(લીંબડીના રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા સાહેબા અને મહારાણા સાહેબ શ્રી છત્રસાલજીએ તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ લીંબડીનો ટાવર બંગલો (દરબાર હૉલ) શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને, શ્રીરામકૃષ્ણ ભાવધારાની પ્રવૃત્તિઓ માટે બક્ષિસ આપ્યો. હવે આ ટાવર બંગલો તેમ જ લગભગ છ એકર જમીન અને અન્ય મિલકતો શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરના ટ્રસ્ટીઓએ રામકૃષ્ણ મિશનને બક્ષિસ કરી દીધી છે. ૧૨મી ફેબ્રુઆરીએ રામકૃષ્ણ મિશનની લીંબડી શાખાનું વિધિવત્ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે થયું શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરનો રસપ્રદ ઇતિહાસ પ્રૉ. જે. સી. દવે રજૂ કરે છે.)

ગંગોત્રી પાસેથી નીકળતું એક નાનું ઝરણું ભારતને પવિત્ર કરતો એક મહાનદ બનશે તેની કોણે કલ્પના કરી હશે? લીંબડીમાં પહેલાં શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર અને તેમાંથી એક નાની, સાવ સામાન્ય દેખાતી પ્રવૃત્તિઓનો આવો વિકાસ રામકૃષ્ણ મિશન રૂપે થશે એની કલ્પનાયે કોણે કરી હશે?

આ શી રીતે બન્યું તે જાણવું અત્યંત રસપ્રદ છે. તે પહેલાં લીંબડીનો એક આગવો ઇતિહાસ છે તેના પર પણ ઊડતી નજર નાખી લઈએ.

સ્વામી વિવેકાનંદ એક પરિવ્રાજક સંન્યાસી તરીકે અમદાવાદ, વઢવાણ થઈ લીંબડી પધાર્યા. આ ઘટના ઈ.સ. ૧૮૯૧ના નવેમ્બર-ડિસેમ્બરમાં બની હશે. સ્વામીજી એક વામમાર્ગી સંપ્રદાયના અખાડામાં સપડાયા અને તેમાંથી સર જશવંતસિંહજી, એ સમયના રાજવીએ તેમને છોડાવ્યા. ટાવર બંગલાના નામે પ્રચલિત અસલના દરબાર હૉલમાં, સ્વામીજીની અને રાજવી વચ્ચે મુલાકાત થઈ (આ ટાવર બંગલો કે દરબાર હૉલ પહેલાં શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર અને હવે શ્રીરામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બને છે.) અને ૧૧-૧૨ દિવસ બન્ને વચ્ચે જ્ઞાનચર્ચા થઈ. સ્વામીજીના જ્ઞાનથી પ્રભાવિત થયેલા મહારાણા સાહેબે જ્યારે તેમને રોકાઈ જવા આગ્રહ કર્યો ત્યારે સ્વામીજીએ વચન આપેલું કે નિવૃત્તિ પછી આપ કહેશો ત્યાં સુધી આપની સાથે રહીશ.’ આ ઇતિહાસ-પ્રસિધ્ધ હકીકતના સંદર્ભમાં આપણે લીંબડીમાં શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરની સ્થાપના, તેની પ્રવૃત્તિઓ અને તેમાંથી શ્રીરામકૃષ્ણ મિશનમાં પરિવર્તન – આ બધા ક્રમને ઊડતી નજરે તપાસીએ.

આજે બનવાનું હતું તેની પહેલી ઝાંખી લીંબડીના રાજમાતા પૂ. પ્રવીણકુંવરબાને થયેલ. રાજમાતા પ્રવીણકુંવરબા એ શબ્દ પાછળ રહેલ અપાર ગરિમા, તેમનું શીળું, હુંફાળું અને વાત્સલ્યથી ભરપૂર એવું નિર્મળ જીવન પ્રગટ થાય છે. એમના પરિચયમાં આવનાર તરત એમના મમત્વના પરિઘમાં સમાઈ જાય છે. પ્રાર્થના મંદિરની પ્રવૃત્તિનું ઉગમ કેન્દ્ર પૂ. રાજમાતા અને તેમના કુમારશ્રી મહારાણા છત્રસાલજી સાહેબ છે.

ઈ.સ. ૧૯૫૧/પર થી પૂ. રાજમાતા સાહેબ ને એક વિભૂતિના જાગ્રત અવસ્થામાં વારંવાર દર્શન થતાં. સામે દીવાલ પર ચલચિત્રની પેઠે જાણે એક આકૃતિ ઉપસી આવતી. એ કોણ છે એ વિશે તેમને કશી ખબર નહોતી. ઈ.સ. ૧૯૫૪માં આબુમાં સ્વામી શ્રધ્ધાનંદજી સાથે એમને મુલાકાત થઈ. સ્વામીજીની બાજુમાં જ ભીંત પર રહેલું ચિત્ર જોઈ તેમણે પૂછ્યું:

“આ કોણ છે? આ વિભૂતિનાં મને વારંવાર દર્શન થાય છે!”

સ્વામીજીએ કહ્યું: “આ છે શ્રીરામકૃષ્ણ પરમહંસ. એ પરમ વિભૂતિ છે, દેવ છે.” સ્વામીજીએ રામકૃષ્ણ પરમહંસ વિશે પૂ. રાજમાતા સાહેબાને ઘણી વાતો કરી.

ઈ.સ. ૧૯૫૪નો પ્રસંગ છે.

પૂ. રાજમાતાને સખત તાવ આવતો હતો. ઘણી દવા કરવા છતાં તાવ ઉતરતો ન હતો ડૉક્ટરોએ મેનન્ન્જાઈટીસ કહ્યો. એ વખતે તેમની જીવન પરથી શ્રદ્ધા ડગી ગયેલી અને માનસિક રીતે સખત વ્યગ્રતાનો આ સમય હતો.

આ વખતે તેમને શ્રીરામકૃષ્ણ પરમહંસનાં દર્શન થયાં. એ દર્શનની એક-એક રેખા તેમને સ્પષ્ટ છે. શ્રી શ્રીરામકૃષ્ણદેવના ચહેરા પર અપાર શાંતિ હતી અને નિર્વિકાર લાગતી આંખમાંથી ટપટપ આંસુ ખરવાં લાગ્યાં. “અરે દેવ! આપની આંખમાં આંસુ!” શ્રીરામકૃષ્ણદેવનો જમણો હાથ, આશીર્વાદ આપતા હોય તેમ ઊંચો થયો અને ચિત્ર અદૃશ્ય થયું.

એમણે ગુરુજી (સ્વામી શ્રધ્ધાનંદજી) ને પૂછ્યું અને જવાબમાં ગુરુજીએ ખુલાસો કર્યો: “આ દર્શન એમ સૂચવે છે કે ઠાકુર તમારી પાસે કોઈ મહાન કામ કરાવવા ઇચ્છે છે અને એ કરાવીને જ રહેશે.”

ઈ.સ. ૧૯૬૬-૬૭ની વાત છે. ટાવર બંગલાના કમ્પાઉંડમાં ઝાલા રાજપૂતોનાં કુળદેવી બિરાજે છે. ત્યાં રાજમાતા સાહેબ દર્શન કરવા ગયેલાં. ત્યાંથી પાછા વળતાં હાલના મહારાણાશ્રી જશવંતસિંહજી ચોક તરીકે ઓળખાતા ચોકમાં જ્યાં સર જશવંતસિંહજીની પ્રતિમા છે તેને વંદન કરે તો સામે વાંચ્યું: “વિવેકાનંદ માર્કેટ” અને રાજમાતાના મુખમાંથી સહજ રીતે ઉદ્ગાર સરી પડ્યો:

“ચાલો! સ્વામીજી અહીં સુધી આવી પહોંચ્યા!” આ ઉદ્ગારો ઘણા સૂચક છે.

આ દરમ્યાન લીંબડીમાં કેટલાક ભાવિકજનો એકત્ર થઈ, શ્રીરામકૃષ્ણદેવ, મા શારદામણિમા અને સ્વામીજીનાં ચિત્રો રાખી ભજન કરતા દર રવિવારે પહેલાં સર જશવંતસિંહજી લાયબ્રેરીમાં અને તે પછી ભુજાઈના ડેલામાં. રાજમાતાએ આ વાત સાંભળી અને એમને રોમાંચ થયો. જાણે સૌનું આગમન પરોક્ષ રીતે થઈ ગયું હતું અને ભક્તિનાં સૂક્ષ્મ આંદોલનો વહેવાં શરૂ થઈ ગયાં હતાં.

શ્રી છબીલભાઈ, જે ‘બરમાવાળા શેઠ’ તરીકે લીંબડીમાં ઓળખાતા તે એક દિવસ મળવા આવ્યા; ખૂબ સંકોચ સાથે એમણે વાત કરીઃ “દર રવિવારે અમે ભજન કરીએ છીએ. ઠીક માણસો ભેગા થાય છે પણ સ્થળ ક્યાંય ફાવતું નથી. જો આપને યોગ્ય લાગે તો ટાવર બંગલામાં ભજન કરવાનું રાખીએ. આવી માગણી થાય કે નહિ તે ખબર નથી. કદાચ મારાથી અન્યાય થતો હોય તો માફ ફરશો.”

રાજમાતાએ કહ્યું: “રામકૃષ્ણદેવને તો હું ૧૯૫૪થી ઓળખું છું. તમારી પ્રવૃત્તિ સારી છે. લાલજી (મહારાણા શ્રી છત્રસાલજી સાહેબ) હાલ બહારગામ છે. તે આવશે પછી પૂછીને કહીશ.”

લાલજી બાપુ બહારગામથી આવતાં રાજમાતા સાહેબે તેમને આ વિશે પૂછ્યું. લાલજી બાપુને થયું કે માને (રાજમાતા સાહેબને) આ ગમે છે તો ભલે ત્યાં ભજન કીર્તન થાય!

આમ ટાવર બંગલાના ઉપરના ભાગમાં ભજન-કીર્તન કરવાની પરવાની મળી.

સ્વામીજીએ ઠાકુર અને મા શારદામણિમાને લઈ અહીં પહેલી વાર સૂક્ષ્મ રીતે પ્રવેશ કર્યો.

વળી એક દિવસ છબીલભાઈએ કહ્યું: “મા, ઉંમરવાન માણસો ટાવર બંગલાના આટલા પગથિયાં ચડી ઉપર આવી શકતા નથી તો પ્રાર્થના માટે નીચે કાંઈક થાય એમ હોય તો કરો.”

નીચે તંબુખાનું અને એવો સમાન ભરેલો તે ખસેડી લઈ પ્રાર્થના માટે નીચે વ્યવસ્થા કરી.

ટાવર બંગલામાં એક-બે વાર ચોરી કરવાના પણ પ્રયત્ન થયેલા એટલે ત્યાંનો કિંમતી શણગાર અને સોના ચાંદીની વસ્તુઓ ખસેડી લીધેલી. જાણે ઠાકુરના આગમનની તૈયારી ન હોય!

ઠાકુરની પ્રતિમા હાલ જે અહીં પુજાય છે તે રાજકોટથી અહીં પધારી. તા. ૧૪ જુલાઇ, ૧૯૮૦ ના રોજ મૂર્તિ ઉપર પધરાવી અને નીચે દવાખાનાં અને માનવરાહતની અનેક પ્રવૃત્તિઓ છબીલભાઈએ અહીં શરૂ કરી. ઈ.સ. ૧૯૭૧માં આ પ્રવૃત્તિઓ માટે મહારાણાશ્રી છત્રસાલજી સાહેબે આ મહેલ શ્રી રામકૃષ્ણ પ્રાર્થના મંદિરને કાયમી ધોરણે અર્પણ કર્યો.

મુ. શ્રી છબીલભાઈ (છબીલદાસ ત્રિભુવનદાસ શાહ – સી.ટી.શાહ) લીંબડીમાં ‘બરમાવાળા શેઠ’ તરીકે  ઓળખાતા. બરમાથી આવી અહીં કાલાં-કપાસનો વ્યવસાય શરૂ કરેલો.

મુ. શ્રી છબીલભાઈનો આ એક બાહ્ય પરિચય થયો પણ છબીલભાઈ એટલે અત્યંત ઋજુ અને સંવેદનશીલ માનવી. એમણે જગતનો વિશાળ અનુભવ લીધેલો; પણ એમની સહૃદયતા, હૃદયની વિશાળતા, અધ્યાત્મ તરફનો ઝોક, અલ્પ સાધન માનવી તરફની એમની સચ્ચાઈભરી સહાનુભૂતિ અને એમને માટે કાંઈક કરી છૂટવાની – ગમે તેવો આર્થિક ઘસારો સહન કરીને પણ કાંઈક કરી છૂટવાની – અંતરતમ લાગણી- એ એમના ચારિત્ર્યનો એક અભિન્ન ભાગ હતો.

તા. ૨૬-૭-૧૯૬ ની ઘટના:

એવું બન્યું કે લીંબડીના એક આગેવાન મુ. પ્રાણલાલ શાહનું અવસાન થયું અને તે નિમિત્તે લીંબડીમાં એક જાહેર શોકસભા થઈ અને લીંબડીની ભજન મંડળીઓએ ભજનો ગાયાં. આમાંથી મુ. છબીલભાઈના મનમાં વિચાર સ્ફૂર્યો: ‘ભજનો કરવાથી પ્રભુની નજીક પહોંચાય છે.’ એ સાથે જ મનમાં એક ઝબકારો થયો કે રામકૃષ્ણ આશ્રમમાં કોઈને ભજન શીખવા મોકલીએ તો સારું. આ સંસ્થાના ત્યાગી સંન્યાસીઓ માનવ સેવાનું ઉમદા કાર્ય કરે છે એટલો ખ્યાલ એમના મનમાં હતો.

મુ. છબીલભાઈ મૂળ સ્થાનકવાસી જૈન ધર્મના. જૈન ધર્મના આ ફિરકામાં પૂજા-પાઠ કે કર્મકાંડનું કોઈ સ્થાન નથી. એટલે આવી બાબતનો તેમના મનમાં કશો ખ્યાલ પણ નહિ! છતાં ‘ભજન દ્વારા પ્રભુની નજીક પહોંચાય છે’ એ ખ્યાલ આવ્યો તે ઘણો સૂચક છે.

૧૯૫૨માં તેઓ કલકત્તા જોવા નીકળ્યા ત્યારે પ્રથમ વાર બેલુર ગયા અને ત્યાં મઠમાં થતી આરતીમાં સામેલ થયા. આરતી વખતે અને તે પછી એમણે જે શાંતિ અનુભવી તેને જીવનના અંતિમ દિવસો સુધી યાદ કરતા.

૧૯૫૨માં માના (મા શારદા મણિમાના) મંદિરમાં ગયેલા ત્યાં શ્રીમાનું મોટું ચિત્ર જોઈ એમને એમ થયેલું કે આ સંસ્થાને દાન આપનાર આ કોઈ મોટી વ્યક્તિનું ચિત્ર હશે! અને ત્યાર પછી પણ રામકૃષ્ણ મિશન એટલે રામ અને કૃષ્ણ ભગવાનનાં નામ જોડી ચાલતી કોઈ પ્રવૃત્તિ હશે એવો જ એમનો ખ્યાલ હતો.

મુ. શ્રી છબીલભાઈની આ વિશેની આવી જાણકારી(!) હતી છતાં ઠાકુરે શી લીલા કરી બતાવી! એમને જ સાધન બનાવીને!

મુ. શ્રી છબીલભાઈનાં ધર્મપત્નીશ્રી અંજવાળી બહેનની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત હતી. એ લગભગ પથારીવશ રહેતાં. દરરોજસવારે ચા-નાસ્તા પછી તબિયત વિશે વાત કરવાનો કે કૌટુંબિક બાબતોનો વિચાર કરવાનો સમય મળતો..

૧૯૬૬ના ઑકટોબરની આ વાત છે.

એક દિવસ સવારે તબિયતની વાત કરતાં અંજવાળી બહેન છબીલભાઈને કહ્યું: “સ્વપ્નમાં રાત્રે મને કોઈ સંતના દર્શન થયાં. હું તેમને પગે લાગી. ત્યારથી મને સારું લાગે છે” સૌએ આ સંત કોણ હશે તેના અનેક તર્કવિતર્ક કર્યા પણ મનમાં તે વિશે કશી તાલમેળ મળે નહિ કે કશી ધેડ બેઠી નહિ.

૧૯૬૭ના ઑગસ્ટમાં ‘અખંડ આનંદ’ માસિકમાં છપાયેલું શ્રીરામકૃષ્ણ પરમહંસનું ટૂંકું જીવન ચરિત્ર મુ. છબીલભાઈએ વાંચ્યું ત્યારે તેમને બરાબર ખ્યાલ આવ્યો કે રામકૃષ્ણ એટલે રામ અને કૃષ્ણ નામે બે ભગવાનનાં નામ જોડીને ચાલતી કોઈ પ્રવૃત્તિ નહિ પણ આ એક જ વિભૂતિનું નામ છે. અને તે નજીકના સમયમાં જ થઈ ગયેલ છે! અને એમના નામે માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે!

સજુભા ઝાલા, લીંબડી હાઈસ્કૂલમાં શિક્ષક અને તેમને છબીલભાઈનો પરિચય હતો. સજુભા વિવેકાનંદના ભક્ત, એમના સાહિત્યના અભ્યાસી અને વિવેકાનંદનાં અવરતણો હરતા-ફરતાં ટાંકે! તેઓ રાજકોટ રામકૃષ્ણ આશ્રમમાં જતા હતા, ત્યાંથી છબીલભાઈએ તેમને કેટલાંક પુસ્તકો લાવવાનું કામ સોંપ્યું. એ વખતે તમામ પ્રકાશિત પુસ્તકોની કિંમત રૂા. ૨૦૦/ થતી હતી, તે સંપૂર્ણ સેટ સજુભા લઈ આવ્યા; એ વાચન શરૂ થયું અને આ દિશામાં છબીલભાઈનો રસ વધતો ચાલ્યો. તે પછી છબીલભાઈને મુંબઈ જવાનું થયું અહીં ખારમાં આવેલા રામકૃષ્ણ મઠની મુલાકાત લીધી અને આરતીમાં સામેલ થયા. અહીંથી પણ થોડાં પુસ્તકો અને ચિત્રો ખરીદ્યાં.

એક વિચિત્ર જોગાનુજોગ છે કે આમાંનું એક ચિત્ર, અન્ય ચિત્રો સાથે સહજ રીતે જોતાં મુ. અંજવાળી બહેન સાનંદાશ્ચર્ય બોલી ઊઠ્યાં: “આ એ જ વિભૂતિ છે જેમને અગાઉ મેં સ્વપ્નમાં જોયેલી!” અને ફરી-ફરીને શ્રી ઠાકુરનાં ચિત્રને વંદન કરતાં રહ્યાં.

છબીલભાઈના ઘરમાં ત્યારથી ઠાકુરનું નામ ગાજતું થયું.

છબીલભાઈના મનમાં પ્રાર્થનાનો વિચાર સતત ચાલતો હતો. પ્રાર્થના કરવાથી પ્રભુની નજીક જવાય છે એ ખ્યાલ પહેલાં ભજન સાંભળ્યાં ત્યારથી હતો. વધુ ચોકસાઈથી કહીએ તો તા. ૧૩-૧૦-૬૭થી ઠાકુરના ફોટાની પૂજા છબીલભાઈએ શરૂ કરી. એ વખતે અઠવાડિયે એક દિવસ પ્રાર્થના રાખવાનો વિચાર મનમાં રમતો હતો. એ માટે એક વાર બે-ત્રણ મિત્રો અને સંગીતકાર ડાહ્યાભાઈને લઈને રાજકોટ ગયા; ત્યાં થતી પ્રાર્થના બરાબર કંઠમાં બેસાડી. તે પછી દર રવિવારે લીંબડીમાં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. પહેલાં સર જશવંતસિંહજી લાયબ્રેરીમાં અને પછી ભુજાઈના ડેલામાં. આ દરમ્યાન એક બીજો બનાવ બન્યો. સજુભા ઝાલા સાઈકલ પરથી પડી જતાં પગે ફૂંકચર થયું અને હૉસ્પિટલમાં દાખલ થયા. છબીલભાઈ તેમને જોવા હૉસ્પિટલમાં ગયા. ત્યાંથી ટી.બી. વૉર્ડમાં ગયા. ડૉક્ટરે વાત કરી કે અહીં આ વૉર્ડમાં થોડી બેડ વધારવાની જરૂર છે. આ વિસ્તારમાં ટી.બી નું વ્યાપક પ્રમાણ છે. બીજી વાત એ થઈ કે આહારના અભાવે આ રોગ થાય છે અને આ દરદીને પૌષ્ટિક આહારની ખૂબ જરૂર છે. કોઈ-કોઈ વાર બપોરે ત્રણ-ચાર વાગ્યે મમરા દાળિયા જેવું કાંઈ મળે છે, તો પણ દરદીઓ રાજીરાજી થઈ જાય છે.

છબીલભાઈએ સાથી મિત્રો અને કુટુંબીજનો સાથે ચર્ચા કરી અઠવાડિયામાં ત્રણ દિવસ પૌષ્ટિક આહાર મોકલવાનું નક્કી કર્યું આ માટે સંસ્થા સ્થાપી તેને ચેરિટિ કમીશ્નર પાસે રજિસ્ટર કરાવવાનું નક્કી કર્યું. નામ રાખ્યું: “શ્રી રામકૃષ્ણ પ્રાર્થના મંદિર.”’ માસિક સહાય માટે અપીલ કરતાં દર મહિને ૧૧૦૦ રૂ. ની સહાયનાં વચનો મળ્યાં. દરરોજ પૌષ્ટિક આહાર સાથે બાળકો માટે વિટામીન્સ ડ્રોપ્સ મોકલવાનું નક્કી થયું.

થોડા દિવસ પછી પૂ. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજશ્રી અને પૂ. સ્વામી નિઃસ્વાનંદજી ને ભાવપૂર્વક આમંત્રણ આપતાં તા. ૧૬-૭-૬૮ના રોજ તેઓશ્રી લીંબડી પધાર્યા. લોકોએ સારી સંખ્યામાં ઉમળકાભેર તેમનો લાભ લીધો. લીંબડીમાં આ રીતે મિશનના સ્વામીજીઓના આગમનનો આ પહેલો પ્રસંગ હતો. તેમણે અવારનવાર અહીં પધારવાની હૈયા-ધારણ આપી, લીંબડીમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પ્રકાશિત શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ – વેદાંત સાહિત્ય સરળતાથી પ્રાપ્ત થાય એટલા માટે એક વાચનાલય શરૂ થયું. એ પછી સુરતમાં આવેલ રેલસંકટમાં સહાયભૂત થવાનો પણ પ્રસંગ આવ્યો અને લીંબડીના નગરજનોએ તેમાં યથાશક્તિ સહાય કરી.

ચોમાસામાં વરસાદ અને વાછંટને કારણે ભુજાઈના ડેલામાં પ્રાર્થના કરવાનું મુશ્કેલ હતું . જ્યારે પ્રાર્થનામાં આવનારની સંખ્યા દર અઠવાડિયે વધતી જતી હતી. કોઈએ – કદાચ ઉપહાસમાં પણ હોય! ગામ વચ્ચેનો ઠાકોર સાહેબનો બંગલો-ટાવર બંગલો પ્રાર્થના માટે માગવાની વાત કરી.

આ ઉપહાસ નરદમ વાસ્તવિક હકીકત બને એવો તરત પ્રસંગ આવ્યો. આ વાત થઈ હતી તે રાત્રિએ જ છબીલભાઈને સ્વપ્નમાં એક નહિ પણ ત્રણ-ત્રણ વાર કોઈ આંતરિક પ્રેરણા- INTUITION- થઈ; કોઈ એક અવાજ રાતમાં ત્રણ વાર જાણે સૂચન કરે છે.

”Go and ask, you will get!”

વાત ટાવર બંગલાની જ હતી- આ જ ટાવર બંગલામાં એ વખતે કૉલેજ કરવાની વાત ચર્ચાતી હતી અને ગોઠવાતી હતી!

ઘણી ઘડભાંજને અંતે નક્કી કર્યું કે સારા કામ માટે બંગલો માગવામાં વાંધો શો? મામા સાહેબ (શ્રી જયેન્દ્રસિંહજી- પૂ. રાજમાતા સાહેબના નાનાભાઈ) સાથે પૂ. રાજમાતા સાહેબને સવારે મળવાની વાત થઈ.

રાજકુટુંબના કોઈ સભ્ય સાથે વાત કરવાનો છબીલભાઈનો આ પહેલો પ્રસંગ હતો.

સાંજે ૫-૩૦ વાગ્યે પૂ. શ્રી રાજમાતા સાહેબ સાથે મુલાકાત ગોઠવાઈ. બંગલાની માગણી અંગે એમનો પ્રતિભાવ ખૂબ અનુકૂળ લાગ્યો. અને એમના ભક્તિમય જીવન સાથે આ વાત સંપૂર્ણ સુસંગત હતી. ઠાકોર સાહેબ છત્રસાલજી બહાર-ગામ હતા ત્યાંથી પધારતાં આ વાત નક્કી થઈ.

પૂ. રાજમાતા સાહેબ અને શ્રી છબીલભાઈ આ બે પુણ્યશાળી મહાનુભાવોના પ્રયત્નથી અહીં માનવ રાહતની અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ. તા. ૧૪-૧૦-૧૯૭૧ના દિવસે મહારાણા શ્રી છત્રસાલજીએ તેમનાં માતુશ્રી અને લીંબડીના રાજમાતા પૂ. પ્રવીણકુંવરબાની પ્રેરણાથી આ મહેલ શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને કાયમી ધોરણે અર્પણ કર્યો.

મુ. શ્રી છબીલભાઈની પ્રેરણા અને શ્રી કનકભાઈની મહેનતથી અહીં માનવ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે.

ઈ.સ. ૧૯૮૬માં મુ. શ્રી છબીલભાઈનો દેહવિલય થયો. તેમના સુપુત્ર મુ. શ્રી નિરંજનભાઈએ સમાજહિતની બીજી પ્રવૃત્તિઓ સાથે શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરનું સુકાન સંભાળ્યું. પ્રાર્થના મંદિરની મુખ્ય પ્રવૃત્તિ દવાખાનાને લગતી હતી. તેનો હજુ લોકોપયોગી રીતે વધુ વિકાસ થાય તેવી

તેમની મહેચ્છા હતી અને તે માટે કેટલીક યોજનાઓ તેમના મનમાં રમતી હતી.

મુ. શ્રી નિરંજનભાઈનું અગત્યનું પ્રદાન અહીં યાદ કરવું ઘટે. શ્રીરામકૃષ્ણ જ્યોત જે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટથી પ્રગટ થાય છે અને ગુજરાતી વાચકોને આધ્યાત્મિક અને સંસ્કારી વાચન પૂરું પાડે છે, તેની શરૂઆત સાઈકલોસ્ટાઇલ્ડ સ્વરૂપમાં લીંબડીથી કરેલી. ગુજરાતી વાચકોને મિશનની પ્રવૃત્તિઓમાં રસ લેનારને રસપ્રદ અને વિચારપ્રેરક વાચન પૂરું પાડવામાં અને તેમની સુરુચિ ઘડવામાં આ સામયિકે યથાશક્તિ ફાળો આપ્યો છે.

અહીં શરૂ થયેલ અનેકવિધ પ્રવૃત્તિઓના વિકાસમાં રાજમાતા પૂ. પ્રવીણકુંવરબા, મહારાણા શ્રી છત્રસાલજી, મુ. છબીલભાઈની ત્રણ પેઢીનો પરિવાર – મુ. શ્રી છબીલભાઈ, મુ. શ્રી નિરંજનભાઈ શ્રી મનહરલાલ (શ્રી નિરંજનભાઈના લઘુબંધુ) નિરંજનભાઈના સુપુત્ર શ્રી રાજુલભાઈ, મહામના દાતાઓ અને પ્રાર્થના મંદિરના સંનિષ્ઠ કર્મચારીઓ – આ બધાનો અવિસ્મરણીય સહયોગ છે. અને આ સૌના ઋણને કૃતજ્ઞતાથી સ્વીકારીએ છીએ.

અહીં ચાલતી મુખ્ય-મુખ્ય પ્રવૃત્તિઓ આ પ્રમાણે છે:

૧. ત્રણ દવાખાનાં, પૂરી પેથોલોજી લેબ અને એક્સ-રેની સુવિધા સાથે મુલાકાતી તજ્જ્ઞ ડૉક્ટરની રાહત ભાવે સેવા.

૨. અલ્પ સાધન દરદીઓને દવા સહાય.

૩. નેત્રયજ્ઞ અને નેત્રરોગની વિનામૂલ્યે સારવા૨.

૪. સ્વરોજગારીની યોજનાઓ.

૫. કુદરતી આપત્તિમાં આમજનતાને સહાયરૂપ થવાના પ્રયત્નો.

૬. ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓ.

૭. પુસ્તકાલય.

૮. પુસ્તક – વેચાણ કેન્દ્ર.

અને આમ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પ્રસિદ્ધિથી દૂર રહી સતત ચાલી રહી છે.

Total Views: 137
By Published On: April 1, 1994Categories: J. C. Dave Dr.0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram