એક ભક્ત દેવનાં દર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે ફૂટેલા ડબલા જેવો તંબૂરો તથા ખોખરા મંજીરા સાથે ભજન લલકાર્યું. મંદિરના એક ખૂણામાં એક થાંભલાનો ટેકો લઈને એક ચૌબેજી બેઠા-બેઠા ઝોલાં ખાતા હતા. એ ચૌબેજી હતા મંદિરના પૂજારી; પોતે કુસ્તીબાજ હતા, સિતારનું સારું એવું જ્ઞાન હતું અને ખાસ તો બે મોટા લોટા ભરીને ભાંગ પીવામાં એક નંબરના ઉસ્તાદ હતા! એ ઉપરાંત બીજી ઘણીયે લાયકાતો તેમનામાં હતી.

અચાનક એક કર્ણકટુ કર્કશ અવાજે તેમના કાનમાં પ્રવેશ કરીને અંદરના પદડા પર હલ્લો કર્યો. પરિણામે ચૌબેજીની બેંતાલીસ ઈંચની વિશાળ છાતીની નીચે રહેલા નાનકડા હૈયામાં ભાંગના પ્રભાવે ખડું થયેલું સ્વપ્નની માયાનું અદ્‌ભુત જગત ઊડી ગયું. સુખનો આ સંસાર ઉડાડી મૂકનાર પ્રાણી કોણ છે એ જોવા સારુ ચૌબેજીએ ધગેલ તાંબા જેવી લાલઘૂમ સુસ્ત આંખો ઉઘાડીને નજર કરી, તો ઠાકોરજી સામે ભક્તિના આવેશમાં આવી જઈને એક ભગત, ઉત્સવ વખતે ઉટકાતાં કડાયાં જેવા કર્ણકર્કશ અવાજે ભક્તિગીત ગાઈ રહ્યો હતો, અને નારદ, ભરતમુનિ, હનુમાન વગેરેથી માંડીને નાયક અને તાનસેન સુધીના તમામ સંગીતા ચાર્યોનું શ્રાદ્ધ કરી રહ્યો હતો. એ જોતાં જ ચૌબેજીનો પિત્તો ગયો. ભાંગના ઘેનમાં મળેલી દુનિયા આખીની બાદશાહીનું સોનેરી સમણું ઉડાડી મૂકનાર એ આદમીને ઘાંટો પાડીને ચૌબેજી બરાડી ઊઠ્યા: “અરે એ ભાઈ! કહું છું કે તું છો કોણ? અને અત્યારે ખરા બપોરે તાલસૂર વગરનો આ દેકારો શું કામ માંડ્યો છે?” પેલાએ જવાબ આપ્યો: “અરે બાપલા! મારે વળી તાલસૂરને શું કરવા છે? હું તો મારા ભગવાનનું મન પલાળું છું, મારા વા’લાને રાજી કરું છું,” ચિડાઈને ચૌબેજીએ ત્રાડ પાડી, “એલા પણ તું મારા જેવાનેય રાજી નથી કરી શકતો, તે શું ભગવાન મારાથીયે વધુ મૂરખ છે? શું મારા કરતાંય ઈશ્વરમાં અક્કલ ઓછી છે?”

*

ભગવાને અર્જુનને કહ્યું છે:

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥

“તું મારું શરણ લે; પછી તારે બીજું કાંઈ કરવાનું રહેશે નહિ હું તેને મુક્ત કરીશ.”

કેટલાક લોકો પાસેથી આ સાંભળીને ભોલાચંદ ખૂબ ખુશી થઈ ગયા. વારંવાર તેમણે મોટે અવાજે બરાડી ઊઠવા માંડ્યું: “મેં ભગવાનનું શરણ લીધું છેઃ મારે હવે કશું ક૨વાપણું રહેશે નહિ.” ભોલાચંદની એવી માન્યતા છે કે આ શબ્દોને વારંવાર અને બને તેટલા કર્કશ અવાજે બરાડ્યા કરવા, એ જ ભક્તિની પરાકાષ્ઠા છે. વળી વારંવાર તે આવા જ શબ્દોમાં જાહેર કર્યા વિના રહી શક્તા નથી કે “હું તો ઈશ્વરને માટે મારું જીવન પણ સમર્પી દેવા સદા તૈયાર છું” અને ભક્તિના આ બંધનને જો ભગવાન સ્વેચ્છાએ પોતાની જાતે વશ નહીં થાય, તો આ જગત આખાને બધું પોલું અને ખોટું સમજી લેવું. વળી તેના જેવા થોડાએક તેના મૂર્ખ મિત્રો પણ એ વાત માને છે. પરંતુ એ ભગવાનને ખાતર પોતાની દુષ્ટતાનો એક અંશે છોડવા ભોલાચંદ તૈયાર નથી. ત્યારે ભગવાન શું ખરેખર આવો મૂર્ખ છે? અરે ભાઈ! આપણને ભૂલથાપ ખવડાવવા માટે પણ આ તો પૂરતું નથી!

*

ભોલાપુરી કટ્ટર વેદાંતી છે. વાતવાતમાં તે પોતાના બ્રાહ્મણત્વની પિપૂડી વગાડ્યા વિના રહેતો નથી. ભોલાપુરીની આસપાસના તમામ લોકો અન્ન વિના ભૂખે મરવાની અણી પર હોય તો પણ તેના હૈયામાં જરાય લાગણી થતી નથી; સુખદુઃખના દ્વંદ્વના મિથ્યાત્વનો સિદ્ધાંત તે તો રજૂ કરે છે. રોગચાળાથી કે કુદરતી આફતથી કે ભૂખમરાથી હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામે, તો પણ તેમાં તેને શું લાગેવળગે? તે તરત જ આત્માની અલિપ્તતા અને અમરતા ઉપર વિચાર કરવા લાગી જાય છે. જો કોઈ બળવાન નિર્બળને દબાવે અને તેની નજર સામે જ તેને મારી પણ નાખે, તો પણ ભોલાપુરી “ન હન્યતે હન્યમાને શરીરે” “આત્મા હણતો નથી કે હણાતો પણ નથી” એ આધ્યાત્મિક સિદ્ધાન્તના અર્થની ગહન ગંભીરતામાં અટવાઈ જાય છે. કોઈ પણ પ્રકારનાં કર્મનો તે અત્યંત વિરોધી છે. જો ખૂબ જ દબાણ કરવામાં આવે તો કહે છે: “મેં મારા પૂર્વજન્મોમાં બધાં કર્મો કરી લીધાં છે” પરંતુ ભોલાપુરીને એક બાબતમાં જ્યારે નુકસાન થાય છે ત્યારે તેમના આત્માના અદ્વૈતના જ્ઞાનને ભયંકર ધક્કો લાગે છે. જ્યારે તેમની ભિક્ષાના પરિમાણની પરિપૂર્ણતામાં કંઈક વાંધો આવે છે, અથવા તો કોઈ ગૃહસ્થ તેમની અપેક્ષા પ્રમાણે પૂજા દક્ષિણા આપવાની ઇચ્છા નથી દર્શાવતો, ત્યારે પુરીજીના મત પ્રમાણે “ગૃહસ્થીઓ કરતાં વધારે ઘૃણાને પાત્ર પ્રાણીઓ પૃથ્વી પર બીજાં કોઈ જ હોતાં નથી.” ત્યારે તેમને સમજાતું નથી કે જે ગામ તેમને પૂરતી પેટપૂજા-દક્ષિણા આપી શકતું નથી, તેણે ક્ષણભરને માટેય શું કામ પૃથ્વી પર ભારરૂપ થવું જોઈએ?

ભોલાપુરીએ પણ સ્પષ્ટ રીતે જ ઈશ્વરને આપણા કરતાં ય વધારે મૂર્ખ માની લીધો છે.

*

“અલ્યા રામચરણ! હું પૂછું છું કે તારામાં નથી ભણતર, નથી વેપા૨ ક૨વાનું સાધન કે નથી તું શરીરથી મજૂરી કરવાને લાયક; ઉપરાંત તું ભાંગ ગાંજો પણ છોડી શકતો નથી તેમ તારા પાજીપણાને પણ મૂકતો નથી. તો મને કહે કે તું ગુજરાન કેમ કરીને ચલાવે છે?”

રામચરણ: “સાહેબ એ તો સાવ સહેલી વાત છે, હું સૌને ધર્મનો ઉપદેશ આપું છું.”

રામચરણે ઈશ્વરને કેવો માની લીધો છે?

*

મહોર્રમના દિવસો છે; લખનૌ શહેર ઉત્સવથી ધમધમી ઊઠ્યું છે. ઈમામબારાની મુખ્ય મસ્જિદના ભભકાભર્યા શણગાર અને રોશનીને હદ નથી. અસંખ્ય માણસો એકઠા થયા છે. હિંદુઓ, મુસલમાનો, ખ્રિસ્તીઓ, યહૂદીઓ: દરેક જાતિના લોકો પુરુષો, સ્ત્રીઓ, બાળકો – સર્વ જાતના અને સર્વ સંપ્રદાયના આ લોકો તાબૂત જોવા એકઠા મળ્યા છે. લખનૌ શિયાઓનું મુખ્ય ધામ છે, અને જાણીતા “યા હુસેન, યા હુસેન”ના નામના મરશિયા અને વિલાપો આકાશને ચીરી રહ્યા છે. આ શોકપૂર્ણ પ્રસંગે થતા વિલાપો જોઈને કોનું હૃદય પીગળી ન જાય? હજાર વર્ષની જૂનીપુરાણી થઈ ગયેલી કરબલાની કથા, વળી આજે ફરી સજીવન થઈ છે. જોનારાઓના આ ટોળામાં બે રજપૂત ગૃહસ્થો હતા; તાજિયા જોવા તેઓ દૂરદૂરના ગામડેથી આવ્યા હતા. ગામડાના જમીનદારોમાં સામાન્ય રીતે હોય છે તેમ, આ બે ઠાકોર સાહેબોની પણ ભણતરની સાથે ઝાઝી ઓળખાણ ન હતી. સુંદર અને શુદ્ધ ઉર્દૂ ઉચ્ચારોવાળી, આડંબરયુક્ત વાક્યરચનાનું પ્રદર્શન કરનારી મુસલમાની સભ્યતા, ફૅશનેબલ પોશાકોની વિવિધતા, ઢીલા ઝભ્ભા, બરાબર બંધબેસતી અચકન તથા પગમાં ચપોચપ ચોંટેલા ચૂડીદાર પાયજામાઓ તથા શહેરીઓની રસવૃત્તિને અનુરૂપ સેંકડો વિવિધ રંગના ફેંટા – આ બધાંએ ઠાકોર સાહેબોને વટલાવવા સારુ એટલા બધા દૂરના ગામડા સુધી હજુ પગપેસારો કર્યો ન હતો. તેથી ઠાકોરો તો સાદા અને સીધા, સદાય શિકારના શોખીન, કદાવર તેમ જ ખડતલ અને હૈયાના ભારે સાજા હતા.

દ૨વાજો વટાવીને ઠાકોરો મસ્જિદમાં જ્યાં પેસવા જતા હતા ત્યાં જ ચોકીદારે તેમને અટકાવ્યા. અટકાવવાનું કારણ પૂછતાં ચોકીદારે સમજ પાડી: “અહીં જુઓ; દરવાજા આગળ ઊભું કરેલું આ જબરદસ્ત પૂતળું તમે જોયું? પહેલાં તમારે તેને પાંચ લાત મારવાની છે અને ત્યાર પછી અંદર પેસવાનું છે.” ઠાકોરોએ પૂછ્યું: “પણ આ બાવલું છે કોનું?” “એ હરામજાદા યઝીદનું છે; તેણે એક હજાર સાલ પહેલાં ખ્વાજા હસન અને હુસેનની કતલ કરેલી તેથી જ આ મરશિયા બોલાય છે ને છાજિયાં લેવાય છે.” ચોકીદારે માન્યું કે આવા લાંબા ભાષણ પછી યઝીદના પૂતળા પર પાંચને બદલે દશ લાતો પડશે. પરંતુ કર્મની ગતિ ગહન છે. ચોકીદારનું આ બધું કથન ઊંધું જ સમજાયું. ઠાકોરેએ ભક્તિપૂર્વક ફેંટાના છેાગા ગળે વીંટ્યા અને લાંબા થઈને યઝીદના બાવલાને સાષ્ટાંગ દંડવત્ કરીને ગદ્ગદ સ્વરે પ્રાર્થના કરવા લાગ્યા: “બાપ, હવે અંદર જઈને શું કરવું છે? હવે વળી બીજા ક્યા દેવોનાં દર્શન કરવાં છે? શાબાશ યઝીદ! સાચો ભગવાન તો તું એકલો જ છે. એ હરામીઓને તેં એવા લગાવ્યા છે કે એ બચ્ચાઓ હજુયે મોં વાળીને છાજિયાં લીધા કરે છે.”

*

સનાતનહિંદુ ધર્મનું ગગનચુંબી મંદિર છે અને ત્યાં પહોંચવા માટે ઓહ, કેટલા બધા રસ્તાઓ છે! વળી ત્યાં તમને શું નહિ મળે? વેદાંતીના નિર્ગુણ નિરાકાર બ્રહ્મથી માંડીને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિ, સૂરજદાદા, મૂષકવાહન ગણેશ, શીતળા, શિકોતર અને મેલડી તેમ જ ખેતરપાળ જેવા નાના દેવો સુધ્ધાં તેમાં હાજર હશે. ત્યાં શાની ખોટ હોય? વળી વેદોમાં, વેદાન્તમાં અને દર્શનોમાં, પુરાણોમાં તેમ જ તંત્રોમાં પણ જોઈએ તેટલી પુષ્કળ સામગ્રી ભરી છે. તેમાંનું કેવળ એક વાક્ય પણ માણસની પુનર્જન્મની સાંકળને તોડી નાખવા માટે પૂરતું છે. અને લોકોનાં ટોળાં? ઓહોહોહો! હજારો ને લાખો લોકો મંદિર તરફ દોડ્યા જ જાય છે. આ ઘસારામાં ઘૂસીને જોવાની મનેય જરા ખૂજલી થઈ આવી, પણ તે સ્થાને જ્યાં હું પહોંચ્યો ત્યાં મારી નજર સામે મેં શું જોયું? મંદિરની અંદર તો કોઈ જ માણસ જતું ન હતું. દરવાજાની બાજુમાં પચાસ માથાંવાળી, સો હાથવાળી, બસો પેટવાળી અને પાંચસો ટાંટિયાવાળી એક મોટી જબરી મૂર્તિ હતી, અને દરેકે દરેક માણસ તેને ચરણે આળોટતો હતો. એક જણને મેં આનું કારણ પૂછ્યું તો જવાબ મળ્યો: “તમે જે દેવોને અદંર જુઓ છો તેમને ટૂંકા નમસ્કાર કરવા અને દૂરથી થોડાંક ફૂલ ફેંકવાં, એટલી જ પૂજા બસ છે! ખરી પૂજા તો આ દરવાજે ઊભેલા દેવતાની કરવાની છે! વળી પેલા વેદો, વેદાંત, દર્શનો, પુરાણો અને બીજાં બધાં શાસ્ત્રો વગેરે જે છે, તેમની તો કોઈક-કોઈક વાર માત્ર કથા સાંભળો તો ચાલે, તેમાં કાંઈ વાંધો નહિ; પણ તમારે આનો હુકમ તો માનવો જ પડે!” મેં ફરી પૂછ્યું: “આ દેવોના દેવનું નામ શું?” જવાબ મળ્યો: “તેનું નામ છે લોકાચાર”. મને પેલા ઠાકોર સાહેબો યાદ આવ્યા એટલે હું પણ બોલી ઊઠ્યો, “શાબાશ, દેવ લોકોચાર! તેંય બધાને સારી પેઠે ઠમઠોર્યા છે.”

*

ગુર્ગુરે કૃષ્ણવ્યાલ ભટ્ટાચાર્ય મહાન પંડિત છે દુનિયા આખીનું જ્ઞાન તેમની જીભને ટેરવે રમે છે. તેમનું શરીર સાવ હાડપિંજર છે. તેમના મિત્રો કહે છે કે કડક તપશ્ચર્યાને કારણે આમ બન્યું છે, જ્યારે તેમના વિરોધીઓ કહે છે કે એ તો ખાવાના સાંસા પડ્યા તેને લીધે થયું છે; એ દુષ્ટો પાછા એવો અભિપ્રાય ધરાવે છે કે જેને વરસે-વરસે સંખ્યાબંધ સંતાનોની પેદાશ હોય, કૃષ્ણવ્યાલ કુળવાન હોવાથી બહુ પત્નીવાન પણ છે – તેનું શરીર આવું હોય તે સ્વાભાવિક છે! એ ગમે તેમ હોય, પણ આ પૃથ્વી પર એવું કાંઈ નથી કે જે કૃષ્ણવ્યાલ ન જાણતા હોય; ખાસ કરીને તો છેક શિખાના છેડાથી માંડીને શરીરના દૂરમાં દૂરના ભાગ સુધી વહેતા વિદ્યુત ચુંબકીય પ્રવાહના વિષયમાં તો તેઓ સર્વજ્ઞ છે. આવું ગુપ્ત જ્ઞાન ધરાવતા હોવાથી સર્વ બાબતોનું વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ આપવાની બાબતમાં તેઓ અપ્રતિમ અને સર્વોચ્ચ પ્રમાણ છે. દુર્ગાપૂજામાં અમુક પ્રકારની જ માટીનો ઉપયોગ કરવાની બાબતથી માંડીને, તે કન્યા દશ વર્ષની થાય એટલે તે માતા બનવાને યોગ્ય ઉંમરની થઈ ગણાય ત્યાં સુધી અને આવી જાતની બીજી અનેક પરચૂરણ બાબતોમાં ન સમજાવી શકાય તેવી અને રહસ્યમય વિધિઓનું પણ ગૂઢ જ્ઞાન તેઓ ધરાવે છે. વળી અગાઉના દાખલાઓ ટાંકવાની બાબત તો તેમણે એટલી બધી સહેલી બનાવી દીધી છે કે છોકરાઓ પણ તે સમજી શકે. સાચેસાચ ધર્મને માટે ભારત સિવાય બીજો કોઈ જ દેશ નથી; ભારતમાં પણ બ્રાહ્મણો સિવાય બીજી કોમમાં ધર્મને સમજવાની લાયકાત જ નથી અને બ્રાહ્મણોમાંના કૃષ્ણવ્યાલના કુળ સિવાય બીજા બધા કાંઈ જ હિસાબમાં નથી; અને તેમાં પણ આ કુળમાં તો ગુર્ગુરેનો જ પહેલો હક છે! તેથી જે કંઈ ગુર્ગુરે કૃષ્ણવ્યાલ કહે તે સ્વયંસિદ્ધ સત્ય! પણ વિદ્યાનું ખેડાણ સારા એવા પાયા પર થવા લાગ્યું છે, અને લોકો પણ જરા સજાગ અને પ્રવૃત્તિશીલ બન્યા છે, તેથી તેઓ બધું સમજવા અને બધાંનો સ્વાદ લેવા માગે છે. તેથી કૃષ્ણવ્યાલ દરેકને ખાતરી આપે છે: “તમારે જરાયે બીવું નહિ. તમારા મનમાં જે-જે શંકાઓ ઊઠે તેના વૈજ્ઞાનિક ખુલાસા હું આપું છું. તમે તમારે છો તેવા જ રહો, સોડ તાણીને નીંદર કરો અને બીજી બધી ચિતા છોડી દો. માત્ર મારી દક્ષિણાનું ભૂલતા નહિ!” લોકો બોલી ઊઠ્યા: “વાહ વાહ! કેવી નિરાંત! ખરેખર, કેવી મોટી આફત આપણી સામે આવીને ઊભી હતી? આપણે જાતે બેસવું પડત, પગ ચલાવવા પડત અને ફરવું પડત; કેવી આફત! એટલે એ બોલી ઊઠ્યા: “ઘણું જીવો કૃષ્ણવ્યાલ!” અને તરત પાછા પથારીમાં પડખું ફેરવીને સૂઈ ગયા. હજાર વર્ષની ટેવ જલદી જાય નહીં; શરીર પોતે જ તેનો વિરોધ કરે. હજાર વર્ષની મનની જડતા અને બુઢ્ઢાપણું પળવારમાં તે શી રીતે દૂર થાય? અને શું આટલા માટે જ કૃષ્ણવ્યાલ વર્ગના લોકોને સન્માન આપવામાં નથી આવતું? “શાબાશ, દેવી આદત! તેંય એ લોકોને ઠીક ફટકાર્યા છે.”

***

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત “સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળા” ભાગ-૮, પૃ.સં. ૧૧૪-૧૧૮)

Total Views: 287

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.