનતું રહે છે તથા એ જ અંતિમ ઉત્તર હોય છે, અંતિમ પરિણામ હોય છે.

તો પછી સામાન્ય બાબતો માટે પ્રાર્થના કરવા માટે શું કરવું? પ્રાર્થના વિવિધ પ્રકારની હોય છે. પહેલી તો જાણે ઈશ્વરની પાસે ભીખ માગતા હોઈએ એવી યાચનાભરી પ્રાર્થના, નિવેદન કરતી પ્રાર્થના. યાચનાઓ એ પણ કોઈ ચોક્કસ વસ્તુઓ માટેની પ્રાર્થનાઓ જ છે. માટે કહેવું જોઈએ કે આ પણ એક સારી વાત છે. તમે પ્રાર્થના કરો છો એટલે તમે ઈશ્વરના સંપર્કમાં આવો છો. ટૂંકમાં કહીએ તો ઈશ્વરના સંપર્કમાં આવવાનો પ્રયત્ન કરતા રહો. મેં આગળ જણાવ્યું તેમ તમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર ના મળે તો પણ મોટો લાભ તો છે જ. તથાપિ, જેમ-જેમ આધ્યાત્મિક જીવનમાં તમારો વિકાસ થતો જશે તેમ-તેમ કોઈ ચોક્કસ વસ્તુઓ માટે પ્રાર્થના કરવાની ઇચ્છાથી તમે પર થઈ જશો. શું યોગ્ય છે એ જાણવા માટે પણ તમારા જીવનમાં તમારે માર્ગદર્શનની જરૂર છે. એ ક્ષાએ તમને કોઈ ચોક્કસ વસ્તુની આકાંક્ષા નથી. જે યોગ્ય છે એ જ વસ્તુ તમારે જોઈએ છે. તમે એ માર્ગદર્શન માટે પ્રાર્થના કરો છો એ મોટું સોપાન છે. તમારે કોઈ ખાસ વસ્તુની ઇચ્છા શા માટે કરવી જોઈએ? યોગ્ય કાર્ય થઈ શકે એ માટે જ તમે માર્ગદર્શન માગો છો.

તમે આથી પણ ઊંચી કક્ષાએ પહોંચી જાઓ ત્યારે તમારી પ્રાર્થના ધ્યાનરૂપ બની જાય છે, ચિંતનરૂપ બની જાય છે. કોઈ પણ વસ્તુ માટે પ્રાર્થના કરવાનું તમને મન જ થશે નહિ. અરે! માર્ગદર્શન માટે પણ નહિ. તમે જાણો છો કે ઈશ્વર છે, બસ એટલું જ પૂરતું છે. જો એક બાળકને એમ ખબર પડે કે એની મા છે તો એને માટે તો એટલું જ પૂરતું છે. કોઈ પણ વસ્તુ માટે બાળકને માની પ્રાર્થના કરવાની જરૂર પડતી નથી. તમારો જ્યારે વિકાસ થાય અને તમને એવી ભાવના થાય કે ઈશ્વર છે, તો એટલું બસ છે. બીજું તમારે જોઈએ શું? તમારે કોઈ પણ વસ્તુ માટે, અરે! માર્ગદર્શન માટે પણ ઈશ્વરની પ્રાર્થના કરવાની જરૂર શી? એ આપશે જ. તમારે જેની જરૂરિયાત હશે એ વસ્તુ ઈશ્વર તમને આપવાનો જ છે. જ્યારે આ પ્રકારની દૃઢ પ્રતીતિ થાય ત્યારે કોઈ પણ વસ્તુ માટે પ્રાર્થના કરવામાં માણસ શરમ અનુભવે છે.

આ તબક્કે પ્રાર્થના અને ધ્યાન એ બે નજીક-નજીક આવી જાય છે. એ બંને એકબીજાંમાં ભળી જઈને એકરૂપ બની જાય છે. એ ક્ક્ષાએ ધ્યાન અને પ્રાર્થના વચ્ચેનો કોઈપણ પ્રકારનો ભેદ તમે પારખી શકશો નહિ. તમને ઈશ્વરની પ્રત્યક્ષ હાજરીનો અનુભવ થશે. બસ એટલું જ પૂરતું છે. અને ધ્યાનમાં પણ તમે એ જ કરો છો. શબ્દોથી પ્રાર્થના કરવાની તમારે કોઈ આવશ્યકતા રહેતી નથી. તમે શબ્દો દ્વારા પ્રાર્થના કરો છો ત્યારે એ શબ્દો એક મોટો અવાજ ઉત્પન્ન કરે છે અને કેટલીકવાર આધ્યાત્મિક વિચારોમાંથી તમને વિચલિત કરી દે છે. શાંત પ્રાર્થના દ્વારા આપણામાં શ્રદ્ધાની ઉત્કટ ભાવના પેદા થાય છે અને ઈશ્વરની પ્રત્યક્ષ હાજરીની પ્રબળ લાગણી ઊભી થાય છે, અને એ જ રીતે આપણે આગળ વધીએ છીએ.

આ બધી સાચી વાતો છે, એ જ સંક્ષેપ છે, એ જ સારભૂત તત્ત્વ છે. પ્રક્રિયા ગમે તે હોય, પ્રાર્થનાનો પ્રત્યુત્તર તો મળે જ છે. આપણે જે ચોકકસ વસ્તુની ઇચ્છા કરી હોય એ કદાચ ના પણ મળે. પરંતુ એટલી વાત તો સાચી જ છે કે પ્રાર્થના દ્વારા આપણા આધ્યાત્મિક જીવનનો વિકાસ થાય છે. ચોક્કસ વસ્તુઓની પ્રાર્થનાનું ફળ કદાચ આપણા જીવનમાં ન મળે. પરંતુ જો આપણે ભક્તિ માટે પ્રાર્થના કરીએ તો એનું ફળ અવશ્ય મળશે જ. એમાં તો કોઈપણ પ્રકારની શંકા છે જ નહિ. તમે જોજો કે એવી પ્રાર્થનામાં કોઈ માનવીય ઇચ્છા નથી. કોઈ સામાન્ય પ્રકારની ઇચ્છા નથી. તમે તો ભક્તિ માટે પ્રાર્થના કરો છો. ભક્તિ શું છે? એનો અર્થ છે ઈશ્વરના સંપર્કમાં આવવું, ઈશ્વર માટે પ્રેમ ઉત્પન્ન થવો. ઈશ્વરને પ્રેમ કરવાનું પરિણામ શું આવે છે? એનું પરિણામ છે ઈશ્વર સાથેનું ઐક્ય. પ્રેમ એક કરે છે, ઘૃણા જુદા પાડે છે. જેમ-જેમ આપણે ઈશ્વરને વધારે ને વધારે પ્રેમ કરીએ છીએ તેમ-તેમ આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધતો જાય છે, અને એથી આપણે ઈશ્વરની વધુ ને વધુ નજીક આવતા જઈએ છીએ અને આપણે આપણા પોતાના ઘરે જતા હોઈએ એવું થાય છે. જો આપણે આપણા પોતાના ઘરે જવું હોય તો આપણને કોઈ રોકી શકતું નથી. એ જ પ્રમાણે જ્યારે આપણે ભક્તિ માટેની પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણને કોઈ રોકી શકતું નથી, આપણો રસ્તો સાફ થઈ જાય છે. ભક્તિ સિવાયની બીજી કોઈ વસ્તુઓ માટેની પ્રાર્થનાનું શું થાય છે એની કોઈનેય ખબર નથી. પરંતુ જ્યાં સુધી ભક્તિને લાગેવળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે જો આપણે ભક્તિ માટે પ્રાર્થના કરીએ, ઈશ્વર સમક્ષ પહોંચવા માટે જો પ્રાર્થના કરીએ, તો આ પૃથ્વી પર એવી કોઈ તાકાત નથી કે જે આપણને ઈશ્વરની પાસે પહોંચતા રોકી શકે.

પરંતુ જરૂર છે વ્યાકુળતાની, આર્દ્ર હૃદયની અને ઉત્કટ ભાવનાની. બધા જ સંતોએ કહ્યું છે, “તમે જેને મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ તમને જરૂર મળશે.” ભક્તિના સંદર્ભમાં અને ઈશ્વર-સાક્ષાત્કારના સંદર્ભમાં એ લોકો આવું કહી રહ્યા છે. એ બધા એમ જ કહેશે કે જો તમે આર્દ્ર હૃદયથી, ઉત્કટ ભાવનાથી અને વ્યાકુળતાથી એને માટે પ્રાર્થના કરશો તો એ તમને મળશે જ. જો તમારામાં સચ્ચાઈ હશે, જો તમે નિખાલસ હશો, તો એ મેળવવામાં તમને બિલકુલ સમય નહિ લાગે.

જ્યારે તમારા જીવનમાં પવિત્રતા આવશે, તમારું જીવન નીતિમય બનશે, તમારામાં હૃદયની સચ્ચાઈ હશે અને જો તમે નિખાલસ હશો તથા તમારી વાણીમાં અને તમારા વિચારોમાં એકવાક્યતા હશે, તમારી પ્રાર્થનાઓમાં જ્યારે ખૂબ ઉત્કટ ભાવનાઓ હશે ત્યારે, બધા જ સંતો કહે છે એ મુજબ, તમારી પ્રાર્થનાનો તરત જ પ્રત્યુત્તર મળશે. તેઓ એમ પણ કહે છે કે જો માણસના હૃદયમાં પૂરતી વ્યાકુળતા હોય તો માત્ર એક જ પ્રાર્થના દ્વારા માણસ ઈશ્વર-સાક્ષાત્કાર કરી શકે છે.

ભાષાંતરકાર: શ્રી વાલ્મીકભાઈ એમ. દેસાઈ

(‘પ્રબુદ્ધ ભારત’, માર્ચ ૧૯૭૪માંથી સાભાર)

Total Views: 139
By Published On: April 1, 1994Categories: Pavitrananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram