મીરાં ઝેરના કટોરાને અમૃત માનીને પી ગયાં, એ ચમત્કાર સ્થૂલ રીતે બન્યો હોય કે ન પણ બન્યો હોય, પણ સંસારના ઝેરને અમૃત માનીને મીરાંએ અને મીરાં જેવી અસંખ્ય સાધ્વીઓએ પીધાં છે.

અજાણતાં ઝેરને પી જવાનો વખત આવે, તો સમજ્યા, પણ જે વિષપાત્રને ટાળી શકાયું હોત, આત્મા ન કબૂલે એવો સોદો કરીને ટાળી શકાયું હોત, એ પાત્રને પી જનારાંની – સૉક્રેટિસ કે મીરાં જેવાંઓની બલિહારી છે.

ઝેરને જીરવવું, એ આમ તો વિરલ લાગતો ચમત્કાર છે, છતાં આ સંસારમાં એ ચમત્કારને ઓછેવત્તે અંશે કરી બતાવનારાઓની ખોટ નથી. પ્રત્યેક વ્યક્તિને ઝેરના ઘૂંટડા જીરવવા જ પડતા હોય છે – પણ ઝેર પીધા પછી અમૃતનો ઓડકાર ખાવો એ વિરલ છે.

મીરાંને રાણાજીએ ઝેર મોકલ્યું છે – પણ મીરાંને – એ રાણાજી તરફ કોઈ કડવાશ રહેવા પામી નથી. એણે તો જાણીબૂઝીને ઝેર પીધું છે, એટલે એને એ માટે ફરિયાદ પણ નથી. જાણીબૂઝીને ઝેર પીનારાઓ સંતની કોટીમાં આવતા હોય છે. જીવનમાં તમામ રહસ્યોને જાણવા છતાં એનાથી ફરેબ ખાવો એ સંત જ કરી શકે.

મીરાંના જીવનનો સંઘર્ષ ક્યો હતો?

રાણાજી તો કહે છે: સાધુનો સંગ છોડી દો. તમે અમારાં પટરાણી ગણાશો. પાર્થિવ સુખના દરિયા વચ્ચે મહાલવાની મોકળાશ મીરાંને મળી હતી, પણ મીરાંનું મન તો કૃષ્ણ સાથે જોડાયું હતું. એ તો ગાતી હતી: ‘મેરે તો ગિરિધર ગોપાળ, દૂસરો ન કોઈ’ આ દૂસરો – બીજો એ મીરાંની કવિતામાં અવારનવાર આવતું પાત્ર છે. ‘બીજાનાં મીંઢળ નહીં રે બાંધું’ કે પછી ‘મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ના’વે રે….’ – આ બીજો એ કોણ? એલિયટની પેલી પંક્તિ યાદ આવે છે: Who is the third, who always walks beside You?

જેની સાથે રહેવાનું ભાગ્યમાં આવે છે, તે આપણે ઝંખેલું માનવી હોતું નથી. જેને ઝંખીએ છીએ તેનો સાથ શક્ય નથી, આ અશક્યને શક્ય બનાવતી વિરલ વ્યક્તિઓ સંત બને છે.

મીરાંને ‘બીજા’માં રસ નહોતો, એને તો જે પોતામય છે એવા પરમાત્મામાં જ રસ હતો – પટરાણી બનવા કરતાં સારંગપાણિની ભક્તિમાં જ એને વધારે રસ છે… અને આ તન્મયતા હોય છે ત્યારે ઝેર એ ઝેર રહેતું નથી, એ અમૃત બની જાય છે.

– હરીન્દ્ર દવે

Total Views: 228

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.